Friday, October 21, 2011

એ. આર. રહેમાન પાસેથી શીખવા જેવી પાંચ વસ્તુઓ (ભાગ - ૨)

૩.તમારા આત્માને જીવંત રહેવા દો


ભારતીય સિનેજગત અને સંગીત વિશ્વની મક્કા ગણાતી સ્વપ્નમયી મુંબઈ નગરી - એવું સતત ધબકતું શહેર જ્યાં પ્લાસ્ટીકી સંવેદનાઓના આવરણ મઢ્યા માણસોનાં ચહેરા પર કૃત્રિમ સ્મિત ફરકતું રહેતું હોય છે,જ્યાં માણસની કિંમત નથી,તેના જીવનની કિંમત નથી અને જ્યાં નફરતની છૂરીઓ જાહેરમાં અને છૂપી રીતે ફરતી રહેતી હોય છે. આ મોટા શહેરમાં દેશભરમાંથી હજારો સંગીતકારો આવે છે અને સારું-ખરાબ ગમે તેવું સંગીત પીરસી પેટિયું રળવા જેટલું તો કમાઈ જ લે છે.રહેમાન જેવા સબળા સંગીતકાર માટે તો બોમ્બે અને રોજાની સફળતા બાદ અહિં આવીને વસવું અને મોટા ગજાના ફિલ્મકારો સાથે મળી કામ કરવું અતિ આસાન હતું,પણ એમણે તેમ ન કર્યું.તરત પ્રસિદ્ધી,પૈસા અને સફળતાને ગેરન્ટી આપતા વિકલ્પને નકારી તેમણે પોતાના ઘરને,પોતાના મૂળીયા પાસે જ રહેવાનું પસંદ કર્યું.

રહેમાનની સફળતાનું એક રહસ્ય તેમનું ઘેરથી,ચેન્નાઈથી કામ કરવું એ છે.ઘર એક એવું ઠેકાણું છે જ્યાં તમારું શરીર,તમારો આત્મા,તમારું મન અને તમારું હ્રદય હોય છે.રહેમાનના ચેન્નાઈ,તેમના ઘેર હોવાને કારણે મુંબઈના કેટલાંયે નકારાત્મક પરિબળો તેમને સ્પર્શ્યા નથી.

રહેમાનના ચેન્નાઈથી જ કામ કરવાને લીધે ફક્ત ઉત્તમ સંગીતના આગ્રહી હોય એવા સિનેસર્જકો જ તેમનો સંપર્ક સાધે છે નહિંતર અત્યાર સુધીમાં તો રહેમાનના સંગીત વાળી ફિલ્મોના આંકડાઓએ ઇતિહાસ સર્જી દીધો હોત!

ભગવાનની કૃપા છે કે રહેમાન મુંબઈના અન્ય સંગીત દિગ્દર્શકોથી હજાર ગણા જુદા છે! મુંબઈમાં,સંગીતકારો પોતાનો મોટા ભાગનો સમય સ્ટુડિયોની બહાર વિતાવે છે જ્યારે ખરી રીતે તેમણે પોતાનો મોટા ભાગનો સમય સ્ટુડિયોમાં પસાર કરવો જોઇએ. અહિં તો કોઈક સંગીતકાર એકાદી ફિલ્મનું 'સંગીત' રચે(!) અને એ બહાર પડે.પછી તો એ સંગીતકાર ૨-૩ મહિના માટે બહાર જુદી જુદી સંગીતની પાર્ટીઓમાં કે તેની કે અન્યોની ફિલ્મોના સંગીતના ઉદ્ઘાટન નિમિત્તે કે '૧૫ દિવસના રેકોર્ડ બ્રેક' વેચાણની પાર્ટીમાં કે તેના ગાયક કે ગાયિકાને કોઈક એવોર્ડ માટે નામાંકન મળ્યાની પાર્ટીમાં,પ્રેસ કોન્ફરન્સીસમાં કે ટી.વી. મુલાકાતોમાં વ્યસ્ત થઈ જાય છે. અને પછી એ સંગીતકાર એવા ગાયબ થઈ જાય છે કે તેમના અસ્તિત્વની કોઈ ભાળ મળતી નથી.

