Saturday, August 27, 2016

માતા એટલે માતા!

માતા એટલે માતા! તમે ગમે તેટલા મોટા કેમ ન હોવ માતા માટે તમે તેના બાળક જ રહેવાના. અહિ કેટલીક પ્રખ્યાત વ્યક્તિઓની માતાઓએ તેમના સંતાનોને કદાચ જે કહ્યું હશે તેની રમૂજી કલ્પના વાંચી ચોક્કસ હસવું આવશે!

મોનાલિસાની માતા : 'તારા પિતા અને મેં આટ આટલા પૈસા તારા (દાંત ના) બ્રેસીસ પાછળ ખર્ચ્યા હોવા છતા તું આનાથી વધારે સારું સ્મિત નથી આપી શકતી?!'

કોલંબસની માતા: 'તે જે કોઈ પણ પ્રદેશની શોધ કરી હોય એ તેલ લેવા જાય, પણ ત્યાંથી તું તારી માતાને એક પત્ર પણ લખી શકતો નહોતો?!'

માઈકલ એન્જેલોની માતા: 'બીજા સામાન્ય બાળકોની જેમ ભીંત પર ચિત્રો દોરતા તને શું જોર આવે છે? તને અંદાજોયે છે, છતેથી તારા ચિત્રો ઉતારવામાં કેટલી તકલીફ પડે છે?'

આલ્બર્ટ આઈન સ્ટાઈનની માતા : : 'તું કેટલો મોટો માણસ થઈ ગયો છે. હવે તો તારા આ જટીયા (વાળ) નું કંઈક કર!'

થોમસ આલ્વા એડીસનની માતા : 'મને ગર્વ છે કે તે વિજળીના આ ગોળાની શોધ કરી.પણ હવે એને બંધ કર અને સૂઈ જા!'

('ઈન્ટરનેટ પરથી')

Sunday, August 21, 2016

ભગવાનનું પ્લાનિંગ

એક વાર ભગવાનને તેમના સેવકે કહ્યું,”તમે ક્યારના એક જ જગાએ ઉભા ઉભા થાકી ગયા હશો. એક દિવસ માટે હું તમારી જગાએ મૂર્તિ બની ઉભો રહી જાઉં છું, તમે મારું રૂપ ધારણ કરી ફરી આવો.” ભગવાન માની ગયા પણ તેમણે એક શરત મૂકી કે આખા દિવસ દરમ્યાન જે કોઈ પણ પ્રાર્થના કરવા આવે, બસ તેણે એ પ્રાર્થના સાંભળી લેવી, કંઈ જ બોલવું નહિ. સૌથી પહેલા મંદીરમાં એક વેપારી આવ્યો અને તેણે કહ્યું,”ભગવાન, મેં એક નવી ફેકટરી ખોલી છે તેને ખુબ સારી ચલાવજો, સફળ બનાવજો.” તેણે માથુ ટેક્યું,અને એમ કરતી વેળાએ તેનું પર્સ નીચે પડી ગયું. તેનું ધ્યાન ગયુ નહિ અને તે પર્સ લીધા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો. સેવક બેચેન થઈ ગયો.તેણે વિચાર્યું કે પોતે પેલા વેપારીને રોકે અને તેને જણાવે કે તેનું પાકીટ પડી ગયું છે, પણ શરત યાદ આવતા તે ચૂપ રહ્યો. ત્યાર બાદ એક ગરીબ માણસ આવ્યો અને તેણે ભગવાન ને કહ્યું,” મા ઘેર ખાવા અન્ન નો દાણો નથી.ભગવાન,મદદ કરો.” ત્યાં જ તેની નજર પેલા વેપારીના પડી ગયેલા પાકીટ પર ગઈ અને તે એ ઉપાડી ભગવાન નો મનોમન આભાર માની ચાલ્યો ગયો. હવે એક ત્રીજી વ્યક્તિ આવી જે એક નાવિક હતો. તેણે ભગવાનને કહ્યું કે તે વહાણ લઈને ૧૫ દિવસની સમુદ્રયાત્રાએ જાય છે. “યાત્રામાં કોઈ અડચણ ન આવે એવા આશિર્વાદ આપો પ્રભુ.” ત્યાં પાછળ પેલો વેપારી પોલીસને લઈને આવ્યો અને કહ્યું “આ માણસ(નાવિક) જ મારી પાછળ આવ્યો છે. તેણે જ મારું પાકીટ ચોર્યું હોવું જોઇએ.પોલીસ નાવિકને લઈ જાય છે ત્યાં ભગવાન બનીને ઉભેલો સેવક હવે ચૂપ ન રહેવાતા બોલી પડે છે. સેવકના કહેવાથી હવે પોલીસ નાવિકને છોડી દઈ પેલા ગરીબ માણસને પકડી જેલમાં પૂરી દે છે. રાતે ભગવાન મંદીરમાં પાછા ફરે છે ત્યારે સેવક તેમને આખો કિસ્સો કહી સંભળાવે છે. ભગવાન કહે છે,"તે તો આખી બાજી બગાડી નાંખી." આશ્ચર્યચકિત થતા સેવક પૂછે છે,"કઈ રીતે પ્રભુ?" ભગવાન જવાબ આપે છે,"પેલો વેપારી ખોટા ધંધા કરે છે.તેનું પાકીટ પડી જવાથી તેને કોઈ ફરક નહોતો પડવાનો. ઉલટું એના પાપ ઓછા જ થાત જો એ પાકીટ પેલા ગરીબ માણસને મળત. પાકીટમાંના થોડાઘણા રૂપિયાથી તેના બે-ત્રણ દિવસથી ભૂખ્યા બાળકોનું પેટ ભરાત અને તેઓ ભૂખ્યા ન મરત. રહી વાત નાવિકની તો એ પણ જે સમુદ્રયાત્રાએ જવાનો હતો ત્યાં ભયંકર તોફાન આવવાનું હતું.જો એ જેલમાં રહ્યો હોત તો તેનો જીવ બચી જાત.તેની પત્ની વિધવા થતા બચી જાત.હવે કહે તે બાજી સુધારી કે બગાડી નાંખી?" ઘણી વાર આપણા જીવનમાં પણ સમસ્યાઓ આવે છે અને આપણે નિરાશ થઈ વિચારીએ છીએ "અરે રે ,આ મારી સાથે શું થયું?" પણ યાદ રાખો એની પાછળ ભગવાનનું કોઈ અકળ પ્લાનીંગ હોય છે.જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે ઉદાસ ન થશો,આ વાર્તા યાદ કરજો અને વિચારજો કે જે કંઈ થાય છે એ સારા માટે જ થાય છે. ('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 13, 2016

