Saturday, October 27, 2012

આપણે આનંદ ખોઈ બેસીએ છીએ.

એક વાર એક રાજા હતો જે તેના અપાર વૈભવ અને આરામદાયી શ્રીમંત જીવનશૈલી છતાં સુખી અને સંતુષ્ટ નહોતો.

એક દિવસ તેણે એક નોકરને જોયો જે હસતા હસતા ગાયે જતો હતો અને તેનું કામ કર્યે જતો હતો.

આ જોઈ રાજાને ખૂબ નવાઈ લાગી.તેને વિચાર આવ્યો કે પોતે એ સમગ્ર પ્રદેશનો મોટો શાસક હોવા છતાં દુ:ખી અને ઉદાસ હતો જ્યારે પેલો તુચ્છ નોકર ગરીબ હોવા છતાં કેટલો સુખી હતો.

રાજાએ તે નોકરને સીધું જ પૂછી લીધું:"તુ આટલો બધો આનંદિત કેમ છે?"

તે નોકરે જવાબ આપ્યો,"રાજાજી,હું તો એક મામૂલી નોકર છું.મારા કુટુંબ અને મારી જરૂરિયાત ખૂબ ઓછી છે.અમને માત્ર માથે એક છત અને પેટ ભરવા થોડા ધાનની જરૂર પડે છે."

રાજાને નોકરના એ જવાબથી સંતોષ થયો નહિ.આથી તેણે પોતાના વિશ્વાસુ સલાહકારોને બોલાવ્યા અને તેમની સાથે મસલત કરી.રાજાની વિમાસણ અને નોકરની પૂરી વાત સાંભળ્યા બાદ મંત્રીઓએ કહ્યું"રાજાજી અમારૂં માનવું એવું છે કે તમારો આ નોકર ૯૯મંડળનો ભાગ નથી."

રાજાને વધારે વિસ્મય થયું.આ વળી ૯૯મંડળ શું છે?

મંત્રીઓએ જણાવ્યું,"રાજાજી તમારે જો ૯૯મંડળનું રહસ્ય જાણવું હોય તો ૯૯ સોનામહોરો એક કોથળીમાં ભરો અને તે તમારા નોકરના ઘરના દરવાજે મૂકી દો!"

રાજાએ એ પ્રમાણે કર્યું અને જ્યારે નોકરે એ થેલી જોઈ કે તેણે તરત એ પોતાના ઘરમાં લઈ લીધી.થેલી ખોલતાં જ સોનામહોરો જોતાં તેના આશ્ચર્ય અને હર્ષનો પાર ન રહ્યો.તેણે એ ગણી નાખ્યાં.બેચાર વાર ગણ્યા બાદ જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે થેલીમાં ૯૯ સોનામહોરો હતી તેણે સ્વગત પ્રશ્ન કર્યો:"સો સોનામહોર હોવી જોઇએ.તેમાંથી એક સોનામહોર ક્યાં ગઈ હશે?કોઈ થેલીમાં ૯૯ સોનામહોર શા માટે મૂકે?"

તેણે બાકીની એક સોનામહોર શોધવાના અથાગ પ્રયત્નો કર્યા પણ એ તેને ક્યાંયે જડ્યો નહિ.છેવટે તેણે નિર્ણય લીધો કે તે ખૂબ મહેનત કરીને પણ વધુ કમાશે અને બાકીની એક સોનામહોર ખરીદી સોનામહોરની સોની સંખ્યા પૂર્ણ કરશે.એ દિવસ પછી તે નોકરનું જીવન સાવ બદલાઈ ગયું.

તે હદ બહારની મહેનત કરવા માંડ્યો.તેથી તે ક્રોધમાં રહેવા માંડ્યો.તેણે તેના પરિવાર પ્રત્યે લક્ષ આપવાનું છોડી દીધું.સોમી સોનામહોર ખરીદવા જરૂરી મસમોટી રકમ ભેગી ન કરી શકવાને કારણે તેણે પોતાનો ગુસ્સો પોતાના પરિવારજનો પર ઠાલવવાનું શરૂ કર્યું.તેનું કામ કરતી વેળાએ ગીત ગાવાનું બંધ થઈ ગયું.