આ સંગીતકારો શું પ્રાપ્ત કરે છે? કેટલાકને તેમની પાછલી એકાદી સારી ફિલ્મના ક્રેડિટ પર થોડું ઘણું કામ મળ્યા કરે છે તો કેટલાકને સંબંધો અને સંપર્કના જોરે. કેટલાક વહેલી ઉંમરે જ રિટાયર્ડ થઈ જાય છે અને કેટલાક અભિનય કે અન્ય કોઈ કારકિર્દીમાં સેટ થઈ જાય છે.

સદનસીબે રહેમાન આ બધા સામાજિક પી.આર.(પબ્લિક રિલેશન્સ - જનસંપર્ક) પ્રોટોકોલ્સથી જોજનો દૂર ચેન્નાઈના કોડમ્બક્કમની એક સાંકડી ગલીમાં વસે છે. કોઈ જ પ્રકારના અંતરાય વગર રહેમાન પોતાના આરામદાયક ઘરમાં જ રહી પોતાની બધી સર્જનાત્મક શક્તિ પોતાના કામ પર, પોતાના ઉત્તમ કક્ષાના સંગીત પર કેન્દ્રિત કરી શકે છે.મારા પિતાએ એક વાર કહેલું,"રહેમાનને જો.તેણે એક પણ પ્રોજેક્ટ માટે પોતાનું ઘર છોડ્યું છે? આટઆટલી સફળ બોલિવૂડની ફિલ્મોમાં સંગીત પીરસવા છતાં તે મુંબઈ જતો રહ્યો છે?"

અને મને મારા પિતાની એ વાતે વિચાર કરતો કરી મૂક્યો હતો. તમારા વતનમાં જ રહીને તમે કામ કરતા હોવ,તમારા કુટુંબ સાથે રહીને - એ બહુ સારા નસીબની અને મોટી વાત છે.



૪ તમારા કામને બોલવા દો

હા, તમારા કામને બોલવા દો.ઘણી વાર લોકો તમને તમે જેવા દેખાઓ છો, તમે જેવા વસ્ત્રો પરિધાન કરો છો, તમારો ઉછેર જે રીતે થયો છે કે પછી તમે કેવી આર્થિક પરિસ્થિતીમાંથી આવો છો એ બદલ તમારી સતત અને સખત ટીકા કરશે.તમારી મજાક પણ ઉડાવશે અને તમને નવા નવા ઉપનામોથી બોલાવશે. તમારા ઉપરીઓ પાસેથી તમે જેવી અપેક્ષા રાખો છો તેવી મદદ મળશે નહિં.પણ જો તમારું મનોબળ દ્રઢ હશે તો તમે આ બધાથી અસર પામશો નહિં અને તમારું કામ તમારી સાચી ઓળખ આપશે.

મારા જીવનમાં પણ એક અતિ કપરો તબક્કો આવ્યો હતો અને મારે મારા સપનાને અધુરૂ મૂકી પુણે પાછા ફરવું પડેલું કારણ સંગીત જગતમાં મારો સિક્કો જામી રહ્યો નહોતો. મારા ખરાબ અનુભવો જ્યારે મેં ચેન્નાઈમાં રહેમાન સામે વર્ણવ્યા ત્યારે તે આશ્ચર્ય પામ્યા અને તેમણે મને સલાહ આપી કે જીવનપથ પર પોતાના લક્ષ્યોને સિદ્ધ કરવામાં અડચણો તો અનેક આવે પણ તેનાથી તમારે ડગી કે અટકી જવું જોઇએ નહિં.તેમણે મને તેમનું પોતાનું ઉદાહરણ આપ્યું. તેઓ જ્યારે તેમની કારકિર્દીની ટોચ પર હતા એ સમયે કેટલાક અતિ પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શકોએ તેમની તેઓ જે પ્રકારનું સંગીત રચે છે તેને નિશાન બનાવી હાંસી ઉડાવી અને તેમને અપમાનિત કર્યા.

