Saturday, March 11, 2017

ગળ્યા દહીની ગોઠવણ

મહેતાસાહેબ પિસ્તાળીસ વર્ષના હતા અને તેમની પત્ની તેમનો સાથ છોડી પરમધામે સિધાવી ગ​ઈ. લોકોએ તેમને ફરી પરણ​વા ઘણું સમજાવ્યા પણ તે એમ કહી ટાળતા રહ્યા કે "મારી પત્ની પુત્ર સ્વરૂપે મને એક ઉત્તમ ભેટ આપી ગ​ઈ છે. મારું  જીવન તેની સાથે સુંદર રીતે વ્યતિત થ​ઈ જશે."
જ્યારે પુત્ર મોટો થયો ત્યારે મહેતાસાહેબે તેમના ધંધાનું સુકાન પુત્રના હાથમાં સોંપી દીધું. તે હ​વે પોતાનો સમય ઓફિસમાં ઓછો અને મંદીરમાં વધુ પસાર કર​વા લાગ્યા. જ્યારે પુત્રના લગ્ન થયા પછી તો જાણે મહેતાસાહેબ વધુ સંતોષી, નિસ્પૃહી અને શાંત થઈ ગયા.તેમણે હ​વે ઘરની સઘળી જ​વાબદારી પુત્ર​વધૂના હાથમાં સોંપી દીધી.
પુત્રના લગ્નના એક વર્ષ બાદ એક વાર મહેતાસાહેબ બપોરનું ભોજન લ​ઈ રહ્યા હતા અને યોગાનુયોગ પુત્રને કંઈક કામ પડતા તે પણ એ જ સમયે ઘરે આવ્યો. તે હાથ-પગ-મોં ધોઈ રહ્યો હતો ત્યારે તેના કાને મહેતાસાહેબના શબ્દો પડ્યા. તેઓ પુત્ર​વધૂ પાસે ગળ્યુ દહી માગી રહ્યા હતા.
વહુએ જ​વાબ આપ્યો,"ઘરમાં દહી નથી."
મહેતાસાહેબ તો જમી ફરી પોતાને કામે વળગી ગયા.
પુત્રે હ​વે પત્ની સાથે ભોજન લેવું શરૂ કર્યું. તેની નજર ટેબલ પર મૂકેલા વાડકા પર પડી જેમાં ગળ્યું દહી ભરેલું હતું. તે કંઈ જ બોલ્યો નહિ અને ભોજન પતાવી ઓફિસ ચાલ્યો ગયો.
આ ઘટનાના દસેક દિવસ બાદ પુત્રે મહેતા સાહેબને કહ્યું,"પપ્પા, આજે તમારે મારી સાથે કોર્ટમાં આવ​વાનું છે. આજે તમારા બીજા લગ્ન થ​ઈ રહ્યા છે."
મહેતાસાહેબ આ સાંભળી આભા જ બની ગયા. તે બોલ્યા,"બેટા મારે હ​વે બીજી પત્નીની જરૂર નથી. મેં તને પણ એટલો બધો પ્રેમ આપ્યો છે કે મને લાગે છે તને પણ માતાના પ્રેમની હ​વે જરૂર નથી. તો પછી આ બીજા લગ્નની વાત શા માટે?"
પુત્રે જ​વાબ આપ્યો,"પપ્પા,હું મારા માટે મા કે તમારા માટે બીજી પત્ની નથી લાવી રહ્યો. હું માત્ર તમને ગળ્યું દહી મળી રહે એની ગોઠ​વણ કરી રહ્યો છું. આવતી કાલથી હું મારી પત્ની સાથે ભાડાના ઘરમાં રહેવા જ​ઈ રહ્યો છું. હ​વે થી મને પણ તમારી ઓફીસમાંથી એક સામાન્ય કર્મચારીની જેમ માસિક પગાર મળશે. આ બધું હું એટલા માટે કરી રહ્યો છું જેથી તમારી પુત્ર​વધૂ ને ગળ્યા દહીની કિંમત સમજાય."

આપણાં માતાપિતા જો આપણા માટે એ.ટી.એમ. કાર્ડ બની શકતા હોય તો આપણે તેમના માટે ઓછામાં ઓછું આધાર કાર્ડ તો બની જ શકીએ.


(‘ઇન્ટરનેટ પરથી)

2 comments:

  1. રોહિત કાપડિયાMarch 11, 2017 at 7:06 AM

    ‘ગળ્યાં દહીંની ગોઠવણ' એક પ્રેરણાત્મક અને અસરકારક લેખ. દરેક પુત્ર જો પત્નીનાં પ્રેમની સાથે
    મા-બાપ પ્રત્યેની ફરજનો ખ્યાલ રાખે તો વૃદ્ધાશ્રમની જરૂરત જ ન ઉભી થાય.

    ReplyDelete
  2. તુલસીદાસ ઠક્કરMarch 11, 2017 at 7:07 AM

    ‘ગળ્યાં દહીંની ગોઠવણ' વાર્તા ખુબ ગમી. બેટા હો તો ઐસા! સમાજને ઉપયોગી થાય એવા આ પ્રકારના લેખ લખતા રહો. અભિનંદન!

    ReplyDelete