આ નોંધનીય પરિવર્તન જોઈ રાજા મૂંઝવણમાં પડી ગયો.ફરી તેણે પેલા સલાહકાર મંત્રીઓના વ્રુંદને એકઠું કર્યું.તેમણે કહ્યું,"રાજાજી હવે તમારો એ નોકર ૯૯મંડળમાં સામેલ થઈ ગયો છે. ૯૯મંડળ એવા લોકોનું બનેલું છે જેમની પાસે સુખી થવા માટે જરૂરી ધન હોવા છતાં તેઓ ક્યારેય સંતુષ્ટ થતા નથી.કારણ તેઓ સદાય ઝૂરતા રહે છે,સતત એક વાતનું રટણ કરતા : બસ મને એ એક છેલ્લી વસ્તુ પ્રાપ્ત કરી લેવા દે,પછી હું જીવનભર માટે સુખી થઈ જઈશ."

આપણે જીવનમાં અલ્પ દ્વારા પણ સુખી થઈ શકીએ છીએ પણ જેવું આપણને કંઈક મોટું અને સારુ પ્રાપ્ત થાય છે કે તરત આપણને વધુ મેળવવાની ઝંખના જાગે છે. આપણે ઉંઘ ગુમાવી બેસીએ છીએ. આપણો આનંદ ખોઈ બેસીએ ચીએ.આપણા નિકટજનોને દુ:ખ પહોંચાડવા માંડીએ છીએ. આપણી વધતી જતી એષણાઓ,લાલચ અને જરૂરિયાતોની આવી મોંઘી અને આકરી કિંમત આપણે ચૂકવીએ છીએ. આ છે ૯૯ના મંડળનું રહસ્ય."

Saturday, October 13, 2012

સિંધુતાઈ સપકાલ

સિંધુતાઈ સપકાલ.૬૩ વર્ષની ઉંમર. શરીર પર કોઈ ઘરેણાં નહિં. ચોળાયેલો કોટનની સાડી અને કપાળે કાળો મોટો ચાંદલો અને મુખ પર ઉષ્માભર્યું સ્મિત.


ગયા વર્ષે સિંધુતાઈને મુંબઈની આઈ.એમ.સી. વિંગે 'વુમન ઓફ ધ યર' સન્માન આપી નવાજ્યા.આ સન્માન અને ટ્રોફી લેતી વખતે પેનલનો આભાર માનતાં તેમણે તળપદી મરાઠી ભાષામાં કહ્યું," આ જીવન જ એક સૌથી મોટો પુરસ્કાર છે."

વર્ધાના એક ખેડૂતને ઘેર જન્મેલા સિંધુતાઈને તેઓ જ્યાર ૨૪ વર્ષના હતા અને જ્યારે તેમના પેટમાં નવ મહિનાનો ગર્ભ હતો ત્યારે તેમના પતિએ તેમને કાઢી મૂક્યા.પણ પછીતો જીવનમાં તેઓ ભિખ માંગવાથી માંડીને નાણાંભંડોળ ઉભું કરનાર,ચાર અનાથાલયોના વ્યવસ્થાપક અને હજારથીયે વધુ અનાથ બાળકોના લાડલા 'માઈ' બની ગયાં.

જીવનરાહમાં સપકાલે પોતાની સગી દિકરીનો ત્યાગ કર્યો જેથી તે બીજા અનાથ બાળકોને ભૂલથી પણ ક્યારેય અન્યાય ન કરી બેસે. પોતાના મરણ પથારીપર રહેલા પતિને માફી આપી તેની સેવાનું સદકાર્ય પણ સિંધુતાઈએ કર્યું અને વીસ વર્ષ બાદ તેનો પોતાની ત્યાગી દિધેલી સગી દિકરી સાથે ફરી મેળાપ થયો. તેમના જીવનના આ નોંધનીય પાસાઓને લીધે તેઓ જ્યાં જાય ત્યાં લોકો તેમના તરફ ખેંચાય છે.

આઈ.એમ.સી. ખાતે જ્યારે તેમનો સત્કાર સમારંભ યોજાયો ત્યારે પ્રેક્ષકગણમાં બેઠેલી મોટા મોટા ઉદ્યોગપતિઓની પત્નીઓ તેમજ સમાજની ઉપલી હરોળમાં ગણાતી અનેક સોશ્યલાઈટ ગ્રુહિણીઓએ સિંધુતાઈના ચરણસ્પર્શ કરવા અને તેમની સાથે પોતપોતાના ફોટા પડાવવા પડાપડી કરી!

બીજે દિવસે જ્યારે સિંધુતાઈ દાદરના મધ્યમવર્ગીય શિવાજી પાર્ક વિસ્તારમાં ટેકસીમાંથી એક હોટલમાં જવા ઉતર્યા ત્યારે વટેમાર્ગુઓ થોભી જઈ, તેમનો ચરણ સ્પર્શ કરવા રોકાઈ ગયા અને હોટલનો મેનેજર તેમને જમા થઈ ગયેલી ભીડમાંથી માર્ગ કરતો હોટલમાં લઈ ગયો.

