Sunday, July 25, 2010

સ્વાદિષ્ટ વાનગી અને મોટામાં મોટો વિરોધાભાસનો કેસ

એક કપ નમ્રતા


અડધો કપ ધીરજ

પા કપ ક્ષમા

બે કપ સમજણ

એક કપ પ્રોત્સાહન

બે ચમચી નિસ્વાર્થપણું ભેગા કરી

તેમને ખૂબ બધા વખાણમાં મિશ્ર કરી હલાવો

અને તેમાં ચપટી ચતુરાઈ અને રમૂજ ભભરાવો.

હવે આ મિશ્રણમાં શ્રદ્ધા અને વિશ્વાસરૂપી કાઢો ઉમેરો

અને તેને ૨૪ X ૭ ના પાત્રમાં મૂકી ૩૬૫ ના તાપે રાંધો

અને તૈયાર થયેલ સ્વાદિષ્ટ વાનગી-થાળનો આસ્વાદ જીવનભર માણતા રહો

અને તમારા સગાસ્નેહી સૌ કોઈને પ્રેમપૂર્વક સ્મિતસહિત પીરસતા રહો..!



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સૈકાઓ પહેલાંની વાત છે.એક કાયદાશાસ્ત્રના નિષ્ણાત પાસે એક ગરીબ, પણ ભણીને કાયદાશાસ્ત્રનું જ્ઞાન લેવા ઉત્સુક એવો વિદ્યાર્થી આવી ચડ્યો.

વિદ્યાર્થીએ શિક્ષકને, તે જે દિવસે કોર્ટમાં પોતાનો પહેલો કેસ જીતી જશે એ દિવસે તેમની ફીના પૈસા ચૂકવી દેશે એવી બાંહેધરી આપી, પોતાને કાયદાશાસ્ત્રનું શિક્ષણ આપવા મનાવી લીધા. શિક્ષકેતો પેલા જિજ્ઞાસુ વિદ્યાર્થીને ભણાવવાનું શરૂ કરી દીધું.

વિદ્યાભ્યાસ પૂર્ણ થયા બાદ શિક્ષકે પોતાની ફી યાદ દેવડાવી. વિદ્યાર્થીએ પોતે હજી પહેલો કેસ જીત્યો નથી એવું બહાનુ બતાવી વાત ટાળ્યા કરી.આમ ઘણાં દિવસો પસાર થઈ ગયા. આખરે લાંબો સમય નિકળી જતાં,શિક્ષકે વિદ્યાર્થી પર કેસ કરી આ બાબત અંગે કોર્ટમાં લડી લેવાનો નિર્ણય કર્યો. બંને જણ પોતપોતાનો કેસ જાતે લડી રહ્યા હતા. શિક્ષકે એવી દલીલ કરી કે જો એ આ કેસ જીતે તો કોર્ટના ફરમાન મુજબ હારી ગયેલા વિદ્યાર્થીએ તેની ફીના પૈસા ચૂકવવા પડશે અને જો એ હારી જાય તો વિદ્યાર્થીએ પોતાની શરત મુજબ તેનો પહેલો કેસ જીતી ગયા બાદ ફી ચૂકવીને તેની શરત પૂરી કરવી પડશે.આમ બંને સંજોગોમાં તેને તેના પૈસા મળી જશે.

વિદ્યાર્થી પણ જરાય પાછો પડે એવો નહોતો.આખરે પોતે એ શિક્ષક્નો જ વિદ્યાર્થી હતો ને! તેણે બુદ્ધિમત્તાપૂર્વક સામી દલીલ કરી : "જો હું આ કેસ જીતી જાઉં તો કોર્ટ મારી તરફેણમાં ચુકાદો આપશે જે મુજબ મારે શિક્ષકને કંઈ જ આપવાનું રહેશે નહિં અને જો હું મારો આ પહેલો કેસ હારી જઈશ તો મારી શરત મુજબ મારે શિક્ષકને કંઈ ચૂકવવાનું રહેશે નહિં..!"

આ કેસ આજ સુધીમાં નોંધાયેલ મોટામાં મોટો વિરોધાભાસનો કેસ છે.

