Sunday, June 26, 2011

મહાનતાનાં ૧૦ બીજ

૧. આપણે સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરવો જોઇએ. એમ કર્યા બાદ જ આપણે બીજાને પ્રેમ કરી કે આપી શકીશું.

૨. આપણું મગજ વાસ્તવિક અનુભવ અને વારંવાર વિચારેલા માનસિક ચિત્ર વચ્ચેનો ભેદ પારખી શક્તું નથી.

૩. જીવનમાં આપણને મળતાં ફળ કે બદલાનો આધાર આપણે જેટલું યોગદાન આપ્યું હોય અને જેવી ગુણવત્તા દરેક કાર્ય વખતે જાળવી હોય તેના પર રહેલો છે.

૪. ખૂબ સારો શબ્દભંડોળ - જે બહોળા સામાન્ય જ્ઞાનનો પણ નિર્દેશ કરે છે - વધુ સફળ વ્યક્તિઓના ગુણોમાંનો એક હોય છે,પછી ભલે એ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની હોય.

૫. ઘણી બધી વ્યક્તિઓ ક્યારેય પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવામાં સફળ થતી નથી તેનું કારણ એ છે કે તેમણે ક્યારેય એ નક્કી કર્યાં જ હોતા નથી.

૬. એક સ્પર્શ હજારો શબ્દો બરાબર હોય છે.

૭. જીવનમાં તમને જેની ઇચ્છા હશે એ જરૂરી નથી તમને પ્રાપ્ત થાય પણ લાંબા ગાળે તમે જેની આશા રાખી હશે તે તમને મળશે ખરું.

૮. સારું જીવન અને સારાં દિવસો અત્યારે અને અહિં જ છે.

૯. વર્તમાનમાં જીવો, દરેક દિવસ,પ્રત્યેક ક્ષણ ભરપૂર માણો, તકનું સ્વાગત કરો, તક ઉભી કરો.

૧૦. વિજેતા એ વસ્તુઓ કરે છે જે મોટાં ભાગનાં લોકો કરતાં ખચકાય છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 18, 2011

ફાધર્સ ડે સ્પેશિયલ - મારા પિતા (રિક હલ્વોર્સન)

ઘણાં વર્ષો સુધી મને એમ જ લાગ્યું હતું કે મારા પિતા બહુ સંવેદનશીલ નથી અને તેઓ મારી સામે તો એ પ્રમાણે ક્યારેય વર્ત્યા પણ નહોતા.ભલે તેઓ ફક્ત પાંચ ફૂટ નવ ઇંચ લાંબા અને ૬૮ વર્ષનું આયુષ્ય ધરાવતા હતા અને હું છ ફૂટ ઉંચાઈ અને ૨૬૦ પાઉન્ડ વજન ધરાવતો તરવરિયો યુવાન હોવા છતાં તેમની સામે વામણો લાગતો. મેં તેમને હંમેશા એક એવા કડક, શિસ્તના હઠાગ્રહી કરડા માણસ તરીકે જ જોયા હતા જેના મોઢા પર ભાગ્યે જ સ્મિત જોવા મળે.હું નાનો હતો ત્યારે તેમણે ક્યારેય તેઓ મને પ્રેમ કરે છે એમ કહ્યું નહોતું અને મેં એ માટે તેમના પ્રત્યે કોઈ પ્રકારની અણગમાની લાગણી પણ અનુભવી નહોતી. પણ મારી એક માત્ર ખેવના હંમેશા રહી હતી કે તેઓ મારા માટે ગર્વ અનુભવે. હું યુવાન થયો ત્યાં સુધી મારી માતાએ મારા પર સ્નેહની ઝડીઓ વરસાવી હતી અને તે સતત મને ખૂબ ચાહે છે એમ કહ્યાં કરતી આથી આવી કોઈ અપેક્ષા મેં મારા પિતા પાસે રાખી નહોતી.હું હ્રદયમાં ઉંડે ઉંડે જાણતો હતો કે મારા પિતા પણ મને ખૂબ ચાહે છે પણ એ તેઓ ફક્ત શબ્દોમાં કહેતા નથી. મેં પણ ક્યારેય તેમને શબ્દો દ્વારા વ્યક્ત કરી કહ્યું નહોતું કે હું તેમને ચાહું છું.અને ખરું જોતા તો મેં આ અંગે ક્યારેય વિચાર્યું પણ નહોતું જ્યાં સુધી મેં મ્રુત્યુ નામની વાસ્તવિક્તાનો સામનો કર્યો નહોતો.
૧૯૯૦ની નવમી નવેમ્બરે મને જાણ કરવામાં આવી કે મારે મારા દેશ માટે યુદ્ધ મોરચે લડવા જવાનું હતું.ઓપરેશન 'ડેઝર્ટ શિલ્ડ' માટે મારા નેશનલ ગાર્ડ યુનિટની પસંદગી થઈ હતી.અમારી લશ્કરી ટુકડીએ ઇન્ડિયાનાના બેન હેરિસન કિલ્લા પર ભેગા મળી પછી ત્યાંથી સીધા સાઉદી અરેબિયા પહોંચવાનું હતું. હું છેલ્લા દસ વર્ષથી લશ્કરી દળમાં હતો અને યુદ્ધમાં લડવા માટેનું પ્રશિક્ષણ પામ્યાં છતાં મને કલ્પના નહોતી કે એક દિવસ મારે સાચે આ રીતે લડવા જવાનું થશે. હું મારા પિતા પાસે ગયો અને મેં તેમને આ સમાચાર આપ્યાં. મેં અનુભવ્યું કે આ ખબર સાંભળી તેઓ અસ્વસ્થ થઈ ગયાં. જોકે આ પછી અમે આ બાબતે ખાસ ચર્ચા પણ ન કરી અને આઠ જ દિવસમાં તો મારે નિકળી પણ જવું પડ્યું.

