Saturday, April 27, 2013

અબ્રાહમ લિંકનનો પત્ર


એક્ઝિક્યુટીવ મેન્શન, વોશિંગ્ટન,નવેમ્બર ૨૧,૧૮૬૪

ડિયર મેડમ,

માસાચ્યુસેટ્સના એડ્જ્યુટન્ટ જનરલ દ્વારા યુદ્ધ વિભાગની ફાઈલોમાંથી મને એક પત્ર બતાવવામાં આવ્યો છે જેમાં જણાવ્યા મુજબ તમારા પાંચ પુત્રો દેશની રક્ષા કાજે યુદ્ધમાં લડતા લડતા વીરગતિ પામ્યાં છે.

તમારી વેદનાને વાચા આપવા કોઈ પણ ભાષાના શબ્દો વામણા સાબિત થાય અને હું એ વિશે વિચાર કરતાં પણ નબળાઈ અને નિસહાયતાનો અનુભવ કરું છું.પણ જે લોકતંત્રની રક્ષા કાજે તેમણે પોતાની જાતનું બલિદાન આપ્યું છે તેના વતિ તે માટે તેમનો આભાર માની હું તમારા પ્રત્યે આશ્વાસન વ્યક્ત કરું છું.

હું પ્રાર્થના કરું છું કે પરમકૃપાળુ પરમાત્મા તમને આ અસહ્ય પીડા વેઠવાનું બળ પૂરું પાડે,ગુમાવેલા સ્વજનોની ખોટ તમને ન સાલે અને તેમની મીઠીમધુરી સ્મૃતિઓ સદાયે તમારી સાથે રહી તમને તેમના વિનાનું જીવન જીવવા બળ પૂરું પાડે.આઝાદીના જંગની એરણે તમારું આ સર્વોત્તમ બલિદાન તમારા જીવનને ગૌરવપ્રદ બનાવે એ જ અભ્યર્થના.


- તમારો વિશ્વાસુ
અબ્રાહમ લિંકન

* નોંધ : આ પત્રના મૂળ લેખક અંગે ઘણી ચર્ચાઓ થઈ છે અને ઘણાં વિદ્વાનો એમ માને છે કે આ પત્ર મૂળ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના સચિવોમાંના એક એવા જહોન હે દ્વારા લખાયો હતો.

પ્રમુખ લિંકને આ પત્ર શ્રીમતી બિક્સ્બીને આશ્વાસન આપવા લખ્યો હતો જેઓ વિધવા હતા અને એમ મનાય છે કે તેમણે તેમના પાંચ પુત્રો નાગરિકી યુદ્ધમાં ગુમાવ્યા હતાં.

લિંકને આ પત્ર લખ્યા બાદ એવું ફલિત થયું હતું કે શ્રીમતી બિક્સ્બીના માત્ર બે પુત્રો યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યાં હતાં.તેમના એક પુત્રે લશ્કરી દળ છોડી દીધેલું, બીજા એકને માન ભેર લશ્કરમાંથી નિવૃત્તિ આપવામાં આવી હતી અને અન્ય એક પુત્રનું શું થયું તે અંગે કોઈને કશી ખબર નથી

શ્રીમતી બિક્સબીએ એ મૂળ પત્રનો નાશ કરી દીધો હોવાનું મનાય છે.
એ પત્રની નકલ પૂર્વીય અમેરિકન અખબારમાં છપાઈ હતી.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 21, 2013

જિંદગીને સરળ રહેવા દો..!


ગૂંચવણભરી જિંદગી શામાટે જીવો છો??
કોઈની યાદ આવી રહી છે?...તેનો સંપર્ક કરો!
કોઈને મળવું છે?...તેને આમંત્રણ આપો!

