Saturday, August 25, 2012

હકારાત્મક ચહેરો

થોમસ જેફરસન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતાં.તેમનાં પ્રમુખકાળ દરમ્યાન એક વાર તેઓ કેટલાક સહપ્રવાસીઓ સાથે એક જગાએ ફસાઈ ગયાં જ્યાં નદીમાં પૂર આવ્યું હતું અને તેમને નદી પાર કરી બીજે કાંઠે જવાની ફરજ પડી.ઘણાં લોકો પાસે ઘોડા હતાં અને તેઓ ઘોડાની પીઠ પર બેસી નદી પાર જવા અને પોતાનું જીવન બચાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં.એક એકલો ગરીબ માણસ ગાંડીતૂર બનેલી નદી જોઈ ખૂબ ગભરાઈ ગયો અને તેણે નદી પાર કરવા જેફરસનની મદદ માંગી.જેફરસનેતો જરા પણ ખચકાયા વગર તે માણસને પોતાના માથે ખભા પર બેસી જવા કહ્યું અને ક્ષણવારમાં તેઓ નદીને બીજે કાંઠે સુરક્ષિત પહોંચી ગયા. ત્યાં જ કોઈક જેફરસનને ઓળખી ગયું અને તેણે તરત પેલા ગરીબ માણસને પૂછ્યું:"અલા તને પ્રમુખ સાહેબની મદદ માગતા જરા સરખો સંકોચે ન થયો?" એ માણસતો શોકથી દિગ્મૂઢ બની ગયો!તેને વિશ્વાસ બેસતો નહોતો કે પોતાના ખભે બેસાડી નદી પાર કરાવી તેનો જીવ બચાવનાર બીજું કોઈ નહિં પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન પોતે હતા!તેણે થોડા સમય બાદ સ્વસ્થ થયા પછી જવાબ આપ્યો,"તમારામાંના મોટા ભાગના લોકોના ચહેરા પર 'ના' લખેલી હતી,માત્ર પ્રમુખસાહેબના ચહેરા પર 'હા' લખેલી વર્તાઈ.તેમના 'હકારાત્મક ચહેરા'એ જ મને તેમની મદદ માગવા પ્રેર્યો."


ચાર્લ્સ સ્વિન્ડોલ કહે છે:"હું રોજ સૌથી મહત્વનો એક નિર્ણય લ ઉં છું જે હોય છે મારા અભિગમને પસંદ કરવાનો.જ્યારે મારો અભિગમ સાચો(યોગ્ય) હોય છે ત્યારે કોઈ બંધન અતિ કઠણ નથી બની રહેતું, કોઈ ખીણ ઉંડી નથી ભાસતી, કોઈ સ્વપ્ન અશક્ય નથી જણાતું કે કોઈ પડકાર અશક્ય નથી લાગતો."

('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 18, 2012

સારા માણસો આપણી આસપાસ વસતાં હોય છે (ભાગ - ૨)

"અમે ૩૦ જણ હતાં જ્યારે રાત્રિના અંધકારમાં અમને પોઇન્ટ ૪૮૭૫ પર કબ્જો જમાવી લેવાનો આદેશ અપાયો. દુશ્મનો ટોચેથી ગોળીઓનો વરસાદ વરસાવી રહ્યા હતાં. કઈ ગોળી ક્યાંથી આવશે અને કોને વાગશે તેની કોઈ ખબર કોઈને નહોતી. સવારે જ્યારે ટોચ પર અમે આપણો ભારતીય ત્રિરંગો લહેરાવ્યો ત્યારે અમારા માંના માત્ર ચાર જણ જીવતા બચ્યા હતાં."


"શું તમે એક..."

"હું સુબેદાર સુશાન્ત છું, ૧૩મી જમ્મુ અને કાશ્મીર રાઈફલ ટુકડીમાંથી જે કારગિલમાં પિક ૪૮૭૫ પર ફરજ બજાવી રહી હતી. તેમણે હવે મને જણાવ્યું છે કે મેં મારો ફરજગાળો પૂર્ણ કર્યો છે અને હવે હું કોઈ સરળ અસાઈનમેન્ટ પસંદ કરવા સ્વતંત્ર છું. પણ તમે જ કહો સર, શું માત્ર જીવન થોડું સરળ બની રહે એ માટે કોઈ પોતાની ફરજ છોડી શકે?

