Tuesday, January 31, 2012

શું કહે છે ગુજરાતી બારખડી!

ક – કહે છે કલેશ ન કરો.


ખ – કહે છે ખરાબ ન કરો.

ગ – કહે છે ગર્વ ન કરો.

ઘ – કહે છે ઘમંડ ન કરો…

ચ – કહે છે ચિંતા ન કરો.

છ – કહે છે છળથી દૂર રહો.

જ – કહે છે જવાબદારી નિભાવો.

ઝ – કહે છે ઝઘડો ન કરો.

ટ – કહે છે ટીકા ન કરો.

ઠ – કહે છે ઠગાઇ ન કરો.

ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.

ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો.

ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.

થ – કહે છે થાકો નહીં.

દ – કહે છે દીલાવર બનો.

ધ – કહે છે ધમાલ ન કરો.

ન – કહે છે નમ્ર બનો.

પ – કહે છે પ્રેમાળ બનો.

ફ – કહે છે ફુલાઇ ન જાઓ.

બ – કહે છે બગાડ ન કરો.

ભ – કહે છે ભારરૂપ ન બનો.

મ – કહે છે મધૂર બનો.

ય – કહે છે યશસ્વી બનો.

ર – કહે છે રાગ ન કરો.

લ – કહે છે લોભી ન બનો.

વ – કહે છે વેર ન રાખો.

શ – કહે છે કોઇને શત્રુ ન માનો.

સ – કહે છે હંમેશા સાચુ બોલો.

ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.

હ – કહે છે હંમેશા હસતા રહો.

ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.

જ્ઞ –કહે છે જ્ઞાની બનો.



('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 21, 2012

જીવનમાં યાદ રાખવા જેવું

(1) ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.


(2) 'ખાઈ'માં પડેલો બચી શકે, પણ 'અદેખાઈ'માં પડેલો ન બચી શકે!

(3) મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

(4) જીભ કદાચ 'તોતડી' હશે તો ચાલશે, પરંતુ 'તોછડી' હશે તો નહિ ચાલે.

(5) 'પ્રાણ' એ પ્રથમ ભેટ,' સ્નેહ' એ બીજી અને 'સમજણ' એ ત્રીજી.

(6) વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્યતો દૂરથી જ ખીલે છે

(7) માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે યોગ્ય રીતે, પણ સંકોચાવાનું નહીં!

(8) સૌને મન ભરીને માણવું છે, જીવવું છે – પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ!

(9) મનની વિચારદષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!

(10)જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણકે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

(11) માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે!

(12) આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

(13) માણસનો વ્યવહાર અને વૃત્તિઓએનું દર્પણ છે

(14) 'આત્મપ્રશંસા' જેવું કોઈ ઝેર નથી, 'આત્મનિંદા' જેવું કોઈ અમૃત નથી!

(15) 'નથી' તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

(16) પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

(17) જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતી કાલ સર્જી છે!

(18) માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી!

(19) લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અનેપછી અરધી મીંચેલી.

(20)જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે.એક નિંદા કરનારી અને બીજી રસપૂર્વક નિંદા સાંભળનારી!


('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 14, 2012

ધ્યાન આપો

પ્રખ્યાત કાલ્પનિક જાસૂસ શેરલોક હોમ્સના સર્જક સર આર્થર કોનન ડોય્લ (Doyle) વિશેની એક રમૂજી કથા ઇન્ટરનેટ પર ફરી રહી છે. ડોય્લ એક વાર પેરિસમાં એક ટેક્સી પકડ્યાનો પોતાનો અનુભવ યાદ કરે છે. હજી તો એ ટેક્સી વાળા સામે એક હરફ પણ ઉચ્ચારે એ પહેલાં તેણે તેમને પૂછ્યું,"શ્રીમાન ડોય્લ, હું તમને ક્યાં લઈ જાઉં?" ડોય્લ તો આ સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેમણે ડ્રાઈવરને પૂછ્યું કે શું આ પહેલા તેઓ ક્યારેય મળ્યાં હતાં?


ડ્રાઈવરે જવાબ આપ્યો,"ના મહોદય!આપણે આ પહેલાં ક્યારેય મળ્યા નથી."

પછી તેણે આગળ સમજાવતા કહ્યું,"આજના સવારના અખબારમાં તમે માર્સેઇલ્સ ફરવા આવ્યા હતા એવા સમાચાર છપાયા હતા.આ ટેક્સી સ્ટેન્ડ એવી જગાએ સ્થિત છે કે માર્સેઇલ્સ થી પાછા ફરતાં યાત્રીઓએ અહિં આવવું જ પડે.તમારી ત્વચાના રંગ પરથી મને ખ્યાલ આવી ગયો કે તમે ફરીને આવ્યા છો. તમારા જમણા હાથની તર્જની આંગળી પરના સહીના ડાઘા સૂચવે છે કે તમે લેખક છો.તમારો પોશાક પણ બ્રીટીશ છે,ફ્રેન્ચ નહિં. આ બધી વિગતોનો સરવાળો કરી મેં તારણ કાઢ્યું કે તમે સર આર્થર કોનન ડોય્લ જ હશો."

