Saturday, December 25, 2010

ભાઈ બહેનની એક વાર્તા (ભાગ - ૧)

હું મારા ભાઈ માટે ૬ વાર રડી છું.


મારો જન્મ કોઈક પહાડ પર આવેલા નાના અને દૂરના એવા એક ગામમાં થયો હતો.મારા માતાપિતાને જીવનનિર્વાહ ચલાવવા ધોમધખતા તડકામાં ત્યાંની પીળી સૂક્કી માટી વાળા ખેતર ખેડી સખત પરિશ્રમ કરવો પડતો હતો.

મારે મારાથી ત્રણ વર્ષ નાનો એક ભાઈ હતો.એક વાર મારી બધી સહેલીઓ પાસે હતો એવો એક હાથરૂમાલ ખરીદવા મેં મારા પિતાના કબાટમાંથી પાંચ રૂપિયા ચોરી લીધા.મારા પિતાને ચોરીની તરત ખબર પડી ગઈ.

હું શોકથી દિગ્મૂઢ થઈ ગઈ અને કંઈ બોલી શકી નહિં.અમારા બન્ને માંથી કોઈએ કબૂલ ન કર્યું એટલે મારા પિતાએ કહ્યું કોઈ પોતાનો ગુનો કબૂલ કરી રહ્યું ન હોવાથી મારે બન્નેને મેથીપાક ચખાડવો પડશે.

તેમણે સોટી મને મારવા માટે હવામાં ઉગામી ત્યાં જ મારા નાના ભાઈએ પિતાનો હાથ પકડી લીધો અને કહ્યું કે તે પૈસા તેણે ચોર્યા હતા.પિતા એટલા બધા ગુસ્સામાં હતા કે તેમણે એકી શ્વાસે મારા ભાઈની પીઠ પર ઉપરાઉપરી સોટીના ઘા માર્યે રાખ્યા. મારા ભાઈની નાનકડી નાજુક પીઠ એ દિવસે સોટીના સોળથી ભરાઈ લાલઘૂમ થઈ ગઈ.

ત્યારબાદ મારા પિતા અમારા પલંગમાં બેસી પડ્યા અને મારા ભાઈને ધમકાવતા બોલ્યા "તે આજે તારા પોતાના ઘરમાં ચોરી કરી છે.ભગવાન જાણે ભવિષ્યમાં કયા આનાથીય વધુ ખરાબ કામ કરી અમને શરમજનક સ્થિતીમાં મૂકીશ?"

તે રાતે હું અને મારી માતા મારા ભાઈને વળગી પડ્યા.તેનું આખું શરીર જખમોથી ભરાયેલું હતું પણ તે જરા પણ રડ્યો નહોતો.

અચાનક મધરાતે મારું હૈયું ભરાઈ આવતા મેં મોટેથી પોક મૂકી રડવા માંડ્યું.

મારા ભાઈએ તેના નાનકડા હાથો વડે મારા આંસુ લૂછતા કહ્યું:"બહેન હવે રડો નહિં.જે થવાનું હતું એ થઈ ગયું.

આ વાત ને વર્ષો વિતી ગયા,પણ એ પ્રસંગ મારી સ્મૃતિમાં હજી તાજો છે.

મારું રક્ષણ કરી, એ રાતે મને સાંત્વન આપતી વેળાએ મારા ભાઈના મુખ પર જે ભાવ હતાં એ મને હજુ યાદ છે.

આ ઘટના વખતે હું ૧૧ વર્ષની હતી અને મારો ભાઈ ૮ વર્ષનો.

હવે અમારી શાળા નાની હોવાથી તેમાં કેટલાક ધોરણ સુધીના જ વર્ગો હતાં.મારે યુનિવર્સિટીમાં જવાનો વખત આવ્યો જ્યાં ફી ઘણી વધારે હતી.અમારા બન્નેનાં પરિણામ ખૂબ સારા આવ્યા હતાં.એ રાતે અમે બન્ને પપ્પાને બીડી પર બીડી ફૂંકતા જોઈ રહ્યા.માની આંખોમાં આંસુ હતાં. તે કહી રહી હતી, "ભણવામાં તો બન્ને અવ્વલ છે પણ આપણે બન્નેની ફી કેવી રીતે ભરી શકીશું? "

ત્યારે મારો ભાઈ પપ્પા સામે જઈ ઉભો રહ્યો અને તેણે કહ્યું,"પપ્પા મારું ભણવાનું બહુ થઈ ગયું. મને હવે ભણવામાં રસ રહ્યો નથી. થોથા ઉથલાવવામાં હવે મને કંટાળો આવે છે."

પપ્પાએ મારા ભાઈના ગાલ પર સણસણતો તમાચો ચોડી દેતા કહ્યું,"તને શરમ નથી આવતી આવી વાત કરતા?મારે ભીખ માગીને પણ તમને બન્નેને ભણાવવા પડશે તો એ હું કરીશ."

