Sunday, March 31, 2013

શ્વાનોનું સ્વાગત છે!


દરેક મનુષ્યે વાત વાંચવી જોઇએ!

એક માણસે, ફરવા જવાનો હતો તે શહેરની એક નાનકડી હોટલના મેનેજરને પત્ર લખ્યો.
તેણે પત્રમાં લખ્યું: "હું વેકેશન દરમ્યાન તમારા શહેરમાં ફરવા આવવાનો છું અને ત્યારે મારી ઇચ્છા તમારી હોટલમાં ઉતારો લેવાની છે. મારા પાળેલા શ્વાનને હું તે સમયે મારી સાથે લાવવા ઇચ્છુ છું. ખૂબ સારી આદતો અને સારી વર્તણૂંક ધરાવતો શ્વાન છે. શું તમે તમારી હોટલમાં મને તેની સાથે રાત્રિનિવાસ કરવાની પરવાનગી આપશો?"

તરત હોટલના માલિક - મેનેજરે જવાબ આપ્યો : "મહોદય, હું ઘણાં વર્ષોથી આ હોટલ ચલાવું છું. પણ મેં હજી સુધી ક્યારેય કોઈ શ્વાનને હોટલના રૂમમાંથી ટુવાલ,પલંગની ચાદર,ચાંદીના ચમચા કે રૂમની ભીંત પર લગાડેલી તસવીરો ચોરતા જોયો નથી! આટલાં વર્ષોમાં ક્યારેય હજી સુધી મારે કોઈ શ્વાનને અડધી રાતે દારૂ ઢીંચીને આવવા બદલ કે ગેરવર્તન કરવા બદલ હોટલમાંથી બહાર કાઢી મૂકવો પડ્યો નથી.કે હજી સુધી કોઈ શ્વાને મારું બિલ ન ભર્યાનું કે અડધું જ ભર્યાનું મને યાદ નથી. આથી ચોક્કસ તમારા શ્વાનનું મારી હોટલમાં સ્વાગત છે અને જો એ ઇચ્છે તો તમને પણ તેની સાથે રહેવા લઈ આવી શકે છે!"

(‘ઇન્ટરનેટ પરથી)

Saturday, March 23, 2013

નવજીવન


રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની  ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.અચાનક રમેશની નજર  મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?હાય હાય....હવે તારી જિંદગી.!કોયલ કહે,ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ....તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.હજી ઘણી બધી તકો,પ્રવ'ત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે આપણી જિંદગી ખતમ.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ  સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય..એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.....ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ......



........ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,...લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?અચ્છા,તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?

સરસ છે પપ્પારમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કેતમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું,કંઇક નવું. અનોખું કરી બતાવો.બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે;તે ન થાય  ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું?આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.
પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું.રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો..............
 
.........દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યોતો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યોતો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યોતો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’’’ હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ,હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્Ÿગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.....ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.

લેખક-દુર્ગેશ બી ઓઝા

Saturday, March 16, 2013

સોનેરી સુવિચારો

# તમારી અંગત વાતો બધાને ન જણાવો... એ તમારા માટે વિનાશકારી સાબિત થઇ શકે છે.
તમારા સંકટોનું ગાણું પણ બધા આગળ ન ગાઓ...કારણ ૨૦ ટકા લોકો ને તેનાથી કોઈ ફરક પડતો નથી અને બાકીના ૮૦ ટકા લોકો એ જાણી ખુશ થાય છે.

# જીવન બોક્સિંગની રમત જેવું છે. તમે પડી જાઓ ત્યારે હાર મળેલી જાહેર થતી નથી,પણ તમે પડી ગયા પછી ફરી ઉભા ન થાઓ ત્યારે જાહેર થાય છે.

# જીવનમાં હંમેશા ખોટા માણસો જ સાચા પાઠ શિખવે છે!

# દરેક વસ્તુની મહત્તા બે સમયે સમજાય છે :
૧ તેને મેળવ્યા પહેલા અને
૨ તેને ગુમાવ્યા બાદ!

# બે વસ્તુઓ જીવનમાં સુખ ને સફળતા આણે છે :
૧ જ્યારે તમારી પાસે કંઈ જ ન હોય ત્યારે તમે કઈ રીતે ચલાવો છો ને
૨ જ્યારે તમારી પાસે બધું જ હોય ત્યારે તમે કઈ રીતે વર્તો છો!

