Saturday, December 24, 2011

શ્રેષ્ઠ ગુણવત્તા જાપાન પાસેથી શીખો

કમ્પયુટર જગતની અગ્રગણ્ય કંપની આઈ.બી.એમે પ્રાયોગિક ધોરણે પોતાના કમ્પ્યુટર માટેના કેટ્લાક જરૂરી ભાગોનું ઉત્પાદન જાપાનમાં કરાવવાનું નક્કી કર્યું.


આ ભાગોના સ્પેસિફીકેશન્સની યાદીમાં એમ જણાવાયું હતું કે તૈયાર થયેલા ભાગોમાં દસ હજાર નંગમાં ફક્ત ત્રણ ખામીયુક્ત ભાગ સ્વીકારવામાં આવશે.

જ્યારે આ ભાગોની ડિલીવરી આવી ત્યારે સાથે એક પત્ર બીડેલો હતો જેમાં લખ્યું હતું:

“અમને જાપાનીઓને ઉત્તર અમેરિકાના ધંધા-વ્યવસાય કરવાની રીત સમજવામાં ખૂબ મુશ્કેલી પડી.ખામીયુક્ત ભાગોની જરૂર જ શા માટે પડે? અને તે તૈયાર પણ કઈ રીતે કરવા?! અમે દસેક લાખ ભાગ તૈયાર કરીએ તેમાં પણ એકેય ભાગ ખામીયુક્ત હોતો નથી. આમ છતાં ખાસ્સી મથામણ બાદ અમે ત્રણ ખામીયુક્ત ભાગ તૈયાર કરી શક્યા છીએ. દસહજારમાંથી આ ત્રણ ખામીયુક્ત ભાગ અલગ તૈયાર કરી તેને એક જ કન્સાઇનમેન્ટમાં પણ અલગ પેક કરી સાથે જ મોકલ્યા છે અને તેના પેકેટ પર 'ખામીયુક્ત ભાગ' એમ મોટા અક્ષરે દર્શાવેલું છે.આશા છે અમે આપની અપેક્ષા પૂર્ણ કરી આપને ખુશ કરવામાં સફળ થઈશું."


('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 18, 2011

જીવન જીવવા માટે જ છે !

જીવન જીવવા માટે જ છે! તેમાં કોઈ બહાના ન જોઇએ.કોઈ પૂર્વગ્રહો ન હોવા જોઇએ.મનમાં ગાંઠ વાળવાની વૃત્તિ ન હોવી જોઇએ.


ખ્યાતનામ વાયોલીનવાદક ફ્રિત્ઝ ક્રિસ્લર પાસે તેમનું મનપસંદ વાદ્ય - એક વાયોલીન કઈ રીતે આવ્યું તેની કથા અતિ રસપ્રદ છે. તેમને જ્યારે એ પહેલી વાર ગમી ગયું ત્યારે તેની કિંમત અતિ વધુ હોવાથી તેઓ એ ખરીદી શક્યા નહિં પણ તેમણે એ ખરીદવા માટે પૈસા ભેગા કરવાની શરૂઆત કરી દીધી.આખરે જ્યારે તેઓ જરૂરી રકમ એકઠી કર્યા બાદ દુકાને પોતાનું મનપસંદ વાયોલીન ખરીદવા ગયા ત્યારે તેમને જાણ થઈ કે એ વાયોલીન તો એક સંગ્રાહક સંગીતરસિકે ખરીદી લીધું હતું.

તેમની એ વાયોલીન પ્રાપ્ત કરવાની ઝંખના એટલી તીવ્ર હતી કે તે દુકાનદાર પાસેથી પેલા સંગ્રાહક જેણે એ વાયોલીન ખરીદ્યું હતું, તેનું સરનામું મેળવી એ તેના ઘેર પહોંચી ગયા , તેને એ વાયોલીન પોતાને વેચી દેવા સમજાવવા. પણ સંગ્રાહકને પણ એ વાયોલીન અતિ પ્રિય હતું અને તેણે એ વેચવાની ના પાડી દીધી.

નિરાશ ક્રિસ્લર ખાલી હાથે પાછો ફરવા જતો હતો પણ ત્યાં એને કંઈક વિચાર આવતા તે પાછો ફર્યો અને તેણે પેલા સંગ્રાહકને વિનંતી કરી કે શું તે માત્ર એક વાર તેને એ વાયોલીન વગાડવાની પરવાનગી આપશે?

સંગ્રાહક ના ન પાડી શક્યો અને મહાન સંગીતકારે વાયોલીન વગાડવું શરૂ કર્યું. અને જે અદભૂત સંગીત વાયોલીન માંથી વહી રહ્યું તેના જાદૂઈ સૂરમય પ્રવાહમાં સંગ્રાહક તણાઈ ગયો.

