Sunday, May 27, 2012

વિચાર મહત્વનો છે


એક ગામમાં એક ડોસો રહેતો હતો. તેને પોતાનું બટાટાનું ખેતર ખેડવું હતું પણ દુર્બળ થઈ ગયેલા ડોસા માટે આ એક ખૂબ અઘરૂં કામ હતું. કામ તેનો એક માત્ર જુવાન દિકરો કરી શકે તેમ હતો. પણ તે જેલમાં તેણે કરેલા કોઈક ગુના બદલ સજા ભોગવી રહ્યો હતો.

ડોસાએ તેના પુત્રને એક પત્ર લખ્યો જેમાં તેણે પોતાની સ્થિતી આ મુજબ વર્ણવી:

વ્હાલા દિકરા,
મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે કે આપણો બટાટાનો પાક આ વર્ષે નહિં ઉતરી શકે. તારી માતાના કેટલા અરમાન હતાં કે આપણે આ વર્ષે બટાટાનો પાક ઉતારીએ.પણ મારા બાવડામાં હવે બળ રહ્યું નથી કે હું આપણું આવડું મોટું ખેતર ખેડી શકું. તુ અહિં હોત તો પરિસ્થિતી જુદી હોત. તેં ચોક્કસ ઘણા ઓછા સમયમાં ખેતર ખેડી નાંખ્યું હોત. કેટલું સારૂ હોત જો તુ જેલમાં ન હોત અને અહિં મારી સાથે આપણાં ખેતર પાસે હોત!
પ્રેમ સહ,
તારો કમનસીબ બુઢ્ઢો બાપ

થોડા જ સમયમાં ડોસાને એક તાર મળ્યો : "મહેરબાની કરીને પપ્પા ખેતર ખેડતા નહિં. તેમાં મેં શસ્ત્રો છૂપાવી રાખ્યા છે."
બીજે દિવસે સવારે ચાર વાગે દસ-બાર ગણવેશધારી પોલીસ તેમજ લશ્કરી દળના જવાનો ડોસાના ખેતરમાં આવી પહોંચ્યા અને તેમણે આખું ખેતર ખોદી (ખેડી) કાઢ્યું. પણ તેમને ત્યાંથી એક પણ શસ્ત્ર મળ્યું નહિં.
મૂંઝાયેલા ડોસાએ તેના દિકરાને બીજી એક ચિઠ્ઠી લખી મોકલાવી જેમાં તેણે શું બની ગયું તેની વિગતો લખી મોકલાવી અને પૂછ્યું કે હવે શું કરવું જોઇએ.
દિકરાએ વળતો જવાબ મોકલ્યો:"પપ્પા,હવે તમે લહેરથી જઈને બટાટા વાવી દો! અહિં બેઠા બેઠા આનાથી વિશેષ હું તમારા માટે કંઈ જ કરી શકું એમ નથી!"

ઉપસંહાર :
ભલે તમે દુનિયાના ગમે તે ખૂણે હોવ,પણ જો તમે કંઈક કરવાનો દ્રઢ નિર્ધાર કરી લો છો, હ્રદયના ઉંડાણથી, તો એ તમે ચોક્કસ પૂરું કરી શકો છો. વિચાર મહત્વનો છે, સ્થળ કે સંજોગો નહિં.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 12, 2012

મધર્સ ડે સ્પેશિયલ : એક માની દુઆ

પાકિસ્તાનના એક નાનકડા ગામમાં એક ગરીબ દંપતિ રહેતું હતું.તેમને એક જ દિકરો હતો. તેમણે તેને શ્રેષ્ઠ ભણતર આપ્યું. નજીકના શહેરમાંથી તેમના દિકરાએ એન્જિનિયરીંગની ડીગ્રી મેળવી.


પુત્ર યુવાન થતાં તેમણે તેને એક અમીર ઘરની કન્યા સાથે પરણાવ્યો. શરૂઆતમાં તો પુત્ર નવી વહુ સાથે માતાપિતાના ઘેર જ ગામડે રહ્યો પણ થોડા જ સમયમાં વહુ ગામડાના જીવનથી કંટાળી ગઈ અને તેણે પુત્રને ઘરડા ગરીબ માબાપથી દૂર કરી શહેરમાં ઘર વસાવ્યું.