તેઓ આ વિષે ત્યારે કંઈ જ કરી શક્યા નહિં પણ તેઓ આ ઘટના બાદ જરાયે ડગ્યા નહિં અને તેમણે શાંત અને મૌન રહેવાનું પસંદ કર્યું.અને જ્યારે તેમનું એ કામ જાહેર થયું ત્યારે લોકોએ તેમને ખડી સલામી આપી એ કામ વધાવી લીધું અને તે સુપરહીટ સાબિત થયું.તે સંગીતે મેળવેલી એ અદભૂત અને અભૂતપૂર્વ લોકચાહના એ નિર્માતા-દિગ્દરશકોના મોં પર પડેલ તમાચા સમાન હતી.

આ શબ્દોએ મને હિંમત આપી અને ફરી ઉભા થઈ જીવન નવી તાજગી સાથે શરૂ કરવાની પ્રેરણા આપી.

મેં એક તદ્દન નવા વ્યક્તિત્વ સાથે જાણે પૃથ્વી પર નવજીવન શરૂ કર્યું અને મારા સ્ત્રોતો ભેગા કર્યાં. જ્ઞાન અને મારા માતાપિતા તેમજ બહેન પાસેથી મળેલા સ્નેહ અને પ્રેમના કારણે આજે હું જે મુકામે છું ત્યાં પહોંચી શક્યો. મેં કંઈ જીવનમાં અતિ મહાન લેખી શકાય એવી સિદ્ધી મેળવી નથી પણ લોકોને મારું કામ પસંદ પડ્યું છે તેથી જ મને થોડીઘણી સફળતા મળી છે.અને તેનાથી મને જીવનમાં વધુ આગળ વધવાનું અને મોટા મોટા પડકારો સહન કરવાનું બળ મળ્યું છે.



૫ નમ્ર બનો,પ્રમાણિક બનો અને સરળ બનો

જો ઉપર ચર્ચેલી દરેક બાબત કોઈ મનુષ્યમાં હોય તો નમ્રતા,પ્રમાણિક્તા અને સરળતા દ્વારા તે એક ઉત્તમ અને મહાન જીવન જીવી શકે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યા બાદ તેમને મળેલા સ્ટારડમ અને લોકચાહના અને ખ્યાતિ બાદ રહેમાન ઇચ્છત તો સ્લમડોગ મિલ્યોનાઈરના પ્રિમિયરમાં મુંબઈ ખાતે હાજર રહી શક્યા હોત પણ તેમણે પબ્લિસીટી કરતાં કામને વધુ મહત્વ આપ્યું,પ્રાધાન્ય આપ્યું. તે દિવસે જ ઓસ્કાર એવોર્ડ માટેના નામાંકનની જાહેરાત થઈ હતી અને તે ફિલ્મના દિગ્દર્શક ડેની બોઈલે કહ્યું હતું,"શું તમારા માન્યા માં આવે છે કે એ.આર. રહેમાનને ત્રણ ઓસ્કાર નોમિનેશન્સ મળ્યા છે જે એક બેહદ ખુશીની વાત છે પણ એ માણસ ત્યાં દક્ષિણમાં દિલ્હી-૬ ફિલ્મના સંગીતનું કામ કરવામાં મગ્ન છે! ખરેખર તે એક અતિ મહાન સંગીતકાર છે. તેમની નમ્રતાનો અનુભવ મને ત્યારે થયો જ્યારે મેં તેમની સાથે કામની શરૂઆત કરી. મારે એક સોફ્ટવેર પર કામ કરવાનું આવ્યું જે મને નહોતું આવડતું.તેમણે મને કહી દીધું કે મારે શું શું કામ કરવાનું હતું પણ જ્યારે તેમને સમજાયું કે મને એ સોફ્ટ્વેર આવડતું નથી ત્યારે તેમણે પોતે મારી બાજુમાં બેસી મને તેનાં પર કામ કરતાં શીખવ્યું અને હું કામ શરૂ કરું એ પહેલાં તેમણે ખાતરી કરી લીધી કે મને એ સોફ્ટવેર આવડી ગયું છે અને હું જે કરવાનો છું તે બરાબર સમજી શકું. મારે માટે જીવનનો આ એક બહુ મોટો પાઠ હતો જે મને રહેમાન પાસેથી શીખવા મળ્યો.

