Sunday, April 29, 2012

ઇન્ટરનેટ કોર્નરની ચોથી સદી વેળાએ...

વ્હાલા વાચકમિત્રો,

ઇન્ટરનેટ કોર્નરનો આજે નોન-સ્ટોપ ૪૦૦મો લેખ રજૂ કરતાં મને ખૂબ આનંદની લાગણી થઈ રહી છે.

આ કટારને આઠ વર્ષ પૂરા થઈ ગયાં છે. હું જન્મભૂમિ પરિવાર અને તમારા સૌ વાચક મિત્રોનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું.

તમે આ કટાર અપનાવી લઈ મને સતત ખૂબ પ્રેમ અને પ્રોત્સાહન આપ્યાં છે. સારા વિચારો વ્યક્ત કરવાનો અને તેમને વહેતા કરવાનો મારો આશય કંઈક અંશે સફળ થયો છે એ આ કટાર પર આધારિત પાંચ પુસ્તકો (કથાકોર્નર, મહેક, કરંડિયો, આભૂષણ અને ઝરૂખો) ને મળેલી સફળતાએ સિદ્ધ કર્યું છે. ભગવાનની કૃપા, વડીલોના આશિર્વાદ અને મારા પરિવારજનો તેમજ તમારા વાચકમિત્રોની દુઆઓને પરિણામે આ પુસ્તકોનું તાજેતરમાં ચોથી વાર પુન: મુદ્રણ થયું છે. આ કટાર તેમજ પુસ્તકોની સફળતાનો બધો યશ હું જન્મભૂમિના તંત્રીશ્રી કુન્દનભાઈ વ્યાસ, આ કટાર શરૂ કરાવનાર આશાબેન ગોસ્વામી, ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર જન્મભૂમિ પરિવાર, મારા આ પુસ્તકોના પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન અને રોહિતભાઈ શાહ તેમજ મારા વાચકમિત્રો તમને આપું છું.

તમને મારા સાદર વંદન અને આવો જ પ્રેમ આપતા રહેવાની અભ્યર્થના.

- વિકાસ ઘનશ્યામ નાયક


વિચારમાળા

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા


* * * * * * * * * * * * * * * * *
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે

* * * * * * * * * * * * * * * * *


માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો .

* * * * * * * * * * * * * * * * *


જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !

* * * * * * * * * * * * * * * * *
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે ,

પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધમાં આખી જિંદગી વીતી જાય છે ..

* * * * * * * * * * * * * * * * *
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ ,

કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

* * * * * * * * * * * * * * * * *

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે

અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો .

* * * * * * * * * * * * * * * * *
પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને

સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!

* * * * * * * * * * * * * * * * *
તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ

પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !!

* * * * * * * * * * * * * * * * *
દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે કસ્તુરી .

બન્નેને બરાબર સાચવી શકો તો એ

બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!

* * * * * * * * * * * * * * * *
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?

જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો

* * * * * * * * * * * * * * * *
પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે

એક - એ રડી શકે છે અને

બે- એ ધારે ત્યારે રડી શકે છે !!!!!

* * * * * * * * * * * * * * * *
આખી જીંદગી આંકડા તમે માંડો અને

છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્) નસીબ!



('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 21, 2012

પારસમણિ

કહેવાય છે કે જ્યારે એલેક્સેન્ડ્રિયાનો ગ્રંથાલય બળીને રાખ થઈ ગયો ત્યારે માત્ર એક પુસ્તક બચી જવા પામ્યું. પણ આ પુસ્તક કોઈ ખ્યાતનામ ગ્રંથ નહોતો અને આથી એક ગરીબ માણસ જે બરાબર વાંચી પણ શકતો નહોતો, તેને સાવ થોડા રૂપિયા આપી ખરીદી ગયો.


