Sunday, August 29, 2010

ત્રણ કાવ્યો

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

કવિ : 'અજ્ઞાત'

**********************************************************************

તું છોડાવી આંગળી મારી ઉડવાને આતુર.
ઉંબર,આંગણ ઓળંગીને જવા દુર સુદૂર.

અમે જ ખોલી'તી બારી,અમે બારણા પણ ખોલીશું.
આવ્યા ત્યારે આવો કીધું, આવજો પણ બોલીશું.

જીવતાં જીવતાં જે સમજાયું ,એ કહેવું છે મારે.
હું જાણું છું તારું જીવન જીવવાનું છે તારે.

બેટા, આવ બેસ પાસે.
સાંભળ. જે કહું છું આજે .

કદીક લાગશે જીવન તો છે મનગમતો તહેવાર,
કદીક લાગશે જીવન તો છે અણગમતો વહેવાર.

જીવનપથ પર મળશે હોટલ, કદીક મળશે ઘર.
શું છે સગવડ? શેમાં સુખ છે?જાણવાનો અવસર.

હોઠ ભીંજવતું પીણું શું? શું તરસ છીપવું , પાણી
શું છે જળ અને શું મૃગજળ એ ભેદ લેવો ને જાણી.

અહંકાર અને અધિકારની મનડું ગૂંથે જાળ.
ઉડતા શીખવી,ઉડવા પણ દઈ, રાખીશું સંભાળ

માંગતા ભૂલી, આપતા શીખો ,પામશો આપોઆપ.
આજ નહીતો કાલે મળશે, વાટ જુઓ ચુપચાપ.

જીવન મળ્યું છે જીવવા માટે લાગણીભીનું જીવો.
તૂટે ત્યાંથી તરત જોડજો, ફાટે ત્યાંથી સીવો.

સડી જાય એ કાપવું પડશે એટલું લેજો જાણી
જાગ્યા ત્યાંથી સવાર સમજો, જીવન બને ઉજાણી.

કોઈને ગમતી રાતરાણી ને કોઈને પારીજાત,
કોઈને ઢળતી રાત ગમે ને કોઈને ગમે પ્રભાત .

પોતપોતાની પસંદમાંહે સહુ કોઈ રહેતા મસ્ત,
સુરજ પાસે શીખવા જેવું : ઉગે તેનો અસ્ત.

સંપતિને, સમૃદ્ધિને, વૈભવ તો છે વહેમ.
"જીવન જીવવા જેવું છે" એના કારણમાં છે પ્રેમ.

બાળપણમાં લન્ચબોક્ષમાં મમ્મી નાસ્તો ભરતી.
કદીક ભાવતું, કદીક તને ના ભાવતુંએ પણ મૂકતી.

ભાવતું જોઇને હરખાતી, નાભાવતું એ ખાતી.
હાથ નહિ રોકાતો, જયારે ભૂખ લાગતી સાચી.

ગમતું ,અણગમતું, સઘળું જે કામનું લાગ્યું મને,
બેટા, એનું જીવનભાથું મેં બંધાવ્યું તને.

આભે ઉડતા જોઈ તને બસ ! અમે રાજી રહેશું
અમારી છે આ દીકરી એમ ગૌરવથી અમે કહેશું.

બેટા, ઊડ હવે તું આગળ !
લખજે તું કદીક કાગળ !

કવિ : 'અજ્ઞાત'

***************************************************************************

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

કવિ : 'અજ્ઞાત'

Saturday, August 28, 2010

'ઇન્ટરનેટ કોર્નર' શ્રેણીનું પાંચમું નવું પુસ્તક 'ઝરૂખો'


જન્મભૂમિમાં છેલ્લા સાત વર્ષ કરતાં પણ વધુ સમયથી નિયમિત રીતે દર શનિવારે 'મહેક' પૂર્તિમાં આવતી વિકાસ ઘનશ્યામ નાયકની લોકપ્રિય કટાર 'ઇન્ટરનેટ કોર્નર' પર આધારિત પાંચમું નવું પુસ્તક 'ઝરૂખો' તાજેતરમાં ગૂર્જર ગ્રંથ કાર્યાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. અગાઉ 'ઇન્ટરનેટ કોર્નર' શ્રેણી હેઠળ જ લેખકના ચાર પુસ્તકો કથાકોર્નર, મહેક, કરંડિયો અને આભૂષણ પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમની સારી એવી લોકચાહના મેળવી અત્યાર સુધીમાં ત્રણ આવ્રુતિઓ બહાર પડી ચૂકી છે. આ પુસ્તકોની સફળતા જન્મભૂમિ માટે અને યુવા-લેખક વિકાસ જી. નાયક માટે ગૌરવની વાત છે.આ દરેક પુસ્તકની કિંમત ૭૦ રૂપિયા છે અને જેમણે આ પુસ્તકો ખરીદવાની ઇચ્છા હોય તેઓ વિકાસ નાયકનો તેમના ઇમેલ આઈડી vikas.nayak@gmail.com પર અથવા તેમના મોબાઈલ 9870017704 પર સંપર્ક કરી શકે છે.

