Sunday, May 23, 2010

પ્રોફેશનાલિઝમ અને જાપાન (ભાગ - ૨)

[ગયા અઠવાડિયે સુબ્રોતો બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ' માંથી જાપાન અને તેના પ્રોફેશનાલિઝમના લેખકને થયેલા બે અનુભવો વિશે આપણે વાંચ્યું. આજ પુસ્તકમાંથી, જાપાન અને ત્યાંના પ્રોફેશનાલિઝમ વિષે હજી થોડા વધુ વિચારો આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.]

મારી જાપાનની મુલાકાત બાદ થોડા વર્ષો પછી હું એક વાર નારાયણ મૂર્તિને મળ્યો અને તેમની સાથે હું જાપાનીઓના પ્રોફેશનાલિઝમ વિષે ચર્ચા કરી રહ્યો હતો.મૂર્તિ સાહેબ પાસે પણ તેમના જાપાનના અનુભવનો એક કિસ્સો હતો જે તેમણે મારી સાથે શેર કર્યો.તેઓ એક વાર જાપાનના ગિંઝા નામના શહેરમાં દસ માળના મોલમાં માત્સુઝકાયા નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોવા ગયા હતા.તેઓ જાપાનમાં જે મિત્રને ત્યાં ઉતર્યા હતા તે તેમને આ સ્ટોર બતાવવા લઈ આવ્યો હતો.જેવા તેઓ બન્ને લિફ્ટમાંથી ઉતર્યા કે માત્સુઝકાયા સ્ટોરની પરંપરા મુજબ એક જાપાનીઝ યુવતિએ તેમને પોતાના સ્ટોરમાં અંદર આવવા આમંત્રણ આપ્યું.મૂર્તિએ ઉતાવળમાં અંગ્રેજીમાં બોલી નાંખ્યું કે આ તેના માટે એક અતિ કંટાળાજનક નોકરી સાબિત થતી હશે.યુવતિને અંગ્રેજી આવડતું નહોતું પણ તેણે આ વાતનું ભાષાંતર મૂર્તિના મિત્ર પાસેથી ધ્યાનપૂર્વક સાંભળ્યું.
યુવતિએ પ્રતિક્રિયામાં સ્મિત આપતા, જાપાનીઝ પરંપરા મુજબ ઝૂકીને જાપાનીઝ ભાષામાં જવાબ આપ્યો જેનું ભાષાંતર મૂર્તિના મિત્રએ ફરજ્પૂર્વક મૂર્તિને કરી સંભળાવ્યું. તે બોલી હતી : મારી કંપની મને અમારા ગ્રાહકોને સત્કારવા માટે, તેમને સારું લાગે એવું વર્તન કરવાનો પગાર આપે છે.હું મારી આ જવાબદારી ખૂબ મહેનત અને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરું છું.અને મને તેનો ગર્વ છે. મૂર્તિ આ સાંભળી અતિ છોભીલા પડી ગયા અને તેમણે પોતાની એ ટિપ્પણીને મૂર્ખતાભરી,વિચાર વગરની ગણાવી અતિ ક્ષોભ અનુભવ્યો.

* * * * * * * * * * * * * * * * * * * * *

એક જાપાનીઝ રાહદારી એક જાપાનીઝ સાધુને બગીચામાં કંઈક કામ કરતો જોઈ ઉભો રહી ગયો.સવારનો એ સાધુ બગીચામાંથી સૂકા તણખલાં અને નકામા સળી-કચરો વગેરે એક પછી એક ઉપાડી બાજુ પર ટોપલીમાં નાખતો હતો.પેલા રાહદારીએ ઘણાં સમય સુધી નિરીક્ષણ કર્યા બાદ અંતે પૂછ્યું ,'હે મહાત્મા, તમે આ કામ ક્યાં સુધી કર્યા કરશો?'
સાધુએ ઉંચુ જોયા વગર જવાબ આપ્યો,'જ્યાં સુધી આખો આ બાગ કચરા રહિત સંપૂર્ણ સ્વચ્છ ન થઈ જાય ત્યાં સુધી.'
જાપાનીઓ માટે કામ એક જીવંત અનુભવ છે. તેઓ સદાયે વિચારે છે પોતાનાની આસપાસના લોકોનું જીવન,આસપાસની પરિસ્થિતી કઈ રીતે સારામાં સારાં બનાવી શકાય?
મને વિચાર આવે છે : મનુષ્યનો એક સાચા અને સારા પ્રોફેશનલ બનવાનો પ્રયત્ન ક્યાં સુધી ટકી શકે? જવાબ છે: જ્યાં સુધી કામના બગીચામાંથી, બગીચો લીલોછમ અને જીવંત હોય અને એક પણ સુકું તણખલું કે કચરો તેમાં બચવા ન પામે ત્યાં સુધી ઝઝૂમતા રહીને માણસ સાચો અને સારો પ્રોફેશનલ બની શકે.