મારા પરિવારમાંથી ઘણાં અતિ નજીકના લોકો યુદ્ધ સમયે લશ્કરમાં સેવા બજાવી ચૂક્યા છે.મારા પિતા અને કાકા વિશ્વયુદ્ધ-બીજામાં લડ્યા હતાં અને મારા બે ભાઈઓ તથા એક બહેને વિયેટનામમાં યુદ્ધ સમયે સેવા આપી હતી.એક બાજુ હું મારા કુટુંબને છોડીને દેશ માટે ફરજ બજાવવા યુદ્ધ મોરચે જવા બદલ ખૂબ અસ્વસ્થતા અનુભવતો હતો પણ બીજી બાજુ મારું મન મને મારી ફરજ પ્રત્યે સભાનતા કેળવી હસતે મોંએ આ પરિસ્થિતી સ્વીકારી લેવા કહેતું હતું.મેં પ્રાર્થના કરી કે હવે મારા પિતા મારા પર ગર્વ અનુભવે એવા સંજોગોનું પ્રભુ નિર્માણ કરે. ૧૯૯૦ની સત્તરમી નવેમ્બરે અમારા લશ્કરી દળોના વાહનોએ મિશિગનનો ગ્રીનવિલેનો ગ્રામ્ય વિસ્તાર છોડ્યો.શેરીઓ અમને વિદાય આપવા આવેલા અમારા કુટુંબીજનો અને સ્નેહીમિત્રોથી ભરાયેલી હતી.જેવા અમે ગામનો સીમાડો પાર કરવા લાગ્યા કે હું મારી જાતને એક છેલ્લી નજર ટ્રકની બારીમાંથી ગામ તરફ નાખતા ન રોકી શક્યો.મને મારી પત્ની કિમ,બાળકો,મારી માતા અને મારા પિતા દેખાયાં.મારા પિતા એક પૂતળાની જેમ સ્થિર ઉભા હતા.મને તે એ ક્ષણે ખૂબ ઘરડા લાગ્યા.ખબર નહિં કેમ પણ મને તે અચાનક અતિ વ્રુદ્ધ થઈ ગયેલા જણાયા.
અમે આખું કુટુંબ 'થેન્ક્સ ગિવિંગ ડે' ખૂબ સારી રીતે, બધાં ભેગાં મળીને અને સાથે રાત્રિ ભોજન કરીને ઉજવતાં. પણ આ વખતે એ મારાથી ચૂકી જવાયું. હું લડવા નિકળી ગયો હતો ને? દર 'થેન્ક્સ ગિવિંગ ડે'ના દિવસે મારા માતાપિતા,મારી બંને બહેનો, તેમના પતિ અને બાળકો અને સાથે મારી પત્ની અને મારા બાળકો, બધાં ભેગાં મળતાં. હું આ વખતે ઉજવણીમાં શામેલ ન થઈ શકવાને કારણે બેહદ ઉદાસ હતો. પણ આ વખતનાં 'થેન્ક્સ ગિવિંગ ડે' બાદ થોડાં દિવસ રહીને હું મારી પત્ની સાથે ફોન પર વાત કરી શક્યો અને તેણે મને જે કહ્યું એ સાંભળી મારો મારા પિતા તરફ જોવાનો દ્રષ્ટિકોણ સદાને માટે બદલાઈ ગયો.