# જગતમાં બે સ્થળોએ હોવું સૌથી ગત્યનું છે:
૧ કોઈકના વિચારોમાં
૨ કોઈકની પ્રાર્થના માં

# જીવનમાં થોડા થોડા સમયે ચકાસતા રહેવું જરૂરી છે કે જે ચીજો તમે પૈસાથી કદી ખરીદી શકવાના નથી એ તમે ગુમાવી નથી ને!

# સફળતા એટલે?
જ્યારે તમારા ફોટા ફેસબુકને બદલે ગૂગલ પર વધુ અપલોડ થાય!

# જ્યાં સુધી આપણે એ લોકોને માફ નથી કરતા જેમણે આપણને દુ:ખી કર્યા હોય, ત્યાં સુધી તેઓ આપણા મનમાં ભાડું ભર્યા વગર મફતની જગા રોકે છે!

# તમે જાણો છો ભગવાને આપણને બીજાઓના મન વાંચવાની ક્ષમતા કેમ નથી આપી?
જેથી આપણે કોઈક પર વિશ્વાસ મૂકી શકીએ ને કોઈક આપણાંમાં વિશ્વાસ મૂકી શકે.
# મેં ઈશ્વરને પૂછ્યું : "જો બધું નસીબમાં લખેલું જ હોય તો મારે પ્રાર્થના શા માટે કરવી જોઇએ?"
ઈશ્વરે હસીને જવાબ આપ્યો:"મેં સાથે એમ પણ લખ્યું હોય છે - શરતો લાગુ!"

# જીવનમાં ખાલી ખિસ્સુ,લાખો વસ્તુઓ શિખવી દે છે...
ને ભરેલું ખિસ્સુ બગડવાના લાખો રસ્તા શિખવી દે છે!

# જગતમાં કોઈને સત્ય બોલવાનો ડર લાગતો નથી, પણ એ સત્ય બોલ્યા બાદ આવનારા પરીણામનો સામનો કરવાથી બધા ડરે છે!

# ગુસ્સે થવું એટલે બીજાઓની ભૂલ માટે તમારી જાતને સજા આપવી.
# વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.એક વાર તેને ઉખાડી લીધા બાદ ફરી પાચું ચોંટડી તો શકાય પણ તેનામાં પહેલા જેવી મજબૂતાઈથી ચોંટાડવાની ક્ષમતા જતી રહે છે.
સંબંધોની હંમેશા જાળવણી કરવી જોઇએ

# લોકોને ક્યારેય દલીલો કરીને ન જીતો,તમારા સ્મિતથી જીતો!
કારણ જે લોકોને તમારી સાથે દલીલ બાજીમાં ઉતરવું છે તેનાથી તમારું મૌન સહન થતું નથી.

# શરત વિના સ્મિત કરો, ધ્યેય વગર ચાલો, કારણ વગર આપો, અપેક્ષાઓ વગર કાળજી લો
આ કોઈ પણ સંબંધોના સુંદર લક્ષણો છે.

# આપણે ઉત્તર આપવા માટે નહિ બલ્કે સમજવા માટે સાંભળવું જોઇએ.

(‘ઇન્ટરનેટ પરથી’)

Friday, March 8, 2013

અરીસામાં રહેલો માણસ

જ્યારે તમારા જાત માટેના સંઘર્ષમાં તમને જે જોઇએ તે મળે


અને વિશ્વ તમને એક દિવસના રાજા બનાવી દે

ત્યારે અરીસા સામે જઈ ઉભા રહો અને “સ્વ” ને નિરખો

અને જુઓ ત્યાં રહેલા સામા માણસને શું કહેવું છે...

કારણ, ના તમારા પિતાનું કે માતાનું કે ના તમારી પત્નીનું

તમારા માટેનું મંતવ્ય મહત્વનું છે...

તમારા જીવનમાં સૌથી વધારે જેનો અભિપ્રાય અગત્યનો છે

એ તો પેલો અરીસામાંથી તમારી સામે તાકી રહેલો માણસ જ છે...

અન્ય કોઈને રાજી નહિ કરો તો ચાલશે પણ તેને તમારે ખુશ કરવો જ પડશે

કારણ તે અંત સમય સુધી તમારી સાથે જ રહેવાનો છે...

અને જો એ અરીસામાં રહેલો માણસ તમારો મિત્ર બની ગયો

તો તો તમે તમારી સૌથી અઘરી પરીક્ષા પાસ કરી જાણજો...