ઇચ્છોછો કે કોઈ તમને સમજે?...સમજાવો!
પ્રશ્નો છે?...પૂછો!
નથી ગમતું?...કહી દો!
ગમે છે?...કહી દો!
કંઈક જોઇએ છે?...માગી લો!
તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈ નહિ જાણી શકે...
અપેક્ષા રાખ્યા કરતાં વ્યક્ત કરી દેવું બહેતર છે...
જો તમારી પાસે "ના" પહેલેથી જ હોય તો "હા" મેળવવાનું રીસ્ક લઈ જ લો..!
આપણી પાસે એક જ જિંદગી છે...એને સરળ રહેવા દો..!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 14, 2013

કરિયાવર


[ વાર્તાના લેખક કોણ છે તેની તો જાણ નથી પણ ઇન્ટરનેટ પર વાંચ્યા બાદ હું પણ એક દિકરીનો બાપ હોવાથી તેમાં પ્રગટ થતી સંવેદના અનુભવી શક્યો છું અને તમારા સૌ સાથે વહેંચવા ઇચ્છુ છું.આશા છે તમને ગમશે.]

-  વિકાસ ઘનશ્યામ નાયક

હરખ ભેર હરીશભાઈ ઘરમાં પ્રેવેશ કર્યોસાંભળ્યું ? અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું . હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં વાત ને ટાળી દેતા.સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન,ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી, હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ અને કાયમ કહેતાબેટા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’

                બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.હરીશભાઈ સોનલને પાસે બેસાડીને કહ્યું 'બેટા તારા સસરા સાથે મારી વાત થઇ, એમણે કરિયાવરમાં કઈ લેવાની નાં કહી છે , નાં રોકડ, નાં દાગીના અને નાં તો કોઈ ઘરવખરી. તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે. ‘ભલે પપ્પાસોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી. ગોરબાપા ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી, કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યાઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે.

 પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું, એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે, જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરત ને !!!

 હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતીપપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું આપશો ? હરીશભાઈ ભારે આવાજમાં -હા બેટા, એટલું બોલી શક્યા, તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો, તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો. બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું માંગુ છું. દીકરીનો બાપ નાં કેવી રીતે કહી શકે. લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ

                દુરથી હું સોનલનાં લક્ષ્મી સ્વરૂપ ને જોતો રહ્યો, ૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ. સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું !!

પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો, “ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???”

(ઇન્ટરનેટ પરથી)

Sunday, April 7, 2013

મહાનુભાવોએ કરેલી સાત યાદ રાખવા જેવી વાત

શેક્સપિયર :
ક્યારેય કોઈની લાગણી સાથે ન રમો. કારણ તમે કદાચ એ રમતમાં તો જીતી જશો પણ ચોક્કસ એ વ્યક્તિને સદાય માટે હારી જશો.

 
નેપોલિયન :
દુનિયાએ ઘણી પીડા વેઠવી પડે છે. ખરાબ લોકોની હિંસાને લીધે નહિ, પરંતુ સારા લોકોના મૂંગા બેસી રહેવાને લીધે.


આઈન્સ્ટાઈન :
હું એ બધાનો ખૂબ ખૂબ આભારી છું જેમણે મને  "ના"  કહી, તેમના કારણે જ એ કાર્યો હું પોતે કરી શક્યો
 

અબ્રાહમ લિંકન :
જો મિત્રતા તમારી સૌથી મોટી નબળાઈ હોય તો તમે જગતના સૌથી શક્તિશાળી મનુષ્ય છો.

 
માર્ટીન લ્યુથર કિંગ :
આપણે બધા એ ભાઈચારાથી હળીમળીને રહેવું જોઇએ નહિતર આપણે બધા મૂર્ખાઓમાં ખપી નાશ પામીશું.


મહાત્મા ગાંધી :
નબળા ક્યારેય માફ કરી શક્તા નથી. ક્ષમા એ તો સમર્થ અને સશક્તનો ગુણ છે.

 
ડો.અબ્દુલ કલામ :
કોઈને પરાજિત કરવું ખૂબ સરળ છે, પણ કોઈને જીતી લેવું ખૂબ અઘરૂં છે.