મારી પત્ની મારા પિતાના સ્વભાવ અને તેમની સંવેદનાઓ,લાગણીઓથી પરિચિત હતી અને તેણે જ્યારે મારી સાથે વાત કરી ત્યારે તેનો સ્વર મેં કંપતો અનુભવ્યો.તેણે મને જણાવ્યું કે આ વખતે પણ મારા પિતાએ દર વખતની જેમ સૌ પ્રથમ તેમની 'થેન્ક્સગિવિંગ' પ્રાર્થના પતાવી હતી.પણ આ વેળાએ તેમણે પ્રાર્થનાને અંતે એક વાક્ય ઉમેર્યું હતું.તેમણે ગાલ પર દડી જતાં અશ્રુઓ સાથે લાગણીની ભીનાશથી ભરેલા ધ્રુજતા સ્વરે કહ્યુ:'હે ઇશ્વર,મારા પુત્ર રિકની રક્ષા કરજે અને તેને તારું સબળ માર્ગદર્શન પૂરું પાડજે જે અત્યારે દેશની સુરક્ષા કાજે અમારાથી ઘણો દૂર ગયો છે અને અત્યારે જ્યારે એને તારી મદદની જરૂર છે ત્યારે સતત તેની પડખે રહેજે તથા તેને જલ્દીજ હેમખેમ અમારે ઘેર પાછો પહોંચાડી દેજે.'આટલું બોલીને તેઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા.મેં મારા પિતાની આંખમાં ક્યારેય અશ્રુ જોયા નહોતા અને જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું પણ ચોધાર આંસુએ રડી પડ્યો.મારી પત્ની એ મને પૂછ્યું કે હું ઠીક તો છું ને? મારી જાતને સંભાળી લીધા બાદ મેં તેને કહ્યું:'મારા પિતા મને ખરેખર સાચો પ્રેમ કરે છે.'
આઠ મહિના પછી હું યુદ્ધમાંથી ઘેર પાછો ફર્યો અને દોડીને આંખોમાં હર્ષાશ્રુ સાથે મારી પત્ની તથા બાળકોને ભેટ્યો.પછી હું મારા પિતા પાસે આવ્યો અને મેં તેમને સ્નેહભર્યું આલિંગન આપ્યું ત્યારે તેઓ મારા કાનમાં ધીમેથી કહી રહ્યાં:'દિકરા હું તારા પર ગર્વ અનુભવું છું અને તને ખૂબ પ્રેમ કરું છું.'મેં સીધું તેમની આંખોમાં જોયું અને તેમનું માથું મારા બે હાથો વચ્ચે રાખી તેમને કહ્યું 'હું પણ તમને ખૂબ ચાહુ છું પપ્પા...' અને અમે ફરી પ્રેમપૂર્વક ભેટ્યા.અને પછી અમે બંને રડી પડ્યા.
એ દિવસથી મારા પિતા સાથેના મારા સંબંધનું સમીકરણ તદ્દન બદલાઈ ગયું.એ દિવસ પછી અમે ઘણી વાર ગંભીર ચર્ચાવિચારણા કરતા થઈ ગયાં,વાતચીત કરતા થઈ ગયાં. એ દિવસ પછી હું જાણી ગયો કે તેઓ મારા પર ગર્વ લેતા હતા અને મને તેઓ ખૂબ ચાહે છે એમ કહેતા અચકાતા પણ નહિં. હું પણ ખુલ્લા દિલે તેમની સમક્ષ મારી લાગણીઓનો એકરાર કરતો હતો.આ બનવામાં આટલો વિલંબ થયો એ વાતનો મને ખેદ છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 11, 2011