લેખકે સાનંદાશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું,"આ અદભૂત કહેવાય! તું તો મારા સર્જેલા કાલપનિક પાત્ર શેરલોક હોમ્સની જીવતી-જાગતી મૂર્તિ છે!"

ડ્રાઈવરે કહ્યું,"હજી એક વાત બાકી છે."

ડોય્લે પૂછ્યું,"એ શું વળી?"

ડ્રાઈવરે જવાબ આપ્યો, "તમારી સ્યુટકેસ પર તમારું નામ લખેલું છે!"

કદાચ એ ટેક્સી ડ્રાઈવર કંઈ મોટો જાસૂસ નહોતો,પણ એ ખૂબ સારો નિરીક્ષક હતો! તેણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

જીવનને સંપૂર્ણ રીતે જીવવા ઝીણવટભર્યું ધ્યાન આપવું ખૂબ અગત્યનું છે.

રોઝ એફ. કેનેડીએ સાચું જ કહ્યું છે 'જીવન એટલે ફક્ત સિદ્ધીઓ હાંસલ કરવી એ નથી,(પણ સરસ રીતી જીવેલી)ક્ષણોનો સરવાળો (એટલે જીવન!)'.

વક્તા એલન લોય મેકગિનિસ ન્યુયોર્ક ખાતે વસતી એક મૂર્તિકારની વાત કરે છે.

તે એક અતિ જૂના જર્જરિત મકાનમાં જીર્ણશીર્ણ પાડોશીઓ વચ્ચે રહેતી હતી.પણ તે આસપાસની વસ્તુઓનું અને તેમાં છૂપાયેલા સૌંદર્યનું બારીકાઈથી નિરીક્ષણ કરતી અને તેમાંથી પ્રેરણા મેળવતી. તેના પોતાના તેમજ આજુબાજુના ઘરો પર પડતાં સૂરજ અને ચંદ્રના પડછાયાની વિવિધ આકારની સુંદર આકૃતિઓ જોઈ તેનું હ્રદય આનંદ અને આશ્ચર્યથી સભર બની જતું.ખુરશી જેવી સાવ સામાન્ય વસ્તુમાં પણ તેને કંઈક અસામાન્યના દર્શન થતાં.એક વાર તેણે કહેલું,"આ ખુરશી એટલી બધી સુંદર નથી પણ તેનો પડછાયો તો જુઓ! કેટલો સુંદર અને કેટલો અદભૂત!" ઝીણવટભર્યાં નિરીક્ષણ દ્વારા જ તે એ જોઈ લેતી જેની સામે બીજાઓ મોટે ભાગે નજર જ ન નાખતાં હોય.

જીવનમાં દરેક વસ્તુ પર,લોકો પર,ઘટનાઓ પર,તમારી સંવેદનાઓ પર ધ્યાન આપો.

સાવ સામાન્ય લાગતી વસ્તુઓ પર પણ ધ્યાન આપો. જીવનની ક્ષણો પર ધ્યાન આપો અને તમારા જીવનમાં સૌંદર્ય તેમજ ભવ્યતાની કમી નહિં હોય.ક્ષણોને ભરપૂર માણીને જ જીવ્યું સાર્થક કરી શકાય.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 7, 2012

પ્રેમને સાંભળો, સમજો...

કેટલીક વાર જીવનમાં આપણે કોઈ પ્રત્યેનો આપણો પ્રેમ વ્યક્ત કરતાં ડરતાં કે શરમાતા હોઈએ છીએ.કદાચ સામી વ્યક્તિ કે પોતાની જાતને ક્ષોભમાં મૂકવાના ડરથી આપણે ખરા શબ્દો 'આઈ લવ યુ' કહેતા ખચકાતા હોઇએ છીએ.આવે વખતે આપણે પ્રેમ બીજા શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતાં હોઇએ છીએ.આપણે કહેતાં હોઇએ છીએ 'ધ્યાન રાખજે' કે 'બહુ ઝડપથી વાહન ન હંકારીશ' કે પછી 'સારા બનજો'.પણ વાસ્તવમાં આ શબ્દો દ્વારા 'આઈ લવ યુ' જ બીજી રીતે વ્યક્ત થતું હોય છે.તમે મારા માટે મહત્વના છો એમ એ દ્વારા વ્યક્ત થતું હોય છે.


ક્યારેક આપણે અતિ વિચિત્ર વર્તન કરતાં હોઇએ છીએ.માત્ર એક વાત જે આપણે કહેવા ઇચ્છતા હોઇએ કે જે આપણે કહેવી જોઇએ એ જ આપણે નથી કહેતાં.આમ છતાં લાગણી સાચી હોવાને કારણે અને એ વ્યક્ત કરવાની જરૂર એટલી બળવત્તર હોય છે કે આપણે એ બીજા શબ્દોનો ઉપયોગ કરી કહેતા હોઇએ છીએ પણ એમ કરવા જતાં એ બીજા શબ્દો આપણી ખરી લાગણી વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે અને સામી વ્યક્તિને એવો જ અનુભવ થાય છે કે તે પ્રેમથી વંચિત રહી ગઈ છે કે તે નકામી કે બિનમહત્વની છે.

