Saturday, June 28, 2014

યુબુન્ટુ


માનવશાસ્ત્રનો અભ્યાસ કરનાર એક યુવકે આફ્રિકાના આદિવાસી બાળકોના જૂથને એક રમત રમવા આપી. તેણે એક ટોપલીમાં ફળો ભર્યાં અને તેને દૂર એક ઝાડ નીચે મૂકી બાળકોને સૂચન કર્યું કે જે દોડીને ઝાડ સુધી સૌથી પહેલા પહોંચી જશે તેને આખી ટોપલી ભેટ તરીકે ઇનામમાં મળશે.

જ્યારે તેણે રમતની શરૂઆત કરી બાળકોને દોડવા કહ્યું ત્યારે બધાં બાળકોએ એકબીજાનો હાથ પકડી સાથે દોડવા માંડ્યું. ઝાડ પાસે પહોંચી તેમણે સમૂહમાં બેસી ફળોની ઉજાણી કરી!

જ્યારે યુવકે બાળકોને પૂછ્યું કે તેઓ શા માટે એક સાથે દોડ્યા જ્યારે કોઈ એક જણ દોડમાં પ્રથમ આવી આખી ફળોની ટોપલી એકલો જીતી ને ખાઈ શકે તેમ હતું.

બાળકોએ જવાબ આપ્યો "યુબુન્ટુ" !

 "અમારામાંનો કોઈ પણ એક બાળક કઈ રીતે ખુશ હોઈ શકે જ્યારે બીજા બધાં બાળકો દુ:ખી હોય?"

 'યુબુન્ટુ' ક્સોઝા(XHOSA) ભાષાનો એક શબ્દ છે જેનો અર્થ છે "હું છું, કારણ કે અમે છીએ."

 

('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 21, 2014

અત્યારે જ ...


લતા હીરાણી ની એક સુંદર હ્રદયસ્પર્શી કવિતા ઇન્ટરનેટ પર વાંચવામાં આવી અને તે હું તમારા સૌ સાથે શેર કર્યા વગર રહી શક્યો!

 

હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ નહી શકું

તું હમણાં ફૂલો મોકલ ને!

 

હું મૃત્યુ પામીશ

 અને તારા આંસુ વહેશે

જેની મને ખબર નહી પડે

તું અત્યારે થોડું રડ ને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહી શકું

તું બે શબ્દો હમણાં બોલ ને !

 

હું મૃત્યુ પામીશ

અને તું મારા દોષો ભૂલી જઈશ

જે હું જાણી નહી શકું

તું મને હમણાં માફ કરી દેને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

જે હું અનુભવી નહી શકું

તું મને અત્યારે યાદ કર ને!

 

હું મૃત્યુ પામીશ

અને તને થશે...

મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો...

તો તું અત્યારે એવું કર ને!

('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 14, 2014

પતિના આકસ્મિક મૃત્યુ બાદ એક પત્નીએ લખેલો પત્ર (ભાગ - ૨)


એક સાચા અને સારા મિત્રે મને ટેકો આપ્યો અને સમજાવ્યું કે અંત નથી.મારે સંતાન નહોતાં.જો મને પણ કદાચ કંઈ થઈ જાય તો મારી સંપત્તિ પર દાવો માંડવા અનેક લોકો ઉભા થઈ જાય એમ હતું.મારા પતિના મૃત્યુ બાદ મને સમજાયું કે મારે હવે જીવનને ઘણું ગંભીરતાથી લેવાનું હતું.મારે એક વિલ તૈયાર કરવાની તાત્કાલિક જરૂર હતી.જો મને થોડા સમય પહેલા કોઈકે એમ કરવા કહ્યું હોત તો મેં ચોક્કસ હસી કાઢ્યું હોત પણ હવે મારા જીવને જબરદસ્ત વળાંક લીધો હતો.

અને દુર્ગમ પરિસ્થીતિએ શિખવેલા પાઠ મારે બધાં સાથે વહેંચવા છે.આપણે જેને ખૂબ પ્રેમ કરતા હોઇએ તેના ગયા બાદ શા માટે તેમણે આટલું બધું હેરાન થવું પડે? જો નીચે જણાવેલી કેટલીક બાબતો અને દસ્તાવેજીકરણ પર આપણે ધ્યાન આપીશું તો તેમનું દુ:ખ થોડું ઓછું કરવામાં સફળ થઈ શકીશું.

તમારા બધાં નોમિનેશન્સ ચકાસી લો...

