Saturday, January 31, 2015

આજનાં યુગની એક મોડર્ન કવિતા


બધાં ની જિંદગી બદલાઈ ગઈ છે

જાણે એક નવા બીબામાં ઢળી ગઈ છે

કોઈ ગર્લફ્રેન્ડમાં બિઝી છે

તો કોઈ પત્ની પાછળ ક્રેઝી છે...

કોઈને નોકરીમાંથી ફુરસદ નથી

 તો કોઈને દોસ્તોની જરૂરત નથી

કોઈ વાંચનમાં ડૂબેલું છે

તો કોઈ અન્ય કોઈ શોખ-વ્યસનમાં...

બધાં યાર-દોસ્ત ગુમ થઈ ગયાં છે

તૂ થી 'આપ' અને 'તમે' પર આવી ગયાં છે...

કોઈ માત્ર 'કેમ છો' કહી ફોર્માલિટી કરે છે

તો કોઈ વાત કરવા માટે ગિલ્ટી હોવાનો અનુભવ કરાવે છે...

સમય ની તાસીર છે

કોઈએ નંબર સેવ કર્યો

તો કોઈ અજાણ્યા બનવાનો દંભ કર્યો

માન્યું કે હવે આપણે સાથે નથી

 પણ મૌન રહેવાનું પણ કોઈ કારણ નથી

ક્યારેક મળો તો કંઈક બોલો તો ખરા

 વળેલી ગાંઠો ખોલો તો જરા

ફરિયાદ હોય તો એને દૂર કરો

પણ એકમેકથી દૂર તો રહો

દોસ્તી બસ આમ જાળવી રાખજો

 દિલમાં યાદોના દિવા પ્રજ્વલિત રાખજો

-     અજ્ઞાત

('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 24, 2015

કદર


આલ્બર્ટ શ્વિત્ઝરે એક ખૂબ સરસ વાત કહી હતી : "ક્યારેક આપણો આંતરીક પ્રકાશ વિલાઈ જાય છે પણ જીવનમાં એ સમયે કોઈક ખાસ વ્યક્તિ આવી ફરી એ આંતરીક પ્રકાશની જ્યોતને પ્રજ્વલિત કરે છે.આમ કરનાર વ્યક્તિનો આપણાં પર બદલો ન વાળી શકાય એવો ઉપકાર ચડી જાય છે."

એક પ્રેરણાત્મક પ્રવચન આપનાર વક્તાએ તેના શ્રોતાઓને આંખો બંધ કરી એવી એક વ્યક્તિ વિષે વિચારવા કહ્યું જેણે તેમના જીવનના કોઈક તબક્કે તેમના અંતરાત્માની જ્યોતને વધુ પ્રકાશમય બનાવી હોય. પછી વક્તાએ  તેમને જે વ્યક્તિ વિશે તેમણે વિચાર્યું હોય તેનું નામ કાગળ પર લખવા કહ્યું અને ગમે તે રીતે ૭૨ કલાકની અંદર તેમણે તે વ્યક્તિનો આભાર પ્રકટ કરતો સંદેશ તેના સુધી પહોંચાડી કદરદાનીનું સત્કર્મ કરવું એવું સૂચન કર્યું. ફોન દ્વારા,પત્ર દ્વારા કે પછી જો વ્યક્તિ હયાત હોય તો એને યાદ કરીને પ્રાર્થના દ્વારા.

