Saturday, May 25, 2013

છીપલાંની ભેટ


                હું ફ્લોરીડાના એવા વિસ્તારમાં રહુ છું જ્યાંના છીપલાં ખૂબ પ્રખ્યાત છે. ઘણાં પ્રવાસીઓ વહેલી સવારે પાંચ વાગે ઉઠી, દરિયા કિનારે સારામાં સારા છીપલાં ગોતવા નિકળી પડે છે.

                અહિંના રહેવાસી હોવાને લીધે શ્રેષ્ઠ છીપ ક્યાં મળે અને તેમને કેવી રીતે જાળવવા તે અમે શીખી ગયાં છીએ.પણ ઘણાં પ્રવાસીઓ દરિયા કિનારા પર કલાકોની રઝળપાટ છતાં સારા છીપલાં ગોતવામાં નિષ્ફળ રહે છે.એક દિવસ મને વિચાર આવ્યો કે હું તો અહિં રહું છું અને મારી પાસે તો છીપલાં નો સારો એવો સંગ્રહ છે આથી મારે હવે નવા છીપ મારા પોતાના માટે શોધવાનો ને ભેગા કરવાનો કોઈ અર્થ નથી.આથી મેં એક નિર્ણય લીધો અને તેને ત્વરીત અમલમાં મૂક્યો.

                હવે જ્યારે જ્યારે મને સારા છીપલાં (અને ખાસ કરીને 'સેન્ડ ડોલર' તરીકે ઓળખાતા, રેતીમાં ચમકતા દુર્લભ પણ જેની ખૂબ માગ હોય છે એવા છીપ) મળી આવે  ત્યારે હું રાતે દરિયા કિનારે જઈ તેમને એવી જગાએ વિખેરીને મૂકી દઉં છું જ્યાંથી તે, છીપ ગોતવા નીકળેલા કોઈ નસીબદાર પ્રવાસીને સહેલાઈથી મળી જાય!

એક વાર મેં રીતે દરિયા કિનારે મૂકેલા 'સેન્ડ ડોલર' ગોતી કાઢી અનહદ ખુશી અનુભવતા એક કુટુંબને જોયું!તેઓ કેટલા આનંદિત થઈ ગયેલાં!તેમનો પ્રવાસ જાણે ઘટનાએ સફળ બનાવી દીધો. ઉપરાંત તેઓ છેક યુરોપથી કેટલે લાંબે ખાસ વેકેશન માણવા અહિં આવ્યા હતાં.મને પણ મારી નાનકડી ભેટ યોગ્ય પાત્રના હાથમાં જતા જોઈ અપાર સંતોષ અને હર્ષની લાગણી થઈ હતી!

હવે તો સારાં સારાં છીપ ગોતીને દરિયા કિનારે ગોઠવી દેવાની મને જાણે આદત પડી ગઈ છે!

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 18, 2013

વીણેલાં મોતી


પથ્થર પ્રતિમા બન્યો

એ જોઈ હૈયું હરખી ગયું,

પણ... પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,

એ જોઈને દિલ રડી પડયું...

**************************************************

"શ્વાસ અને વિશ્વાસ એકજ વાર તૂટે છે

શ્વાસ તૂટવાથી જીવનું મૃત્યુ થાય છે અને

વિશ્વાસ તૂટવાથી જીવનનું મૃત્યુ થાય છે."

**************************************************

માનવ સંવેદનાઓનો છે આ જનજાળ..

સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ...

ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..

બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..

**************************************************

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,

એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

**************************************************

ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે

ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે.

**************************************************

માનસિક દરિદ્રતાને પરિણામે

આપણાં સપનાં નાના હોય છે

અને તેના થકી નવસર્જન શક્ય નથી

માટે આપણાં સપનાં દિવ્ય

અને ભવ્ય હોવાં જોઇએ.

 **************************************************

જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે.

ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!

માટે જ, સતત ગતિશીલ રહો!

ઇતિહાસ નિર્જીવ નથી હોતો.

ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં

કાળાં અક્ષરો નથી હોતાં.