થોડા દિવસો બાદ પુત્રની નજર અખબારમાં જેદાહ ખાતે એક નોકરીની ખાલી જગા માટેની જાહેરખબર પર પડી. તેણે આ નોકરી માટે અરજી કરી અને તે આ નોકરી મેળવવામાં સફળ રહ્યો. પત્નીને સાથે લઈ તે જેદાહ ઉપડી ગયો અને ત્યાં સ્થાયી થઈ ગયો.વર્ષો વીતી ગયાં.

શરૂઆતમાં તો તે નિયમિત માતાપિતાને રૂપિયા મોકલાવતો.પણ સમય વિતતા તેણે રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું. તે જાણે પોતાના માતાપિતાના અસ્તિત્વને જ વિસરી ગયો.

દર વર્ષે તે હજની યાત્રા કરવા જતો અને દરેક હજ પછી તેને એક વિચિત્ર સ્વપ્ન આવતું જેમા તેને કોઈક કહેતું કે તેની હજ સ્વીકારાઈ નથી.તેણે પોતાના આ સ્વપ્ન અનુભવની વાત એક પવિત્ર મૌલવીને કરી જેણે તેને પાકિસ્તાન પોતાના માતાપિતા પાસે પરત ફરવા જણાવ્યું.

તે પાકિસ્તાન પોતાના ગામે આવી પહોંચ્યો પણ વર્ષોના વ્હાણા વાઈ ગયા હોવાથી બધું બદલાઈ ગયું હતું અને તેને પોતાનું જૂનું ઘર ન જડ્યું. તેણે ઘણાં ગ્રામવાસીઓને તેના ઘરડાં માબાપ અંગે પૃચ્છા કરી. એક ઘરડા માણસે તેને એક જીર્ણ ઝૂંપડા તરફ નિર્દેશ કરી કહ્યું : "અહિં આ ઘરમાં એક આંધળી ડોશી રહે છે જેના પતિનું થોડા મહિના અગાઉ મૃત્યુ થયું છે. તેને એકનો એક પુત્ર હતો પણ તે કપૂત ઘણાં વર્ષો પહેલાં સાઉદિ અરબ નાસી ગયો અને ત્યાંથી ક્યારેય પાછો જ ન ફર્યો. કેટલો બડભાગી!"

તે ઘરમાં પ્રવેશ્યો અને તેણે પોતાની માતાને ખાટલા પર સૂતેલી જોઈ. તે દબાતા પગલે ખાટલા તરફ આગળ વધ્યો જેથી તેની ઘરડી મા ઉઠી ન જાય. પણ તેણે નજીક જતા અનુભવ્યું કે તેની મા નિદ્રાવસ્થામાં કંઈક બબડી રહી હતી. તે એના શબ્દો સાંભળવા નીચો નમ્યો અને તેણે માના શબ્દો સાંભળ્યા: "યા અલ્લા, હું હવે સાવ ઘરડી અને આંધળી થઈ ગઈ છું. મારા પતિ પણ જન્નતનશીન થઈ ગયા છે. જ્યારે હું મરી જઈશ ત્યારે મારી લાશ કબરમાં દફનાવનારું મહરમ કોઈ નથી. કૃપા કરી મારા છોકરાને મારી આ અંતિમ ઇચ્છા પૂરી કરવા મોકલી આપજે, જેથી તેના નસીબમાંથી આ પુણ્યનું ફળ છીનવાઈ ન જાય. "

અહિં આ વાર્તાનો અંત આવે છે જેમાં મરનાર માતાની અંતિમ ઇચ્છા પૂરી થાય છે અને તેની દુઆ કબૂલ થાય છે.

માણસનું શરીર માત્ર ૪૫ એકમ વેદના સહન કરી શકે છે જ્યારે સંતાનને જન્મ આપતી વેળાએ એક માતા ૫૭ એકમ વેદના સહન કરે છે, જે ૨૦ હાડકા એક સાથે તૂટે ત્યારે થતી વેદના જેટલી હોય છે.