Sunday, August 22, 2010

મળવા જેવા માણસ - ડો. દેવી શેટ્ટી

ઘણાં વખત પહેલા ઇન્ટરનેટ કોર્નરમાં આપણે બેંગ્લોરના નારાયણ હ્રદયાલયના સુવિખ્યાત સર્જન-ડોક્ટર દેવી શેટ્ટી સાથેનો 'હ્રદયની કાળજી કેવી રીતે રાખવી' એ વિશે પ્રશ્નોત્તરી ધરાવતો વાર્તાલાપ વાંચ્યો હતો.આજે આપણે આ મહાન હસ્તી વિશેની બીજી એક રસપ્રદ પ્રેરણાત્મક ઉમદા બાબત વાંચીશું.


જો તમે ડો. દેવી શેટ્ટીના પ્રખ્યાત નારાયણ હ્રદયાલયની મુલાકાત લો તો સૌ પ્રથમ તેમાં પ્રવેશતા જ મુખ્ય હોસ્પિટલના બિલ્ડીંગ તરફ દોરી જતા થાંભલાઓ વચ્ચે છાપરા નીચે વચ્ચોવચ્ચ તમને એક નાનકડું ચાર બાજુઓ ધરાવતું દેવસ્થાન જોવા મળશે.તેમાં એક બાજુ મંદિર, બીજી બાજુ ચર્ચ, ત્રીજી બાજુ મસ્જિદ અને ચોથી બાજુ ગુરુદ્વારા બનાવાયેલ છે. નારાયણ હ્રદયાલયના ડોક્ટર્સ તમને કહેશે કે આ એ દેવસ્થળ છે જ્યાંથી કોઈ પણ ઇલાજ સાચા અર્થમાં શરૂ થાય છે - ભગવાન દ્વારા ડોક્ટર્સના હસ્તે.

અહિંથી થોડા આગળ વધો એટલે મુખ્ય હોસ્પિટલના બિલ્ડીંગમાં તમને એક અતિ સુવ્યવસ્થિત સ્વાગતકક્ષ (રીસેપ્શન) જોવા મળશે.થોડું ધ્યાનથી નિરીક્ષણ કરશો તો સ્વાગતખંડના ટેબલપર એક ખૂણે એક નાનકડું પાટિયું મૂકેલું જોવા મળશે જેના પર લખ્યું છે - 'અહિં બંગાળીમાં વાતચીત કરી શકાશે'.

સાહજિક પ્રશ્ન થાય કે આવડી મોટી હોસ્પિટલમાં સ્વાગત કક્ષમાં એક ખૂણે અલાયદી સુવિધા ખાસ બંગાળી દર્દીઓ માટે શીદ ને ?પણ એની પાછળ એક ખાસ કારણ છે.આ હોસ્પિટલમાં અત્યાર સુધીના કેસોનાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે અહિં આવનારા દર્દીઓમાં સૌથી વધુ લોકો પશ્ચિમ બંગાળના કે બાંગ્લાદેશના હોય છે.આ દર્દીઓ સાથે આવનાર ગામડાનો કોઈ રહેવાસી કે દર્દીનો પતિ કે પત્ની કે સંબંધી કે મિત્ર આવેલ હોય તેના માટે આ શહેર અણજાણ હોય અને તેમને મુખ્યત્વે બંગાળી ભાષા જ આવડતી હોઈ હોસ્પિટલમાં અંગ્રેજી કે હિન્દીભાષી સ્ટાફ જ સ્વાગતકક્ષ પર પ્રાપ્ય હોય તો તેઓ માટે દર્દીને લઈ આવ્યા હોય એવા કપરા સમયે મુશ્કેલી ઉભી થાય.