('ઈન્ટરનેટ પરથી')

Tuesday, July 20, 2010

સાવધ રહેતા શીખો

એક શિકારી પાસે એક વિશેષ ખાસિયત ધરાવતો કૂતરો હતો.તે પાણી પર ચાલી શકતો હતો.એક દિવસ શિકારીએ પોતાના આ ખાસ કૂતરા અને તેના કૌશલ્યનું પ્રદર્શન કરવા એક મિત્રને પોતાના ઘેર આવવા આમંત્રણ આપ્યું.મિત્ર આવ્યો એટલે તેઓ બંને જંગલમાં ગયા અને તેમણે કેટલાક પંખીઓનો શિકાર એ રીતે કર્યો કે ઉડતા પંખી તેમના તીરથી વિંધાઈ નદીમાં પડી ગયા.તરત શિકારીએ પોતાના કૂતરાને નદીના પાણી પર દોડી જઈ એ પંખીઓના શરીર લઈ આવવા આદેશ આપ્યો.કૂતરાએ તેમ કરી બતાવ્યું.




શિકારીના મનમાં હતું કે તેનો મિત્ર કૂતરાના આ અદભૂત પરાક્રમ અને કૌશલ્ય બદલ પ્રશંસાના પુલ બાંધશે પણ એમ ન બન્યું. તેના મિત્રે કોઈ પ્રતિભાવ જ ન આપ્યો.આખરે ન રહેવાતા શિકારીએ જાતે તેના મિત્રને પૂછ્યું,"તે મારા કૂતરાની અસાધારણ સિદ્ધીની નોંધ લીધી કે નહિં?"પેલા એ ઉડતો જવાબ આપ્યો,"અસાધારણ? ના રે! ઉલટું મેં નોંધ્યું કે તારો કૂતરો ભલે પાણી પર દોડતો હશે પણ તેને પાણીમાં તરતા આવડતું લાગતું નથી."



આપણે જેમના સંપર્કમાં આવીએ છીએ તેમાંના ૯૦ ટકા લોકો નકારાત્મક અભિગમ ધરાવનારા હોય છે.મેંદુવડાના સરસ સ્વાદને ધ્યાનમાં ન લેતા આવા લોકો તેના કાણા પર વધુ ધ્યાન આપે છે.આવા લોકો પાસેથી પ્રેરણા, પ્રશંસા કે પ્રોત્સાહનની અપેક્ષા ન રાખશો.તેઓ તમને તમે કોઈ વિકટ પરિસ્થિતીમાં ફસાયા હશો તો તેમાંથી બહાર કાઢી શકશે નહિં.ઉલટું એ તમને એ વિકટ પરિસ્થિતીમાં વધુ ઉંડા ખૂંપવશે.આથી આવા લોકોથી સાવધ રહેતા શીખો,તેમની સાથે વધુ સમય ન વિતાવો અને તેમને તમારા સપના વિખેરી નાંખવાનો મોકો ન આપશો.
 
('ઈન્ટરનેટ પરથી')

Sunday, July 11, 2010

અનોખી સિદ્ધિ

[કોલકાતામાં પ્રકાશિત થતાં સામાયિક 'સાંવરી' માં છપાયેલ એક અતિ પ્રેરણાત્મક લેખ ગુજરાતી વેબસાઈટ 'રીડ ગુજરાતી' (www.readgujarati.com) પર ચંદ્રિકા થાનકીએ રજૂ કર્યો હતો જે આજે ઇન્ટરનેટ કોર્નરમાં આવરી લીધો છે.વાંચવા અને વંચાવવા લાયક આ લેખ તમને સૌને ગમશે એવી આશા છે.]


