Sunday, September 23, 2012

ઈશ્વર સાથે ઓનલાઈન ચેટિંગ.

એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ....


ઈશ્વર:શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે?’

હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’

ઈશ્વર:‘વત્સ હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’

હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’

ઈશ્વર:‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય?’

હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?

ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’

હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.

ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે.’

હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’

ઈશ્વર : સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને?’

હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’

ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !

હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’

ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’

હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’

ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી,એ પણ વહી જવાના છે.’

હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’

ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’

હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’

ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’


હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’

ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.

હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’

ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’

હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’

ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.

હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’

ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે..............

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, September 19, 2012

માર્ગમાં અડચણ

ઘણાં વર્ષો પહેલાં એક રાજાએ એક વાર પોતાના નગરમાં પ્રજાની કસોટી કરવા મુખ્ય માર્ગની વચ્ચોવચ એક મોટો પથ્થર મૂકાવ્યો.પછી તે થોડે દૂર એક ઝાડ પાછળ સંતાઈને જોવા લાગ્યો કે કોઈ એ પત્થરને હટાવે છે કે નહિં.રાજાના કેટલાંયે ઓળખીતા શ્રીમંત વેપારીઓ અને દરબારીઓ તે પત્થર પાસેથી પસાર થઈ ગયાં પણ કોઇએ એ પત્થર માર્ગ વચ્ચેથી ખસેડ્યો નહિં.કેટલાક નગરજનોએતો રાજાને માર્ગની યોગ્ય દેખરેખ ન રાખતો હોવાની નિંદા કરી રાજાને ગાળો પણ ભાંડી પણ કોઇએ અન્ય વિશે ન વિચાર્યું અને માર્ગ વચ્ચે નડી રહેલા એ પત્થરને ખસેડી બાજુ પર ન મૂક્યો.


થોડાં સમય બાદ એક ગરીબ શાકભાજી વેચીને ગુજરાન ચલાવતો ભોળો ગામડિયો ત્યાંથી પસાર થયો.તેના માથે શાકભાજી ભરેલો મોટો વજનદાર ટોપલો હતો.પણ જેવી તેની નજર રસ્તા વચ્ચે પડેલા અડચણરૂપ પથરા પર પડી કે તરત તેણે પોતાનો ટોપલો માથા પરથી નીચે ઉતારી બાજુ પર મૂક્યો અને તે પથરો તેણે ઉપાડી રસ્તાની એક બાજુએ કોઈને નડે નહિં એ રીતે મૂકી દીધો. પથરો મોટો હતો અને તેને ખસેડી,ઉપાડતા એ ગરીબ શાકભાજીવાળાને ખાસ્સો શ્રમ પડ્યો અને તે પસીને રેબઝેબ થઈ ગયો. પણ તે ફરી પોતાનો બાજુએ મૂકેલો ટોપલો લેવા પાછો ફર્યો ત્યારે તેનું ધ્યાન તેણે ખસેડેલા પત્થર નીચે ઢંકાઈને પડેલી સોનામહોર પર પડી. ગરીબ પણ પ્રમાણિક એવો તે શાકભાજીવાળો સોનામહોર જોઈ વિચારમાં પડી ગયો ત્યાં જ રાજાએ તેની પાસે આવી એ મહોર પોતે ઉપાડી તેને ભેટમાં આપી અને એ તેને માનભેર રાજમહેલમાં લઈ ગયો અને દરબાર વચ્ચે એણે તેનું બીજી પચાસ સોનામહોર ભેટમાં આપી.

ઘણી વાર જીવનમાં અડચણ આપણાં માટે સુવર્ણ તક સમાન સાબિત થતી હોય છે.આપણે માત્ર પોતાના અંગત સ્વાર્થનો વિચાર ન કરતાં બીજાઓના ભલાનો વિચાર પણ કરવો જોઇએ.

('ઈન્ટરનેટ પરથી')

Monday, September 17, 2012

વીણેલાં મોતી

લાખો મુસાફર પસાર થઇ જાય તો પણ,


'કોઈકના' પગલા કાયમ માટે

યાદ રહી જાય છે!!


સબંધના મોતી પરોવી રાખજો!!...

એ'જીવન' છે!!


વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,

અમે ક્યાં કીધું કે

અમારા જ દોસ્ત બનીને રહો,

પણ તમારા દોસ્તો ની યાદીમાં,

એક નામ અમારું પણ રાખજો!!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કેટલાક સંબંધો

જીવન સાથે વણાઈ જાય છે,

કેટલીક યાદો

સ્વપ્ન બની ને રહી જાય છે,

લાખો મુસાફર પસાર થઇ જાય તો પણ,

'કોઈકના' પગલા

કાયમ માટે યાદ રહી જાય છે!!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ઝીંદગી મળવી એ નસીબની વાત છે

મોત મળવું એ સમયની વાત છે

પણ મોત પછી પણ

કોઈના દિલમાં જીવતા રેહવું

એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,

આંખ ભીની તો કાયમ રહે છે,

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મોકલું છું મીઠી યાદ

ક્યાંક સાચવી રાખજો,

મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,

તડકામાં છાયો

ના લાવી શકે તો કંઈ નહિ,

ખુલા પગે તમારી સાથે ચાલશે

એ જ યાદ રાખજો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડે છે,

રોવાનો અધિકાર પણ

નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે

હસવું પણપડે છે. . .

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આંસુ સુકાયા પછી જે મળવા આવે...

એ "સંબંધ છે", ને...

આંસુ પહેલા મળવા આવે....,

એ પ્રેમ છે

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

દરેક ઘર નું સરનામું તો હોય...પણ....

... ગમતા સરનામે ઘર બની જાય.....

એ જીવન છે!!



('ઈન્ટરનેટ પરથી')

Sunday, September 2, 2012

રવિન્દ્રનાથ ટાગોરની એક સુંદર કવિતા

ઇશ્વરના ચરણોમાં પુષ્પ ચઢાવવા મંદિર ન જશો,


પહેલા તમારા ઘરને પ્રેમની ખુશ્બોથી મધમધતું કરજો...

ઇશ્વર સામે દિવો પેટાવવા મંદિર ન જશો,

પહેલા તમારા હ્રદયમાં રહેલા પાપોના અંધારા દૂર કરશો...

ઇશ્વર સામે તમારું શીશ પ્રાર્થનામાં ઝૂકાવવા મંદિર ન જશો,

પહેલા તમારી સામેના માણસની નમ્રતા અને માણસાઈ સામે આદર અને સન્માનથી ઝૂકતા શીખજો...

ઇશ્વર સામે ઘૂંટણિયે ઝૂકી પ્રાર્થના કરવા મંદિર ન જશો,

પહેલા તમારી સામે દુ:ખો અને અન્યાયથી ચગદાઈ ગયેલા વ્યક્તિને ઉભો કરવા ઝૂકશો...

ઇશ્વર સામે તમારા પાપોની ક્ષમા યાચના કરવા મંદિર ન જશો,

પહેલા તમારી સાથે જેણે અન્યાય કર્યો હોય કે જેણે તમને દુભવ્યા હોય તેમને હ્રદયપૂર્વક માફી આપશો...


('ઈન્ટરનેટ પરથી')