Wednesday, September 29, 2010

આરોગ્યના સુભાષિતો...

(૧) આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ

(૨) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા,
ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ

(૩) ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ રોગીનું,
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું

(૪) બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન,
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન

(૫) રોટલા,કઠોળને ભાજી, ખાનારની તબીઅત તાજી
મૂળો, મોગરી,ગાજર, બોર રાતે ખાય તે રહે ન રાજી

(૬) ફણગાવેલા કઠોળ જે ખાય, લાંબો, પોહળો, તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય

(૭) મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર

(૮) ખાંડ,મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય,
નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય

(૯) કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી

(૧૦) હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ

(૧૧) લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો

(૧૨) ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,
ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય

(૧૩) મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું માંદુ

(૧૪) આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ
લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પુરા વીસ

(૧૫) કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી,
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી

(૧૬) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ
ન હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 18, 2010

ભગવાનનો પત્ર

[ગયા અઠવાડિયે ઇન્ટરનેટ કોર્નરમાં એક બાળકનો 'ભગવાનને પત્ર' વાંચ્યો હતો ને? તો આજે સમગ્ર માનવ જાતને સંબોધીને લખાયેલો 'ભગવાનનો પત્ર' વાંચીએ.]
તારીખ : આજની જ.


પ્રતિ : તમોને જ

વિષય : જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,

હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય.. જે સાવ બેકાર હોય.

[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,

ભગવાનના આશિષ..

Monday, September 6, 2010

ભગવાનને પત્ર

પ્રિય મિત્ર ભગવાન,



જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭માં ધોરણમાં ભણુ છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.


’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી. કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે મોકલે છે. ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!


પ્રશ્ન-૧. હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે, આ મને સમજાતુ નથી…!


પ્રશ્ન-૨. તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મ ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?


પ્રશ્ન-૩. મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવાનવાં વાઘા…! સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!


પ્રશ્ન-૪.તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશ ભક્તિગીત રજું કરુ છું ત્યારે, સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ આવતા નથી…!


છેલ્લો પ્રશ્ન

પ્રશ્ન-૫. તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો’ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?


શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.

પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના રૂ.પાંચના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…! જલ્દી કરજે ભગવાન…સમય બહું ઓછો છે તારી પાસે…અને મારી પાસે પણ…!


લી.

એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી

અથવા

ભારતના એક ભાવિ મજૂરના વંદેમાતરમ્‌

('ઈન્ટરનેટ પરથી')