થોડાં મહિના બાદ બીજા આવા એક બનાવનો હું સાક્ષી બન્યો.રહેમાને કોઈક નવું પિચીંગ સોફ્ટવેર મંગાવ્યું હતું જે તેમના ઘેર ડિલીવર થયું.એ સોફ્ટવેરનું ખોખુ ખોલતી વેળાએ રહેમાન ખૂબ રોમાંચિત થઈ ઉઠ્યા અને તેમના મુખ પર એક બાળક પોતાની મનપસંદ ચોકલેટ ખોલતી વેળાએ અનુભવે તેવા ભાવ ઉપસી આવ્યાં! તે પોતાના કોઈક સહાયકને એ સોફ્ટવેર પર હાથ બેસાડાવી પછી તેની પાસેથી એનો ઉપયોગ કરવાનું શીખી શક્યા હોત પણ તેમણે પોતે એ સોફ્ટવેર જાતે જ ઉપયોગમાં લેતા શીખ્યું.તેમણે આ માટે પોતે એ સોફ્ટવેરની સી.ડી. કમ્પ્યુટરમાં નાખી અને આખી મેન્યુઅલ ઉથલાવી કાઢી અને એ સોફ્ટવેર પૂર્ણ પણે વાપરતા શીખી લીધું.

આ ઘટના પરથી હું એ જાણી શક્યો કે રહેમાન કોઈ પણ કાર્ય બીજાને સોંપતા પહેલા એ વાતની ખાતરી કરી લેતા કે એ કામ તેઓ પોતે વ્યવસ્થિત રીતે કરી શકે છે.બીજા કોઈને સોંપેલુ કોઈ પણ કાર્ય પોતાનાથી અજાણ્યુ હોય તે રહેમાન બિલકુલ પસંદ કરતા નથી. આ તેમની પ્રમાણિકતા,સાદગી અને નમ્રતા દર્શાવે છે. તેઓ પોતાની સાથે કોઈ પ્રકારનો ભાર ઉંચકીને ફરતા નથી જે તેમને સહેલાઈથી સંપર્ક કરી શકાય તેવા અને ઇમાનદાર અને સાચા માણસ છે. તેમનું બાળસમાન સ્મિત સામેવાળાના ભયનો નાશ કરે છે અને તેમને રૂબરૂમાં મળતી વખતે ઉદભવતા ઉચાટનો નાશ કરે છે.જાણે કે તેમનું સ્મિત હજારો શબ્દો ન કહેતું હોય એવું છે! એ તેમના હ્રદયની અને આત્માની શુદ્ધતા અને પવિત્રતા દર્શાવે છે.

આજે રહેમાનનું એક અંગત મિત્ર વર્તુળ છે જેમાં સંગીત ગોઠવનારા, સહાયક સંગીત ઇજનેરો,સંગીત ઇજનેરો વગેરે એવા કેટલાક ખાસ લોકોનો સમાવેશ થાય છે જેમના કૌશલ્ય અને સર્જનાત્મકતા રહેમાનને મદદરૂપ થાય છે. રહેમાનને તેના આ મિત્ર વર્તુળના દરેક સભ્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એ તેમની દરેક જરૂરિયાત સમયે તેમની સાથે જ હોય છે. પોતાના શાશ્વત મૂલ્યો તેમજ સરળ જીવન જીવવાની રીત થકી એ. આર. રહેમાન આપણને સૌને વ્યવસાયિક રીતે સફળ થવાની પ્રેરણા આપે છે.જરૂર છે આ અમૂલ્ય પાઠો શીખી તેને આપણાં પોતપોતાના જીવનમાં યથાયોગ્ય રીતે અમલમાં મૂકવાની.