જ્યારે અમે પિક ૪૮૭૫ પર વિજય મેળવ્યો ત્યારે મારો એક સાથી ત્યાં બરફ પર જખ્મી પડ્યો હતો અને દુશ્મનોની ગોળીથી સહેલાઈથી વિંધાઈ જઈ શકે એમ હતું અને અમે બંકરો પાછળ છૂપાઈ રહ્યા હતા.

એ સૈનિકના ઘાયલ શરીરને ત્યાંથી ખેંચી સુરક્ષિત સ્થળે લઈ આવવાની મારી ફરજ હતી જેથી તેનો જીવ બચાવી શકાય પણ મારા ઉપરી કેપ્ટન સાહેબે મને એમ કરવાની મંજૂરી ન આપી અને તેઓ પોતે એમ કરવા માટે આગળ ધસી ગયા.

તેમણે કહ્યું તેમણે એક જેન્ટલમેન કેડેટ તરીકેની પહેલી પ્રતિજ્ઞા એ લીધી હતી કે તેમના માટે રાષ્ટ્રની સુરક્ષિતતા અને કલ્યાણ સૌથી અગ્રિમ સ્થાને રહેશે પછી પોતાના સૈનિક ભાઈઓની સુરક્ષા અને કલ્યાણ, જે તેના હાથ નીચે અને તેની સાથે કે તેના ઉપરી હોય અને પોતાની સુરક્ષા અને પોતાના કલ્યાણ તેમના માટે સદાયે સૌથી છેલ્લા ક્રમે રહેશે."

મારા એ ઘવાયેલા સૈનિક મિત્રની જાન બચાવવા, તેની ઢાલ બની જઈ, તેના શરીરને બંકર સુધી લઈ આવતા, મારા ઉપરી કેપ્ટન સાહેબ મારી નજર સમક્ષ દુશ્મનોની ગોળીઓથી વિંધાઈ જઈ શહીદ થઈ ગયા. એ પછી રોજ સવારે જ્યારે અમે સાવધાન થઈ ઉભા રહેતા ત્યારે મને મારા એ ઉપરી સાહેબ મારા શરીર પર વાગવી જોઇતી હતી એ બધી ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લેતા હોય એવું સ્મરણ થતું. હું જાણું છું સર, હું જાણું છું 'લાઈન ઓફ ફાયર' પર ઉભા રહેવું કેટલું અઘરું છે."

વિવેક તે યુવાનની સામે, તેને વિશ્વાસ ન બેસતો હોય એવી મુદ્રા સાથે, બાઘો બની તાકી રહ્યો. તે નક્કી કરી શક્યો નહિં કે કઈ રીતે પ્રતિભાવ આપવો.તેણે તરત પોતાનું લેપટોપ બંધ કરી દીધું.

એવી એક વ્યક્તિ સામે વર્ડ ડોક્યુમેન્ટ એડિટ કરવું તેને સાવ ક્ષુલ્લક લાગ્યું જેના માટે વીરતા અને ફરજ તેના જીવનનો અને કાર્યનો અંતરંગ હિસ્સો હોય અને આમ છતાં તેને તેનો લેશ માત્ર પણ અહંકાર ન હોય અને પોતાના ઉપરીઓ માટે જેને ભારોભાર માન અને આદર હતાં.સ્ટેશન આવ્યું અને ટ્રેન ધીમી પડી અને સુબેદાર સુશાન્તે પોતાનો સામાન ઉપાડી ઉતરવાની તૈયારી કરી."તમને મળીને ખૂબ આનંદ થયો સર."તેણે કહ્યું અને વિવેક સાથે હાથ મિલાવવા પોતાનો હાથ લંબાવ્યો.