આ પુસ્તક કંઈ ખાસ રસ પડે તેવું નહોતું પણ તેના પાનાઓ વચ્ચે જરૂર રસપ્રદ એવી એક વાત છૂપાયેલી હતી.એક જગાએ ઉપસેલા અક્ષરોમાં ખાસ અલગ રંગના અક્ષરોમાં આ પુસ્તકમાં 'પારસમણિ'નું રહસ્ય છપાયેલું હતું.

પારસમણિ એક એવો નાનકડો ગોળ કાંકરો હતો જેના સ્પર્શ માત્રથી ગમે તે ધાતુનું સોનામાં પરિવર્તન થઈ જાય.પુસ્તકના લખાણમાં એવી માહિતી હતી કે આ પારસમણિ તેના જેવા જ દેખાતા અન્ય હજારો-લાખો કાંકરા વચ્ચે એક ખાસ દરિયા કાંઠે પડેલો હતો. પણ રહસ્ય એ હતું કે બીજા બધાં કાંકરાઓ કરતાં પારસમણિ અડીએ તો સહેજ વધુ ગરમ લાગે, અન્ય કોઈ પણ કાંકરો સ્પર્શે સાવ ઠંડો લાગે.

માણસ તો આ વાંચી પોતાનું જે કંઈ થોડુંઘણું રાચરચીલું હતું તે વેચી દઈ, પોતાની સાથે સાવ ઓછો જરૂરિયાત જેટલો જ સામાન લઈ નિકળી પડ્યો પુસ્તકમાં લખેલી જગાએ - દરિયા કિનારે, પારસમણિની શોધમાં. તેણે તો દરિયાકિનારે જ તંબુ બાંધ્યો અને તે આસપાસ પડેલા કાંકરા તપાસવા માંડ્યો.

તેને લાગ્યું કે જો તે સામાન્ય કાંકરો ઉપાડી તે ઠંડો જણાય તો તેને નીચે નાંખી દેતા ફરી તે બીજા હજારો કાંકરામાં ભળી જશે અને તે લાખો પ્રયત્ન છતાં સાચા પારસમણિને શોધી શકશે નહિં.આથી તે જે જે કાંકરો હાથમાં લઈ સ્પર્શે ઠંડો જણાય તેને દરિયામાં નાંખી દેવા લાગ્યો. આખો એક દિવસ આમ કાંકરા ચકાસવામાં નિકળી ગયો અને તેણે હજારો સામાન્ય કાંકરા દરિયામાં પધરાવી દીધા પણ પારસમણિ તેના હાથે લાગ્યો નહિં.પણ તે નિરાશ થયો નહિં.તેણે થાક્યા વગર 'કાંકરો ઉપાડવો - તે ઠંડો છે એમ જાણવું - તેને દરિયામાં નાખી દેવો - ફરી નવો કાંકરો ઉપાડી ચકાસવો' આ પુનરાવર્તી પ્રક્રિયા ચાલુ રાખી.

આજ રીતે દિવસોના દિવસો, સપ્તાહોના સપ્તાહો અને મહિનાઓના મહિનાઓ વિતી ગયાં.આખરે એક દિવસ બપોરે તે માણસના હાથમાં એક કાંકરો આવ્યો જે સ્પર્શે બીજા બધાં કાંકરાઓ કરતાં ગરમ હતો.પણ હજી એ અનુભવે કે તે શું કરવા જઈ રહ્યો છે કે તેણે શું કરવું જોઇએ, તેણે આ કાંકરાનો પણ સીધો દરિયામાં ઘા કરી દીધો.

મહિનાઓ સુધી એકની એક પ્રક્રિયા કરી તેને એટલી હદે કાંકરા દરિયામાં ફેંકવાની આદત પડી ગઈ હતી કે તેણે જ્યારે, જેની શોધમાં તે આટલી આકરી મહેનત કરી રહ્યો હતો તે પારસમણિ હાથમાં આવ્યો ત્યારે તેને પણ સામાન્ય કાંકરો સમજી દરિયામાં ફેંકી દીધો.