ઇતિહાસનો પ્રત્યેક પળ

ચેતના ધરાવતો હોય છે.

ચૈતન્યમય હોય છે.

જે નવી ચેતના પ્રગટાવવાનું

સામર્થ્ય ધરાવે છે.

**************************************************

મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે

તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે

**************************************************

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે

અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.

 **************************************************

એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે

હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,

પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!
 

('ઈન્ટરનેટ પરથી')

Friday, May 10, 2013

'મધર્સ ડે સ્પેશ્યલ' : માતાની નોકરી

{

'ઇન્ટરનેટ કોર્નર'નો ૪૫૦મો હપ્તો

વ્હાલા વાચક મિત્રો,
આજે તમારી પ્રિય કટાર 'ઇન્ટરનેટ કોર્નર'નો ૪૫૦મો હપ્તો રજૂ કરતાં ખૂબ આનંદ થઈ રહ્યો છે.તમારા બધાંના સ્નેહ અને પ્રોત્સાહક પ્રતિભાવોને કારણે જ લગભગ નવેક વર્ષની આ લાંબી સફર શક્ય અને સફળ બની છે. ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના ગૂર્જર ગ્રંથ્રત્ન દ્વારા પ્રકાશિત પાંચ પુસ્તકો કથા કોર્નર, મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો પણ ખૂબ લોકચાહના પામ્યાં છે અને તેમને ચાર આવૃતિ અત્યાર સુધી પ્રગટ થઈ ચૂકી છે.આ પુસ્તકો મેળવવા તમે મારો સંપર્ક કરી શકો છો. બસ આમજ સારા વિચારો વાંચતા અને વંચાવતા રહેજો.
હ્રદય પૂર્વક આભાર!

- વિકાસ ઘનશ્યામ નાયક

}

 ( 'મધર્સ ડે સ્પેશ્યલ' )

 માતાની નોકરી
      
                         
માતાની નોકરી / કાર્ય / જવાબદારીની વિગતો થોડી વિચિત્ર લાગે એ રીતે રજૂ કરેલ છે,પણ મને ખાતરી છે કે જો એ તેના મૂળ સ્વરૂપે આ રીતે જ રજૂ થતી હોત તો આપણામાંના કોઈએ તે સ્વીકાર્યું ન હોત!

સ્થાન /પદવી :
માતા,મા,મમ્મી,મોમ

કામકાજનું વર્ણન :
લાંબો સમય ટકી રહે એવા ઉમેદવાર માટે પડકારજનક, કાયમી કામકાજ, મોટેભાગે અવ્યવસ્થિત એવા કાર્યસ્થળ (ઘર) માટે જોઇએ છે. ઉમેદવાર પાસે સારામાં સારી વાક્પટુતા અને વ્યવસ્થા કૌશલ્ય હોવા જરૂરી છે અને મોડી સાંજ કે રાતો સુધી સપ્તાહાંતે પણ ફરજ બજાવવાની તૈયારી અપેક્ષિત છે.
ક્યારેક રાતોની લાંબી મુસાફરી અને વરસાદની મોસમમાં પણ પ્રાથમિક શિક્ષણના તાલીમ કેમ્પ્સની જગાઓએ જવું અનિવાર્ય.દૂર દૂરના શહેરોમાં લાંબા કાળના સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ માટે પ્રવાસ કરી ત્યાં રહેવાની તૈયારી.મુસાફરીના પૈસા આપવામાં આવશે નહિં.ભારે માલસામાન ઉંચકવાની અને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાની તૈયારી.