ડો. શેટ્ટીએ પોતાની હોસ્પિટલ મોજૂદ માહિતી અને તેમના મુલાકાતી દર્દીઓ કેવું અનુભવે છે એ સમજી તે જ્ઞાનના આધારે બનાવી છે. લાંબા થાકભર્યા દિવસને અંતે ડો. શેટ્ટી પોતાની ઓફિસમાં બેસે છે અને દર્દીઓને પ્રત્યક્ષ ચકાસે છે.તેઓ હંમેશા દર્દી સાથે તેની માતૃભાષામાં થોડી વાતચીત કરે છે.આથી જ તેઓ એ તમામ દર્દીઓનો પ્રેમ સંપાદિત કરે છે અને તેમને આરામદાયી અને સારું મહેસૂસ કરાવે છે.દર્દીના સી.ટી. સ્કેન, રીપોર્ટ્સ વગેરે સઘળી માહિતી તેમજ દર્દીનો સંપૂર્ણ સ્વાસ્થ્ય ઇતિહાસ તેમની પાસે મોજૂદ હોવા છતાં તેઓ એક અતિ બિનજરૂરી અને જૂનવાણી પ્રક્રિયા કરે છે - દર્દીને સ્ટેથોસ્કોપથી ચકાસવાની.પણ તેમના આમ કરવા પાછળ એક ચોક્કસ કારણ છે.તેમની પાસે આવનારા મોટા ભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે અને તેમના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ હોય છે કે જો ડોક્ટર તેમના હ્રદયના ધબકારા સ્ટેથોસ્કોપથી ન સાંભળે તો ડોક્ટરે તેમને બરાબર ચકાસ્યા નથી,તેમના પર બરાબર ધ્યાન આપ્યું નથી.એ તો ઠીક પણ ડો.શેટ્ટી તેમના દર્દીને ચકાસણી દરમ્યાન ઓછામાં ઓછી એક વાર અચૂક સ્પર્શે છે. આજકાલ ડોક્ટર્સ માનવીય સ્પર્શનું મહત્વ,તેની તાકાત સમજતા નથી.સ્પર્શ વગર રોગનું નિવારણ મુશ્કેલ બની જાય છે.સ્પર્શની અસર જાદૂઈ હોય છે.દર્દીને સંપૂર્ણપણે ચકાસ્યા બાદ બિલકુલ શાંતિથી ડો. શેટ્ટી તેમના દર્દીને પૂછે છે 'હવે તમારે મને કંઈ પૂછવું છે?'તેમના જેવી વ્યસ્ત અને મોટી હસ્તી માટે આ જોખમી ગણાય કારણ દર્દીઓને લાંબી લાંબી વાતો કરવી ગમતી હોય છે.પણ ડો. શેટ્ટી માટે આમ કરવું ખૂબ અગત્યની બાબત છે.તેઓ એક સાચા પ્રોફેશનલ છે અને સારા ડોક્ટર પણ.તમે લોકો સાથે કેવી વર્તણૂંક કરો છો તે તેમને યાદ રહે છે.

૧૫ ઓગષ્ટ(આઝાદી દિન) સ્પેશિયલ

ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ

ભારતીયોના આપણે સૌ રૂણી છીએ કારણ તેમણે જ જગતને (સંખ્યાઓ) ગણતાં શિખવાડ્યું જેના વગર કોઈ મહત્વની વૈગ્નાનિક શોધ સંભવી શકી ન હોત.


- આલ્બર્ટ આઈનસ્ટાઈન

ભારત માનવ જાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ, ઇતિહાસની માતા, વારસાની નાની અને પરંપરાની પરનાની છે.

- માર્ક ટ્વેન


જ્યારે માનવજાતે અસ્તિત્વનું સ્વપ્ન જોયું તે વખતથી જો કોઈ એક એવી જગા હોય જ્યાં જીવતા માનવીઓના દરેક સ્વપ્નને ઘર મળ્યું હોય તો તે ભારત છે

- ફ્રેન્ચ સ્કોલર રોમે ઈન રોનાલ્ડ


૨૦ સદીઓથી ભારતે સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વગર ચીન પર જીત મેળવી પ્રભુત્વ હાંસલ કરેલું છે.

- હુ શી (ચીનના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત)



નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે.

૧. ભારતે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કે અતિક્રમણ નથી કર્યું.

૨. ભારતમાં સૌ પ્રથમ આંકડા પદ્ધતિ (ગણવા)ની શરૂઆત થઈ હતી. સંખ્યા શૂન્ય (૦) ની શોધ પણ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.

૩. સૌ પ્રથમ યુનિવર્સીટીની સ્થાપના ઈ.સ. પૂર્વે ૭૦૦માં ભારતનાં તક્ષશીલા ખાતે થઈ હતી.અહિં દુનિયાભરના ૧૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૬૦ કરતા વધુ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા હતાં.ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં ભારતમાં સ્થપાયેલી નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની શિક્ષણ ક્ષેત્રે મેળવેલી એક મહાન સિદ્ધી છે.

૪. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે, ભારતની સંસ્કૃત કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી વધુ યોગ્ય ભાષા છે.

૫.આયુર્વેદ માનવજાતને જાણ હોય એવું જુનામાં જુનું ઔષધશાસ્ત્ર છે.