આઝાદી દિન સ્પેશિયલ : શહીદ લ્યુટનન્ટ ત્રિવેણી સિંઘને સલામ

સાચા હીરોના છેલ્લા શબ્દો હતાં "મિશન પુરૂં થઈ ગયું છે, સર".
શુક્રવારનો જાન્યુઆરી ૨૦૦૪નો દિવસ હતો જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણીના નશામાંથી બહાર આવી રહ્યો હતો,એક યુવા ભારતીય આર્મી ઓફિસરની વીરતાની ગાથાની એમાં પૂરતી નોંધ પણ લેવાઈ.રૂપેરી પડદે જોવા મળતા ફિલ્મી હીરો ની જેમ ખોટે ખોટે નહિ પણ વાસ્તવિક દુનિયામાં જમ્મુ રેલવે સ્ટેશન પર આતંકવાદી નરાધમો સાથે સામસામી પ્રત્યક્ષ લડાઈમાં લેફ્ટનન્ટ ત્રિવેણી સિંઘ શુક્રવારની એ રાતે પોતાના પ્રાણની આહુતિ આપી દેશ માટે અમર થઈ સાચા અર્થમાં હીરો બની રહ્યાં.
હૂમલાની દસ મિનિટમાં જમ્મુ રેલવે સ્ટેશન પર હૂમલાની જગાએ પહોંચી સિંઘ અને તેમની ક્વિક રીએકશન 'ઘાતક કમાન્ડો' ટીમે સ્ટેશન ખાલી કરાવી નાંખ્યું અને હૂમલાખોરોની લગભગ સાવ સામે આવી જઈ તેમની સામે લડવા માટે 'ઝિગ ઝેગ' પ્રણાલી અપનાવી.
પોતાના જીવને જોખમમાં મૂકી લ્યુટનન્ટ ત્રિવેણી સિંઘે દુશ્મનોની સામે જાતે ચાલીને ગોળીઓ તથા ગ્રિનેડ બોમ્બની વર્ષા ઝીલી અને એક આતંકવાદીને મોતને ઘાટ પહોંચાડી કાબૂ બહાર ગયેલી પરિસ્થિતી પર નિયંત્રણ મેળવ્યું. લશ્કરનો ગણવેશ ધારણ કરેલ બીજા આતંકવાદીએ ભાગતા પહેલા સિંઘ પર ગ્રિનેડ બોમ્બ ફેંક્યો પણ ગંભીર રીતે ઘવાયેલા વીર ત્રિવેણી સિંઘે ઉભા થઈ બીજા આતંકવાદીને પણ મોતને શરણે પહોંચાડી દીધો.
સિંઘના છેલ્લા શબ્દો હતાં," મિશન એકમ્પ્લીશ્ડ" અને જનરલ ઓફિસર કમાન્ડીંગ ને સલામી આપી તેઓ શહીદ થઈ ગયા.
મિશન પુરૂં થયું પણ પઠાણકોટમાં તેમના પરીવારજનો ને માથે આભ તૂટી પડ્યું. ત્રિવેણી સિંઘના પિતા સેવા નિવ્રુત્ત કેપ્ટન જનમેજ સિંઘ અને ખૂબ પ્રેમાળ માતા તેમના એક માત્ર સંતાન એવા ત્રિવેણી સિંઘના માર્ચ ૨૦૦૪માં લખાયેલા લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતાં, તેમનું સ્વપ્ન રોળાઈ ગયું. વીરગતિ પામેલા સંતાનને ગુમાવ્યાની માબાપની શબ્દોમાં વ્યક્ત થઈ શકે એવી પારાવાર વેદના કોઈ પામી કે વહેંચી શકશે નહિ.
સામાન્ય માણસની સુરક્ષા કાજે પોતાના પ્રાણની આહૂતિ આપનાર લ્યુટનન્ટ ત્રિવેણી સિંઘને લાખો સલામ!
જય હિન્દ!

