Saturday, March 31, 2012

ઇબાદતનો સાચો મર્મ

બેગમ અખ્તર 'ક્વીન ઓફ મેલોડી' અને ‘મલ્લિકા-એ-ગઝલ’ના હૂલામણા નામે જાણીતા છે. તેઓ ૧૯૧૪માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ શહેરમાં જન્મ્યા હતા. તેમની સંગીતની તાલીમ પટિયાલાના અત્તા અહમદ ખાન હેઠળ શરૂ થઈ હતી. બેગમ ફક્ત શાસ્ત્રીય સંગીત જ નહિં પરંતુ ગઝલ, ભજન,ઠુમરી અને દાદરા જેવા સેમિ-ક્લાસિકલ સ્વરૂપ પણ શીખ્યા હતા. તેઓ રૂઢિગત પરંપરાની બેડીઓ ફગાવી દેનારા ખૂબ મોટા મનના સન્નારી હતા જેઓ નારીના સશક્તિકરણના પ્રખર હિમાયતી હતા.


અખ્તર એક બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી મહિલા હતા.

તેમના જીવનનો એક પ્રસંગ જાણવા જેવો છે જે તેમના વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જાય છે.

તેમને સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા ત્યાર બાદ કેટલાક મૌલવીઓ તેમને મળવાં ગયાં. રાષ્ટ્રીય કક્ષાનું આ સન્માન મળતાં તેઓ સરકારની નજીક હશે અને આથી પોતાની માગણી તેઓ સરકાર સમક્ષ બેગમની વગ વાપરી આસાનીથી મૂકી શકશે એવી ગણતરીથી મૌલવીઓ બેગમને મળવા આવ્યાં હતાં.

તેમણે ફરિયાદ કરતા કહ્યું:"બેગમ, આપણી બારાબંકા ખાતેની એક મસ્જિદ હિન્દુઓ દ્વારા કબ્જે કરી લેવાઈ છે અને હિન્દુઓ ત્યાં 'પૂજા' કરે છે. આ અમને સ્વીકાર્ય નથી. અમને અમારી મસ્જિદ પાછી મેળવી આપવામાં મદદ કરો."

બેગમે તેમને ધ્યાન પૂર્વક સાંભળ્યા અને પછી જવાબ આપ્યો:"આમ જોવા જઈએ તો ત્યાં એ સ્થળે ઇબાદત (પ્રાર્થના) જ કરવામાં આવે છે ને, ભલે પછી એ હિન્દુ ધર્મની હોય કે મુસ્લિમ ધર્મની, એમાં શો ફેર પડે છે?"

મૌલવીઓને તેમનો જવાબ મળી ગયો અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, March 24, 2012

જાનવર અને માણસ

માણસ માંદો પડે તો એને જાનવરના દવાખાને લઇ જવો જોઇએ કારણ કે આજના માણસમાં માણસાઇ ઓછી અને પશુતા વધુ દેખાય છે.


અત્યારે માણસ કૂકડાની માફક જાગે છે અને ઘોડાની માફક ભાગે છે. રસ્તામાં ટ્રાફિક જામ કરે ને ગધેડાની માફક કામ કરે. ઘરે આવી કૂતરાની માફક ભસે ને બેડરૂમમાં વરુની માફક હસે છે. ટી.વી.ને રિછની માફક સૂંઘે છે ને પછી ભૂંડની માફક ઊંઘે છે. હવે તમે જ કહો કે આવું પ્રાણી બીમાર પડે તો ક્યાં લઇ જવું જોઇએ?

માણસમાં અને રિછમાં એક તફાવત એવો છે કે માણસની હજામત થઇ શકે છે પરંતુ જંગલમાં હેર કટિંગ સૂલન ન હોવાથી રિછની હજામત થઇ શકતી નથી પરંતુ જે હજામત કરાવી શકે તે કરી પણ શકે તેથી માણસ સગા બાપનો ટકો કરતાં અચકાતો નથી.

રિછ બીજા રિછને મૂંડતો નથી.

માણસમાં અને હાથીમાં એવો તફાવત છે કે હાથીને માથે અંકુશ છે તેથી તેના મહાવતને ક્યારેય દગો કરતો નથી અને માણસ નિરંકુશ હોવાથી કોઇને દગો કરવાની એક પણ તક છોડતો નથી.