વિવેકે અતિ ક્ષોભ અનુભવ્યો અને તે બરાબર હાથ પણ મિલાવી શક્યો નહિં. આ એ જ હાથ હતો...જે પહાડો પર ચડ્યો હતો, જેણે દેશની રક્ષા કાજે બંદૂક ચલાવી દુશ્મનો પર ગોળીઓ છોડી હતી અને જેણે ત્રિરંગો લહેરાવ્યો હતો.અચાનક વિવેક સાહજિક સ્ફુરણાથી ઉભો થઈ ગયો અને તેનો જમણો હાથ તેના કપાળ સુધી પહોંચી ગયો,સુબેદાર સુશાન્તને સલામી આપવા! આટલું તો એ તેના દેશ માટે કરી જ શકે એમ હતો.સુબેદાર સુશાન્તે વર્ણવેલ પીક ૪૮૭૫ જીતી લેવાનો કિસ્સો એ કારગિલના યુદ્ધ દરમ્યાન બનેલી સત્ય ઘટના છે.જ્યારે વિજય હાથવેંતમાં જ હતો ત્યારે કેપ્ટન બત્રાએ પોતાના હાથ નીચે કામ કરતા એક જવાન કમાન્ડોનો જીવ બચાવવા પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી.આ અને આવા બીજા પણ અનેક વીરતાભર્યાં પરાક્રમો બદલ તેમનું દેશના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમ વીર ચક્ર આપી સન્માન પણ કરાયું હતું.નમ્રતા પૂર્વક જીવો, આપણી આસપાસ મહાન લોકો જીવતા હોય છે.ચાલો તેમની પાસેથી કંઈક શીખીએ.

જીવન એટલે ઝંઝાવાતમાં કઈ રીતે ટકી રહેવું એ નહિં પણ કઈ રીતે વરસાદમાં નાચીને તેનો ભરપૂર આનંદ લૂંટવો એ છે!

(સંપૂર્ણ)


('ઈન્ટરનેટ પરથી')

Thursday, August 16, 2012

સારા માણસો આપણી આસપાસ વસતાં હોય છે (ભાગ - ૧)

આ એક સાચી વાર્તા છે.શતાબ્દી ટ્રેનમાં એક યુવાન અને એક સોફ્ટવેર એન્જિનિયર વચ્ચે થયેલો આ સંવાદ અતિ રસપ્રદ અને અચૂક વાંચવા લાયક છે.


વિવેક પ્રધાન એક દુ:ખી આત્મા હતો. શતાબ્દી એક્સપ્રેસના એરકન્ડિશન્ડ ડબ્બાની આરામદાયક મુસાફરી દરમ્યાન પણ તેનું મન ઉદ્વિગ્ન હતું,તેના મનને શાંતિ નહોતી અને તેની નસો તણાયેલી હતી.તે હજી પ્રોજેક્ટ મેનેજર હતો અને તેનું પદ હજી વિમાનની હવાઈ મુસાફરીનો લાભ મેળવવા જેટલું ઉંચુ નહોતું! તેણે કંપનીના એડમિન સાથે માથાઝીંક પણ કરી જોઈ હતી કે હવાઈ મુસાફરીથી કેટલો સમય બચી જાય અને જો એ સમયનો તે સદુપયોગ કરી મહત્વના કામો પૂરા કરી શકે તો તેના માથે ઝળૂંબી રહેલા કામના ડુંગરનો ભાર થોડો હળવો થાય! એક પ્રોજેક્ટ મેનેજરને કેટકેટલા કામ કરવાના હોય છે! પણ એડમિનને રીઝવવામાં તેને સફળતા ન મળી અને તેણે શતાબ્દીથી જ મન મનાવવું પડ્યું!

તેણે પોતાની બેગ ખોલી અને જીવનના અવિભાજ્ય અંગ બની ગયેલ લેપટોપ કાઢ્યું. સમય નો સદુપયોગ કરી કામ નો બોઝ થોડો હળવો કરવા!

"શું તમે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો સર?" તેની બાજુમાં બેસેલા સહપ્રવાસી યુવાને કુતૂહલ અને માન ભરી દ્રષ્ટી લેપટોપ તરફ નાખતા પૂછ્યું.

વિવેકે તેના તરફ અલપઝલપ જોઈ હકારમાં ડોકું ધૂણાવ્યું અને લેપટોપની અતિ મોંઘી કારની જેવી કાળજી લઈએ તેટલા ધ્યાનપૂર્વક ચાલુ કર્યું અને બેઠક સામે પાટીયા પર ગોઠવ્યં.

"તમે લોકોએ દેશમાં કેટલી બધી આધુનિકતા આણી છે સર! આજે એક પણ એવું ક્ષેત્ર નહિં હોય જે કમ્પ્યુટરાઈઝ્ડ નહિં હોય!"