નોંધ : ભારત સરકારે જાન્યુઆરી ૩૦, ૨૦૦૪ને દિવસે આ વીર શહીદનું તેમના આ પરાક્રમ બદલ ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોક ચક્ર' (મરણોત્તર) આપી સન્માન કર્યું.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 6, 2016

શીખો "ફેંકી દેવાની" કળા

આજે એક નવી કળા શીખો "ફેંકી દેવાની" !
આજે પવિત્ર અને નિર્મળ રહેવાની શરત સ્વીકારો! કોઈ પ્રકારના કચરાને શરીરની અંદર નહિ ભરવાનો.
જ્યારે તમને કોઈક એવી વાત કહે જે તમને નાપસંદ હોય તો મોટે થી કે મનમાં માત્ર એટલું બોલો "હું નાપસંદ વાત ને ફેંકી દઉં છું."
કોઈ તમને ગાળ આપે તો કહો "હું ગાળ ફેંકી દઉં છું."
કોઈ તમને નિરાશ કરે તો કહો "હું નિરાશા ફેંકી દઉં છું.”
કોઈ તમને ઇજા પહોંચાડે તો કહો "હું ઇજાને ફેંકી દઉં છું."
કોઈ તમારી નિંદા કરે તો કહો "હું નિંદા ફેંકી દઉં છું.”
કોઈ તમારી સામે ઘાંટા પાડીને વાત કરે તો કહો "હું ઘાંટાને ફેંકી દઉં છું."
કોઈ તમારી પર ગુસ્સો કરે તો કહો "હું ગુસ્સાને ફેંકી દઉં છું.”
કોઈ તમારી સામે ભાવ ખાય તો કહો "હું તેના ભાવ ને ફેંકી દઉં છું.“
કોઈ તમને ખરાબ રીતે જુએ તો કહો "હું તેની બૂરી નજર ને ફેંકી દઉં છું.”
આજે એવા કોઈ તત્વને તમારી અંદર પ્રવેશવા દો જે તમારું હોય.
લોકોની કચરા ટોપલી બનશો નહિ જેમાં તેઓ પોતાનો ગુસ્સો,નફરત,ઇર્ષ્યા અને કડવાશ ઠાલવી શકે.
પ્રમાણે રોજ કરો અને જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.
જ્યારે તમે "હું ફેંકી દઉં છું” બોલો ત્યારે મનમાં એવી કલ્પના કરો કે જાણે કેટલાક કિલોનું વજન તમારા શરીરમાંથી બહાર ફેંકાઈ રહ્યું છે.
પછી જુઓ કેટલી હળવાશ અનુભવાય છે દિવસને અંતે!


('ઈન્ટરનેટ પરથી')