એક એવી બાબત છે જેમાં તમે જે નામ પહેલવહેલું નોંધાવ્યું હોય તે તમે પછીથી સાવ ભૂલી જતા હોવ છો(જો તમે નામ નોંધાવવાની તસદી લીધી હોય તો!)લગ્ન પહેલાં,મોટે ભાગે આપણે નોમિની તરીકે આપણા બેન્ક ખાતા કે અન્ય દરેક જગાએ આપણા માતા કે પિતાનું નામ નોંધાવ્યું હોય છે.પછી તો તેમના મૃત્યુ બાદ પણ નામ આપણે બદલાવતા હોતા નથી.ઘણી વાર તમારા પગારના ખાતામાં પણ નોમિની તરીકે કોઈનું નામ નોંધાવેલું હોતું નથી. કૃપા કરીને બધાં ખાતાઓમાં નોમિનેશન ચકાસી લો :

- બેન્ક અકાઉન્ટ્સ

- ફિક્સ્ડ ડીપોઝીટ, એન.એસ.સી.

- ડિમેટ અકાઉન્ટ્સ

- બેન્ક લોકર્સ

- વિમા(જીવન,કાર,બાઈક કે અન્ય સંપત્તિ)

- રોકાણ

- પેન્શન અને પી.એફ. ફોર્મ્સ

 
  પાસવર્ડ્સ...

લગભગ દરેક ઓનલાઈન કે ઓફલાઈન સુવિધા કે સાધન માટે આજે પાસવર્ડ અનિવાર્ય બન્યો છે.ઇમેલ અકાઉન્ટ,બેન્ક અકાઉન્ટ,લેપટોપ વગેરે માટે પાસવર્ડ જરૂરી છે.જો તમારા પછી તમારું દાયિત્વ સંભાળનાર વ્યક્તિને તમારો પાસવર્ડ ખબર હોય તો પરિસ્થિતી કેટલી મુશ્કેલીભરી બની શકે છે તે મારે ફરી જણાવવાની જરૂર ખરી?તેને સુરક્ષિત સ્થાને જાળવી તેની જાણ તમારી નજીકની વિશ્વાસુ વ્યક્તિને કરી રાખો.

રોકાણ

દર વર્ષે આપણે કર બચાવવા રોકાણ કરતા હોઇએ છીએ.આપણે શું બધા રોકાણની વિગતો એક એક્સેલ શીટમાં નોંધતા હોઇએ છીએ ખરા? જો હોય તો પણ એવા લેપટોપ પર તો નહિ ને જેના પાસવર્ડની કોઈને જાણ હોય? બધાં રોકાણોની હાર્ડકોપી હોય તો તે યોગ્ય રીતે એક ફાઈલમાં ગોઠવો.

વિલ

એક વિલ બનાવવું અનિવાર્ય છે.તમે કદાચ હસશો વાંચીને,હું પણ હસી હોત જો કદાચ હું બધી ઉપર વર્ણવેલી દુર્ગમ પરિસ્થિતીમાંથી પસાર થઈ હોત તો.જો વિલ હોય તો ઘણાં બધા જમેલા અને સરકારી કામકાજની કડાકૂટથી બચી શકાય છે.

કરજ કે દેણું

જ્યારે તમે નવા ઘર કે ગાડી માટે લોન લો છો ત્યારે બધાં 'જો' અને 'તો' ને કાળજી પૂર્વક ચકાસી લો અને સમજી લો.જો કદાચ કાલે હું નહિ હોઉ તો?જો મારી નોકરી છૂટી જશે તો?આવી કોઈક પરિસ્થિતી ઉભી થઈ તો પણ .એમ.આઈ ભરવાનું મારા કે મારા સાથી કે અન્ય પરિવારજન માટે શક્ય બનશે?જો શક્ય હોય તો લોનનો વિમો ઉતરાવી લો.આનાથી તમે તમારી પાછળ છોડી ગયેલાં લોકોને નિશ્ચિંત બનાવી દેશો અને તેમને વિકટ પરિસ્થિતીમાં ઘર જેવી પાયાની વસ્તુ ગિરવે મૂકવાનો કે વેચવાનો વારો નહિ આવે.

મારા જીવનસંગ્રામની હજી શરૂઆત થઈ છે...પણ તમે તમારા નિકટજનો મુશ્કેલીમાં મુકાય કે તેમને હેરાન થવું પડે તેવી પરિસ્થિતી ઉભી થવા નહિ દેતા થોડા પરિવર્તન દ્વારા.

 (સંપૂર્ણ) 

('ઈન્ટરનેટ પરથી')