આવું જ આપણાં જીવનમાં આવતી તકોનું હોય છે.જો આપણે સતત જાગૃત ન હોઇએ તો કઈ ઘડીએ આવેલી ક્ષણ હાથમાંથી છટકી જાય એ કોઈ જાણી શકતું નથી.આપણે પોતે જ જાણ્યે-અજાણ્યે તેને જતી કરી દેતાં હોઇએ છીએ.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 14, 2012

ડોન્ટ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ...

[આજકાલ દારૂ પીને ગાડી ચલાવી બીજા નિર્દોષ લોકોની હત્યા કરવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે આજે ઇન્ટરનેટ કોર્નરની આ કવિતા દ્વારા આમ કરનાર લોકોની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે.વાંચીને તે તમારા પરિવારના અન્ય સભ્યોને,મિત્રોને અને સ્નેહીજનોને વંચાવજો...રખે ને કોઈની જાન બચાવવામાં આપણે સહભાગી બનીશું..]


હું પાર્ટીમાં ગયેલો, મોમ

મને યાદ છે તે શું કહેલું,

તે મને દારૂથી દૂર રહેવા કહેલું મોમ,

અને એટલે મેં ફક્ત સોડા પીધી...



મને અંદરથી ગર્વનો અનુભવ થતો હતો, મોમ

તે કહેલું ને હું અનુભવીશ, એમ જ!

મેં દારૂ નહિં પીને જ ડ્રાઈવ કર્યું, મોમ

મારા મિત્રોએ મને ખૂબ આગ્રહ કર્યો તેમ છતાં...



હું જાણું છું કે મેં (આમ કરીને) યોગ્ય જ કર્યું, મોમ

હું જાણું છું કે તુ સદાય મને સાચી અને સારી જ સલાહ આપતી હોય છે.

હવે પાર્ટી પૂરી થઈ ગઈ, મોમ

ને બધા પોતપોતાની ગાડી ડ્રાઈવ કરી ઘેર જવા માંડ્યા.



હું પણ આપણી ગાડીમાં બેઠો, મોમ

એમ ધારીને કે હું સહી સલામત પાછો ઘેર પહોંચી જઈશ

કારણ તે જે રીતે મને ઉછેરી મોટો કર્યો છે, મોમ

એક મીઠડો પણ જવાબદાર યુવાન...



મેં હળવેથી ડ્રાઈવ કરવું શરૂ કર્યું, મોમ

પણ થોડી જ ક્ષણો બાદ હું જ્યારે હાઈવે પર આવ્યો,

બીજી એક ગાડીએ મને કે મારી ગાડીને ન જોયાં, મોમ

અને હું કોઈ નિર્જીવ પત્થર હોઉં એમ તેણે મને કચડી નાંખ્યો…



હું જ્યારે ફંગોળાઈને રસ્તાની એક બાજુએ જઈ પડ્યો મોમ

ત્યારે મેં પોલિસને એમ કહેતા સાંભળ્યો કે

એ બીજી ગાડી વાળો પીધેલો હતો, મોમ

અને એની સજા ભોગવી રહ્યો હતો હું...



હવે થોડી જ ક્ષણોમાં હું પરમધામે પહોંચી જઈશ, મોમ

હું હ્રદયના ઉંડાણથી ઇચ્છું છું કે એ પહેલા એક વાર તું આહિં આવી પહોંચે,

મારી સાથે આવું શી રીતે બન્યું મોમ?

મારું જીવન એક ફુગ્ગાની જેમ ફૂટી ગયુ...



મારી આજુબાજુ લોહી જ લોહી છે,મોમ

અને એ મારું પોતાનું જ લોહી છે

મેં ડોક્ટરને કહેતાં સાંભળ્યા,મોમ

કે થોડી જ વારમાં હું મરી જઈશ...



મારે તને માત્ર એટલું જ જણાવવું છે, મોમ

કે મેં દારૂનું સેવન કર્યું નથી

એ બીજાઓ હતાં જેમણે એમ કર્યું હતું મોમ...

જેમણે વિવેકબુદ્ધિ ગુમાવી બીજાઓનો વિચાર પણ કર્યો નહિં...