નાનપણથી સંઘર્ષ કરીને જેણે ઉંમરના આઠ દાયકા વિતાવ્યા હોય એવી મહિલા 81મા વર્ષે શું કરતી હોય, એવો પ્રશ્ન જો કોઈને પૂછીએ તો એવો જવાબ મળે કે આ ઉંમરે મહિલા બહુબહુ તો પ્રભુભજનમાં સમય વ્યતિત કરતી હોય, સવારસાંજ દેવદર્શને જતી હોય, પોતાનાં પૌત્રો-દૌહિત્રોને રમાડતી હોય અને એ રીતે સમય પસાર કરતી હોય – પણ જો વાત મંદાકિનીબેન દ્રવિડની હોય તો તેમને આ બધું બહુ ઓછું લાગુ પડે છે. સામાન્યપણે 81મા વર્ષે સ્ત્રી જે કંઈ કરતી હોય કે કરી શકતી હોય તેના કરતાં તેઓ કંઈક જુદું જ કરી રહ્યાં છે અને તેઓ જે કંઈ કરી રહ્યાં છે અને કરી શક્યાં છે એ જોઈને માત્ર તેમની ઉંમરની જ નહિ, તેમનાથી ઘણી નાની ઉંમરની મહિલાઓને પણ તેમની ભારોભાર ઈર્ષ્યા આવે તેવું છે. ગયા વર્ષે મંદાકિની દ્રવિડને પૂણે યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.





આ ઉંમરે પી.એચ.ડી. થવું એનો અર્થ શો એ ભાગ્યે જ કોઈને સમજાવવું પડે તેમ છે. તેઓ પોતે આ સિદ્ધિને એક જંગ જીતવા સમાન ગણાવે છે. કારણ કે આ ઉંમરે પી.એચ.ડી. થવું કેટલું મુશ્કેલ હોઈ શકે એ કહાણી તેમની પાસેથી સાંભળીએ તો જ ખ્યાલ આવે. તેઓ આ થિસિસ તૈયાર કરતાં હતાં એ દરમ્યાન જ તેમના એકમાત્ર પુત્રનું અવસાન થયું હતું. થિસિસ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા પછી વાઈવા આપ્યા બાદ પણ જાણે એવું લાગતું હતું કે યુનિવર્સિટીનો નિર્ણય આવતાં જાણે યુગો સુધી રાહ જોવી પડશે. મંદાકિનીના કહેવા મુજબ તેમણે 2006માં પોતાનો થિસિસ સબમિટ કર્યો હતો અને 2008ની 8 એપ્રિલે વાઈવા લેવાયો હતો. એ પછી બે માસ વીતી જવા છતાં યુનિવર્સિટી તરફથી કોઈ હિલચાલ ન થતાં ગયા 2008ના જૂનના અંતે તેમણે કંટાળીને બૉર્ડ ઑફ કૉલેજ ઍન્ડ યુનિવર્સિટી ડેવલપમેન્ટના ડિરેક્ટરને એક પત્ર લખ્યો. પછી તેમને જાણવા મળ્યું હતું કે યુનિવર્સિટીમાં સંબંધિત કલાર્કની આળસને કારણે તેમનું કામ ખોરંભે પડ્યું હતું. ડિરેક્ટરને જેવો પત્ર મળ્યો કે તરત આદેશો છૂટ્યા અને મંદાકિની દ્રવિડના થિસિસને માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાઈ ગયો.


મંદાકિની દ્રવિડે તેમનાં ગાઈડ સુનંદા કૌશિકના માર્ગદર્શન હેઠળ ‘મેડિકલ ઍન્ડ સાઈકિયાટ્રિક સોશિયલ પ્રેક્ટિશનર્સ પ્રોસેસ ઍન્ડ એનાલિસિસ’ વિષય પર થિસિસ લખ્યો છે અને વધુ મહત્વની વાત એ છે કે આખો થિસિસ તેમના અંગત અનુભવો પર આધારિત છે અને તેમાંનો એક ફકરો પણ કોઈ સંદર્ભ સામગ્રીમાંથી લેવાયો નથી. આજે પૂણે સ્થિત એન્જિનિયરિંગ અને એનર્જી કંપની ‘થર્મેક્સ’ સાથે કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતાં મંદાકિની કહે છે, ‘મારા ચાલીસ વર્ષના અનુભવોને કારણે થિસિસ પૂરો થઈ શક્યો. મેં જે કંઈ કામ કર્યું છે એ સંપૂર્ણ અધિકૃત છે અને મારાં ગાઈડના સતત પ્રોત્સાહનને કારણે એ બધું શક્ય બની શક્યું છે. તેમણે જ મને કહ્યું કે મારી પાસે જે અનુભવો છે તે કાગળ પર ઊતરવા જોઈએ, જેથી નવી પેઢીને તે કામમાં આવી શકે અને તેમના માટે માર્ગદર્શન રૂપ બની શકે. એટલે આ કામ કરતી વખતે મારી ઉંમર તેમાં જરાય અવરોધક બની નહોતી કારણ કે મારી પાસે જે અનુભવોનું ભાથું છે અને જે કંઈ મારા દિમાગમાં છે એ બધું જ કાગળ પર અવતર્યું છે.’