આ વાર્તા દર્શાવે છે કે તમારી માતા તમને કેટલી હદે પ્રેમ કરે છે.

તમારી માતાને જીવનપર્યંત પ્રેમ આપો. એ સ્ત્રી જેની સાથે તમે લગભગ રોજ ઝઘડો છો, તેણે તમને સુંદર એવું આ જીવન આપવા કેટલા કષ્ટો વેઠ્યા છે તેનો હિસાબ ન માંડી શકાય.

“હે અલ્લા, મારા પાપો બદલ મને માફી આપ અને મને શક્તિ આપ જેથી હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સીરાત-અલ-મુસ્તાકીમ પર રહી શકું.”

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 5, 2012

ઉદાર બનો, દયાળુ બનો.

ઉદાર બનો, દયાળુ બનો. દયા કરવાની તક ઝડપી લેવા તૈયાર રહો.


આજે સવારે મેં ઇશ્વરને દયાળુ બનવાના રસ્તા સુઝાડવા પ્રાર્થના કરી.

મને ઉદાર બનવાની પ્રથમ તક હોટલમાં મળી જ્યાં હું ખાવા ગયો. એક નાનકડી છોકરીના હાથમાંથી પાંચ રૂપિયાનો સિક્કો પડી ગયો. મેં દોડીને તે તેની મમ્મીના હાથમાં આપતા કહ્યું,"આ સિક્કો તમારી દિકરીના હાથમાંથી પડી ગયો." તેમણે સસ્મિત મારો આભાર માન્યો. મને સારું લાગ્યું.

આગળ બહાર રસ્તામાં એક વૃદ્ધ માથે ભારો ઉંચકી રસ્તો ક્રોસ કરવા પ્રયાસ કરી રહ્યો હતો. તેની કમર ભારાનાં વજનથી બેવડ વળી ગઈ હતી. મેં તેને પૂછ્યું શું હું તેની મદદ કરી શકું છું? તેણે આશિર્વાદની ઝડીઓ આંખો દ્વારા વરસાવતાં હા ભણી અને મેં તેને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી. તે ખૂબ ખુશ થઈ ગયો અને તેણે હ્રદયપૂર્વક મારો આભાર માન્યો.

આગળ રસ્તામાં એક બાળક ફૂલોનો ગુચ્છો લઈ મને એ ખરીદવા આજીજી કરવા લાગ્યો. મને વિચાર આવ્યો હું કોને આપીશ એ ફુલોનો ગુચ્છો? પણ એ માસૂમ છોકરાના નિર્દોષ ચહેરા સામે જોતા હું તેને ના ન કહી શક્યો અને મેં એ ખરીદી લીધો. સામે જ એક આઈસ્ક્રીમની દુકાન હતી. કોણ જાણે કેમ પણ મને એ છોકરાને આઈસ્ક્રીમ ખવડાવવાનું મન થયું અને હું તેને સાથે લઈ આઈસ્ક્રીમની દુકાનમાં ગયો. ત્યાં કાઉન્ટર પર એક યુવતિ બેઠી હતી જેનો આખો ચહેરો બળી ગયેલો હતો. છતાં તેની આંખો ખૂબ સુંદર હતી. મેં જતા વેંત ફૂલોનો ગુચ્છો તેને ભેટમાં આપતા કહ્યું,"આ તમારા માટે!" તે ખૂબ નવાઈ પામી પહેલા તો થોડી ગભરાઈ ગઈ પણ થોડી ક્ષણોમાં મારા નિસ્વાર્થ ભાવ કળી જતાં તેના મોઢા પર સ્મિત છવાઈ ગયું અને તેણે એ પુષ્પગુચ્છ મારો આભાર માનતા સહર્ષ સ્વીકારી લીધો. મેં તેની પાસેથી આઈસ્ક્રીમ ખરીદી પેલા ગરીબ છોકરાને ખવડાવ્યો અને તેના નાનકડા ચહેરા પર જે સંતોષ અને ખુશીના ભાવ મેં જોયા એ નિહાળી મને પણ મારો દિવસ સફળ થઈ ગયાની અનુભૂતિ થઈ.


('ઈન્ટરનેટ પરથી')