વિવેકે સસ્મિત આભાર માનતા હવે પેલા યુવાન તરફ વ્યવસ્થિત રીતે જોયું.તેની પ્રશંસા તેની નબળાઈ હતી! કોઈ તેના વખાણ કરે એ તેને ખૂબ ગમતું.પેલા યુવાનનું શરીર કોઈ રમતવીર જેવું કસાયેલું હતું.તે ખૂબ સાદો હતો અને શતાબ્દીના આ રજવાડી પરિસરમાં અસ્થાને લાગતો હતો.કદાચ એ રેલવે ખાતાના કોઈ અધિકારીનો સગોવહાલો હશે અને મફત સવારીનો લાભ એ લાગવગને આધારે લઈ રહ્યો હશે એવું અનુમાન વિવેકે કર્યું.

"તમારું કામ જોઈ હું હંમેશા આશ્ચર્ય અને અહોભાવ અનુભવું છું! તમે એક ઓફિસમાં બેસી કમ્પ્યુટર પર કંઈક લખો છો જેને કારણે બહારની દુનિયામાં અકલ્પનીય મોટી મોટી વસ્તુઓ શક્ય બને છે!" પેલા યુવાને કહ્યું.

વિવેકે તિરસ્કારભર્યું સ્મિત કર્યું.તે યુવાનની અજાણતા અને ભોળપણ પર તેને ગુસ્સો આવ્યો.તેણે યુવાનને સમજાવતો હોય એ રીતે કહ્યું,"મિત્ર એ લાગે છે એટલું સરળ નથી. એ માત્ર એક જગાએ બેસી કેટલીક લાઈન્સ લખવા જેટલું જ સિમીત ,મર્યાદિત નથી.તેની પાછળ ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે."

એક ક્ષણ માટે તો વિવેકને પેલા અબુધ યુવાનને આખી સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ સમજાવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી! પણ તેણે માત્ર આટલું જ કહ્યું:"આ અતિ સંકુલ (કોમ્પ્લેક્સ) છે,અતિ સંકુલ!"

"હોવું જ રહ્યું. તમને એ માટે કેટલો બધો ઉંચો પગાર મળે છે!" યુવાને પ્રતિભાવ આપ્યો.

વિવેકે આ મુજબનો પ્રતિભાવ નહોતો ધાર્યો.અત્યાર સુધીના તેના સમજાવટના મિત્રાચારી ભર્યા સૂરમાં હવે થોડો રોષ અને અકળામણ ભળ્યા.

"બધાને પૈસો જ દેખાય છે.કોઈને અમારી અથાગ મહેનત નથી દેખાતી.ભારતીયોની મહેનતની વ્યાખ્યા કેટલી સંકુચિત છે.માત્ર અમે એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી કામ કરિએ એટલે અમારી મહેનત ઓછી નથી થઈ જતી.તમે તમારા બાવડાનું બળ વાપરો છો અને અમે મગજની કસરત કરીએ ચીએ પણ એ જરાયે ઓછું કે ઉતરતું નથી."

તેણે જોયું કે તેના આ વાક્યોની પેલા યુવાન પર ધારી અસર થઈ હતી.તેણે આગળ ચલાવ્યું:"મને એક ઉદાહરણ આપવા દે.આ ટ્રેનનો જ દાખલો લે.આખી રેલવે ટિકીટ આરક્ષણ પધ્ધતિ આજે કમ્પ્યુટરાઈઝ્ડ થઈ ગઈ છે. તમે આખા દેશના ગમે તે બે સ્ટેશન વચ્ચેની ટિકીટ, દેશના ગમે તે સંગણીક્રુત બુકિંગ સેન્ટરેથી સહેલાઈથી બુક કરી શકો છો.

એક જ કેન્દ્રિય ડેટાબેઝનો સંપર્ક કરી એકી સાથે એક જ સમયે હજારો બુકિંગ્સ શક્ય બને છે.એ પણ સુરક્ષિતતા,માહિતીની ચોકસાઈ અને અખંડતા જાળવીને.આવી કોમ્પ્લેક્સ સિસ્ટમ ડીઝાઈન અને કોડ કરવી કેટલું અઘરૂં કાર્ય છે તેની તને કલ્પના પણ આવે છે?"