સમય ક્યાં વીતી ગયો તેનું ભાન ન રહ્યું ક્રિસ્લરને કે ન રહ્યું સંગ્રાહકને.

આખરે સંગીતનો એ અધ્યાય પૂરો થયા બાદ સંગ્રાહકે કહ્યું:"મને આ વાયોલીન મારી પાસે રાખવાનો કોઈ હક્ક નથી.આ વાયોલીન તમે જ લઈ જાઓ શ્રીમાન ક્રિસ્લર અને વિશ્વને તેમાંથી કર્ણપ્રિય સંગીતના રસપાનનો આસ્વાદ કરાવો."



વિલિયમ આર્થર વોર્ડે કહ્યું હતું : 'જો તમે પ્રાર્થનામાં માનતા હોવ તો પ્રાર્થના કરો, સેવામાં માનતા હોવ તો સેવા કરો અને જો આપવામાં માનતા હોવ તો આપો."

તમે અને હું ખાસ પ્રકારના વાયોલીન જેવા જ છીએ - જેનું સંગીત હજી નિર્માણ થવાનું બાકી છે. મારે મારું જીવન એ રીતે જીવવું છે - એ જગત સમક્ષ લઈ જઈ પૂરેપૂરું માણીને જીવવું છે.

કટાઈ જવા કરતાં હું થાકીને લોથપોથ થઈ જવું વધારે પસંદ કરીશ. હું મને જે કરવાની ઇચ્છા છે,જ્યાં કંઈ કરવાની ઇચ્છા છે, એ પૂર્ણ કર્યા વગર મરી જવા કરતાં, પૂરેપૂરો ખર્ચાઈ જવું વધુ પસંદ કરીશ.

હું અહિં જીવન માણ્યા વગર જ વૈતરું કરી કરી મરી જવાની વાત નથી કરતો.વધારે પડતી વ્યસ્તતામાં તો તમે ક્યારેય સુખી થઈ શક્તા નથી.પણ જો આપણે બીજાઓમાં રસ લઈ થોડું પરોપકારી જીવન જીવીએ તો ચોક્કસ સુખી થઈ શકાય.

કોઈ મદદ માટે હાથ લાંબો કરે ત્યારે મદદ કરીએ.યોગ્ય સંસ્થા સાથે જોડાઈ સારા કાર્ય કરીએ.એકલા પડી ગયેલા સ્નેહીજન,મિત્ર કે સગા સાથે થોડો સમય પસાર કરીએ.

અંતે તો સુખ મારી ક્ષમતા કે મારી અક્ષમતામાં નહિં પણ મારી (બીજાઓ માટેની) ઉપલબ્ધતા દ્વારા જ મળી શકશે.મારું જીવન મારે જીવવું છે.

- સ્ટીવ ગૂડિયર


('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 11, 2011

આ નહિં ... આ સહી...

આ નહિં ...              આ સહી...


------------------- ------------------------

૧ ઇશ્વર                                                       માનવ

૨ ધર્મ                                                         માનવતા

૩ ભૂત-પ્રેત                                                  માણસ

૪ સ્વર્ગ-નર્ક                                                પૃથ્વી

૫ બ્રહ્મસત્ય                                                  જગતસત્ય

૬ બાળતાડન                                                બાળપ્રેમ

૭ વ્રત-ઉપવાસ                                            રુચી મુજબ પાચક ખોરાક

૮ ફાસ્ટફૂડ                                                     કુદરતી સાદો ખોરાક

૯ પેપ્સીકોલા                                                 છાશ, લીંબુપાણી

૧૦ સર્વ ધર્મ સમભાવ                                   સર્વ ધર્મ અભાવ

૧૧ રૂઢી-પરંપરા                                              નવું મૌલિક

૧૨ શ્રદ્ધા - અંધ શ્રદ્ધા                                        વિશ્વાસ

૧૩ કથા-પારાયણ                                             વિજ્ઞાન શિબિર

૧૪ જડ મૂર્તિ પૂજા                                           ચેતન માનવ પ્રેમ

૧૫ ચમત્કારો                                                    કુદરતી ઘટનાઓ

૧૬ રૂઢી લગ્ન                                                   પ્રેમ લગ્ન

૧૭ શિવલિંગ પર દૂધ                                      ભૂખ્યાને દૂધ

૧૮ યાત્રા - હજ                                                  આનંદ પ્રવાસ

૧૯ આરતી-પંચામૃત-છપ્પન ભોગ                  ગરીબને રોટલા

૨૦ જ્યોતિષ                                                    કર્મઠ પુરૂષાર્થ

૨૧ રથયાત્રા, તાજીયા                                   સ્વચ્છ રસ્તા

૨૨ વરસાદ કે જીત માટે હવન                    જળ બચાવ ને મહેનત

૨૩ શિક્ષક                                                    પ્રેરક પથ દર્શક

૨૪ માની લેવું                                              શંકા પ્રશ્નોથી સત્યશોધન