અને પછી તો પપ્પા આખા ગામમાં એકે એક ઘર ફરી વળ્યા,અમારી ફીના પૈસા ઉધાર માગવા માટે.

મેં પ્રેમ અને કરુણા પૂર્વક મારો હાથ ભાઈના સૂજી ગયેલા ગાલ પર ફેરવતા કહ્યું,"છોકરાએ તો ભણવું જ પડે.ભણીગણીને જ એ પોતાના કુટુંબને ગરીબાઈની ખાઈમાંથી બહાર ખેંચી શકે."

મેં નક્કી કરી લીધેલું કે હું ભણવાનો ત્યાગ કરીશ પણ બીજે દિવસે સવારે અમે જાગ્યા એ પહેલા જ મારો ભાઈ પહેર્યા કપડે ઘર છોડીને ચાલ્યો ગયો હતો મારા ઓશીકા પાસે એક પત્ર મૂકી ને જેમાં લખ્યું હતું "બહેન તને યુનિવર્સિટીમાં ભણવા જવાની જે તક પ્રાપ્ત થઈ છે તે બધાના નસીબમાં નથી હોતી.તેનો સદુપયોગ કરી ખૂબ અભ્યાસ કરજે અને આગળ વધજે.મારી ચિંતા તમે ન કરતા.હું નોકરી શોધી કાઢીશ અને તમને પૈસા મોકલતો રહીશ."

આ પત્ર વાંચી હું ચોધાર આંસુએ, મારો અવાજ બેસી ગયો ત્યાં સુધી રડી.

એ વર્ષે મારો ભાઈ ૧૭ વર્ષનો હતો અને હું ૨૦ વર્ષની.

મારા પપ્પાએ આખા ગામમાંથી ઉઘરાવેલા અને ભાઈએ દૂરના નાનકડા શહેરમાં પોતાની પીઠ પર સિમેન્ટની ગુણીઓ ઉંચકી કમાઈને જમા કરી અમને મોકલાવેલ પૈસાથી હું યુનિવર્સિટીના ત્રીજા વર્ષ સુધી પહોંચી.

એક દિવસ હું મારા હોસ્ટેલ રૂમમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે મારી એક સખીએ આવીને મને જણાવ્યું કે કોઈ લઘરવઘર ગામડિયો મને મળવા આવ્યો છે અને હોસ્ટેલ બહાર મારી રાહ જુએ છે.

મને નવાઈ લાગી કે મને ગામડેથી કોણ મળવા આવ્યું હશે?

(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 18, 2010

ઇન્ટરનેટ કાવ્યો

[

આજે ઇન્ટરનેટ કોર્નરમાં ઇન્ટરનેટ પર વાંચેલા કેટલાક સરસ કાવ્યો કે કાવ્યાત્મક વિચારો રજૂ કર્યા છે.ચાલો તેમનો આસ્વાદ માણીએ.
]

તૂટેલા રમકડાં વધુ સારા હતા !!



જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલીછે.
કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..
નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવેસમજાયું કે, અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરુંહોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!


************************************************

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ - રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

****************************************************

સગાં સગાં સૌ શું કરો છો ?

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.
જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

********************************************************************

ખરાં છો તમે.

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.

ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,

અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,

અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.

નવી ક્યાંથી લાવું, ખરાં છો તમેહતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ. નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 11, 2010

કોમ્પ્યુટર દ્વારા જીવનના અમૂલ્ય પાઠ શીખો...

કોમ્પ્યુટર શીખો, ચાલો ત્યારે થાવ તૈયાર.


સહુથી પહેલા કોમ્પ્યુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર ?

જો જીવનમાં હોય...


ખુશી SAVE

ગમ DELETE

સંબંધ DOWNLAD

દોસ્તી FAVORITE

દુશ્મની ERASE

સત્ય KEY BOARD

જૂઠ SWITCH OFF

ચીંતા BACK SPACE

પ્યાર INCOMING ON

નફરત OUTGOING OFF

વાણી CONTROL

હંસી HOME PAGE

ગુસ્સો HOLD

મુસ્કાન SEND

દિલ WEB-SITE

આંસુ ALT

ધિક્કાર SPAM

સવારથી સાંજ ચીટકી રહો NET WORK

ઘરનાને ઘેલુ લગાવો VIRUS


ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.

વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ગોખવા’ માંડો.!!!


('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 5, 2010

સંબંધો અને નસીબ

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!


હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.

મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!

બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.

બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.

પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.

કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.

મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.

તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!

Everyone knows how to count but very few know ‘what to count?’


('ઈન્ટરનેટ પરથી')