Sunday, November 27, 2011

જૂની પેઢી અને નવી પેઢી

એક અભિમાની અને ઉદ્ધત કોલેજિયન જુવાનિયો એક વયસ્ક વડીલ સાથે ચર્ચા કરી રહ્યો છે અને વડીલને સમજાવી રહ્યો છે કે શા માટે તેમની ગઈ કાલની જૂની પેઢી આજની નવી પેઢીને સમજી શકવા અસમર્થ છે.


તે જુવાનિયો કહે છે:"તમે એક અલગ જ દુનિયામાં જીવ્યા છો, એક સાવ પ્રાથમિક કક્ષાના અણધડ જેવા વિશ્વમાં."

તે એટલું મોટેથી ઉશ્કેરાઈને બોલી રહ્યો હતો કે આજુબાજુમાંથી પસાર થઈ રહેલા કેટલાક લોકો પણ તેમની પાસે ઉભા રહી તેમની ચર્ચા સાંભળવા લાગ્યાં.

જુવાનિયો કહે છે:"આજની અમારી પેઢી ટી.વી.,જેટ વિમાનો જેવી શોધો અને અવકાશ યાત્રાઓ,ચંદ્ર પર ચાલવા જેવી ઘટનાઓ સાથે મોટી થઈ છે.અમારી પાસે પરમાણુ ઉર્જા,મસમોટા જહાજો અને મોબાઈલ ફોન છે,પ્રકાશ જેટલી ગતિથી ચાલતા કમ્પ્યુટર અને બીજા અનેક અત્યાધુનિક ઉપકરણો છે અને બીજુ ઘણું છે."

એક ક્ષણ મૌન રહ્યા બાદ વડીલ વયસ્કે તે જુવાનિયાને જવાબ આપ્યો,"તું સાચું કહે છે દિકરા.અમે જ્યારે જુવાન હતા ત્યારે અમારી પાસે આમાનું કંઈ જ ન હતું....અને આથી અમે એ બધાની શોધ કરી.પણ ઉદ્ધત અને અહંકારી એવી તમારી વંઠેલ પેઢી તમારી હવે પછીની આવનારી પેઢી માટે શું કરવાની છે એ જોઇએ...!" આજુબાજુ ઉભેલા સૌએ તાળીઓનો વરસાદ વરસાવ્યો!



('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 19, 2011

અમાપ પ્રેમ


ફ્રેડા બ્રાઈટ કહે છે,"માત્ર ઓપેરા (નાટકો)માં લોકો પ્રેમ માટે મરી જાય છે."

આ સાચું છે. તમે કોઈ માટે જાન આપી દો એટલો પ્રેમ કોઈને કરી શક્તા નથી.મેં એવા ઘણાં લોકોને જોયા છે જેમનું મૃત્યુ પ્રેમ ન મળવાને કારણે થયું હોય,પણ કોઈ કોઈની પાછળ પ્રેમ ખાતર મરી ગયું હોય એવું મેં આજ સુધી જોયું નથી.એટલો પ્રેમ કદાચ આપણે કોઈને કરી શક્તા જ નથી.

એક હ્રદયસ્પર્શી વાત વાંચીએ. એક સ્ત્રીએ આખરે પોતાના બોસને પગાર વધારવા કહેવાનું નક્કી કરી જ નાંખ્યું. એ આખો દિવસ તેણે ઉચાટ અને ડરમાં વિતાવ્યો. મોડી બપોર પછી તેણે પોતાના બોસને પ્રત્યક્ષ આ વિશે વાત કરવાની હિંમત કરી અને તેના સુખદ આશ્ચર્ય સાથે તેના બોસ તેનો પગાર વધારવા સંમત થઈ ગયા!

સાંજે તે જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનું ડાઇનિંગ ટેબલ સરસ રીતે સજાવેલું હતું અને તેના પર નવો ઉત્તમ કક્ષાનો ડિનર સેટ ગોઠવેલો હતો. સુગંધિત મીણબત્તી જલી રહી હતી. તેનો પતિ જલ્દી ઘેર આવી ગયો હતો અને તેણે પોતે આ બધી સજાવટ કોઈ તહેવાર હોય એમ કરી હતી! સ્ત્રીને લાગ્યું તેની ઓફિસમાંથી કોઈકે તેના પતિને પગાર વધારાની ખુશ ખબર આપી દીધી હોવી જોઇએ કે પછી તેના પતિને વિશ્વાસ હતો કે તેની પત્નીની માગણી ઇશ્વર ચોક્કસ પૂરી કરશે?