માણસમાં અને નાગમાં એવો તફાવત છે કે નાગ પહેલાં તો બીકનો માર્યો ભાગે છે અને નાછૂટકે જ કરડે છે. જ્યારે માણસ પહેલાં તો કરડે છે અને નાછુટકે જ બીકનો માર્યો ભાગે છે.

જેમ કડીની અધ્યાપિકાને ત્રણ નાગ કરડ્યા એમાં બે પકડાયા અને એક બીકનો માર્યો ભાગતો ફરે છે.

માણસને ગમે તેવો ઝેરી સાપ કરડે એની દવા છે પણ માણસને માણસ કરડે એની દવા નથી.

મિનિસ્ટર પણ એક પ્રકારનું પ્રાણી જ છે. માણસ અને મિનિસ્ટરમાં તફાવત એવો છે કે માણસમાંથી મિનિસ્ટર થઇ શકાય છે, પરંતુ મિનિસ્ટર થયા પછી માણસની જેમ જીવવું અઘરું છે.

માણસને પક્ષીની માફક ઊડવું છે. માછલીની માફક તરવું છે. કોયલની માફક ગાવું છે પરંતુ માણસની માફક જીવવું નથી!

માણસ પશુની માફક જીવે છે એનું કારણ એવું છે કે માણસના મગજમાં દરરોજ બે આખલા ઝઘડે છે. જેમાં એક હિન્દુસ્તાની આખલો છે અને બીજો પાકિસ્તાની આખલો છે.

જે આખલો જીતે તે માણસના મગજ ઉપર સવાર થઇ જાય છે અને દુભૉગ્યવશ મોટે ભાગે પાકિસ્તાની બિગબુલ જીતે છે અને માણસ હ્યુમન મટીને હેવાન બની જાય છે.

માણસને બાઇક, કાર અને પ્લેન ચલાવતાં આવડે છે પણ મગજ, નજર અને જીભને પોતાના કાબૂમાં રાખીને ચલાવતાં આવડતું નથી.

સિંહ ગરજે, ઘોડો હણહણે, ગધેડો ભૂંકે, કૂતરો ભસે, ભમરો ગુંજે, શિયાળ લાળી કરે, નાગ ફૂંફાડો મારે, કોયલ ટહુકે, ભેંસ ભાંભરે, વાંદરો ડાચિયું કરે, રિછ ઘૂરકે અને માણસ? માણસ સમય આવ્યે આ બધું કરી શકે.

અંબાલાલને એકવાર મોંઘીભાભીએ પૂછ્યું કે તમારી પાછળ વાઘ પડે તો શું કરો?

અંબાલાલે કહ્યું કે હું દસ માળના બિલ્ડિંગની અગાસીમાં જતો રહું, એટલે મોંઘી બોલી કે વાઘ પણ લિફ્ટમાં ચડીને અગાસીમાં આવી ચડે તો શું કરો?

એટલે અંબાલાલે કહ્યું કે તું પહેલા એક ચોખવટ કર કે તારે મને જિવાડવો છે કે વાઘને જિવાડવો છે?

દરેક માણસે આ સવાલ પોતાના આત્માને પૂછવો જોઇએ કે તારે મારી અંદર માણસને જિવાડવો છે કે જાનવરને જિવાડવો છે?

છેલ્લે, માણસે બત્રીસ લક્ષણો જાનવરો પાસેથી કેળવવા જેવા ખરાં!

સાત લક્ષણો મોરલાનાં ગ્રહણ કર્યા હોયઃ- ઉચ્‍ચસ્‍થાને રહેવું,શત્રુને મારવો,મધુર બોલવું, સ્‍વરૂપે સુંદર હોવું,સુઘડતા રાખવી અને યુક્તિ પ્રયુક્તિ જાણવી અને એકલા રહેવું.

છ લક્ષણો કૂતરાનાં ગ્રહણ કર્યા હોય...સંતોષ,અલ્પ નિન્દ્રા,તરત સમજી જવું,સ્‍વામી ભક્તિ,સાહસ અને કૃતજ્ઞતા.