આથી આપણે બીજાઓ પ્રેમને જુદા શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય એ સતત સાંભળતા અને તેમા છૂપાયેલો ખરો અર્થ સમજવાની કોશિશ કરતાં રહેવું જોઇએ.કેટલીક વાર સ્પષ્ટ શબ્દો જરૂરી હોય છે પણ મોટે ભાગે શબ્દો જે રીતે કહેવાયા હોય એ વધારે અગત્યનું બની રહેતું હોય છે. ક્યારેક હસતાં હસતાં કરાયેલ હળવું અપમાન પણ ભારોભાર લાગણી કે પ્રેમ વ્યક્ત કરતું હોય છે. શબ્દો ભલે કંઈક જુદું કહેતા હોય પણ આવેગમાં કરાયેલું આલિંગન 'આઈ લવ યુ' જ કહેતું હોય છે.

પ્રેમ સમજવાની મુશ્કેલી એટલી જ છે કે ઘણી વાર આપણે સામી વાળી વ્યક્તિ પ્રેમ વ્યક્ત કરવા જે શબ્દો કે ભાષાનો ઉપયોગ કરી રહી હોય એ સમજી કે સાંભળી શક્તા નથી.એક યુવતિ આંસુ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરવા મથતી હોય છે પણ તેનો પ્રિયતમ યુવાન એ સમજી શક્તો નથી કારણ તે એવી અપેક્ષા રાખતો હોય છે કે યુવતિ લાગણી વ્યક્ત કરવા એ જ શબ્દો કે ભાષાનો પ્રયોગ કરે જે એ સમજી શકે.

આપણે આપણી આસપાસના લોકો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતાં હોય તે સાંભળવાનો અને સમજવાનો સતત પ્રયત્ન કરતાં રહેવું જોઇએ.જો આપણે આ વિષે થોડા વધુ સભાન ઠઈશું તો અનુભવ થશે કે આપણે અનુમાન કરીએ છીએ તેના કરતાં બીજાઓ આપણને ઘણું વધારે ચાહતા હોય છે.

પ્રેમને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરો તો માલૂમ પડશે કે આ જગત ઘણી ચાહવા લાયક અને પ્રેમથી ભરેલી જગા છે.


('ઈન્ટરનેટ પરથી')

Monday, January 2, 2012

ઇશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંવાદ

એક દિવસ મેં ઇશ્વરને પૂછ્યું કે પૃથ્વી પર કઈ રીતે જીવવું જોઇએ?


ઇશ્વરે મારી નજીક આવી મારા કાનમાં કહ્યું :

સૂર્ય જેવા બનો. સવારે વહેલા ઉઠો અને રાતે જલ્દી સૂઈ જાઓ...

ચંદ્ર જેવા બનો. અંધારામાં પ્રકાશ આપો પણ વધુ તેજમાં વિલીન થઈ જાઓ...

પંખી જેવા બનો. ખાઓ, ગાઓ,પીઓ અને ઉડો...

ફૂલો જેવા બનો. સૂર્યને ચાહો પણ તમારા મૂળિયાને વફાદાર રહો...

વિશ્વાસુ અને વફાદાર શ્વાન જેવા બનો, પણ ફક્ત તમારા માલિક પ્રત્યે...

ફળ જેવા બનો, બહારથી સુંદર અને અંદરથી તંદુરસ્ત, રસાળ...

દિવસ જેવા બનો જે શાંતિથી આવે છે અને બડાઈ ઠોક્યા વગર ચુપકીદી સાથે જતો રહે/પૂરો થઈ જાય છે...

મીઠા પાણીની વિરડી જેવા બનો. તરસ્યાની તરસ છીપાવો...

આગિયા જેવા બનો, નાનકડા હોવા છતાં પ્રકાશ રેલાવો...

પાણી જેવા બનો, શુદ્ધ, સ્વચ્છ અને પારદર્શક...

નદી જેવા બનો, સતત આગળ વહેતા રહો...

અને બીજા બધાંથી વિશેષ, સ્વર્ગ જેવા બનો જ્યાં ઇશ્વરને વાસ કરવાનું મન થાય...

-----------------------------------------------------------------------

હે ઇશ્વર,મને તારી મરજી મુજબ જીવતા, કાર્ય કરતા શીખવ કારણ તું જ મારો માલિક છે, મારો ભગવાન છે...

હે પરમાત્મા, તારી ઉદારતા મને ઉચ્ચતાના માર્ગે લઈ જાય...

-----------------------------------------------------------------------

હે ઇશ્વર,મને હું છું ત્યાં જ ન રહેવા દેતો...તું મને જ્યાં જોવા ઇચ્છે છે, ત્યાં પહોંચવામાં મારી મદદ કર...

-----------------------------------------------------------------------

નવા વર્ષની અઢળક હાર્દિક શુભેચ્છાઓ...!!!


('ઈન્ટરનેટ પરથી')