પ્રોફેશનાલિઝમ અને જાપાન

મડદાં દાટનાર એક સાચા પ્રોફેશનલ - મહાદેવની વાત આપણે ઇન્ટરનેટ કોર્નરમાં થોડા સમય અગાઉ વાંચેલી.સુબ્રોતો બાગ્ચી નામના ભારતના એક નાનકડા ગામડાંથી જીવનની શરૂઆત કરી કોર્પોરેટ વર્લ્ડના શિખર પોતાની કંપની 'માઈન્ડ ટ્રી' દ્વારા સર કરનાર મહાન વ્યક્તિની ગાથા પણ ઘણા સમય અગાઉ આપણે ઇન્ટરનેટ કોર્નરમાં સમાવી હતી.એ મહાનુભાવ શ્રી બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ'માંથી જ 'મહાદેવ - એક સાચા પ્રોફેશનલ'ની પ્રેરણાત્મક વાત લેવામાં આવી હતી.એ જ પુસ્તકમાંથી બીજા કેટલાક અંશો આજે અને આવતા અઠવાડિયે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીશું.

જે દેશોની તેમના પ્રોફેશનાલિઝમ માટે હું ભારોભાર પ્રશંસા કરું છું તેમાંનો એક દેશ છે જાપાન.મેં જાપાનની યાત્રા ઘણી વાર કરી છે પણ હું જાપાનીઝ લોકોના ખૂબ નજીકથી પરિચયમાં આવ્યો ૧૯૯૬ની મારી ત્યાં TQM (Total Quality Management) ની ટ્રેઇનિંગ દરમ્યાન.આજે જાપાન જે કંઈ પણ છે તે એ કોર્પોરેશન્સ ને કારણે જે જાપાનીઝ લોકો એ સર્જ્યા છે અને તેમની પાછળ હાથ છે એ દરેક લોકોનો જેમણે આ સંસ્થાઓ બનાવી છે. મને જાપાનના પ્રોફેશનાલિઝમનો અનુભવ પહેલીજ વાર મેં જ્યારે જાપાનની મુલાકાત લીધી હતી ત્યારે થયેલો.

મારી હોટલ સુધી મને લઈ જનાર ટેક્સી ડ્રાઈવર એ હોટલ સુધીનો રસ્તો જાણતો નહોતો (એ દિવસોમાં હજી કારોમાં આજકાલ જોવા મળતી નેવિગેશન સિસ્ટમ્સ શોધાઈ નહોતી.) તે મારી હોટલ જે રસ્તા પર હતી ત્યાં સુધી પહોંચી જ ગયો હતો છતાં રસ્તો ખબર ન હોવાને લીધે તેમજ ખોટી ગલીમાં વળી જતા અને ત્યારબાદ વન-વે હોવાને લીધે તેણે મારી હોટલ સુધી પહોંચતા પહેલા વધારાના બીજા ૫-૬ ચક્કર કાપવા પડ્યા.મારે મોડું થતું નહોતું અને તેનો વાંક પણ નહોતો આથી મને ખરાબ લાગ્યુ નહિં કે મેં તેના પર ગુસ્સો પણ કર્યો નહિં.છેવટે જ્યારે મેં તેને મીટર પ્રમાણેનું ભાડુ ચૂકવ્યું,તેણે મને થોડા પૈસા પાછા આપ્યા.મને ખૂબ આશ્ચર્ય થયું કારણ મેં તેને મીટર પ્રમાણે ચોક્કસ રકમ ચૂકવી હતી એટલે પૈસા પાછા આપવાનો સવાલ ઉભો થતો નહોતો.મને જાપાનીઝ ભાષા આવડતી નહોતી અને તેને અંગ્રેજી આવડતું નહોતું આથી મહા પરિશ્રમ બાદ હું તેની ભાંગીતૂટી ભાષા પરથી એટલું સમજી શક્યો કે છેલ્લે હોટલના રસ્તા પાસે પહોંચી ગયા બાદ જે વધારાના ચક્કર લગાવ્યા તે ભૂલની જવાબદારી પોતાને શિરે લઈ તે મને પૈસા પાછા આપી રહ્યો હતો.ડ્રાઈવર હતો એટલે તેના મતે તેને રસ્તાઓનું જ્ઞાન હોવું જરૂરી હતું અને આથી તેની ભૂલ માટે તે મારી પાસેથી શી રીતે વધારાના/પૂરા પૈસા વસૂલી શકે એમ તેને લાગતું હતું!