૨૫ ભગવો કે લીલો રંગ                                શાંતિનો સફેદ રંગ

૨૬ રામાયણ-ભાગવત-મહાભારત                  માર્ક્સનું ‘દાસ કેપિટલ’

૨૭ શાળા પ્રયોગ                                            પ્રગતિ શાળા

૨૮ આગળ પાછળ                                          સાથે જ

૨૯ સંઘર્ષ                                                         સહકાર

૩૦ હાર-જીત                                                    રમત જ મહત્વની



('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 3, 2011

આંધળી માનો કાગળ , દેખતા દીકરાનો જવાબ અને કેનેડીયન દિકરાનો જવાબ

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણાં કાવ્ય/ગીતો જાણીતા છે, પણ 'આંધળી માનો કાગળ' તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય ! અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – આમાંનું એક કાવ્ય/ગીત ‘કેનેડીયન દિકરાનો જવાબ’ , કવિના નામનો તો ખ્યાલ નથી પણ જેણે લખ્યું છે તેને અભિનંદન પાઠવી, આજે મૂળ 'આંધળી માનો કાગળ', ‘દેખતા દીકરાનો જવાબ’ સાથે આજે ઇન્ટરનેટ કોર્નરમાં માણીએ.




આંધળી માનો કાગળ:

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,

પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,



ગગો એનો મુંબઇ કામે;

ગીગુભાઇ નાગજી નામે.



લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ

કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ!



સમાચાર સાંભળી તારા,

રોવું મારે કેટલા દ્હાડા ?



ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,

દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,



નિત નવાં લૂગડાં પ્હેરે

પાણી જેમ પઇસા વેરે.



હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!



કાયા તારી રાખજે રૂડી,

ગરીબની ઇ જ છે મૂડી.



ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,

જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,



તારે પકવાનનું ભાણું,

મારે નિત જારનું ખાણું.



દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામે ઠામ,

આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,



તારે ગામ વીજળીદીવા,

મારે આંહીં અંધારાં પીવાં.



લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.



હવે નથી જીવવા આરો,

આવ્યો ભીખ માગવા વારો.



કવિ : ઇન્દુલાલ ગાંધી

**************************************************

દેખતા દીકરાનો જવાબ



ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,

આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.

વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.





પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,

આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’

બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !



ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,

એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?

ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.



દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,

રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,

રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.



જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,

બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?

મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.



ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,

શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,

નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.



કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,

તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,

હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.



કવિ : ઇંદુલાલ ગાંધી

**************************************************



કેનેડીયન દિકરાનો જવાબઃ



માડી તારો દિકરો, ગ્યો કેનેડા, કમાવા કાજે....

શું લખું તને, કશું ય કહેવા જેવું નથી આજે....



પાંચ વરસ પાણીમાં ગ્યા....

હજુ શે'રીંગમાં જ રહેતો સાંજે....



તું નિત નવા લૂગડાંની કરે છે વાત, પણ જીન્સનું એક પેન્ટ રાખ્યું છે પાસ.

રોજની તો ક્યાં વાત કરૂં, મહિને એક્વાર ધોવાય તો યે ખાસ....



બાધ્યું-ટિફીનનું જ ખાવું પડે છે, મળે છે માપો-માપ...

દવાદારૂની ચિંતા નથી, સરકાર જ છે માઇ ને બાપ...!



માં, તારો કુબો તો કંઇકે ય સારો...અહીં બેઝ્મેન્ટ્માં આવે છે વાસ...

ભલે પી યે ટિમ-હોર્ટનની કાળી કોફી, તો યે નથી બુઝ્તી પ્યાસ...



તન તોડીને,ડિગ્રી ભૂલીને,જે મળે તે કરીએ છે કામ,

આખો દા'ડો રોતા રહીને, રાતે ભજીયે રામ...



ત્યાં લોકોને એમ છે કે, અહીં પૈસાના ઝાડ..!

ઊંચી ઊંચી બિલ્ડીંગોના ઊંચા ઊંચા પહાડ...



એ બિલ્ડીંગોની બારીએ બારીએ દિવા,

પણ પૈસા નથી મારે ઝેરે ય પીવા....



તારે ખૂટી છે જાર, પણ મારે ય અહીં બિલોની વણઝાર,

ખૂટે બીજું બધું, નથી ખૂટતી ઉઘરાણીની ભરમાર....



દેખતો થઇને કુવામાં પડ્યો,

સ્વર્ગની સીડી સમજીને પ્લેનમાં ચઢ્યો....



સાપે છછુંદર ગળ્યાનો વારો,

મારે નથી અહીં કોઇ આરો-ઓવારો...



વાંક આમાં દેખું છું મારો,

ભુલી જજે તું દિકરો તારો...



('ઈન્ટરનેટ પરથી')