તમે વર્ષોના વહાણામાં આખા વિશ્વને મૂર્ખ બનાવી શકશો

અને શાબાશી પામી શકશો પણ તમારું અંતિમ ઇનામ હશે મનોવેદના અને અશ્રુઓ

જો તમે અરીસામાંના એ માણસને છેતરશો...



~ પીટર ડેલ વિમ્બ્રો સિનિયર



આ એક પ્રેરણાત્મક કાવ્ય છે જે આપણને પોતાની જાત સાથે પ્રમાણિક અને સાચા બનવાની પ્રેરણા આપે છે.એ જ બીજાઓ પાસેથી પ્રશંસા અને ઇનામોની વણઝાર જીતવા કરતા વધારે મહત્વનું છે.આપણી પોતાની આંખોમાં સીધુ ત્યારે જ જોઈ શકીએ જ્યારે આપણે જીવનમાં સાચા અને યોગ્ય નિર્ણય લીધા હોય પણ જ્યારે આપણે જાણી જોઈને કંઈક ખોટું કરીએ છીએ ત્યારે આપણો અંતરાત્મા કે "અંદરનો અવાજ" આપણી સામે ઘૂરી ઘૂરીને જુએ છે,આપણને એમ કરતા રોકે છે અને વાસ્તવિકતા છતી કરવાનો પ્રયત્ન કરે છે.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, March 3, 2013

હીરા જ હીરા

આફ્રિકામાં રહેતા એક ખેડૂતની આ વાત છે. એક વાર એક વિદેશી સહેલાણીએ આવી તેને મહામૂલા હીરાની વાતો કરી અને તે અતિ ઉતસાહમાં આવી ગયો.


તેને એ જાણીને નવાઈ લાગી કે તે જે દેશમાં રહેતો હતો ત્યાં, આફ્રિકામાં જ હીરાની અધધધ કહી શકાય એટલી ખાણો હતી અને તેણે પોતાનું ખેતર વેચી દઈ હીરાની શોધમાં નિકળી પડવાનો નિર્ણય લીધો.

તે હીરાની શોધમાં ખૂબ ભટક્યો અને આમ ને આમ વર્ષો નિકળી ગયાં. તેને હીરાની લાલસા હતી, ધનસંપત્તિની લાલસા હતી જે ક્યારેય પૂરી થઈ નહિ. અંતે નિરાશ થઈ તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું અને એક નદીમાં ઝંપ લાવ્યું.તે ડૂબી ગયો અને મૃત્યુ પામ્યો.

દરમ્યાન તેનું ખેતર જેણે ખરીદ્યું હતું એ માણસને તે ખેતરમાંથી ઇંડા જેવડા કદનો એક સ્ફટીક જેવો પથ્થર મળ્યો. તેના તેજથી અંજાઈ તેણે કુતૂહલપૂર્વક તે સ્ફટીક-પથ્થર પોતાના ગજવામાં મૂકી દીધો.

તેના એક હીરાપારખુ મિત્રને તેણે આ પથ્થર બતાવ્યો અને તે હીરાપારખુ તો આ પથ્થરને જોઈ આભો જ બની ગયો. તેણે તેને જણાવ્યું કે આ દુનિયાનો સૌથી મોટો સાચો હીરો હતો!

એ ખેતરના નવા માલિક એવા પેલા માણસની ખુશીની કોઈ સીમા ન રહી! કારણ તેનું આખું ખેતર આવા સાચા હીરાઓથી ભરેલું હતું!

આ ખેતર તે જ આફ્રિકાની કિમ્બરલી હીરાની ખાણ,જ્યાંથી સૌથી વધુ કિંમતના હીરા મળી આવ્યા હતાં.

એ ખેતરના મૂળ માલિક એવા પેલા બિચારા મરી ગયેલા ખેડૂત પાસે હીરા જ હીરા હતાં પણ તેની તેને જાણ નહોતી!

આ વાત ક્યારેય જૂની થશે નહિ,તે સદાયે સાચી જ રહેશે.

તક જીવનમાં માત્ર આવતી જ નથી પણ એ તો હંમેશા હોય જ છે - માત્ર આપણે તેને જોઈ લેવાની - ઝડપી લેવાની હોય છે.

- ડો. રસેલ હર્મન કોન્વેલ


('ઈન્ટરનેટ પરથી')