તમારી જાત સાથે બાંધછોડ કરશો નહિં.તમારી પાસે જે કંઈ છે એ પર્યાપ્ત છે અને તે જ તમારી સાચી ઓળખ છે.


(સંપૂર્ણ)

('ઈન્ટરનેટ પરથી')

Sunday, October 16, 2011

એ. આર. રહેમાન પાસેથી શીખવા જેવી પાંચ વસ્તુઓ (ભાગ - ૧)

પ્રશાંત પિલ્લાઈ નામના સંગીત નિર્માતા અને મિડીયા એન્ત્રેપ્રેન્યોર તેમજ ફૂડીએ પોતાના બ્લોગ પર એ. આર. રહેમાન સાથેની તેમની મુલાકાત વર્ણવી હતી તે મારા વાંચવામાં આવી અને હું એ.આર. રહેમાનનો જબરદસ્ત મોટો ફેન છું એટલે મેં આ ઇન્ટરવ્યુ ધ્યાનથી વાંચ્યો.એમાંથી દરેક જણ કંઈક શીખી શકે એમ હોવાથી તેનું ભાષાંતર આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.


આજે વિશ્વભરમાં એ. આર. રહેમાન સંગીત ક્ષેત્રનું એક અતિ જાણીતું નામ બની ચૂક્યું છે.ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી ફિલ્મ 'સ્લમડોગ મિલ્યોનાયર'માં તેમણે આપેલા અદભૂત અને કર્ણપ્રિય સંગીત બદલ તેમને મળેલા ઓસ્કાર એવોર્ડ સહિતના અનેક પુરસ્કારો અને અઢળક નામાંકનો બાદ રહેમાનનો ભાવ આખી દુનિયામાં પૂછાવા માંડ્યો.પણ હું તો રહેમાનને ૧૯૯૨માં રીલીઝ થયેલી તેમના સંગીત ધરાવતી ફિલ્મ રોઝાના સમયથી ઓળખું છું, બીજા લાખો કરોડો ભારતીયોની જેમ...૧૯ વર્ષ સારો એવો લાંબો સમય ગણાય..!

બધાં આજે રહેમાન એક સેલિબ્રિટી બની ગયા હોઈ, તેમના સંગીતની,તેઓ શું ખાય છે,શું ઓઢે છે,ક્યારે સૂએ છે,શું પીએ છે અને જ્યારે થોડા ફ્રી હોય ત્યારે શું કરે છે આવી અનેક વાતો રસપૂર્વક વાંચે છે,ચર્ચે છે.પણ આ જિનિયસના જીવનની ઘણી વાતો એવી છે જે વધુ લોકો જાણતા નથી પણ એમાંથી આપણે જીવનના મહામૂલા પાઠ શીખી શકીએ એમ છીએ.

સદાય રહેમાન વિષે સારું સારું બોલનારાઓથી ઘેરાયેલા રહેવા છતાં એમના વિષે કેટલીક વાતો છે જે ક્યારેય કોઇએ કહી નથી અને તેમની કેટલીક ખાસિયતો જેના ઉપર આપણે ઝાઝું ધ્યાન આપતા નથી એ જ તેમને અન્ય સામાન્ય લોકોથી જુદા પાડી દે છે.

રહેમાનના એક મહાન સંગીતકાર હોવું તેમના વ્યક્તિત્વ અને સિદ્ધાંતોને આભારી છે.ર્રહેમાનની સફળતામાંથી એવી મૂલ્યવાન પ્રેરણા મળી શકે એમ છે જે કોઈ વ્યવસાયિક જો પોતાના વ્યવસાયિક જીવનમાં અપનાવે તો તેને પોતાના લક્ષ્યો આસાનીથી સિદ્ધ કરવામાં સફળતા મળી રહે.