કેટલાંયે લોકોએ તેમને તેમની જીવનકથા પરથી બનેલી મરાઠી ફિલ્મ 'મી સિંધુતાઈ સપકાલ' ફિલ્મની સફળતા બદલ અભિનંદન આપ્યા.આ ફિલ્મને ગયા વર્ષે ચાર રાષ્ટ્રીય પુરસ્કારોથી સનમાનિત કરાઈ હતી.અન્ય કેટલાક લોકોએ તેમને તેમના સંતાનો વિષે પ્રશ્નો પૂછ્યાં.

તેમને મદદ કરવા તત્પર દરેક વ્યક્તિએને તેમણે એક જ જવાબ આપ્યો:,”તમારે મને જે કંઈ આપવું હોય તે આપો જેથી હું મારૂં કાર્ય ચાલુ રાખી શકું.”

સપકાલના બધાંજ અનાથાલયો ખાનગી સખાવત થકી ચાલે છે.તેમના જીવનની એક ફરિયાદ તેઓ સસ્મિત કરે છે કે તેમના કાર્ય માટે તેમને ક્યારેય સરકાર તરફથી ક્યારેય કોઈ મદદ મળી નથી.

તાઈ કહે છે,"મને જ્યારે જ્યારે બોલવાનું આમંત્રણ આપવામાં આવે છે ત્યારે મારા છેલ્લા શબ્દો દાનની વિનંતીના હોય છે." સ્મિત ફરકાવતા તેઓ કહે છે,"ભાષણ નહિં તો રેશન નહિં! અને રેશન ન હોય એ તો કેમ ચાલે?મેં જીવનમાં ઘણું પહેલા જ નક્કી કરી લીધેલું કે હું કોઈ પણ અનાથની માતા બનીશ પછી ભલે એ અનાથ, બાળક હોય,કોઈ ગરીબ તરછોડાયેલી સ્ત્રી હોય કે પછી કોઈ ઘરડી વ્યક્તિ હોય.”

આ નિર્ણય પાછળની યાત્રાની શરૂઆત ૧૯૫૮માં થઈ જ્યારે નવ વર્ષની ઉંમરે સિંધુતાઈ નાં લગ્ન તેમનાથી વીસ વર્ષ મોટા પુરુષ સાથે થયા.

તાઈ ભોળપણ સાથે મુખ પર તેમના ટ્રેડમાર્ક સ્માઈલ સાથે કહે છે," ૧૨વર્ષની વયે મને સાસરે મોકલી દેવામાં આવી હતી જ્યાં મને ખૂબ મારવામાં આવતું,મારી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો અને મારી પાસે હદ કરતાં વધુ કામ કરાવવામાં આવતું. અને હું ૨૪ વર્ષની હતી ત્યારે ઘરેલુ ઝઘડાને લીધે તેઓએ મને તેમના ઘરમાંથી કાઢી મૂકી.” તાઈને તે વખતે નવ મહિનાનો ગર્ભ હતો અને તેમની સુવાવડ એક ગમાણમાં થઈ.તાજી જન્મેલી દિકરીની નાળ તેમણે એક ધારદાર પત્થરથી કાપી. “અમારૂં ગુજરાન ચલાવવા મેં ટ્રેનમાં ગાઈને ભીખ માગવાનું શરૂ કર્યું.મેં ત્રણ વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ હવે મને સમજાય છે શા માટે દર વખતે ઇશ્વરે મને બચાવી લીધી.”

સપકાલે આ નિર્ધન સ્થિતીમાં જ અનાથ બાળકોને દત્તક લેવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો જ્યારે હજુ તેમની પોતાની બાળકી સાવ નાની હતી. રેલવે પ્લેટફોર્મ્સ પર જીવન જીવતા બાળકો પ્રત્યે તેમને અનુકંપા જાગી અને તેમણે તેઓની દેખરેખ રાખવાની શરૂઆત કરી. જે ખોરાક અને રહેવાની જગા મળે તે તાઈ આ બાળકો સાથે વહેંચવા માંડ્યા. અને જ્યારે તેમની બાળકી છ મહિનાની થઈ ત્યારે તેમણે પોતાના જીવનનો સૌથી કપરો - કેટલાક લોકો જેને નિષ્ઠુર,ઘાતકી અને ક્રૂર ગણે છે - તેવો નિર્ણય કર્યો. તેઓ કહે છે,"મેં મારી સગી દિકરીનો પુણેના એક સમાજ કલ્યાણ ટ્રસ્ટને સોંપી દઈ ત્યાગ કર્યો. મારે પેટે જણેલી દિકરીને કારણે અન્ય કોઈ અનાથ બાળકને અન્યાય ન થઈ બેસે એ બાબતની તકેદારી રાખવી હતી. આથી મેં કાળજા પર પત્થર મૂકી આવો કઠોર નિર્ણય લીધો." તેઓ ભવા ઉંચા ચડાવી આવી માહિતી આપે છે.