જેની ગાડીએ મને કચડી નાંખ્યો

એ યુવાન પણ મારી સાથે જ પાર્ટીમાં હતો

પણ ફરક માત્ર એટલો જ હતો કે

તેણે દારૂ પીધો અને મરી જઈશ હું..



લોકો શા માટે પીતા હશે મોમ?

દારૂનું સેવન તમારા આખા જીવનને બરબાદ કરી નાંખે છે

હવે મને ખૂબ પીડા થઈ રહી છે, મોમ

જાણે મારા શરીર પર કોઈ ચાકુના ઘા કરી રહ્યું હોય...



એ યુવાન જેણે મને કચડી નાંખ્યો એ ચાલી રહ્યો છે, મોમ

અને હું નથી માનતો કે આ બરાબર છે

હું અહિં મરી રહ્યો છું અને કંઈ કરી શકું છું

તો એટલું જ કે માત્ર તેને તાકી રહેવું…



ભાઈને કહેજે કે એ બહુ રડે નહિં મોમ

અને પપ્પાને કહેજે કે તે હિંમત રાખે...

અને હું જ્યારે સ્વર્ગે સિધાવું ત્યારબાદ

મારી કબર પર લખાવજે 'ગુડ બોય'



કોઈકે પેલા યુવાનને પણ કહેવું જોઈતું હતું કે

તે દારૂ પીને ગાડી ન ચલાવે

જો કોઈકે તેમ કર્યું હોત તો

આજે હું મૃત્યુને બિછાને ન પડ્યો હોત...



હવે મારા શ્વાસ રૂંધાય છે મોમ

મને ડર લાગી રહ્યો છે…

મહેરબાની કરીને તું રડતી નહિં મોમ

જ્યારે જ્યારે મને તારી જરૂર હતી એ દરેક ઘડીએ તું મારી પડખે હતી…



મારે એક અંતિમ પ્રશ્ન પૂછવો છે, મોમ

હું અલવિદા કહી દઉં આ ફાની દુનિયાને એ પહેલાં...

મેં તો દારૂ પીને ગાડી હંકારી નહોતી

તો પછી મારું મૃત્યુ શા માટે મોમ?



કોઈકે આ કવિતા લખવાની જહેમત ઉઠાવી છે લોકોને માત્ર એટલું જ સમજાવવા કે દારૂ પીને ડ્રાઈવ કરશો નહિં. મહેરબાની કરી ડ્રિંકિંગ અને ડ્રાઈવિંગની ભેળસેળ કરશો નહિં...

('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 8, 2012

સચિન તેંડુલકર તેની ૧૦૦મી સદી પર શાનદાર કમેન્ટ્સ

તાજેતરમાં જ સચિન તેંડુલકર તેની ૧૦૦મી સદી ફટકારી અખબારોમાં છવાઈ ગયો. તેના આ વિરલ રેકોર્ડ બદલ આપણાં કેટલાંક મહાન નેતાઓએ ,અન્ય કેટલીક મોટી વ્યક્તિઓએ અને સચિને પોતે કરેલી (કાલ્પનિક રમૂજી) કમેન્ટ્સ ઇન્ટરનેટ પર વાંચવામાં આવી તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં માણીએ.


દિગ્વિજય સિંહ - સચિન એક આર.એસ.એસ.એજન્ટ છે.આટલાં બધાં દિવસ સુધી એ રાહ જ જોઈ રહ્યો હતો કે ક્યારે એક મુસ્લિમ દેશ સામે ભારત રમે અને તેમાં એ સદી ફટકારી શકે.

મનમોહન સિંહ - હું સચિનને અભિનંદન આપું છું અને સાથે સાથે શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વની પણ પ્રશંસા કરું છું.

રાહુલ ગાંધી - બાંગ્લાદેશનું નિર્માણ મારા દાદીમાએ કર્યું હતું આથી આ સદીનો બધો યશ તેમને ફાળે જવો જોઇએ.