જેવો હું હોટલમાં પ્રવેશ્યો કે તરત મને બીજો એક પાઠ શિખવા મળ્યો.હું હજી પેલા ટેક્સી ડ્રાઈવરના પૈસા પાછા આપવાવાળી ઘટનાના સુખદ અને આશ્ચર્યકારક ઝટકામાંથી બહાર નહોતો આવ્યો ત્યાં આ બીજી ઘટના બની.હોટલનો એક કૂલી મારો સામાન મારી રૂમમાં લઈ આવ્યો.મેં તેને ટીપ આપવાનો પ્રયત્ન કર્યો.તે તો ગુસ્સે થઈ ગયો!તે બે ચાર ડગલા પાછો ખસી જઈ બબડવા લાગ્યો:'ના. સર. ટીપ નહિં. આ જાપાન છે...'

પછી તો મારે અનેક વાર જાપાન જવાનું થયું અને હું જાણવા પામ્યો કે પ્રોફેશનાલિઝમ શબ્દને કઈ રીતે આ આખું રાષ્ટ્ર જીવી જાણે છે અને કેટલી હદે તેનો એકે એક નાગરિક તેનું કેટલી સાહજિકતા અને પ્રમાણિકતાથી પાલન કરે છે.જાપાનમાં પ્રોફેશનાલિઝમ સાથે બીજા ત્રણ ગુણો પણ લોકોમાં ખૂબ સારી રીતે વણાયેલા છે:રાષ્ટ્રિય ગૌરવ, એકલતાવાદ કરતા જૂથવાદને પ્રાધાન્ય અને આધ્યાત્મિકતા.

Wednesday, May 19, 2010

એક નિબંધ

પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ તેના વર્ગના બધા વિદ્યાર્થીઓને એક નિબંધ લખવા કહ્યું. નિબંધનો વિષય હતો - 'ભગવાન પાસે તમારે કંઈક માંગવાનું હોય તો તમે શું માંગો?'
દિવસને અંતે જ્યારે શિક્ષિકા બધા વિદ્યાર્થીઓએ લખેલા નિબંધો ચકાસવા બેઠી ત્યારે એક નિબંધ વાંચી તે અતિ સંવેદનશીલ બની ગઈ. તેના પતિએ એ વેળાએ જ ઘરમાં પ્રવેશ કર્યો.પત્નીની આંખોમાં આંસુ જોઈ તેણે એનું કારણ પૂછ્યું. તેણે પતિના હાથમાં પેલો નિબંધ મૂકી એ વાંચી જવા કહ્યું.
નિબંધ આ પ્રમાણે હતો: હે ભગવાન,હું આજે તારી પાસે કંઈક ખાસ માંગી રહ્યો છું,આજે રાતે મને મહેરબાની કરીને ટી.વી. બનાવી દે.મારે તેની જગા લઈ લેવી છે.મારે મારા ઘરમાં ટી.વી. જેવું જીવન જીવવું છે,મારું એક ખાસ સ્થાન-માનપાન ભોગવવું છે અને મારા કુટુંબને મારી આસપાસ ગોઠવાઈ ગયેલું જોવું છે.હું ઇચ્છુ છું કે જ્યારે હું બોલું ત્યારે તેઓ મને ગંભીરતાથી લે,ધ્યાનથી સાંભળે.મારે બધાના ધ્યાનનું કેન્દ્ર બનવું છે અને કોઈ જાતના પ્રશ્નો કે અવરોધો વગર મારે મારી વાણીનો પ્રવાહ અસ્ખલિત ચાલુ રાખવો છે.ટી.વી. જ્યારે બંધ પડી જાય ત્યારે તેને જે વિશેષ મહત્વ આપવામાં આવે છે,તેની જે ખાસ કાળજી લઈ તેને તરત રીપેર કરાવવામાં આવે છે, તે મહત્વ અને કાળજી મને મળે એમ હું ઇચ્છુ છું.મારા પિતા કામેથી થાકીને પણ ઘેર આવ્યા હોય ત્યારે ટી.વી. સાથે સમય ગાળવાનુ તે ચૂકતા નથી, એ સમય હું મને મળે એમ ઇચ્છુ છું.મારી માતા દુ:ખી અને ઉદાસ હોય ત્યારે મને દૂર રાખી ટી.વી. સામે કલાકો પસાર કરી નાંખે છે,એ સમય પણ હું મને મળે એમ ઇચ્છુ છું.મારા ભાઈઓ ટી.વી. ને બદલે મારી સાથે રહેવા માટે ઝગડે એવી મારી ઇચ્છા છે.હું એ લાગણીનો અનુભવ કરવા ઇચ્છુ છું જ્યારે મારું આખું કુટુંબ પોતાની સઘળી પ્રવ્રુત્તિ છોડી ફક્ત મારી સાથે તેમનો થોડો સમય ગાળે.અને છેલ્લે હું ટી.વી. ની જેમજ તેમને ખુશ કરી તેમનું મનોરંજન કરવા ઇચ્છુ છું. હે ભગવાન આનાથી વધારે મારે તારી પાસેથી કંઈ નથી માગવું, બસ મને ટી.વી જેવું જીવન જીવવાની ઇચ્છા છે જેથી હું મારા કુટુંબીજનોનો થોડો સમય અને ધ્યાન મેળવી શકું...
આ નિબંધ વાંચી શિક્ષિકાનો પતિ બોલ્યો : હે ભગવાન,કેટલું બિચારુ બાળક અને કેવા ભયંકર માતાપિતા...!
શિક્ષિકા એ તેની સામે જોયું અને નિબંધ લખેલા પાનાને ઉલટાવી પાછળ લખેલું એ નિબંધ લખનાર બાળકનું નામ વાંચવા કહી જણાવ્યું. એ નિબંધ તેમના સૌથી નાના પુત્રે લખ્યો હતો.