તે પછીના ૧૩ વર્ષો સુધી સિંધુતાઈએ શેરીમાં રઝળતા બાળકોનું ભરણપોષણ કર્યું.આ માટે જરૂરી નાણાંભંડોળ તાઈએ ભિખ માગીને ટ્રેનમાં ગીતો ગાઈને અને પોતાના શક્તિશાળી વક્તવ્યોમાંથી રળેલી સખાવતમાંથી મેળવતા.તાઈ પાંચ જ ચોપડી ભણી શાળામાંથી ઉઠી ગયેલા પણ તેમને કવિતાનો જબરો શોખ છે અને તેમની પાસે સુંદર વકતૃત્વનું જન્મજાત વરદાન છે.

વર્ષ ૧૯૮૬માં તાઈએ પોતાના પહેલા અનાથાલયનું અમરાવતી ખાતે રજિસ્ટ્રેશન કરાવ્યું..

જેમ જેમ તેમની આ ઝૂંબેશ આગળ વધતી ચાલી તેની કિર્તી વધતી ચાલી અને મંદિરોમાંથી,ટ્રસ્ટો પાસેથી અને શુભચિંતકો પાસેથી સખાવતનો ધોધ વહેવા લાગ્યો.

ત્યાર બાદ પ્રથમ અનાથાલય ખોલ્યાના વીસેક વર્ષ બાદ સપકાલને એવી માહિતી મળી કે તેમના ૭૫ વર્ષીય પતિ એકલા અને માંદા છે.તાઈ કહે છે,"તેઓ અનાથ અને વ્રુદ્ધ બની ગયા હતા.મારે તેમની મદદ કરવીજ પડે. મેં તેમને જણાવ્યું કે હું તેમની પત્ની તરીકે તેમની સાથે નહિ રહું પણ તેમની મારા બાળકની જેમ ચાકરી જરૂર કરીશ."

તાઈને ક્ષમા વિશે પૂછો અને તે જણાવે છે કે તેમની બધી સફળતાનો યશ તેમના પતિને જાય છે. “મારો ત્યાગ કરીને તેમણે જ મને જીવનની આ નવી રાહ ચિંધી હતી." એમ તેઓ ખચકાયા વગર કહે છે.

પણ આ ઉદારતાભર્યા કાર્યો કરતાં કરતાં પણ તેમનું હ્રદય તેમને ડંખતું રહ્યું,એમ વિચારીને કે તેમની સગી દિકરી તેમને ધિક્કારતી હશે. તેઓ કહે છે,"મને લાગતું કે તે ક્યારેય એ સમજી શકશે નહિ કે મેં શા માટે બાળવયમાં જ તેનો ત્યાગ કર્યો હતો.પણ મારો એ ડર ખોટો સાબિત થયો અને આજે મારી દિકરી મારે પડખે છે. મને લાગે છે કે મારો નિર્ણય સાચો જ હતો.”

બે વર્ષ પહેલાં સિંધુતાઈને સાનફ્રાન્સિસ્કો ખાતે એક મરાઠી સાહિત્યિક કાર્યક્રમમાં વક્તવ્ય આપવા આમંત્રવામાં આવ્યા. આ કાર્યક્રમના મિડિયા કવરેજ પર ફિલ્મ દિગ્દર્શક અનંત મહાદેવનનું ધ્યાન ગયું.

અનંત જણાવે છે કે 'મારા ૧૫૭ જમાઈ છે' એવું સિંધુતાઈનું વિધાન વાંચી હું આભો જ બની ગયો! અમારૂં મળવાનું લખાયું જ હશે. તેઓ પોતાના પર મારા દ્વારા બનાવાયેલી ફિલ્મથી ખૂબ ખુશ છે અને હું પણ એટલો જ આનંદિત છું.આ ફિલ્મે મને એક વધુ સારો સર્જક બનાવ્યો છે."