ભાવવાહી સેશન બાદ એ વક્તાને વરુણ નામનાં એક સજ્જનનો ફોન આવ્યો અને તેણે તેમનો પોતાનામાં એક નવી સદભાવના  જન્માવવા બદલ આભાર માન્યો. તેણે પોતાના શાળા જીવનના આઠમા ધોરણના સાહિત્યનો વિષય ભણાવતા શિક્ષિકાનું સ્મરણ કર્યું હતું જેણે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું હતું અને તે ખાસ્સા વિદ્યાર્થીઓના ચહીતા હતા. તેણે પોતાના શિક્ષિકાને ખોળી કાઢવાનું નક્કી કર્યું હતું અને જ્યારે તેણે એમને શોધી કાઢ્યા, તેણે તેમને એક પત્ર લખ્યો જેના જવાબમાં તેને પ્રમાણે લખાયેલો એક પત્ર મળ્યો:

“વ્હાલા વરુણ,

તું નથી જાણતો તે લખેલા પત્રનું મારે મન કેટલું મૂલ્ય છે. હું ૮૩ વર્ષની થઈ ગઈ છું અને મારા ઘરમાં એકલી રહું છું. મારા બધાં પરિવારજનો ચાલ્યા ગયાં છે, મારૂં કોઈ મિત્ર પણ હાલમાં મારી સાથે નથી. પચાસ વર્ષ સુધી તારા જેવા અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં પણ પહેલી વાર મને કોઈ વિદ્યાર્થીએ આભાર પ્રગટ કરતો પત્ર લખ્યો છે. હું પત્ર મારા મરણપર્યંત ફરી અને ફરી વાંચીશ."

આટલું જણાવી વરુણ ફોન પર ડૂસકા ભરવા માંડ્યો. તેણે કહ્યું,"અમારા દરેક સ્કૂલ-રીયુનિયન વખતે અમે તેમના વિશે અચૂક વાત કરતાં. તે બધાંની મનપસંદ શિક્ષિકા હતી અને અમે સૌ તેમને ખૂબ ચાહતાં હતાં.પણ ક્યારેય કોઈએ તેમને કહ્યું નહિ...જ્યાં સુધી પત્ર તેમને નહોતો મળ્યો.

આપણે સૌએ રોજબરોજની જિંદગીમાં આપણી આસપાસના લોકોની કદર કરવી જોઇએ,તેમની પ્રશંસા કરવી જોઇએ. વાર્તામાં જોયું તેમ ક્યારેક આપણી સામાન્ય પ્રશંસા કોઈક માટે આખું જીવન બદલી નાખનારી સાબિત થઈ શકે છે.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, January 18, 2015

ક્રોધનો પરિવાર


શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો?
ક્રોધની એક લાડકી બહેન છે - જીદ
ક્રોધની પત્ની છે - હિંસા
ક્રોધનો મોટો ભાઈ છે - અહંકાર
ક્રોધનો બાપ, જેનાથી ડરે છે - ભય
 ક્રોધની દિકરીઓ છે - નિંદા ને ચુગલી
ક્રોધનો દિકરો છે - વેર
પરિવારની નખરાળી વહુ છે - ઇર્ષ્યા
 ક્રોધની પૌત્રી છે - ઘ્રુણા
ક્રોધની મા છે - ઉપેક્ષા
અને ક્રોધના દાદા છે - દ્વેષ
 
તો ખાનદાનથી હંમેશા દૂર રહેજો તો ખુશ રહી શકશો.

('ઈન્ટરનેટ પરથી')

Monday, January 12, 2015

નવા વર્ષનું 'બુફે'

નવા વર્ષનાં નિર્ધાર વિશે વાંચી વાંચીને તમે હવે કંટાળી ગયા હશો.

તમે એ પણ જાણો જ છો કે એ તમે પાળી શકતાં નથી અને પછી આખું વર્ષ એ ન પાળવા માટે પસ્તાયા કરો છો!

આને બદલે તમે એક 'ઇચ્છા યાદી' તૈયાર કરો. જે જમવાના 'બુફે' સમાન છે...તમે બધું જ ખાઈ શકો અને ઇચ્છા ન થાય તો કંઈજ ન ખાઓ તો પણ ચાલે...તમે કેટલા ભૂખ્યાં છો તેના આધારે તમારે શું અને કેટલું ખાવું છે તેની પસંદગી તમે પોતે જ કરી શકો!