૧. તમારા માતાપિતાને ખૂબ પ્રેમ અને માન આપો.

રહેમાને પોતાના માતાપિતાને ભરપૂર પ્રેમ કર્યો છે અને એ તેમને ખૂબ માન આપે છે.પિતા આર. કે. શેખર તો રહેમાન નવ વર્ષના હતા,ત્યારે જ જન્નતનશીન થઈ ગયા હતા પણ રહેમાનની માતા કરીમા બેગમે તેમનામાં એક આશાનું કિરણ જગાડ્યું અને જીવન જીવવાનું નવું પીઠબળ પૂરું પાડ્યું.કરીમા બેગમે અપાર કષ્ટો વેઠી કુટુંબનું ભરણપોષણ કર્યું અને તેમની મહેરબાનીથી જ એ. આર. રહેમાન આજે જ્યાં છે એ મુકામે પહોંચી શક્યા છે.

કરીમા બેગમ જેટલું રહેમાનને ચાહે એટલો જ પ્રેમ અને સન્માન,આદર રહેમાનને કરીમા બેગમ પ્રત્યે. રહેમાનના પોતાની માતા પ્રત્યેના ગૂઢ આદર અને સ્નેહ ભાવની પ્રતીતિ મને પહેલી વાર ત્યારે થઈ જ્યારે હું તેમને પહેલી વાર તેમના નિવાસ સ્થાને ચેન્નઈ ખાતે મળ્યો. તેમની સાથેનો ઔપચારિક વાર્તાલાપ પતાવ્યા બાદ જ્યારે હું નીકળવાની તૈયારીમાં હતો ત્યારે મને વિચાર આવ્યો કે મારે મને મળેલી આ તકને છોડવી ન જોઇએ.રહેમાન સાથે સંગીતનું કામ કરવાનું મારું સ્વપ્ન મારી જીવી લેવું જોઇએ!મેં મારા મનનો આ ક્ષણિક આવેગ તેમના પ્રતિ પ્રદર્શિત કરતાં પૂછી નાંખ્યું કે શું તેઓ મારી સાથે કામ કરશે? તેમનો જવાબ હતો કે તેઓ તેમની માતાને પૂછીને મને જવાબ આપશે કે તે મારી સાથે કામ કરશે કે નહિં. હવે આજના યુગના કયા માણસ પાસેથી આવા જવાબની અપેક્ષા રાખી શકાય? અને મને લાગે છે કે તેમની માતાએ તેમને મારી સાથે કામ કરવાની પરવાનગી આપી દીધી અને હું પુનાથી ચેન્નાઈ ફરી વાર આવી પહોંચ્યો તેમની સાથે કામ કરવા.આ છે રહેમાનની મહાનતા અને કૃતજ્ઞતા જે તેમનો માતા પ્રત્યેનો અપાર પ્રેમ અને માનની લાગણી પ્રદર્શિત કરે છે. પછી તો મેં કરીમા બેગમની પણ મુલાકાત લીધી જે ઘણી યાદગાર રહી.તેમણે મને હું મારે ઘેર જ હોઉં એવો અનુભવ કરાવ્યો અને મારા કુટુંબ, કામકાજ ને જીવન વિષે ઘણી ચર્ચા કરી.

જો તમે નોંધ્યું હશે તો તમને ખ્યાલ હશે કે રહેમાન પોતાના મોટા ભાગના સંગીત આલ્બમોનું અનાવરણ પોતાની માતાને હાથે જ કરાવે છે.ફિલ્મ કે સંગીત જગત સાથે સંકળાયેલી જૂજ વ્યક્તિઓ આ સિદ્ધાંતને અનુસરતી હશે.


૨ આધ્યાત્મિક બનો.

એ. આર. રહેમાન ઇશ્વર અને આધ્યાત્મિકતામાં માને છે.એ દિવસમાં પાંચ વાર નમાઝ પઢે છે અને ઇસ્લામ ધર્મ પાળે છે પણ તેમની આધ્યાત્મિકતા આટલે થી જ અટકતી નથી.