ગયા વર્ષે સિંધુતાઈના જીવન પરથી બનેલી આ ફિલ્મે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમેળાઓનો પ્રવાસ ખેડ્યો. તાઈ હર્ષપૂર્વક જણાવે છે કે “આ દ્વારા મારા મિશનને ખૂબ સારી ખ્યાતિ મળી છે.લોકો હવે સામેથી મારી મદદ કરવા આવે છે.મારી ચળવળને આ ફિલ્મે અતિ પ્રસિધ્ધી અપાવી છે."

('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 6, 2012

ગાંધીજીએ અંચઈ કરવાની ના પાડી

મોહનદાસ કરમચંદ ગાંધી રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં ભણ્યા હતા.તે ભણવામાં ખૂબ હોંશિયાર વિદ્યાર્થી નહોતા પણ ખૂબ મહેનતુ હતા. તેમના પ્રથમ વર્ષ દરમ્યાન,એક વાર સ્કૂલ ઇન્સ્પેક્ટર મિસ્ટર ગાઈલ્સ તેમના ક્લાસમાં વિઝિટ માટે આવ્યા. વિદ્યાર્થીઓની સાચા સ્પેલિંગ્સ લખવાની ક્ષમતા ચકાસવા તેમણે દરેક વિદ્યાર્થીને પાંચ શબ્દો પોતપોતાની સ્લેટ્સ પર લખવા માટે કહ્યું.તેમાંનો એક શબ્દ હતો 'Kettle'. બાળક ગાંધીએ આ શબ્દનો સ્પેલિંગ ખોટો લખ્યો.આ વાત તેમના ક્લાસટીચરના ધ્યાનમાં આવી ગઈ.તેમણે ગાંધીજીને ઇશારો કરી આ સ્પેલિંગ પાડોશી વિદ્યાર્થીની સ્લેટમાં જોઈ સુધારી લેવા જણાવ્યું.


“ ક્લાસ ટીચરે પોતાના બૂટ મારા પગ પર દાબી મને ઇશારો કરવા પ્રયત્નો કર્યા પણ મેં તે તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિં.” ગાંધીજી એ પાછળથી તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં આ પ્રમાણે લખ્યું હતું.

ટીચરને લાગ્યું કે તેમના વિદ્યાર્થીઓ જો ખોટા સ્પેલિંગ્સ લખશે તો તેમની છબી ખરડાઈ જશે આથી તેમણે ગાંધીજીને અંચઈ કરવા કહ્યું.ગાંધીજીએ એમ કર્યું નહિં કારણ તેઓ જાણતા હતા કે નકલ કરવી ખોટું છે.જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ગાંધીજી એક માત્ર વિદ્યાર્થી હતા જેનો સ્પેલિંગ ખોટો હોય.બીજા બધાં વિદ્યાર્થીઓએ પાંચેપાંચ સ્પેલિંગ્સ સાચા લખ્યાં હતાં.પણ આજે આખા વિશ્વમાં માત્ર ગાંધીજી પૂજાય છે.

ગાંધીજીએ બાર વર્ષના એક બાળક તરીકે કહ્યું,"હું માનતો હતો કે ટીચરનું કામ અમને નકલ કરતાં રોકવાનું છે પછી શા માટે મારા ક્લાસ ટીચર મને એમ કરવા ઇશારો કરતા હતા એ સમજાયું નહિં, તેમ છતાં આ પ્રસંગ બાદ પણ મારા શિક્ષક પ્રત્યેનું માન મારી નજરમાં જરાય ઘટ્યું નહોતું."

એવી કોઈ પણ વ્યક્તિ હશે જેને ચિંતાઓ કે તણાવ મુક્ત સ્મિતોથી ભરેલું જીવન જીવવું ગમતું ન હોય? ગાંધીજી પણ એ મેળવવા જીવનનો સરળ માર્ગ પસંદ કરી શક્યા હોત. પણ તેમણે હંમેશા સત્યનો માર્ગ જ પસંદ કર્યો, ભલે પછી એ ગમે એટલો કઠણ કેમ ન હોય.અને આમ તેમણે જીવનપર્યંત કર્યું.

માણસ તરીકે તમારી પાસે સાચું શું અને ખોટું શું એ પારખવાની શક્તિ રહેલી છે.પણ તમારે જે સાચું છે તેને વળગી રહેવાની હિંમત કેળવવાની જરૂર છે.


('ઈન્ટરનેટ પરથી')