સ્ટાર્ટર્સ :
૧ હું સવારે વહેલો ઉઠીશ.(સવારે પાંચથી દસ વાગ્યા સુધીમાં તમે કોઈ પણ કાર્યનું ૩૦ ટકા વધુ સારૂં પરિણામ મેળવી શકો છો)
૨ અઠવાડિયામાં ચાર વાર હું ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત કરીશ. (આના માટે તમારી પાસે બીજો વિકલ્પ નથી)
૩ હું દરરોજ ૩૦ મિનિટ ધ્યાન / પ્રાર્થના / હકારાત્મક વિચારોમાં / યોગાસન કરવામાં વિતાવીશ.


મેઇન કોર્સ :
૧ રોજ સવારે જેવો હું ઘરની બહાર પગ મૂકીશ કે તરત મારૂં વર્તન એવું હશે કે જાણે આખી દુનિયા મને ટી.વી. પર 'લાઈવ' જોઈ રહી હોય! મારૂં વર્તન અણિશુદ્ધ હશે.
૨ મને પરવડે તેવા ભાવનાં શ્રેષ્ઠ પ્રકારના વસ્ત્રો અને જૂતા હું પહેરીશ.(એ સાબિત થયેલું છે કે બીજી બધી બાબતો સમાન હોય તેવી બે વ્યક્તિ વચ્ચે, વધુ સારા વસ્ત્રોમાં સજ્જ વ્યક્તિ ૧૫ ટકા વધુ કમાય છે.)
૩ કામ /નોકરી / ધંધા સમયે હું એવીજ પ્રવૃત્તિ કે કાર્યો કરીશ જેનાથી મારી ઉત્પાદકતા વધે અને ખર્ચ ઘટે
૪ મારી મર્મસ્થ કુશળતા જેમાં ન હોય એ બધું હું આઉટસોર્સ કરીશ
૫ મારા કબાટ / ઘરમાંથી ૩૦ ટકા કચરો ઓછો કરીશ
૬ જૂના ત્રણ મિત્રોનો દર મહિને સંપર્ક સાધીશ જેથી સંબંધો જળવાઈ રહે
૭ હું ઓછામાં ઓછો એક જોખમી નિર્ણય લઈશ જે લેવાનો મને સદાયે ડર લાગ્યો છે.
૮ રોજ મારા મગજને હું સર્જનાત્મક રીતે વિચારવા ફરજ પાડીશ.
૯ રોજ હું પાંચ એવી બાબત કરીશ જે મને મારા ધ્યેયોની સિદ્ધી નજીક લઈ જાય
૧૦ હું મારા પોતા સાથે થોડો વધુ ઉદાર બની રહીશ


ડિઝર્ટ :
૧ વર્ષમાં હું ઓછામાં ઓછા બે વેકેશન માણીશ
૨ ઓછામાં ઓછો એક દિવસ (રવિવાર કે રજાનો દિવસ) હું માત્ર મારા પરિવાર સાથે ગાળીશ
૩ હું વધુ વાર સ્મિત કરીશ
૪ હું મારા સાથી / પતિ / પત્નીને રોજ આલિંગન આપીશ અને દિવસમાં ઓછામાં ઓછી એક વાર તેની ખરા દિલથી પ્રશંસા કરીશ
૫ દર મહિને હું ઓછામાં ઓછી એક ફિલ્મ થિયેટરમાં જઈને જોઈશ
૬ વર્ષમાં હું ઓછામાં ઓછા બે પુસ્તકો વાંચીશ
૭ હું એવી એક વસ્તુ કરીશ જે કરવાનો મને હંમેશા ડર લાગતો હતો
૮ હું જૂના પૂર્વગ્રહો ત્યજી દઈશ અને માફ કરીશ
૯ હું એવી એક વસ્તુ કરીશ જે મને સાચો આનંદ આપે
૧૦ મારી પાસે એક વર્ષમાં માત્ર બાવન શનિ-રવિ છે જે હું કોઈને બરબાદ કરવા નહિ દઉં.

