Saturday, June 30, 2012

ગુજરાતી એન.આર.આઈ 'બા' નું કોફીન!


ગુજરાતમાં એક કુટુંબને ભારે નવાઈ લાગી જ્યારે તેમના મૃત બા નું શબ એક કોફીનમાં(ખ્રિસ્તીઓના શબને જેમાં સૂવડાવી દફનાવવામાં આવે છે) અમેરિકાથી સીધુ તેમના ઘેર ડીલીવર કરવામાં આવ્યું. બાની એન.આર.આઈ. દિકરીએ તેમનું શબ કોફીનમાં ભારત મોકલી આપ્યું હતું.


બાના મડદાને ખૂબ ચૂસ્ત રીતે કોફીનમા પેક કરેલું હતું અને કોફીન ખોલતાં જ હાથમાં આવે એ રીતે શબ પર એક પત્ર મૂકવામાં આવ્યો હતો. એ પત્ર એન.આર.આઈ બહેને તેના બીજા ભાઈ-બહેનને સંબોધીને લખ્યો હતો. એક ભાઈએ આ પત્ર હાથમાં લઈ વાંચવા માંડ્યો:

વ્હાલા ચંદ્રકાન્તભાઈ, અરવિંદભાઈ, રીમા અને વર્ષા,

હું આ સાથે બા નો પાર્થિવ દેહ મોકલી રહી છું કારણ તેમની એવી અંતિમ ઇચ્છા હતી કે તેમને ગુજરાતમાં,પોતાના વતનમાં,આપણાંપૂર્વજોના ઘરને આંગણે જ દફનાવવામાં આવે.

મને માફ કરશો. નોકરીની બધી રજાઓ વપરાઈ ચૂકી હોવાથી, હું ભારત આવી શકી નથી.

કોફીનમાં બા ના શરીર નીચે ચીઝના ડબ્બા, ટોબલરચોકલેટના દસ પેકેટ અને બદામના આઠ પેકેટ ગોઠવેલા છે. તે તમારા માટે છે.પરસ્પરમાં વહેંચી લેજો.

બા નાપગમાં રીબોકના ૧૦ નંબરની સાઈઝના શૂઝ પહેરાવ્યા છે તે મોહન માટે છે. નીચે રાધા અને લક્ષ્મીના છોકરાઓ માટે બીજા બે જોડી બૂટ પણ ગોઠવ્યા છે. આશા છે તેમને સાઈઝ બરાબર આવી રહેશે.

બાને છ અમેરિકન ટી-શર્ટ્સ પહેરાવેલા છે. તેમાં સૌથી મોટી સાઈઝનું મોહન માટે છે. બાકીના તમારી વચ્ચે વહેંચી લેજો. બાને પહેરાવેલા બે નવા જીન્સ છોકરાઓ માટે છે.

રીમાને જોઈતી હતી એ સ્વીસ વોચ બા ના ડાબા કાંડે પહેરાવેલી છે.

શાંતામાસી, બા એ જે ગળામાં હાર, લટકણિયા અને વીંટી પહેર્યા છે તે તમારા માટે ખાસ મોકલ્યા છે. એ સાચવીને કાઢીને તમે લઈ લેશો.

બા ના પગે પહેરાવેલી છ સફેદ કોટનના મોજાની જોડીઓ મારા વહાલા ભત્રીજાઓ માટે છે.

બધી ચીજવસ્તુઓની વહેંચણી સૂચવ્યા મુજબ ધ્યાનથી બરાબર કરી લેશો.

પ્રેમસહ,
સ્મિતા

તા.ક. : જો બીજું કંઈ વધારે મંગાવવું હોય તો જલ્દી જ જાણ કરશો કારણ આજકાલ બાપુજી પણ સાજા માંદા રહ્યા કરે છે.

('ઇન્ટરનેટ પરથી')

Sunday, June 24, 2012

પિતા ઘર નું અસ્તિત્વ હોય છે

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતા તો રડી પણ શકતા નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એ જ કરવાનું હોય છે.

જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાસ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી કે ખાલી પાણી લગાડી ને જ દાઢી કરી લેશે.

પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુએ છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાથમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.



દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો
ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો
માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસે તો ઘણા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 16, 2012

આંતરિક સાચી ઓળખ

એક વાર એક માણસ કોઈ દરિયા કિનારે ભટકતા ભટકતા ત્યાં રહેલી એક ગુફામાં જઈ ચડ્યો. ત્યાં ગુફામાં તેને એક ગુણી મળી જેમાં કેટલાક માટીના ગોળ દડા જેવા ગુલ્લા હતાં.એવું લાગતું હતું જાણે કોઈએ સૂર્યપ્રકાશમાં તપાવી આ ગુલ્લા, ભઠ્ઠીમાં જેમ ભઠિયારો ઈંટ પકવે તેમ તપાવીને તૈયાર કર્યા હતાં. આ ગુલ્લામાં પેલા માણસને કંઈ વિશેષ ન જણાયું. પણ તે અમસ્તો જ એ ગુણી પોતાની સાથે ગુફાની બહાર લઈ આવ્યો.