ધાર્મિક અને આધ્યાત્મિક હોવા વચ્ચે ફરક છે.રહેમાન આધ્યાત્મિક છે. રહેમાન કહે છે, '"આજે ધાર્મિક એક બીભત્સ શબ્દ બની ગયો છે.હું આધ્યાત્મિક છું.આધ્યાત્મિકતા સતત હોવી જોઇએ.જ્યારે તમે વિકાસ પામો છો ત્યારે તમને આધ્યાત્મિકતાનું પ્રમાણ,તેનું મહત્વ અને તેની જરૂરિયાત સમજાય છે.એ એક અતિ સુંદર અને રોમાંચક અનુભવ છે. એ તમને બધીજ નકારાત્મકતાથી દૂર લઈ જાય છે.મારા અને મારા સંગીત માટે આધ્યાત્મિકતા એક પ્રમાણભૂત અને અતિ મહત્વનું તત્વ છે અને આધ્યાત્મિકતા વગર હું કદાચ આજે જે પ્રકારના અને જે સ્તરના સંગીતનું સર્જન કરું છું એ શક્ય ન બન્યું હોત."

રહેમાન કહે છે ,"હું છેલ્લા પંદર વર્ષથી પ્રાર્થના બાબતે અતિ ચોક્કસ છું.મને મળેલી સફળતા અને ખ્યાતિ બાદ પ્રાર્થનાની તાકાતમાં મારી શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ છે."

આધ્યાત્મિકતા એ રહેમાનને ફક્ત તેમના સંગીત સાથે જ નથી જોડ્યા પણ તેના કારણે જ તેઓ માણસાઈ સાથે પણ જોડાણ થયાનો અનુભવ કરે છે.તે વિવિધ સામાજિક પહેલો/કાર્યો અને તેમના એ.આર. રહેમાન ફાઉન્ડેશન નામના ચેરીટી સંસ્થા સાથે સંકળાયેલા છે એ વાતની સાબિતી પૂરી પાડે છે.

કેટલાય પ્રસંગોમાં રહેમાન અને તેમની માતા એ જરૂરિયાતમંદ લાયક લોકોને અનેક રીતે મદદ કરી છે જે સદભાગ્યે મિડીયાની નજરમાં આવ્યું નથી નહિંતર તેમણે રહેમાનને એક 'સુપર હ્યુમન' તરીકે ચિતરી નાંખ્યા હોત!કેટલીક વસ્તુઓ ન કહેવી વધુ સારું હોય છે.

આજે ઘણાં નવા સંગીતકારો રહેમાનની નકલ કરવા જાય છે,તેમના જેવું જ તેમની શૈલીનું સંગીત પીરસવા જાય છે.તેઓ એવો પ્રતિભાવ પણ મેળવે છે કે તેમનું સંગીત રહેમાનના સંગીતને મળતું આવે છે અને આ સાંભળી તેઓ ગર્વ અનુભવે છે!તેમને ક્યારેક અલ્પાયુષી 'હાઈપ' પણ મળી જાય છે!પણ રહેમાનની સતત ખુદા સમક્ષ નમતા રહેવાની અને એમાં જ શાંતિ અને પરમ સંતોષ પામવાની વ્રુત્તિ જ તેમને અન્યો કરતાં અલગ તારવે છે અને તેમના સંગીતને શ્રેષ્ઠ,અમર અને બેજોડ બનાવે છે.