હવે તમને જે ગમે તે ઉપરોક્ત વર્ણવેલા 'બુફે' માંથી માણો!



('ઈન્ટરનેટ પરથી')

Tuesday, January 6, 2015

અધુરૂં જ્ઞાન


એક ગામમાં છ અંધ માણસો રહેતાં હતાં. એક વાર ગામવાસીઓએ તેમને કહ્યું ગામમાં એક હાથી આવ્યો છે. અંધ માણસોને ખ્યાલ નહોતો હાથી કેવો હોય. તેમણે નક્કી કર્યું ભલે આપણે હાથીને જોઇ શકતા નથી પણ તેમ છતાં ચાલો જઇએ અને એ કેવો હોય તે અનુભવીએ.

તેઓ બધાં જ્યાં હાથી હતો ત્યાં ગયાં અને દરેકે હાથીને સ્પર્શી તે કેવો હોય તેનો અનુભવ કર્યો.

પહેલા અંધજન, જેણે હાથીના પગનો સ્પર્શ કર્યો તેણે કહ્યું હાથી થાંભલા જેવો હોય છે.

"ના ના...એ દોરડા જેવો હોય છે" બીજા અંધજને કહ્યું જેણે હાથીનું પૂછડું પકડ્યું હતું.

ત્રીજો કહે,"એ તો ઝાડની જાડી ડાળી જેવો હોય છે".તેના હાથમાં હાથીની સૂંઢ આવી હતી.

હાથીના સૂપડા જેવા કાન જેણે આમળ્યા હતાં તેણે કહ્યું હાથી તો હાથમાં પકડી નાખવામાં આવતા પંખા જેવો હોય છે.

જેણે હાથીના પેટ પર હાથ ફેરવ્યો હતો તે પાંચમા માણસે કહ્યું હાથી તો જાડી મોટી અને ઉંચી દિવાલ જેવો હોય છે.

જેણે હાથીના દંતશૂળનો સ્પર્શ કર્યો હતો તે કહે હાથી તો કડક સખત નળી જેવો હોય છે. તેઓ કલાકો સુધી એકમેક સાથે વાદવિવાદ કરતા રહ્યાં અને પોતાનું હાથી માટે કરેલું વર્ણન સાચું છે તે સાબિત કરવાની મથામણ કરતાં રહ્યાં. ખરું જોતાં તે દરેક પોતપોતાના દ્રષ્ટીકોણથી સાચા પણ હતાં પરંતુ તેઓમાંના દરેક સામાની વાત સાંભળવા તૈયાર નહોતા.

છેવટે તેમણે ગામનાં એક જ્ઞાની પુરુષ પાસે જઈ આ અંગે તેનો મત લેવાનો નિર્ણય લીધો. જ્ઞાની પુરુષે તેમની વાત સાંભળી કહ્યું તમારામાંનો દરેક સાચો પણ છે અને ખોટો પણ.કારણ તમે દરેકે હાથીનું એકએક અંગ જ અડયું હતું. આથી તમને દરેકને હાથીના અંગ વિશે અધૂરું જ્ઞાન છે અને જો તમે બધાંએ અધૂરાં જ્ઞાનને ભેગા કરી તમારા બધાંના જ્ઞાનનો સરવાળો કરો તો તમને આખો હાથી વાસ્તવિકતામાં કેવો હોય છે તેનો ખ્યાલ આવે.

કથાસાર :

આપણે સૌ પોતપોતાના દ્રષ્ટીકોણ મુજબ દરેક વસ્તુ કે ઘટનાને જોઇએ છીએ, મૂલવીએ છીએ. આપણે બીજાના દ્રષ્ટીકોણને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.આનાથી જુદીજુદી ઘટનાઓ અને પરિસ્થિતીઓને જોવાની અને સમજવાની સાચી દ્રષ્ટી આપણે કેળવી શકીશું.



('ઈન્ટરનેટ પરથી')