Saturday, January 6, 2018

નાતાલની શ્રેષ્ઠ ભેટ

માર્ક ૧૧ વર્ષનો અનાથ કિશોર હતો જે તેની આધેડ વયની માસી સાથે રહેતો હતો. માસી અતિ કકળાટીયણ સ્વભાવની સ્ત્રી હતી જેને પોતાની મૃત બહેન ના ફરજંદને ઉછેરવાની જવાબદારી કડાકૂટ ભરી અને આકરી લાગતી હતી. માર્કને એમ કહેવાનો અને જતાવવાનો એક પણ મોકો ચૂકતી નહી કે પોતે કેટલી ઉદાર છે અને પોતાની દયા ને લીધે તે જ્યાં ત્યાં ની ઠોકરો ખાતો ભટકી નથી રહ્યો. તેને સાંભળવા પડતાં કડવા વેણ અને ક્યારેક ખાવા પડતાં માર છતાં માર્ક એક શાંત, વ્હાલો નમ્ર બાળક હતો.
વર્ગમાં ઘણાં બાળકો વચ્ચે મારિઆ મિસે તેની નોંધ પણ નહોતી લીધી. પણ છેલ્લા થોડા સમયથી વર્ગ પૂરો થયા બાદ તે વર્ગ સાફ કરવામાં તેમની મદદ કરવા રોકાતો. તેમને પાછળથી જાણ થઈ હતી કે તેની માસી માટે તેને ઠપકો આપતી હતી છતાં તે મારિઆ મિસને  મદદ કરવા માટે રોજ રોકાતો. તેઓ બંને ઝાઝી વાતચીત કર્યા વગર શાંતિથી વર્ગ સાફ કરતાં. તેમને બંનેને કાર્ય કરતી વેળાએ એક અજબ ની શાંતિ અને સંતોષનો અનુભવ થતો. જ્યારે તેઓ થોડી ઘણી વાતચીત કરી લેતા ત્યારે મોટે ભાગેએ માર્કની માતા વિષે રહેતી. તે મૃત્યુ પામી ત્યારે માર્ક ખૂબ નાની વયનો હતો છતાં તેના મનમાં માતાના મમતા ભર્યાં, કોમળ હેત ની સ્મૃતિ હજી અકબંધ હતી. તેને એવું યાદ આવતું કે મા તેની સાથે સૌથી વધારે સમય પસાર કરતી.
જ્યારે નાતાલ નજીક આવી ત્યારે માર્ક માટે વર્ગ પૂરો થયા બાદ વર્ગમાં વધુ સમય રોકાવું અઘરું થવા માંડ્યું. પણ એક દિવસ તો વર્ગ પૂરો થયા બાદ જેવો તે ઝડપથી ભાગવા જતો હતો કે મારિઆ મિસે તેને પકડી પાડ્યો અને તેને વર્ગમાં રોકાવાનું કારણ પૂછ્યું. મારિઆ મિસે જ્યારે તેને જણાવ્યું કે તેની ખોટ તેમને વર્ગ સાફ કરતી વેળાએ સાલતી હતી, અને તે તેને ખૂબ યાદ કરતા હતા, ત્યારે તે આભો બની ગયો અને તેમને પૂછ્વા લાગ્યો,શું તમે ખરેખર મને યાદ કરતા હતા?”  તેની ભોળી નિર્દોષ રાખોડી ભાવવાહી આંખો ત્યારે જોવા જેવી હતી!
મારિઆ મિસે તેને સમજાવ્યું કે કઈ રીતે તેણે તેમની મદદ કરી તેમના હ્રદયમાં મિત્ર તરીકે સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. તેણે કહ્યું,"હું તમારા  માટે એક ભેટ બનાવી રહ્યો હતો, એટલે ઘેર જલ્દી ચાલ્યો જતો હતો. નાતાલ આવી રહી છે ને? એટલે હું તમને એક ભેટ આપવાનો છું." આટલું કહી તે શરમાઈ ત્યાંથી ભાગી ગયો!
પછી તો નાતાલનો દિવસ આવ્યો. બધાં વિદ્યાર્થીઓ જતા રહ્યા પછી તે સંકોચ સાથે કંઈક છૂપાવતો મારિઆ મિસ પાસે ગયો અને તેણે લાકડાની એક નાનકડી પેટી તેમના હાથમાં મૂકતા કહ્યું,” તમારી ભેટ! મને આશા છે તમને ગમશે!
મારિઆ મિસે પ્રતિભાવ આપતા કહ્યું," ખુબ સુંદર છે, માર્ક. એમાં કંઈ છે?"
તેણે ભોળા ભાવે જવાબ આપ્યો,"એમાં જે છે તેને તમે જોઈ નહિ શકો. તેને તમે સ્પર્શી પણ નહિ શકો, ચાખી પણ નહિ શકો. મારી માતા હંમેશા કહેતી કે તેનાથી તમને હંમેશા સારું લાગે છે, જ્યારે ખુબ ઠંડી હોય કે પછી જ્યારે તમે એકલાપણું અનુભવતા હોવ ત્યારે પણ તે તમને સારું લગાડે છે.”
 મારિઆ મિસે ખાલી પેટીમાં જોયું. તેમણે તેને પૂછ્યું,"એવી કઈ વસ્તુ છે આમાં માર્ક જે મને આટલું બધું સારું લગાડશે?"
તેણે હળવેથી કહ્યું,"પ્રેમ...અને મારી માતા કહેતી જ્યારે આપણે વહેંચીએ ત્યારે શ્રેષ્ઠ બની રહેતો હોય છે." આટલું કહી ત્યાંથી ચાલ્યો ગયો.
મારિઆ મિસે લાકડાનાં ટુકડાઓમાંથી હાથે બનાવેલી નાનકડી પેટીને તેમના પિયાનો પર ગોઠવી છે અને જ્યારે તેમને  મિત્રો કે મહેમાનો કુતૂહલવશ પૂછતાં કે એમાં શું છે? ત્યારે તેમનો સસ્મિત જવાબ રહેતો "પ્રેમ!"
મારિઆ મિસને મળેલી અત્યાર સુધીની શ્રેષ્ઠ નાતાલની ભેટ હતી!


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment