Monday, December 31, 2012

બોક્સર મોહમ્મદ અલીની તેની દીકરીને સલાહ

આ પ્રસંગ એક વાર, વિશ્વવિખ્યાત બોકસર મોહમ્મદ અલીની દીકરીઓ તેમને મળવા, અભદ્ર કહી શકાય તેવા વસ્ત્રો પહેરી આવી ત્યારે બન્યો હતો.


આ વાત, તેમની એક દીકરીના મોઢે જ કહેવાયેલી સત્ય વાત છે:

જ્યારે અમે પિતાજી પાસે પહોંચ્યા, અમારો શોફર મને અને મારી નાની બહેન લૈલાને પિતાજીના કક્ષ સુધી દોરી ગયો. હંમેશની જેમ પિતાજી અમને ડરાવવા બારણા પાછળ સંતાઈને ઉભા હતા. અમે ધરાઈ ધરાઈને એકમેકને ભેટ્યા અને તેમણે પિતૃવાત્સલ્ય અને અમે પિતાપ્રેમ વ્યક્ત કરતાં, અનેક ચુંબનોની આપલે કરી. અમારા પિતાએ ધ્યાનથી અમારૂં નિરીક્ષણ કર્યું. પછી તેમણે મને પોતાના ખોળામાં બેસાડી અને હેતપૂર્વક મારા માથે હાથ ફેરવતા એવું કંઈક કહ્યું જે હું જીવનમાં ક્યારેય ભૂલી નહિ શકું.

તેમણે સીધું મારી આંખોમાં જોતા કહ્યું : "હના,ઇશ્વરે આ સૃષ્ટિમાં જે કંઈ પણ મૂલ્યવાન બનાવ્યું છે તે સારી રીતે ઢંકાયેલું અને પ્રાપ્ત કરવું મુશ્કેલ એવું હોય છે.

હીરા ક્યાં હોય છે?? જમીનમાં ખૂબ ઉંડે,ઢંકાયેલા અને સુરક્ષિત.

રત્નો આપણને ક્યાંથી મળે છે?સમુદ્રના તળીયેથી. તે પણ સુંદર મજાના છીપમાં ઢંકાયેલ અને સુરક્ષિત હોય છે.

સોનું ક્યાંથી મળે છે? ખાણમાં ઉંડેથી. તે ખડકોના થર પર થર નીચે ઢંકાયેલ હોય છે. તમારે આ બધી કિંમતી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે.

પછી તેમણે ગંભીર આંખે મારી સામે જોયું અને બોલ્યા : "તારું શરીર પવિત્ર છે.તું હીરા અને રત્નો કરતાંયે વધુ મૂલ્યવાન છે અને આથી જ તારા શરીરે પણ ઢંકાયેલા હોવું જરૂરી છે."

સ્રોત : More Than A Hero: Muhammad Ali's Life Lessons Through His Daughter's Eyes પુસ્તક માંથી સાભાર

('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 22, 2012

શ્રીમદ્દ ભગવદગીતા

વાચક મિત્રો આવતી કાલે ગીતા જયંતિ છે. આ નિમિત્તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં આ ભારતીય મહાગ્રંથ વિશે વિશ્વની મહાન વિભૂતિઓએ શા અભિપ્રાય વ્યક્ત કર્યા છે તે જોઇએ.


આલ્બર્ટ આઈન્સ્ટાઈન

જ્યારે હું ભગવદ ગીતા વાંચું છું અને ઇશ્વરે કઈ રીતે આ વિશ્વનું સર્જન કર્યું તે વિશે ચિંતન કરું છું ત્યારે મને બીજું બધું નિરર્થક અને છીછરું જણાય છે.

અલ્ડોસ હક્સલી

માણસ જાતને મૂલ્યોનો સાચો અર્થ સમજાવતું આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું સૌથી સચોટ અને વ્યવસ્થિત વિધાન એટલે ભગવદગીતા.શાશ્વત તત્વજ્ઞાનનો અત્યાર સુધી પ્રકાશિત થયેલો સૌથી સ્પષ્ટ અને સવિસ્તાર ઉપસંહાર એટલે ભગવદ ગીતા અને તેથી જ તે માત્ર ભારત માટે જ નહિ પણ સમસ્ત માનવ સમાજ માટે અતિ મહત્વનો ગ્રંથ છે.

મહાત્મા ગાંધી

જયારે શંકાઓ મને ઘેરી વળે છે,જ્યારે હું નિરાશાઓની ગર્તામાં ધકેલાઈ જાઉં છું અને જ્યારે દૂર ક્ષિતિજે જ્યારે મને આશાનું એક પણ કિરણ નજરે ચડતું નથી તેવે સમયે હું ભગવદ ગીતાનો આશરો લ ઉં છું અને મને તેનાથી શાતા મળે છે,આરામ મળે છે અને એ દુ:ખો ભરી પરિસ્થિતિમાં પણ મારા મુખ પર સ્મિત છવાઈ જાય છે.જેઓ ગીતાનું મનન કરે છે તેમને રોજેરોજ તેમાંથી કંઈક નવો અર્થ, નવો તાજો આનંદ મળે છે.

હેન્રી ડેવિડ થોરો

રોજ સવારે હું મારી ચેતનાને ભગવદ ગીતાના વિશાળ અને બ્રહ્માંડનું સાચું જ્ઞાન આપનારી તર્કગંગામાં ડૂબકી મરાવું છું.તેની સરખામણીમાં મને આજનું આધુનિક જગત અને તેનું અર્વાચીન સાહિત્ય ક્ષુલ્લક અને વામણું લાગે છે.

ડો. આલ્બર્ટ સ્વિત્ઝર

ભગવદ ગીતાનો તેના પ્રભુ પ્રત્યેના સમર્પણને લીધે મનુષ્યના આત્મા ઉપર ઘેરો પ્રભાવ છે જે કર્મોમાં પરિણમે છે.

કાર્લ જંગ

ભગવદ ગીતામાં કરાયેલ ઉલટા વૃક્ષની મનુષ્ય સાથે કરેલી સરખામણી આજના યુગમાં સાવ સાચી જણાય છે.પ્લેટોએ પણ આ વૈદિક સિદ્ધાંતની પુષ્ટી કરતાં કહ્યું છે કે આપણે એક લૌકિક નહિ પણ સ્વર્ગીય/ પરાલૌકિક ગ્રહ છીએ.ભગવદ ગીતાના પંદરમાં અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણેે જે કહ્યું છે તેની સાથે આ વાત તદ્દન સુસંગત છે.

હર્મન હેસ્સી

ભગવદ ગીતા ચમત્કારિક રીતે ખૂબ સુંદરતા અને સહજતાથી જીવનના સાચા રહસ્યોને છતા કરે છે જે તર્કશાસ્ત્રની સુગંધને ધર્મમાં ભેળવે છે

રાલ્ફ વાલ્ડો એમરસન

ભગવદ ગીતાને કારણે મને એક સુંદર નવો દિવસ મળ્યો છે.આ પ્રથમ એવું પુસ્તક હશે જે વાંચીને એમ લાગે કે જાણે આખું એક સામ્રાજ્ય આપણી સાથે વાત કરતું હોય.કંઈ જ નાનું નહિ,નિરર્થક નહિ,પણ વિશાળ,શાંત,શાશ્વત,એક પ્રાચીન બુદ્ધિશાળી અવાજ આજના અને આવનારા દરેક યુગના સર્વે પ્રશ્નો નો જાણે ઉત્તર આપે છે.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 15, 2012

કાચબાકથા

કાચબાઓના એક કુટુંબે એક વાર પિકનિક પર જવાનું નક્કી કર્યું. કાચબાઓ મૂળ સ્વભાવે જ ધીમા હોવાને લીધે આ પિકનિકની પૂર્વતૈયારીમાં જ તેઓએ સાત વર્ષ કાઢી નાંખ્યા. ત્યારબાદ આખરે તેમણે ઘર છોડ્યું અને બીજું એક વર્ષ પિકનિક માટે યોગ્ય ઠેકાણુંશોધવામાંકાઢીનાંખ્યું. આખરે બીજે વર્ષે તેમને તેમની નિર્ધારીત પિકનિક માટે આદર્શ સ્થળ મળી ગયું!


છ એક મહિના તેમણે એ વિસ્તારને ચોખ્ખો બનાવવામાં,માલસામાન ખોલવામાંને બીજી વ્યવસ્થામાં વિતાવી દીધાં. પણ ત્યારે તેમને ભાન થયું કે તેઓ મીઠું ઘરે જ ભૂલી ગયાં હતાં. હવે મીઠા વગરનું ખાવાનું અને ખાધા વગરની પિકનિક તે હોઈ શકે ભલા? લાંબી ચર્ચાવિચારણાને અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે તેમના કુટુંબનો સૌથી યુવાન કાચબો મીઠું લઈ આવવા ઘરે પાછો જાય.

તે ધીમા કાચબા પરિવારનો સૌથી ઝડપી સભ્ય હોવા છતા તેણે ફરિયાદ કરી, કજિયા કર્યા અને તે પોતાની ઢાલ-કવચમાં ખૂબ રડ્યો-કકળ્યો. આખરે એક શરત પર તે પાછો ઘરે જવા તૈયાર થયો- જ્યાં સુધી તે પાછો ન ફરે ત્યાં સુધી પરિવારનું અન્ય કોઈ સભ્ય કંઈ જ ખાશે નહિં. સૌએ આ શરત મંજૂર રાખી અને એ યુવાન કાચબાભાઈ મીઠું લઈ આવવા ઘર તરફ પાછા જવા રવાના થયાં.

આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયાં પણ મીઠું લેવા ગયેલો યુવાન કાચબો પાછો ફર્યો નહિં. પાંચ વર્ષ.... છ વર્ષ...અંતે સાત વર્ષ વિતી ગયા બાદ કુટુંબનો સૌથી વયસ્ક કાચબો પોતાની ભૂખ રોકી શક્યો નહિં. તેણે જાહેર કર્યું કે તે હવે ખાવા જઈ રહ્યો છે અને તેણે સેન્ડવિચનું પેકેટ ખોલવા માંડ્યું. તે જ ઘડીએ અચાનક એક ઝાડપાછળથી પેલો મીઠું લેવા ગયેલો સૌથી યુવાન કાચબો બહાર દોડીઆવ્યોઅનેબોલ્યો:"જો….જો…..હું નહોતો કહેતો કે તમે મારી રાહ નહિ જ જુઓ...! હવે હું મીઠું લેવા નહિ જાઉં!"

ઉપસંહાર: બીજાઓ આપણી અપેક્ષામાં ખરાં ઉતરે તેની રાહ જોવામાં જ આપણાંમાંના ઘણાં જીવન વ્યતિત કરી દેતા હોય છે. આપણે પોતે જે, ન કરતા હોઈએ તે અન્યો કરે છે કે નહિં એ અંગે આપણે વધુ પડતાં ચિંતિત હોઈએ છીએ.

(‘ઇન્ટરનેટ પરથી’)

દીકરો અને દીકરી

દીકરો વારસ છે તો દીકરી પારસ છે!


દીકરો વંશ છે તો દીકરી અંશ છે!

દીકરો આન છે તો દીકરી શાન છે!

દીકરો તન છે તો દીકરી મન છે!

દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!

દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!

દીકરો આગ છે તો દીકરી બાગ છે!

દીકરો દવા છે તો દીકરી દૂવા છે!

દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે!

દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!

દીકરો ગીત છે તો દીકરી સંગીત છે!

દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!

દીકરો વાદળ છે અને વરસે છે તો

દીકરી ધરતી છે અને તરસે છે!

દીકરો એક પરિવારને તારે છે તો

દીકરી દસ પરિવારને તારે છે!!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 2, 2012

સાચા અને સારા સંબંધો

'પીનટ્સ' (PeaNuts) નામની પ્રખ્યાત કોમિક સ્ટ્રીપના સર્જક ચાર્લ્સ શૂલ્ઝની ફિલોસોફી આજે ઇન્ટરનેટ કોર્નરમાં ચર્ચવી છે.


તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના નથી...તમારે માત્ર એ ધ્યાનથી વાંચી, મનન કરવાનું છે.

૧. દુનિયાની પાંચ સૌથી વધુ ધનવાન વ્યક્તિઓના નામ શું છે?

૨. છેલ્લા પાંચ મેગ્સેસે અવોર્ડ વિજેતા કોણ હતાં?

૩. મિસ ઇન્ડિયા સ્પર્ધાના છેલ્લા પાંચ વિજેતાઓના નામ કહો.

૪. દસ નોબેલ ઇનામ વિજેતાઓના નામ યાદ કરો.

૫. છેલ્લા પાંચ ઓસ્કાર વિજેતા અભિનેતા અને અભિનેત્રીઓના નામ જણાવો.

૬. છેલ્લા પાંચ અર્જુન એવોર્ડ વિજેતાઓના નામ કહો.

કેવું લાગ્યું? નામો આવડ્યા કે અતિ અઘરી લાગી આ ક્વીઝ?

મુદ્દો એ છે કે આપણામાંના મોટા ભાગનાઓને ગઈ કાલ ના છાપામાં હેડલાઈન શી હતી તે પણ યાદ રહેતું નથી.

ઉપરના પ્રશ્નોમાંની વ્યક્તિઓ કંઈ નાનીસૂની વ્યક્તિઓ નથી.તેઓ પોતપોતાના ક્ષેત્રની સિદ્ધહસ્ત મહાન હસ્તીઓ છે. પણ પ્રશંસા આખરે મરી પરવારે છે. પુરસ્કારો જીર્ણ થઈ જાય છે, ટ્રોફીઓને કાટ લાગી જાય છે. સિદ્ધીઓ ભૂલાઈ જાય છે. નામના અને પ્રશસ્તિપત્રો તેમના માલિકની હયાતિ સુધી જ મહત્વ ધરાવે છે.

હવે એક બીજી ક્વીઝ જોઇએ. તમે આ પ્રશ્નોના ઉત્તર કેટલી સહેલાઈથી આપી શકો છો તે નોંધો.

૧. તમારા શાળાજીવન દરમ્યાન જે શ્રેષ્ઠ શિક્ષકોએ તમને સારા માર્ક્સ મળે એ માટે ખૂબ સારું ભણાવ્યું અને તમને ગણાવ્યા અને પ્રગતિના પથ પર આગળ વધાર્યા એવા શિક્ષકોની યાદી તૈયાર કરો.

૨. મુશ્કેલીના સમયે મદદ કરી હોય તેવા તમારાં પાંચ મિત્રોના નામ કહો.

૩. તમે આજે જે કંઈ છો તે બનવા માટે તમને પ્રેરણા આપી હોય,તમને અર્થપૂર્ણ એવું કંઈક શિખવામાં મદદ કરી હોય તેવી પાંચ વ્યક્તિના નામ યાદ કરો.

૪. એવી પાંચ વ્યક્તિના નામ યાદ કરો જેણે તમને ખૂબ સારૂં મહેસૂસ કરાવ્યું હોય, તમારા પોતા માટે ખાસ લાગણીનો અનુભવ કરાવ્યો હોય.

૫. તમને જેની સાથે સમય પસાર કરવો પસંદ કરતાં હોવ તેવી પાંચ વ્યક્તિને યાદ કરો.

ઉપસંહાર : તમારા જીવનમાં પરિવર્તન લાવનાર,તમારાં માટે વિશેષ એવી વ્યક્તિઓ સિદ્ધહસ્ત,શ્રીમંત, પ્રખ્યાત,ઘણાં બધાં પુરસ્કારો કે પ્રશસ્તિપત્રો પ્રાપ્ત કર્યાં હોય વ્યક્તિઓ હોતી નથી.

આ વ્યક્તિઓ એ છે જેને તમારા માટે સાચી કાળજી છે,જે કોઈ જાતના સ્વાર્થ વગર સદાયે તમારી પડખે રહે છે.

જીવન સાચા અને સારા સંબંધોથી જ અર્થપૂર્ણ, સાર્થક બને છે. ભૌતિક વિશ્વ અને સંબંધોની ભેળસેળ કરશો નહિં.

('ઈન્ટરનેટ પરથી')