જવાબદારીઓ :
બાકીની જિંદગીમાં ધિક્કારપાત્ર બનવાની તૈયારી(કાયમી નહિ તો હંગામી ધોરણે તો ખરા જ).જરૂર પડ્યે નાણાં પૂરા પાડવાની તૈયારી.ગાળો સહન કરવાની તૈયારી. ખચ્ચર જેટલી શારીરિક તાકાત હોવી જરૂરી જેથી મકાનના વાડા કે કોઈ પણ ભાગેથી બૂમ પડે ત્યારે માત્ર ત્રણ સેકન્ડમાં શૂન્યથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રતિભાવ આપી શકાય.નાનામોટા ઉપકરણોની મરામત,બાથરૂમ-સંડાસના નળ કે ફ્લશમાં નાનીમોટી ખરાબી કે કપડા અને બેગ્સની ઝીપર ચેન્સ સમી કરવાની આવડત. ફોન ઉપાડવા,તારીખો-મહત્વની તિથિઓ જાળવવી,ઘરકામના મહત્વના પ્રોજેક્ટ્સનું સુસંકલન.દરેક વયજૂથના અને જુદીજુદી માનસિકતા ધરાવતા ગ્રાહકો માટે સામાજિક મેળાવડા યોજવાની અને તેમના સુસંચાલનની આવડત જરૂરી.
એક ક્ષણે અવિભાજ્ય અંગ સમાન તો બીજીજ ક્ષણે ભોંઠપનું કારણ બનવાની તૈયારી.હજારો પ્લાસ્ટીકના અને અન્ય નાનામોટા રમકડાની ખરીદી થી માંડી સુરક્ષિતતા ચકાસણી. હંમેશા શ્રેષ્ઠતમની અપેક્ષા પણ કનિષ્ઠમાં કનિષ્ઠ પરિણામ સ્વીકારવાની તૈયારી.'એન્ડ પ્રોડક્ટ'ની ગુણવત્તાની અંતિમ અને સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની તૈયારી.

બઢતીની શક્યતાઓ :
નહિવત. તમારી નોકરી એકજ પદ પર વર્ષોના વર્ષો સુધી રહેવા માટેની છે.તમને ફરિયાદ કરવાની તક મળશે નહિ તેમજ તમારે સતત પોતાની જાતે નવી નવી બાબતો શીખતા અને શિખવાડતા રહેવી પડશે જેથી જેના હાથમાં સત્તા આવે તે તમને સહેલાઈથી અતિક્રમી જઈ શકે.

પાછલો અનુભવ :
કમનસીબે બિલકુલ જરૂરી નથી.તમને થકવી નાંખે અને તમારી બધી જ શક્તિ ખર્ચાઈ જાય એ હદે તમને ઓન-ધ-જોબ ટ્રેનિંગ સતત મળતી રહેશે.

પગાર અને ભથ્થા :
આ બરાબર સમજી લો! અહિં પગાર તમને મળશે નહિં બલકે તમારે ચૂકવવાનો રહેશે.એ પણ નિયમિત વધારા અને બોનસ સાથે!
તેઓ (તમારા સંતાન) ૧૮ વર્ષના થાય ત્યારે એક મોટી રકમ તમારે આપવાની રહેશે કારણ સામાન્ય રીતે એમ મનાય છે કે મેટ્રીક પાસ કર્યા બાદ તે પોતાની મેળે કમાઈને નાણાંકીય દ્રષ્ટીએ સ્વનિર્ભર બની શકશે.
મરતી વેળાએ તમારે સઘળું તેમને આપી દેવાનું રહેશે. આ ઉલટી પગાર નીતિની વિશિષ્ટતા એ છે કે તમે એને ખરેખર માણશો અને તમને તેમાં વધુને વધુ આપવાનું મન થશે!

અન્ય લાભો :
કોઈ આરોગ્ય કે દંતવિમાની સુવિધા નહિ તેમજ કોઈ પેન્શન કે ટ્યુશન ફીના રી-ઇમ્બર્સ્મેન્ટ કે પેઇડ રજાઓ કે સ્ટોક ઓપ્શન્સની સુવિધાની જોગવાઈ ન હોવા છતાં આ નોકરી તમને સ્વવિકાસની અમર્યાદ તકો પૂરી પાડશે તેમજ બિનશરતી પ્રેમ,મફતના આલિંગનો સાથે અઢળક ચુંબનોની વર્ષા વર્ષાવશે, જો તમે તમારી ભૂમિકા બરાબર ભજવશો.