યુવાન છોભીલો પડી ગયો.કોઈ બાળક પરીલોકમાં પહોંચી આભો બની જાય એમ જ! આ બધું ઘણું વિશાળ અને તેની કલ્પના બહારનું હતું.

"તમે આવી વસ્તુઓનું ડીઝાઈનિંગ અને કોડીંગ કરો છો...?"

વિવેકે થોડા અટક્યા બાદ જવાબ આપ્યો,"એ હું કરતો હતો, થોડા વર્ષો અગાઉ સુધી. હવે હું પ્રોજેક્ટ મેનેજર છું.

યુવાને સાહજિકતાથી કહ્યું,"ઓહ..તો હવે તમારું જીવન સરળ છે!"

વિવેક માટે આ છેલ્લો ઝટકો હતો! તે તાડુક્યો,"કેવી વાત કરે છે! તમે જેમ જેમ કારકિર્દીની સીડીમાં ઉપર ચઢતા જાવ તેમ તેમ તમારી જવાબદારીઓ વધતી જાય છે અને તમારા કામનો બોજો પણ. ડીઝાઈન અને કોડિંગ કદાચ સહેલું હશે. એ હવે મારે કરવાનું હોતું નથી પણ હું તેના માટે જવાબદાર હોઉં છું અને સાચું કહું તો એ વધારે તણાવભર્યું છે.મારું કામ છે કામ કઢાવવાનું અને તે પણ મર્યાદિત નિર્ધારિત સમયમાં અને પાછું ઉત્તમ ગુણવત્તા ધરાવતું!

કામના દબાણ વિષે તો તને શું વાત કરું! એક બાજુ કસ્ટમર એટલે કે ગ્રાહક હોય છે જે હંમેશા રીક્વાયર્મેન્ટ એટલે કે તેની માગ બદલતો રહે છે તો બીજી બાજુ યુઝર હોય છે જેને કંઈક બીજું જ જોયતું હોય છે અને એક બાજુ તમારો બોસ હોય છે જે ક્યારેય તમારા કામથી સંતુષ્ટ નથી હોતો.”

આટલું બોલી ગયા બાદ થોડું વધારે પડતું અને એ પણ આક્રમકતા પૂર્વક બોલાઈ ગયું એવો અહેસાસ થતાં વિવેક શાંત થઈ ગયો. તેને સાથે એવો પણ વિચાર આવ્યો કે તેણે જે કંઈ કહ્યું એ ભલે પોતે થોડા વધુ ભાવુક થઈ જઈ પોતાની ભડાશ બહાર કાઢવા કહ્યું પણ એ સત્ય જ તો હતું પછી પોતે શા માટે જરા સરખુંયે પસ્તાવું જોઇએ?

છેવટે તેણે પોતાની વાતના ઉપસંહાર જેવું કંઈક બોલતા કહ્યું : ”મારા મિત્ર તને ખબર નથી આ પરિસ્થિતી ‘લાઈન ઓફ ફાયર’ (અગ્નિપરીક્ષા) જેવી જ હોય છે.”

આ શબ્દો સાંભળતા જ જાણે એ યુવક ક્યાંક ખોવાઈ ગયો. તે પોતાની બેઠક પર થોડો પાછળ ખસી આંખો બંધ કરી કંઈક યાદ કરતો હોય એમ ધ્યાન સમાધિમાં સરી પડ્યો.થોડી ક્ષણો પછી તે જ્યારે બોલ્યો ત્યારે તેના સ્વરમાં રહેલી મક્કમતાએ વિવેકને આશ્ચર્યચકિત કરી મૂક્યો.

યુવાને કહ્યું:”હું જાણું છું. સર, હું બરાબર જાણું છું ‘લાઈન ઓફ ફાયર’ પર હોવ ત્યારે કેવો અનુભવ થાય છે…”

તે ભાવશૂન્ય નજરે એક ચોક્કસ દિશામાં તાકી રહ્યો હતો જાણે આજુબાજુનું બધું તેણે વિસારે પાડી દીધું હોય એ રીતે…જાણે ટ્રેન ન હોય, કોઈ યાત્રી ન હોય, ફક્ત સમયનો અનંત ખંડ જ માત્ર અસ્તિત્વ ધરાવતો હોય એમ…

(ક્રમશ:)


('ઈન્ટરનેટ પરથી')

Sunday, August 5, 2012

ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ : સાચા મિત્રો

સાચા મિત્રના ગુણ કયા કયા?