પાંચ લક્ષણ કાગડાનાં ગ્રહણ કર્યા હોયઃ અવિશ્વાસ,લાજ,સમય પરીક્ષા,ચંચળતા અને પોતાનાં હોય તેને સાથે રાખવાં.

પાંચ લક્ષણો આદર્શ માનવીનાં ગ્રહણ કર્યા હોયઃ- સ્‍વમાન,ધીરજ,વાક્પટુતા,ક્ષમા અને સત્ય.

ચાર લક્ષણ કૂકડાનાં ગ્રહણ કર્યા હોયઃ વહેલા ઉઠવું,યુધ્ધમાં અડગ રહેવું,૫રીવારનું પોષણ કરવું,સ્‍ત્રી ઉ૫ર પ્રીતિ રાખવી.

ત્રણ લક્ષણ ગધેડાનાં ગ્રહણ કરવાં...મહેનત કરવી,દુઃખને ગણકારવું નહી,સંતોષી રહેવું.

એક લક્ષણ બગલાનું ગ્રહણ કરવું... ધ્યાન કરવું.

એક લક્ષણ સિંહનું ગ્રહણ કરવું... ૫રાક્રમ કરતા રહેવું.



('ઈન્ટરનેટ પરથી')

Saturday, March 17, 2012

વિચારવલોણું

મન પર માનવીનો કાબૂ એટલે વિકાસ...


માનવી પર મનનો કાબૂ એટલે વિનાશ..!!

***********************

તકરાર અને છાશ વચ્ચે એક સામ્ય છે. બંને જેટલો લાંબો સમય રહે તેટલી ખાટી બને..!!

**********************

મોટા ભાગના લોકો કજિયો એટલા માટે કરતા હોય છે કે એમને વ્યવસ્થિત રીતે સચોટ દલીલ કરતાં નથી આવડતી..!!

*********************

જેના વહીવટ પાછળ વધુ કાગળ અને વધુ શાહી વપરાય એ લોકશાહી..!!

**********************

રાતે ઘસઘસાટ નિદ્રા જોઈતી હોય તો નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી..!!

**********************

સવાલઃ મહાત્માની વ્યાખ્યા શું?

જવાબઃ મતભેદ હોવા છતાં બે મન વચ્ચે જે ભેદ સર્જાવા ન દે એનું નામ મહાત્મા..!!

***********************

બે સમસ્યામાંથી એકની પસંદગી કરવાની હોય, છતાં જે વ્યક્તિ બંને પર પસંદગી ઉતારે તેનું નામ નિરાશાવાદી..!!

**********************

ચર્ચામાં ઊતરવું એ સારી વાત છે, પણ ચર્ચા દરમિયાન ક્યારે ચુપકીદી સાધી લેવી એ તો તેના કરતાં પણ સારી વાત છે..!!



('ઈન્ટરનેટ પરથી')

Saturday, March 10, 2012

પ્રતિક્રિયા અને પ્રતિભાવ

અચાનક ક્યાંકથી એક વાંદો ઉડીને આવ્યો અને એક સ્ત્રીના હાથ પર જઈ બેઠો. શા કારણે એ તો રામ જાણે!


તેણે તો ડરના માર્યા રાડારાડ કરી મૂકી. મોઢા પર ભયાનક ડર અને બેચેનીના ભાવ સાથે ધ્રૂજતા સ્વરે તે સ્ત્રી બંને હાથ ઉછાળતા ઉછાળતા કૂદવા લાગી.તેની આ પ્રતિક્રિયા જાણે ચેપી હતી અને તેના ગ્રુપની બીજી સ્ત્રીમિત્રોએ પણ હોહા કરતાં કરતાં કૂદાકૂદ કરી મૂકી. આખરે વાંદો પેલી મહિલાના હાથ પરથી દૂર તો થયો પણ તેની બીજી એક સ્ત્રીમિત્રના પેટ પર જઈ બેઠો!

હવે આ તમાશો આગળ વધારવાનો વારો હતો આ બીજી સ્ત્રીનો જેના પર વાંદો જઈ બેઠો!