તમે ઓળખતા હોવ એવા દરેક માબાપને આ વાત વંચાવશો - તેઓ તમારા માટે જે ભોગ દરરોજ આપે છે અને તેઓ આ જે શ્રેષ્ઠ નોકરી કરે છે તે બદલ તેમનો આભાર પ્રકટ કરવા...અથવા જે કોઈ આ નોકરી માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યું હોય તેને પણ આ લેખ પ્રેમથી વંચાવો !
...અને તમારા સંતાનોને પણ આ વંચાવશો, કદાચ તેમને પણ આ ગમે !

** તા.ક.: આ નોકરીમાંથી ક્યારેય નિવૃત્તિ મળતી નથી!

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, May 8, 2013

ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી

  હું રાત્રે ટેક્સી ચલાવતો.અજબ ની વાત હતી કે લોકો મારી સામે જાતજાતની કબૂલાત કરતાં.તદ્દન અજાણ્યા પ્રવાસીઓ મારી ટેક્સીમાં પાછળની સીટ પર બેસતા અને મને તેમના જીવનની અંતરંગ વાતો કહેતાં.મને કેટલાયે લોકો મળ્યા હતાં જેમની વાતો સાંભળી હું ક્યારેક હસેલો,ક્યારેક રડેલો તો ક્યારેક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલો તો ક્યારેક અતિ દયાળુ બની ગયેલો.
પણ એક ઓગષ્ટ મહિનાની રાતે જે સ્ત્રી મારી ટેક્સીમાં બેઠી હતી તેની વાતે મારા હ્રદયમાં પહેલા ક્યારેય ન જાગેલા કંપનો જન્માવ્યાં.મને શહેરના અતિ શાંત વિસ્તારમાંથી ચારમાળના ઈંટોના એક પાકા મકાનમાંથી કોલ આવ્યો હતો.મને લાગ્યું કે કદાચ કોઈક યુવાનોએ પાર્ટીની મજા માણ્યા બાદ તેમને તેમના ઘેર પહોંચાડવા બોલાવ્યો હશે કાં તો કોઈક પ્રેમીઓ ઝઘડી છૂટા પડવા માંગતા હશે તેમાંના એકે બોલાવ્યો હશે કાં પછી અડધી રાતની પાળી કરવા જઈ રહેલ કોઈક કર્મચારીએ તેની ફેક્ટરીએ પહોંચાડવા મને બોલાવ્યો હશે.
જ્યારે રાતના અઢી વાગે હું તે સ્થળે પહોંચ્યો ત્યારે તે મકાનના ભોંયતળિયાના એક ઘર સિવાય કોઈ ઘરની લાઈટ ચાલુ નહોતી.તદ્દન અંધારૂ હતું.આવી સ્થિતીમાં બીજો કોઈ ડ્રાઈવર હોત તો તેણે એક બે વાર હોર્ન વગાડ્યા બાદ પ્રતિભાવ ન મળતા ટેક્સી હંકારી મૂકી હોત. પણ મેં અનેક જરૂરિયાતમંદ લોકોને ટેક્સીની મોડી રાતે કેટલી સખત જરૂર હોય છે તે અનુભવ્યું હતું કારણ એ સમયે તે એક માત્ર મળી શકે એવું મુસાફરી માટેનું વાહન હોય છે.ભયજનક ન જણાય એવા દરેક પ્રસંગે હું યાત્રીને દરવાજા સુધી લેવા જતો હોઉ છું.અહિં પણ યાત્રીને મારી મદદની જરૂર છે એવો પૂર્વાભાસ થતાં હું લાઈટ ચાલુ હતી તે ઘરના દરવાજા સુધી ગયો.
મેં બારણે ટકોરા માર્યાં.ઘરમાંથી એક વૃદ્ધ ધીમો અવાજ સંભળાયો "આવું છું..." કંઈક જમીન પર ઘસડીને બારણા તરફ લવાઈ રહ્યું હોય એવો અવાજ સંભળાયો. થોડી ક્ષણો બાદ દરવાજો ખુલ્યો.
મારી સામે ૮૦ વર્ષની એક નાનકડું કદ ધરાવતી વૃદ્ધા ઉભી હતી.તેણે પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો અને માથે હેટ જેના પર જાળી વાળો પડદો હતો.તે સાત આઠ દાયકા પહેલાના ફિલ્મજગતની અભિનેત્રી હોય તેવી લાગતી હતી.તેની પાસે એક સુતરાઉ સ્યૂટકેસ હતી.તેના ઘરમાં જાણે વર્ષોથી કોઈ રહેતું ન હોય એવું લાગતું હતું.ફર્નિચર પર કપડા ઢાંકેલા હતાં.ઘરની ભીંતો પર એકેય ઘડિયાળ નહોતી.અભરાઈઓ ખાલી હતી,તેમના પર કોઈ વાસણ નહોતાં.એક ખૂણે પૂઠાના ખોખામાં ફોટો અને કાચનો કેટલોક સામાન પડેલા હતાં.