(ક્રમશ:)


('ઈન્ટરનેટ પરથી')

Sunday, October 9, 2011

જીવતાજીવત શ્રાદ્ધ

એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મિત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મિત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!’ એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!’ મિત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય. એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી, પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે. હમણા જાણીતા શાયર દેવદાસ- ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ! વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ) માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુપડીમાં કોઈ’દી સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતિ ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? ('ઈન્ટરનેટ પરથી')

Tuesday, October 4, 2011

ગાંધી જયંતિ સ્પેશિયલ - ગાંધીજીના મનપસંદ સુવિચાર

• તમારી જાતને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજાઓની સેવામાં ખોવાઈ જાઓ.
• જીવો એ રીતે કે જાણે આવતી કાલે તમે મૃત્યુ પામવાના હોવ. શીખો એ રીતે કે જાણે તમે સદા કાળ જીવવાના હોવ.
• ડર એ માત્ર શરીરનો રોગ નથી,એ આત્માની પણ હત્યા કરી નાંખે છે.
• આપણે જે કરીએ છીએ અને જે કરી શકવા સમર્થ છીએ એ વચ્ચે નો ભેદ આખી દુનિયાના મોટા ભાગનાં પ્રશ્નો ઉકેલી નાંખવા પૂરતો છે.
• આપણે જે પરિવર્તન જોવા ઇચ્છીએ છીએ તે પહેલાં આપણે પોતે (એ પરિવર્તન) બનવું જોઇએ.
• આંખના બદલામાં આંખના ન્યાયે તો આખું જગત અંધ બની જાય.
• (નકામા ઘાસને) વાઢવું પણ ખેતી માટે વાવવા જેટલાં જ મહત્વનું છે.
• હું જ્યારે ઘોર નિરાશા અનુભવું છું ત્યારે યાદ કરું છું કે ઇતિહાસમાં સદાયે વિજય સત્ય અને પ્રેમનો જ થયો છે. ક્રૂર,જુલ્મી અને અન્યાયી શાસક અને હત્યારાઓ (સમાજમાં) પાકે જ છે અને થોડા સમય માટે અજેય પણ જણાય છે પણ અંતે તેમનો વિનાશ થાય જ છે. - આ શાશ્વત સત્ય છે.
• શ્રદ્ધા એ ગ્રહણ કરવાની વસ્તુ નથી, એ એક અવસ્થા છે જેમાં આપણે વિકાસ પામવાનો છે.
• હું આખા આ જગતમાં અંતરાત્મામાં દબાઈ ગયેલા અવાજરૂપી એક જ ક્રૂર અને અન્યાયી શાસકના અસ્તિત્વનો સ્વીકાર કરું છું.
• ઇશ્વર ક્યારેક જેના પર તે આશિર્વાદની ઝડી વર્ષાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.
• જ્યારે હું અજબગજબના સૂર્યાસ્તના કે પછી ચંદ્રના સૌંદર્યના વખાણ કરતો હોઉં છું ત્યારે મારો આત્મા સર્જનહારની આરાધના કરતા કરતા વિકાસ પામે છે.
• સુખ ત્યારે અનુભવી શકાય છે જ્યારે તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો તે સુસંગત હોય.
• જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ.
• હું અન્ય માણસોના સારા ગુણો જોવાનો જ પ્રયાસ કરું છું.હું પોતે પણ અનેક ખામીઓથી ભરેલો છું તો પછી હું બીજાઓમાં ખામીઓ કઈ રીતે શોધી શકું?
• માણસની જરૂરિયાત પૂરતું આ જગતમાં છે પણ તેના લોભ જેટલું નહિં.
• મારા માટે એ હંમેશા એક કોયડો રહ્યો છે કે કઈ રીતે કોઈ માણસ અન્યને નીચો પાડી કે અન્યનું અપમાન કરી કે અન્યને પરેશાન કરીને પોતે આનંદિત થઈ શક્તો હશે.
• મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે.
• પ્રાર્થનામાં હ્રદય વિનાના શબ્દો હોવા કરતાં મૌન હ્રદય હોય એ વધારે સારું છે. • ચિંતા શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.જેને ઇશ્વરમાં શ્રદ્ધા હોય તેને કોઈ પણ વિષયની ચિંતા થાય તે શરમજનક ગણાય.
• કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.
• તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી.

('ઈન્ટરનેટ પરથી')