સાચા મિત્રો તમારા સારા સાથી બની રહેતા હોય છે,તેમની સાથે તમને સામાન્ય કામો કરવાની મજા તો આવે જ છે, પણ તેમના સહવાસ માત્રમાંયે તમને આનંદ આવે છે.

સાચા મિત્રો સાથે કયું કામ કરો છો તે ગૌણ બની રહે છે અને તમે તેમની સાથે હોવ તે જ સૌથી અગત્યની બાબત હોય છે.

સાચા મિત્રોની હાજરી તમે ખુશ હોવ ત્યારે તો ઝંખો જ છો પણ તેમની હાજરી તમને કપરા કાળમાંયે શાતા આપનારી બની રહે છે.

સાચા મિત્રો પોતે પણ તમારા સારા સમયમાં તો તમારી સાથે રહેવું પસંદ કરતાં હોય છે પણ તમારા દુ:ખના સમયમાંયે તમારી પડખે ઉભા રહી, તમારો અડગ સહારો બની રહે છે,તમને સમય આપે છે.

સાચા મિત્રો તમારા વિષે તો ઘણું બધું જાણતા જ હોય છે પણ તે તમનેય સાચા અર્થમાં જાણતા હોય છે,તમારા ખરા વ્યક્તિત્વને પિછાણતા હોય છે.

સાચા મિત્રોએ તમારો શ્રેષ્ઠ સમય જોયો હોય છે અને તમારા કનિષ્ઠ સમયમાં સાથ નિભાવી તેનાં પણ એ સાક્ષી બન્યા હોય છે.

સાચા મિત્રો તમારી અકળાવી મૂકનારી આદતો સહન કરે છે,મૂર્ખતા ભરી વાતો સાંભળે છે, ખરાબ ટૂચકા કે રમૂજ પર પણ હસે છે અને તમે તેમને આપેલા વચન ન નિભાવો ત્યારે પણ તેઓ એ સહન કરે છે.એથી બે ડગલા આગળ વધીને ક્યારેક તો તેઓ તમારા તરફથી થયેલી ઉપેક્ષા, ક્રોધ અને અણછાજતી ટીકાટીપ્પણી પણ સહન કરી લે છે.

સાચા મિત્રોએ તમારો શ્રેષ્ઠ સમય જોયો હોય છે અને તમારા કનિષ્ઠ સમયમાં સાથ નિભાવી, તેનાં પણ એ સાક્ષી બન્યા હોય છે.

સાચા મિત્રો સદાયે તમને માફી આપે છે કારણ તેમને મન જે બાબતે તમને ઉશ્કેર્યા તેના કરતાં તમારી દોસ્તીનું મહત્વ વિશેષ હોય છે.

સાચા મિત્રો તમારા પક્ષમાં જ હોય છે અને જ્યારે તમને તેમની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ તમારા માટે હાજર હોય છે.

સાચા મિત્રો તમને એક ઉત્તમ કક્ષાના મૂલ્યવાન ચિત્ર સમાન ગણે છે, તમારી સાથે એ રીતે વર્તન કરે છે, તમને બીજાઓ સમક્ષ એ રીતે ચિત્રે છે,વર્ણવે છે.

સાચા મિત્રો તમારી સફળતાઓ માટે ગૌરવ અનુભવે છે, ઇર્ષ્યા નહિં. તેઓ તમારા વ્યક્તિત્વને ઘડે છે અને તમારો વિનાશ નથી નોતરતાં.

સાચા મિત્રો તમે દુ:ખી હોવ ત્યારે તમારી સાથે રડે છે અને તમે ખુબ ખુશ હોવ ત્યારે તમારી સાથે નાચે છે,આનંદપ્રમોદમાં સહભાગી થાય છે.

સાચા મિત્રો તમારું સારું ઇચ્છે છે, તમારામાંથી સારામાં સારું (કૌવત) બહાર લાવે છે અને તમારી પાસેથી પણ સામે સારામા સારું ઝંખે છે.

- માઈકલ જોસેફસન

('ઈન્ટરનેટ પરથી')