તેણે પૂછ્યુ:"શું તમે મારો સામાન બહાર ટેક્સી સુધી લઈ જવામાં મને મદદ કરશો?"
મેં તેની સ્યૂટકેસ ઉપાડી ટેક્સીમાં મૂકી અને ફરી તેને ટેક્સી સુધી લઈ આવવા તેના બારણે પહોંચ્યો.તેણે મારો હાથ પકડ્યો અને તેના આધારે તે ટેક્સી સુધી આવી.તેણે, મદદ કરી ઉદારતા બતાવવા બદલ મારો ખૂબ આભાર વ્યક્ત કર્યો.
મેં કહ્યું,"આ તો કંઈ નથી.હું દરેક વૃદ્ધ પ્રવાસી સાથે તે મારી માતા હોય તે રીતે વર્તું છું."
તેણે આ બદલ મારી ખૂબ પ્રશંસા કરી અને પછી મને એક સરનામુ લખેલી ચબરખી બતાવતા ત્યાં ટેક્સી લઈ જવા કહ્યું.
મેં એ સરનામુ જોઈ કહ્યું,"આ તો ઘણું દૂર છે."
 "કંઈ વાંધો નહિ.મને કોઈ ઉતાવળ નથી.હું ત્યાં હોસ્પિટલમા દાખલ થવા જઈ રહી છું.
મેં ટેક્સીના પાછળનું દ્રષ્ય દેખાય એ અરીસામાંથી તેના તરફ જોયું.તેનું મુખ ચમકી રહ્યું હતું. મારા કુટુંબમાં હવે કોઈ બચ્યું નથી.અને ડોક્ટરનું એમ કહેવું છે કે હવે હું પણ લાંબુ નહિ ખેંચુ."
મેં ધીરેથી તેનું ધ્યાન ન જાય તેમ ટેક્સીનું મીટર બંધ કરી દીધું.
પછી બે કલાક સુધી અમે શહેરની શેરીઓ માં ચૂપચાપ ફરતા રહ્યાં.તેણે મને એક મકાન બતાવ્યું જ્યાં તે એક જમાનામાં લિફ્ટ ઓપરેટર તરીકે કાર્ય કરતી હતી.અમે એ વિસ્તારમાંથી પણ પસાર થયાં જ્યાં તેણે નવા નવા લગ્ન બાદ તેના પતિ સાથે દાંપત્યજીવનની શરૂઆત કરી હતી.તેણે મારી ટેક્સી એક ફર્નિચર વેરહાઉસ પાસે થોભાવડાવી જ્યાં ઘણાં વર્ષો પહેલા એક બોલરૂમ હતો અને તે યુવતિ હતી ત્યારે ત્યાં નૃત્ય શિખવા ગઈ હતી.
તે ઘણી આવી જગાઓએ કે કોઈક મકાન સામે આમ જ મારી ટેક્સી થોભાવતી કે ધીમી કરવા કહેતી અને અંધારામાં કંઈ જ બોલ્યા વગર તાક્યા કરતી, ભૂતકાળમાં ખોવાઈ જતી હોય તેમ.
મળસ્કે સૂર્યનું પહેલું કિરણ દેખાવાની શરૂઆત થઈ હશે ને તેણે કહ્યું "હવે હું થાકી ગઈ છું.ચલો ક્યાંય થોભ્યા વગર હવે આગળ વધીએ."
પછી મેં તેણે આપેલા એડ્રેસ સુધી મૂંગા મૂંગા ગાડી હંકાર્યા કરી.તે એક નીચુ મકાન હતું.હોસ્પિટલ જેવું,જેમાં ગેટ પર જ બે પરિચારકો તે વૃદ્ધ સ્ત્રીની રાહ જોતા જ ઉભા હતાં.તેમણે તેને અંદર લઈ જવા વ્હીલચેર પર બેસાડી.