સ્ત્રીઓને વાંદાથી બચાવવા(!) એક વેઈટર તેમની પાસે દોડી ગયો અને બન્યું પણ એવું કે બીજી સ્ત્રીએ વાંદાને ઉડાડ્યો અને તે વેઈટર પર જઈ બેઠો. તે આ ઘટનાથી બિલકુલ વિચલિત થયા વગર સ્થિર અને શાંત ઉભો રહ્યો અને તેણે વાંદાની હિલચાલ જોયા કરી.જ્યારે તેને ખાતરી થઈ કે સમય યોગ્ય છે ત્યારે તે પોતાની આંગળીઓ વડે વાંદાને બિલકુલ સહજતાથી ઉંચકી બહાર મૂકી આવ્યો.

કોફી પીતા પીતા આ દ્રષ્ય જોઈ મારૂં મન વિચારોના ચકડોળે ચડ્યું. મેં વિચાર્યું કે આ જે તમાશા જેવી પરિસ્થિતિ ઉભી થઈ તેના માટે જવાબદાર વાંદાને ગણી શકાય? જો હા,તો પછી વેઈટરનું વર્તન શા માટે અતિ સામાન્ય હતું, જ્યારે સ્ત્રીઓનું તેના કરતાં તદ્દન વિપરીત? વેઈટરે જરા પણ વિચલિત થયાં વગર આ પરિસ્થિતિ બરાબર રીતે સંભાળી લીધી હતી.

અને પછી તો મને સમજાયું કે જ્યારે જ્યારે મારા પિતા કે મારા બોસ કે મારા મિત્ર કે મારી પત્ની મારા પર ક્રોધે ભરાઈ બરાડા પાડે છે ત્યારે અકળાવી મૂકનાર તેમનું આ વર્તન મને અસ્વસ્થ કરી મૂકવા બદલ જવાબદાર નથી.પણ એ માટે મારી આ પરિસ્થિતીને સંભાળી ન શકવાની અસમર્થતા જવાબદાર છે. રસ્તા પર ટ્રાફિકજામ થઈ જાય ત્યારે એ મને અકળાવી મૂકવા માટે જવાબદાર નથી હોતું પણ એ ટ્રાફિકજામ દ્વારા મને અસ્વસ્થ કરી મૂકનાર પરિસ્થિતીને સંભાળી ન શકવાની મારી અસમર્થતા એ માટે જવાબદાર હોય છે.

સમસ્યા નહિં પણ, એ સમસ્યા પ્રત્યેની મારી પ્રતિક્રિયા મને અકળાવવા કે મને દુ:ખી કરવા માટે જવાબદાર હોય છે.

ઉપરના વાંદા વાળા કિસ્સામાં સ્ત્રીઓએ પ્રતિક્રિયા આપી જ્યારે વેઈટરે પ્રતિભાવ આપ્યો.

આપણે જીવનમાં પ્રતિક્રિયા ટાળવી જોઇએ,પ્રતિભાવ આપવો જોઇએ. પ્રતિક્રિયાઓ ઉતાવળી અને સ્ફૂરણા-આધારિત હોય છે જ્યારે પ્રતિભાવો બુદ્ધિજન્ય અને વિચારપૂર્વક્ના હોય છે. આપણો પ્રતિભાવ કેવો હોવો જોઇએ તેની પસંદગી આપણે કરવાની હોય છે અને આપણી સ્વતંત્રતા અને સુખ આપણી એ પસંદગી પર આધાર રાખે છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, March 3, 2012

વૂમન્સ ડે સ્પેશિયલ

૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે.એ દિનની ઉજવણી કરવા આજે ઇન્ટરનેટ કોર્નરનો આજનો લેખ જગતની તમામ મહિલાઓને સમર્પિત છે...


હેપ્પી વૂમન્સ ડે..!

એક નાનકડા બાળકે તેની માતાને પૂછ્યું,"તું શા માટે રડે છે?"

માતાએ જવાબ આપ્યો ," કારણકે હું એક સ્ત્રી છું."

બાળકે કહ્યું,"મને સમજાયું નહિં..."

સ્ત્રીએ વ્હાલથી બાળકને બાથમાં લેતાં કહ્યું,"અને તને સમજાશે પણ નહિં."