તે ઘેર આવી ત્યારે તેનો પતિ રસોડામાં હતો. તેણે ત્યાં જઈ તેને આ ખુશ ખબર આપ્યા. તેઓ ભેટ્યા અને પ્રેમથી સાથે ડાયનિંગ ટેબલ પર આવી બેઠાં. સ્ત્રીની સુશોભિત ડિનરપ્લેટ પાસે એક સુંદર પત્ર પડ્યો હતો. તેણે એ ઉપાડી વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું : "હાર્દિક શુભેચ્છઓ ડિયર! મને ખાતરી હતી તને પગારમાં બઢતી મળશે જ! આ બધી સજાવટ તારી ખુશીની ક્ષણો ઉજવવા માટે અને મારો તારા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે...! હું તને ખૂબ ચાહું છું..."

ડિનર પતાવ્યા બાદ જ્યારે તેઓ ઉભા થયા અને તેનો પતિ બીજા રૂમમાં જવા ગયો ત્યારે તેના ખિસ્સામાંથી એક બીજો પત્ર બહાર પડી જતાં સ્ત્રી જોઈ ગઈ. તેણે એ ઉપાડી વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું:"તને પગાર વધારો ન મળ્યો એ બદલ બિલકુલ નિરાશ ન થઈશ.તું એ માટેની લાયકાત ધરાવે જ છે.આજે નહિં તો કાલે તને એ મળશે ખરા. આ બધી સજાવટ મારો તારા પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા માટે છે ડિયર!"

કોઈકે સાચું જ કહ્યું છે કે પ્રેમનું સાચું માપ ત્યારે જ કાઢી શકાય જ્યારે તે અમાપ હોય!

વાર્તામાં પતિનો તેની પત્ની પ્રત્યેનો ભાવ સંપૂર્ણ સ્વીકાર્યતા અને સાચા પ્રેમનો છે,પછી ભલે પત્ની સફળ જાય કે નિષ્ફળ. પતિનો પ્રેમ પત્નીની સફળતાનો ઉત્સવ મનાવે છે અને તેના જખમોને રૂઝવે પણ છે.

તે સદાય પત્નીને પડખે ઉભો રહે છે પછી ભલે તેમના જીવનમાં ગમે તેવી મુશ્કેલી કેમ ન આવી હોય. તે કહે છે તે પોતાની પત્ની પર જાન પણ ન્યોછાવર કરી શકે છે. પણ તેની જરૂર નથી. તેનો પ્રેમ તેમના જીવનને જરૂરી પોષક તત્વો પૂરાં પાડે છે.

મધર ટેરેસાને જ્યારે શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું: "તમે વિશ્વમાં શાંતિના પ્રસાર માટે શું કરી શકો? ઘેર જાઓ અને તમારા કુટુંબને ભરપૂર પ્રેમ આપો." ...અને તમારા મિત્રોને પ્રેમ આપો. જીવનપર્યંતનો પ્રેમ...

- સ્ટીવ ગૂડિયર

('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 12, 2011

સુવર્ણ વિચારકણિકાઓ

1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે, મગજને ખરાબ વિચારોનું ગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતું કારખાનું બનાવો.


2. વિશ્વાસ એક શબ્દ છે,

તેને વાંચતા second લાગે છે..

વિચારો તો minute લાગે છે..

સમજાવો તો દિવસ લાગે છે...

પણ તેને સાબિત કરતા આખી જીંદગી લાગે છે..!!

3.સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા..!!

ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં., એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!

4.તણાવ (ટેન્શન)માણસ ની બુદ્ધિ, શક્તિ, સ્મૃતિ, આનંદને એવી રીતે ખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.

5.જીવન પિયાનો જેવું છે. સફેદ બટન સુખ રુપ છે. કાળા બટન દુઃખ રુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.

6.ક્રોધ પ્રિતીનો નાશ કરે છે

માન વિનયનો નાશ કરે છે

માયા મિત્રોનો નાશ કરે છે

લોભ સર્વનો નાશ કરે છે

7.એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો..

ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન...ત્રણ "ટ"

પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર .... પાંચ "પ"

મંદી, મોંધવારી, મોહ, મોત અને મહેમાન.... પાંચ "મ"

8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકાસવાનું સહેલું છે. પણ આપણી જ ભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.

9. કામ, ક્રોધ, લોભ, શંકા (વહેમ), અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓ છે.

10.પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજય રથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિધને સારથી બનાવી, સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશો તો જીવન સંગ્રામ જીતશો.

11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.

12.‎ જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્યની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.

13. જયારે સલાહ જોઈએ ત્યારે બધાં તમને સલાહ આપશે, જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહ જ આપશે, સહાયતા નહી.

14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી. તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારી ભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.

15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅથી શોભે છે.

('ઈન્ટરનેટ પરથી')