"મારે ભાડાના કેટલા રૂપિયા આપવાના છે?"તેણે પોતાનું પર્સ ખોલતા પ્રશ્ન કર્યો.
મેં કહ્યું,"કંઈ નહિ"
તેણે કહ્યું,"તારે ઘર ચલાવવાનું છે ભાઈ!"
 "એટલું મને બીજા પ્રવાસીઓ પાસેથી મળી રહેશે."
મેં બિલકુલ વિચાર્યા વગર સહેજ નીચા નમીને તેને આલિંગન આપ્યું.તેણે પણ મને કોઈ સ્વજનને આપતા હોઈએ એવી લાગણી ભરી ભીંસથી મારા આલિંગનનો પ્રતિભાવ આપ્યો.
 "તે એક વૃદ્ધ સ્ત્રીને થોડી સુખની ક્ષણો આપી છે.તારો હ્રદયપૂર્વક આભાર."
મેં તેની સાથે હૂંફથી,ઉષ્માસભર રીતે હાથ મિલાવ્યો અને સવારના ઝાંખા સૂર્યપ્રકાશમાં તેની વિદાય લીધી.મારી પીઠ પાછળ એક દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો.એક જીવનના અંતનો એ અવાજ હતો જાણે!
ત્યારબાદ એ દિવસે મેં અન્ય કોઈ મુસાફર ન લીધાં.મેં કોઈ ધ્યેયવિના વિચારોમાં ખોવાઈ જઈને ગાડી બસ હંકાર્યા જ કરી,બસ હંકાર્યા જ કરી.બીજા દિવસે પણ મોટો સમય હું મૌન જ રહ્યો.તે વ્રુદ્ધ સ્ત્રીને કોઈ ગુસ્સાવાળો કે પોતાની રાતપાળી જલ્દીથી પૂરી કરવા ઇચ્છતો અધીરો એવો કોઈ ડ્રાઈવર ભટકાઈ ગયો હોત તો શું થાત? જો મેં પણ માત્ર એક હોર્ન મારી પાછા વળી જવાનું કે તે વ્રુદ્ધ સ્ત્રીને મુસાફરી માટે ના
પાડવાનું પસંદ કર્યું હોત તો?

વિચાર કરતાં મને લાગ્યું કે મારા જીવનમાં આનાથી વધુ મહત્વનું કે સારું કામ મેં ક્યારેય કર્યું નહોતું.
આપણાં મનમાં એવું ઠસી ગયું છે કે આપણું જીવન સુખની મસમોટી ક્ષણોની આસપાસ ઘૂમરાય છે પણ હકીકત એ છે કે સુખને મસમોટી ક્ષણો હંમેશા અણધારી જ આવતી હોય છે એવા સ્વરૂપે કે બીજાઓને તે ક્ષુલ્લક લાગે...


 - કેન્ટ નેરબર્ન દ્વારા વેબસાઈટ http://www.zenmoments.com પરથી લેવાયેલી આ વાર્તા મારા એક મિત્ર અભિષેક કોલવાલકરે મને ઇમેલ દ્વારા મોકલી હતી.


('ઈન્ટરનેટ પરથી')