પછી તો બાળક તેના પિતા પાસે ગયો અને તેણે તેમને પૂછ્યું,"પપ્પા, મમ્મી ઘણી વાર કોઈ દેખીતા કારણ વગર પણ શા માટે રડે છે?"

તેના પિતા એટલું જ કહી શક્યા કે બધી સ્ત્રીઓ કોઈ દેખીતા કારણ વગર જ રડતી હોય છે.

પછી તો એ બાળક મોટો યુવાન બન્યો પણ હજી સુધી એ જાણી કે સમજી શક્યો નહોતો કે સ્ત્રીઓ શા માટે આટલું બધું રડે છે.

એક દિવસ તેને સપનામાં ભગવાન આવ્યા અને તેણે તેમને પૂછ્યું કે સ્ત્રીઓ શા માટે રડે છે?

ભગવાને જવાબ આપ્યો,”મેં સ્ત્રીને અલાયદી અને ખાસ બનાવી છે.મેં તેના ખભા એટલા મજબૂત બનાવ્યા છે કે તે આખા જગતનો ભાર ઉંચકી શકે અને તે છતાં એ એટલા કોમળ પણ છે કે કોઈ દુ:ખી જનને સહારો અને શાતા પણ આપી શકે છે.

મેં તેને એટલી કઠણ બનાવી કે જ્યારે બધા હિંમત હારી જાય ત્યારે તે જરા પણ થાક્યા કે કંટાળ્યા વગર દરેક સ્થિતીમાં ફરિયાદનો એકાદ હરફ પણ ઉચ્ચાર્યા વગર પોતાના કુટુંબની કાળજી રાખી શકે છે.

મેં તેને એટલી આંતરિક શક્તિ અને સખત મનોબળ આપ્યા છે કે તે પ્રસવની પીડા ભોગવી બાળક પણ જણી શકે છે અને ક્યારેક તેના પોતાના જ સંતાનો તરફથી જાકારો પામ્યાનો આઘાત પણ ખમી જાય છે.

મેં તેને એટલી સંવેદનશીલ અને સમજુ બનાવી છે કે તે પોતાના બાળકને કોઈ પણ અને દરેક સંજોગોમાં નિસ્વાર્થ પ્રેમ આપી શકે છે, એવે સમયે પણ જ્યારે તે સંતાનો એ જ તેને ખૂબ બૂરી રીતે દુ:ખી કરી હોય છે.

મેં તેને તેના પતિના સઘળા દોષો નજર અંદાજ કરવાની તાકાત આપી છે અને પોતાના ગમાઅણગમાની પરવા કર્યા વગર તે પોતાના પતિની સાચા હ્રદયથી સેવા કરે છે.

મેં તેને એટલું સમજવાની શક્તિ આપી છે કે એક સારો પતિ પોતાની પત્નીને ક્યારેય દુ:ખ પહોંચાડતો નથી પણ ક્યારેક એ તેની સહનશક્તિ અને પોતાની સાથે સંકટસમયે પણ અડીખમ ઉભી રહેવાની ક્ષમતા ધરાવે છે કે નહિં તે ચકાસવાની કસોટી કરતો હોય છે.

અને છેલ્લે મેં તેને અશ્રુઓ આપ્યા છે જેનો તે જ્યારે પણ જરૂર જણાય ત્યારે છૂટથી ઉપયોગ કરી શકે...'

ભગવાને કહ્યું:"જો દિકરા, સ્ત્રીનું સૌંદર્ય તે જે વસ્ત્રો ધારણ કરે છે કે તે કેવી કાયા ધરાવે છે કે તે કઈ રીતે પોતાના કેશ ગૂંથે છે તેમાં નથી. સ્ત્રીનું સાચુ સૌંદર્ય તેની આંખોમાં છૂપાયેલું હોય છે કારણ એ જ તેના પ્રેમથી ભર્યા ભર્યા હ્રદય સુધી લઈ જતા દ્વાર છે."

તમારા જીવનમાં રહેલી સ્ત્રીઓનું ગૌરવ કરવા આ લેખ તેમને અને તમારા તમામ પુરુષ મિત્રોને પણ વંચાવો.

('ઈન્ટરનેટ પરથી')