નિર્ણય લેવાની કળામાં એક ડોકિયું...

દરરોજ આપણે અનેક નિર્ણયો લઈએ છીએ. ઘણાં નિર્ણયના પરિણામો વિષે આપણે સભાનતાપૂર્વક વિચારતા પણ નથી. નિર્ણય લેવા વિષેની એક રસપ્રદ વાત વાંચીએ જેમાંથી આપણને સૌને કંઈક શિખવા મળશે.

રેલવેના પાટા નજીક કેટલાંક બાળકો રમી રહ્યાં હતાં.પાટામાંથી એક પર ગાડી દોડતી હતી અને એક વધારાની લાઈન હોવાથી ત્યાં ગાડી આવતીજતી નહોતી.બાળકો પૈકી એક જ બાળક નિષ્ક્રિય પાટા પર રમી રહ્યું હતું જ્યારે બાકી બધાં બાળકો એ પાટા પર રમી રહ્યાં હતાં જ્યાં ગાડીઓની અવરજવર ચાલુ હતી.
હવે બન્યું એવું કે બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે ટ્રેન આવી. તમે એ સમયે ત્યાં આ ઘટનાના સાક્ષી છો. તમે એવા સ્થળે છો જ્યાં પાટાની લાઈન બદલી શકાય જેથી ગાડી નિયત પાટાની જગાએ નિષ્ક્રિય પાટાની લાઈન પર દોરી શકાય અને આમ સક્રિય પાટા પર રમી રહેલાં ઘણાં બધાં બાળકોનો જીવ બચાવી શકાય.પણ જો એમ કરો તો નિષ્ક્રિય પાટા પર રમી રહેલા એકલા બાળકનો જીવ જતો રહે. તમારે જો આ નિર્ણય લેવાનો હોય તો તમે પાટા બદલીને ઘણાં બધાં બાળકોનો જીવ બચાવો કે પાટા ન બદલી એકલા બાળકનો જીવ બચાવો?

થોડો સમય વિચારો
-
-
-


મોટા ભાગના લોકો ગાડીને નિષ્ક્રિય પાટા પર વાળી દઈ માત્ર એક જ બાળકનો જીવ જાય એ નિર્ણયનો વિકલ્પ પસંદ કરશે. તમે પણ એમજ વિચાર્યું હશે,ખરું ને?

મેં પણ પહેલાં એમજ વિચાર્યું હતું. એક બાળકના જીવના ભોગે જો બીજા ઘણાં વધુ બાળકોના જીવ બચતા હોય તો એ નિર્ણય જ નૈતિકતા અને સંવેદનશીલતાની દ્રષ્ટીએ યોગ્ય અને વ્યવહારૂ ગણાય.

પણ શું તમને એ વિચાર આવ્યો કે ખરી રીતે નિષ્ક્રિય પાટા પર રમી રહેલા એકલા બાળકે, એ જગા સુરક્ષિત હોવાથી ત્યાં રમવાનો સાચો નિર્ણય લીધો હતો.
છતાં તેના એવા મિત્રોને કારણે તેણે જીવ ગુમાવવો પડશે જેઓ જાણ્યા-વિચાર્યા વગર ભયજનક જગાએ રમી રહ્યાં હતા, એવી જગાએ જ્યાં જાનનું જોખમ હતું. આ પ્રકારની પરિસ્થિતી આપણાં જીવનમાં રોજબરોજ સર્જાતી હોય છે. જે બાળક સાચો છે તે ભયજનક પાટા પર રમી રહેલાં બાળકોથી જુદો - એકલો પડી ગયો છે. અને જો તે કદાચ મરી પણ જશે તો તેના પર કોઈ એકાદ આંસુ પણ સારશે નહિં.
મહાન વિવેચક લિયો વેલ્સકી જુલિયન, જેણે આ વાર્તા કહી હતી તેણે એવો મત વ્યક્ત કર્યો હતો કે તે ટ્રેનનો માર્ગ કે પાટા ન બદલવાનો નિર્ણય કરત કારણકે તે માનતો હતો કે સક્રિય પાટા પર રમી રહેલાં બાળકોને ખબર હોવી જોઇએ કે અહિં રમવાથી,ગાડી આવી જતાં તેમની જાન જોખમમાં મૂકાવાનો ભય હતો અને ગાડી આવે તો તેનું સાયરન સાંભળી પણ તેઓ ત્યાંથી ખસી જઈ શકે. પણ જો ટ્રેનનો માર્ગ કે પાટા બદલી નાંખવામાં આવે તો પેલો નિષ્ક્રિય પાટા પર એકલો રમી રહેલો બાળક ચોક્કસ અકસ્માતનો ભોગ બની મરી જાય કારણ તેક ક્યારેય વિચારી જ ન શકત કે તે રમતો હતો એ પાટા પર ગાડી આવી ચડશે. ત્રીજો મહત્વનો વિચારવા લાયક મુદ્દો એ છે કે નિષ્ક્રીય પાટા પર ગાડીઓની અવરજવર તેમાં કોઈક ખરાબીને કારણે જ સદંતર બંધ થઈ ગઈ હતી.આમ ત્યાં ગાડી માટે ભય હતો. અને જો ચાલુ ગાડી એ પાટા પર વાળી દેવામાં આવે તો ટ્રેનમાં બેઠેલા બધાં મુસાફરોના જીવ જોખમમાં મૂકાય. તેમજ એક નિર્દોષ બાળકનો ભોગ આપી તમે થોડાં વધુ બાળકોના જીવ બચાવવાના પ્રયાસમાં સેંકડો પ્રવાસીઓના જીવની હત્યા નોતરી શકો.