૬. ભલે પશ્ચિમ જગતનાં પ્રસાર માધ્યમો ભારતને એક ગરીબ અને રાજકીય ભ્રષ્ટાચારથી ખદબદતો અલ્પવિક્સીત દેશ ચિતરે પણ એક સમયે ભારત દુનિયાનો સૌથી વધુ શ્રીમંત દેશ હતો.

૭. 'નેવિગેશન'(નદી કે સમુદ્રમાં માર્ગ શોધવાની રીત/પદ્ધતિ)ની શોધ ૫૦૦૦ વર્ષ પહેલા સિંધ નદીમાં થઈ હતી.શબ્દ 'નેવિગેશન' પોતે પણ સંસ્કૃત શબ્દ 'નવગતિ' પરથી બનાવવામાં આવ્યો છે.

Tuesday, August 3, 2010

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

હું તારો સાચો મિત્ર નથી જો...


તારે મારી સમક્ષ કં પણ બોલતા પહેલા વિચાર કરવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

મારી હાજરીમાં તું જરા જેટલો પણ સંકોચ અનુભવતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

હું તારા માટે કંઈ પણ કરું તેનો તારે આભાર માનવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મને વિનંતી કરવી પડતી હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું વિચારતો હોય કે હું તારા જીવનની નવી ફિલોસોફી જાણવા ઉત્સુક નથી!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું હું જે કહું તે જ સમજે પણ હું જે ન કહું તે ન સમજતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તારા સ્વપ્નો વિષે સાંભળતા મને ઉંઘ આવી જશે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તને દુ:ખમાં જોઈને મારી આંખમાં આંસુ નહિં આવે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે આપણી પ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી એ મને યાદ નહિં હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને એ ન દેખાતું હોય કે કઈ રીતે હું તને ખુશ કરવાના હજારો પ્રયત્ન કરતો રહું છું!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને ખ્યાલ ન આવતો હોય કે કઈ રીતે ફક્ત તારું એક સ્મિત મારો દિવસ સાર્થક કરી નાંખે છે!

હું તારો સાચો મિત્ર નથી જો...

જ્યારે તને ખરેખર ખૂબ વાત કરવાની ઇચ્છા હોય પણ તું મારી સામે ચૂપ રહેતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને જ્યારે એવી ઇચ્છા થતી હોય કે આપણે સાથે રહેવું જોઇએ પણ છતાં તું મને એમ કહેતા ખચકાતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું મને હું તારા માટે શું છું એ કહેવામાં ખૂબ વધારે સમય લેતો હોય! શું હું ખરેખર તારો મિત્ર છું?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



તમારું હ્રદય તમારો પ્રેમ છે...

તમારો પ્રેમ તમારું કુટુંબ છે...

તમારું કુટુંબ તમારું ભવિષ્ય છે...

તમારું ભવિષ્ય તમારું નસીબ છે...

તમારું નસીબ તમારી મહત્વકાંક્ષા છે...

તમારી મહત્વકાંક્ષા તમારી આશા છે...

તમારી આશા તમારો પ્રેરણાસ્ત્રોત છે...

તમારો પ્રેરણાસ્ત્રોત તમારી શ્રદ્ધા છે

તમારી શ્રદ્ધા તમારી શાંતિ છે...

તમારી શાંતિ તમારું લક્ષ્ય છે...

તમારું લક્ષ્ય તમારા મિત્રો છે..

જીવન મિત્રો વગર રસહીન છે...

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મિત્રતાની ભાષા શબ્દોની નહિં,અર્થની છે.

જીવન અડધું આપણે તેને જે બનાવીએ તે છે અને બાકીનું અડધું આપણે જે મિત્રો પસંદ કરીએ છીએ તેના દ્વારા બને છે.

દરેક મનુષ્ય જીવનમાં સાચા મિત્ર શોધતો હોય છે.

મિત્ર બનવું એ ખૂબ ઝડપથી થઈ શકે છે,પણ મિત્રતા એ ધીરે ધીરે પાકતું ફળ છે.

મિત્ર એ છે જે તમને સંપૂર્ણપણે જાણે છે અને છતાં તમને પસંદ કરે છે.

જેનો એકાદ મિત્ર હોય એવો કોઈ જ માણસ નકામો હોતો નથી.

પ્રેમ કોઈક મહાન માણસ કરતાં પણ મહાન હોય છે,મિત્રતા પ્રેમ કરતાં પણ મહાન હોય છે.
ભગવાન કરે તમને ખૂબ બધાં મિત્રો મળે અને એ પણ સાચા મિત્રો!

('ઈન્ટરનેટ પરથી')