Sunday, May 9, 2010

અરબસ્તાનમાં કોકા-કોલા

કોકાકોલાનો એક સેલ્સમેન તેના અરબસ્તાનના અસાઈનમેન્ટ પરથી નિરાશ થઈ પાછો ફર્યો.

તેના એક મિત્રે પૂછ્યું : તુ આરબો વચ્ચે શા માટે સફળ થઈ શક્યો નહિં?

સેલ્સમેને જવાબ આપ્યો : જ્યારે મને અરબસ્તાનમાં અસાઈનમેન્ટ આપી મોકલવામાં આવ્યો ત્યારે હું ખૂબ ખુશ થઈ ગયો હતો કારણ મને લાગ્યું કે કોલા ત્યાં બિલકુલ જાણીતું

નથી તેથી હું ચોક્કસ એક નવા પ્રોડક્ટ તરીકે તેનું ખૂબ સારુ વેચાણ કરી શકીશ.પણ એક મોટી મુશ્કેલી એ સર્જાઈ કે મને અરબી ભાષા બિલકુલ આવડતી નહોતી.આથી મેં મારા

વિચારો અને સંદેશ ત્રણ પોસ્ટર્સ દ્વારા વ્યક્ત કરવાનું નક્કી કર્યુ.

પ્રથમ પોસ્ટર : સૂક્કા ભઠ અને બળબળતા ગરમ રણની રેતીમાં એક માણસ તદ્દન થાકેલી , અશક્ત અને હાંફતી અવસ્થામાં પડેલો છે...



બીજું પોસ્ટર : તે માણસ કોકા કોલા પી રહ્યો છે.



ત્રીજું પોસ્ટર : તે માણસ હવે એક્દમ તાજોમાજો અને સ્વસ્થ દેખાય છે.



આ પોસ્ટર્સ એ પ્રદેશમાં ઠેર ઠેર ચોંટાડી દેવામાં આવ્યા.

પેલા મિત્રે કહ્યું : તો તો આ યુક્તિ કામ કરવી જોઈતી હતી.

સેલ્સમેને જવાબ આપ્યો : તારી જેમજ મને પણ ખ્યાલ નહોતો કે અરબી ભાષા ઉંધી એટલે કે જમણે થી ડાબે વંચાય છે...




અને ત્યાં મારા પોસ્ટર્સ પણ લોકો એ ઉંધા ક્રમમાં (એટલે પહેલા ત્રીજું, પછી બીજું અને છેલ્લે પહેલું) જોયા - સમજ્યા અને અર્થ નો અનર્થ થઈ ગયો...(!!!)