આપણે સૌ જાણીએ છીએ કે જીવન આપણે લેવા પડતાં અઘરાં નિર્ણયોથી ભરેલું છે પણ ક્યારેક આપણે એ સમજી શક્તા નથી કે ઉતાવળમાં લીધેલાં નિર્ણયો સદાય સાચા સાબિત થતાં નથી.

યાદ રાખો,જે સાચું હોય છે તે હંમેશા લોકપ્રિય હોતું નથી અને જે લોકપ્રિય હોય છે તે હંમેશા સાચું હોતું નથી. બધાં દ્વારા ભૂલ થાય છે. પેન્સિલ સાથે એટલે જ તો સદાય રબર હોય છે!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, June 5, 2011

પેન્સિલ-રબર અને આપણાં માતાપિતા

પેન્સિલ : હું દિલગીર છું. મને માફ કરજે...


રબર : દિલગીર શા માટે? તે કંઈ ખોટું કર્યું નથી.

પેન્સિલ : હું દિલગીર છું કારણ હું વારંવાર તને ઇજા પહોંચાડું છું. જ્યારે જ્યારે મારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે ત્યારે તું એ ભૂંસી નાંખવા તૈયાર હોય છે.પણ મારી ભૂલો ભૂંસતી વખતે તું નાનું ને નાનું થતું જાય છે,દરેક વેળાએ તારા શરીરનો થોડો ભાગ ગુમાવી બેસે છે.

રબર : હા ..એ તો ખરું પણ મને એનો કોઈ વાંધો નથી.મારું નિર્માણ જ એ હેતુથી થયું છે.તું ભૂલ કરે ત્યારે તને મદદ કરી શકું, તારી ભૂલ સુધારી શકું એ માટે જ મારી રચના થઈ છે.હું જાણું છું કે એક દિવસ મારું અસ્તિત્વ મટી જશે અને તું મારી જગા બીજા નવા રબરને આપી દેશે પણ મને મારી કામથી પૂરો સંતોષ છે.હુ ખુશ છું.માટે તું દુ:ખી ન થા. હું તને ઉદાસ જોવા નથી માગતું.તું મહેરબાની કરીને ચિંતા કરવી છોડી દે

કેટલો પ્રેરણાદાયી છે પેન્સિલ-રબર વચ્ચેનો આ સંવાદ!માતાપિતા રબર જેવી ભૂમિકા ભજવતા હોય છે અને તેમનાં બાળકો પેન્સિલ જેવી.માતાપિતા હંમેશા સંતાનોની ભૂલો ભૂંસી નાખવા હાજર - તત્પર હોય છે.એમ કરતાં કરતાં ઘણી વાર તેઓ જખમી પણ થાય છે અને સમય વિતતા તેઓ ઘરડાં થતાં જાય છે અને અંતે એક દિવસ મૃુત્યુ પામે છે.સંતાનો માતાપિતાનું સ્થાન પોતાના લગ્ન બાદ તેમના સાથીને આપી દે છે પણ માતાપિતા હંમેશા પોતે પોતાના સંતાનો માટે આપેલા ભોગ બદલ ખુશ અને સંતુષ્ટ હોય છે.તેઓ ક્યારેય પોતાના વહાલસોયા સંતાનોને દુ:ખી કે ચિંતાતુર જોવા ઇચ્છતા નથી.

('ઈન્ટરનેટ પરથી')