રાજ ઠાકરે - સચીને આ સદી ફટકારી પોતાની જાતને એક સાચા મરાઠી માણૂસ તરીકે સાબિત કર્યો છે.ભારત હારી ગયું તેથી શું થઈ ગયું? મહારાષ્ટ્રીયનોએ કંઈ આખા ભારતની જવાબદારી લેવાનો ઠેકો થોડી લઈ રાખ્યો છે?

મુલાયમસિંહ યાદવ - જો સચિન યુ.પી. નો હોત તો મેં બધી જ ક્રિકેટ મેચોની ટિકિટો ટેક્સ ફ્રી કરી નાંખી હોત.

અણ્ણા હજારે - સચિનને દેશનો આગામી લોકપાલ બનાવવો જોઇએ.

બાબા રામદેવ - જો તમે સચિને આજ સુધી કરેલા કુલ રનને એક અબજ સાથે ગુણો તો જે જવાબ આવે એટલી રકમનું ભારતીયોનું કાળું નાણું વિદેશી બેન્કોમાં જમા છે.

કપિલ સિબ્બલ - સોશિયલ મિડીયાએ સચિનની સદી પર કરાતી કમેન્ટ્સ પર નજર અને કાબુ રાખવા જોઇએ.એનાથી ભારતની બિનસાંપ્રદાયિકતા પર અસર પહોંચી શકે એમ છે.

સ્વામી અગ્નિવેશ - બાંગ્લાદેશે સચિનને તેની ૧૦૦મી સદી પૂર્ણ કરવા દઈ તે ભારતનું સાચું મિત્ર હોવાનું પુરવાર કર્યું છે.ત્યાંના નાગરિકોને હવે ભારતમાં ગમે ત્યાં અને ગમે ત્યારે આવવાની,વસવાની છૂટ મળવી જોઇએ.તેમને વોટર આઈડી કાર્ડ્સ અપાવા જોઇએ.

ક્રિસ શ્રીકાન્ત - અમે સિલેક્ટર્સ એવી આશા રાખીએ છીએ કે વર્ષ ૨૦૫૦ સુધીમાં સચિન તેની દોઢસોમી સદી પૂર્ણ કરે.

અર્જુન તેન્ડુલકર - ૨૦૨૦ના વર્લ્ડ કપમાં હું મારા પિતા સાથે રમવા ઇચ્છું છું.

સચિન તેન્ડુલકર પોતે - આઈલા....હવે હું રીટાયર્ડ ન થવા કયું બહાનુ કાઢીશ?!

સોનિયા ગાંધી - (તેઓ કોઈ અજ્ઞાત બિમારીની સારવાર વિદેશની કોઈ હોસ્પિટલમાં લઈ રહ્યા હોઈ તેમની કમેન્ટ મળી શકી નથી)(!)

કરુણાનિધિ - સચિન તેન્ડુલકર કોણ છે?

જયલલિતા - ક્યારેક શશિકલા સાચું કહેતી હોય છે.તેણે આ છોકરા વિષે કહ્યું હતું.મને લાગેલું કે એ કોઈ બોલિવૂડ સ્ટાર હશે એટલે મેં એ ગણકાર્યું નહોતું.જોકે ડો.એમ.જી.આર. ની તોલે તો કોઈ પ્લેયર ન આવી શકે.

છેલ્લે શ્રેષ્ઠ કમેન્ટ મમતા (બેનર્જી) દીદીએ કોઈ બંગાળી અખબારમાં છપાવી. તેમણે કહ્યું: આટલા મોટા રનના સ્કોરનો ખડકલો કરતા પહેલા તેમની સલાહ લેવામાં આવી નહોતી.આથી સદીના સ્કોરને નેવુ રનનો સ્કોર ગણવામાં આવે.અને જો સપ્તાહના અંત સુધીમાં એમ કરવામાં ન આવે તો તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સચિનને બદલે મદન મુલો રોયને ગોઠવી દેશે.


('ઈન્ટરનેટ પરથી')