તે દરિયા કિનારે આંટા મારતા મારતા સમય પસાર કરવા, માટીના ગુલ્લા એક પછી એક પોતાનાથી બની શકે એટલા દૂર દરિયામાં ફેંકવા લાગ્યો. તેણે વગર કંઈ વિચાર્યે જ આ પ્રક્રિયા ચાલુ રાખી.પણ ત્યાં એક ગુલ્લુ દરિયામાં એકાદ ખડક પર અફળાયું અને તેના પર રહેલું માટીનું પડ તૂટી જતા તેની નજરે પડ્યું. ખડક પર તે ગુલ્લામાંથી નિકળેલી સોનામહોર ચમકી રહી હતી. તેણે હવે પોતાની પાસે બચેલા થોડાં જ ગુલ્લા પૈકી એકને પત્થર સાથે જોરથી અફાળી તોડી પાડ્યું અને તેમાંથી પણ સોના મહોર બહાર નિકળી. તેણે બાકી બચેલા બધાં ગુલ્લા આ રીતે તોડી પાડ્યા અને તે દરેકમાંથી સોના મહોર નિકળી.

તેને ભાન થયું કે તેણે પચાસથી સાંઠ ગુલ્લા દરિયામાં દૂર ફેંકી દઈ તેટલી સોનામહોરો ગુમાવી દીધી હતી. તેના હાથમાં માત્ર દસ-બાર સોનામહોરો જ આવી. લાખો રૂપિયા મેળવી શકવાને બદલે તેણે માત્ર થોડાં હજાર રૂપિયાના મૂલ્યની મહોરો થી જ સંતોષ માનવો પડ્યો.

કેટલીક વાર આપણી આસપાસના માણસોની બાબતમાં પણ આમ જ બનતું હોય છે.આપણે બીજા સામે જોઇએ કે ઘણી વાર તો આપાણી પોતાની જાત સામે પણ જોઇએ ત્યારે આપણને પેલું બહારનું માટી જેવું આવરણ જ નજરે પડે છે. જેના કારણે ઉપરછલ્લી દ્રષ્ટી એ જ જોતાં અંદરના ખરા ગુણો,મૂલ્યો વગેરેનો ખ્યાલ નથી આવતો.બહારનું પડ સુંદર કે ચકચકિત ન હોવાને કારણે આપણે તેને ગણકારતાં નથી.આપણે ફક્ત બહારથી ટીપટોપ, ફેશનેબલ કે સ્ટાઈલીશ દેખાતી કે સમ્રુદ્ધ વ્યક્તિને વધારે મહત્વની ગણીએ છીએ.

પણ આપણે તે વ્યક્તિની અંદર ભગવાને છૂપાવેલા ખજાનાને પિછાણવાની કોશિશ નથી કરતા.આ છૂપો ખજાનો આપણાં દરેકમાં રહેલો હોય છે.આપણું શરીર જ નહિં આપણું આધ્યાત્મિક વ્યક્તિત્વ પણ અતિ મૂલ્યવાન હોય છે જે પેલા ગુલ્લા પરના માટીના આવરણની જેમ બાહ્ય પડથી ઢંકાયેલું હોય છે.

પણ જો તમે એ અંદરની ખરી વ્યક્તિને જાણવા પ્રયત્ન કરશો અને જો તેની આધ્યાત્મિક ઓળખ કેળવવા પ્રયત્ન કરશો તો પેલી માટી ખરી પડશે અને તમારું આંતરિક વ્યક્તિત્વ ઝળહળા પ્રકાશથી ચમકી ઉઠશે.

('ઈન્ટરનેટ પરથી')

Monday, June 4, 2012

પંચરત્નકણિકા

એક માણસે એક શિલ્પકારને પૂછ્યું : "તું પાષાણમાંથી આવી સુંદર પ્રતિમાઓ કઈ રીતે બનાવે છે?"


શિલ્પકારે જવાબ આપ્યો : "ચિત્ર અને પ્રતિમાઓ તો પાષાણમાં જ છૂપાયેલી હોય છે.હું તો માત્ર બિનજરૂરી પથ્થરને કોતરી કાઢી દૂર કરું છું!"



સાર / ઉપસંહાર : તમારું સાચું સુખ તમારી અંદર જ છૂપાયેલું છે, માત્ર ચિંતાઓ દૂર કરી (છોડી) દો.



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *



જીવન એક વાંસળી જેવું છે.તેમાં ઘણાં છિદ્રો અને પોલાપણું કે ખાલી જગા રહેલા છે.પણ જો તમે એનો ધ્યાનથી યોગ્ય ઉપયોગ કરી જાણો તો તેમાંથી મંત્રમુગ્ધ કરી દેનાર જાદુઈ સંગીતનું નિર્માણ થઈ શકે છે.



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *



તંદુરસ્તી મોટામાં મોટી ભેટ છે.સંતોષ મોટામાં મોટી સંપત્તિ અને શ્રદ્ધા તેમજ વફાદારી મોટામાં મોટા સંબંધ છે. - ગૌતમ બુદ્ધ



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *



યોગ્ય કે લાયક વ્યક્તિ સાથે સમજૂતી ખોટાં કે અયોગ્ય વ્યક્તિ સાથે દલીલ કરતાં વધુ સારી છે.



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *



સૌથી સારું કોઈના વિચારોમાં રહેવું અને સૌથી સુરક્ષિત કોઈની પ્રાર્થનામાં હોવું - એ છે.



* * * * * * * * * * * * * * * * * * * * * * * * *


('ઈન્ટરનેટ પરથી')