આફત અને ઉંમર દઢ સંકલ્પને કશું કરી શકતાં નથી એનું મંદાકિની દ્રવિડ જીવંત ઉદાહરણ બની ગયાં છે. પરિસ્થિતિને આધિન કે નસીબમાં માંડ્યું છે તેમ માનીને જીવવાનું તેમણે કદી મંજૂર રાખ્યું નહિ. તેમણે ક્યા સંજોગોમાંથી પસાર થઈને આ સિદ્ધિ મેળવી અને કેવો કેવો સંઘર્ષ કર્યો એ જાણ્યા પછી આ વાત વધુ સારી રીતે સમજી શકાય.

મંદાકિની માત્ર તેર વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થતાં એમને માથે ઘણી મોટી જવાબદારી આવી પડી હતી. લગભગ સાતેક દાયકા પહેલાંના સમાજમાં એક ગરીબ પરિવારની કિશોરીની કલ્પના કરી જુઓ. માતા, બે નાના ભાઈઓ, દાદી અને કાકી એ બધાંનો આધાર આ તેર વર્ષની છોકરી હતી. એ કમાય તો કુટુંબ ખાઈ શકે એવી સ્થિતિ હતી. આથી એણે સ્થાનિક જિલ્લા કલેકટરની કચેરીમાં નોકરી કરવાનું શરૂ કર્યું. ભણવાનું ચાલુ રાખવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેણે શાળાને તિલાંજલિ આપવી પડી. એકાદ વર્ષ તો મહિનાના 25 રૂપિયાના પગારે એણે નોકરી કરી. તેની મહેનત જોઈને તેના મામા પ્રભાવિત થયા. તેમણે થોડી આર્થિક મદદ કરવા માંડી એટલે મંદાકિનીએ ફરી ભણવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 1945નું એ વર્ષ હતું. તેઓ 16 વર્ષનાં થઈ ચૂક્યાં હતાં એટલે તેમનાં લગ્ન કરી દેવાયાં. તેમનો પતિ હથિયારોની ફેકટરીમાં કામ કરતો હતો. આ લગ્નજીવનના પરિપાક રૂપે 1949માં તેઓ એક પુત્રનાં માતા બન્યાં. તેનું નામ દિલીપ રખાયું. દરમ્યાનમાં તેમના લગ્નજીવનની નાવ સતત હાલકડોલક થતી રહેતી હતી. પુત્રની માતા બન્યા પછી પણ લગ્નજીવનનું ગાડું કોઈ રીતે થાળે પડે એવું ન લાગતાં છૂટાછેડા લઈ લીધા.

1949ના એ વર્ષે જ તેમણે પૂણેની સાસુન હોસ્પિટલમાં જુનિયર કારકુનની નોકરી મેળવી લીધી. તેઓ નોકરીએ જતાં ત્યારે બાળકની સંભાળ દાદી અને માતા રાખતાં. હોસ્પિટલમાં દર્દીઓની પથારીની વ્યવસ્થા સંભાળવાનું કામ કરવા સાથે તેમણે ફરી ભણવાનું ચાલુ કર્યું અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે સ્થાતક થયાં. હોસ્પિટલમાં પોતાના કામ દરમ્યાન તેઓ દર્દીઓની વેદના અને એકલતાના જગતમાં વધુ ઊંડા ઊતર્યાં. તેને એમ થતું કે આ દર્દીઓની માનસિક સ્થિતિનો વિચાર કરવો જોઈએ. માત્ર એમના માટે એલોપથી દવાઓ જ પૂરતી નથી. એ પછી એમણે માનસિક બીમારીથી પીડાતા દર્દીઓના જીવનમાં રસ લેવા માંડ્યો. 1959માં તેમણે બે વર્ષની રજા લીધી અને મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સીઝમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. 1962માં ફરી પાછાં દર્દીઓની વચ્ચે આવેલાં મંદાકિનીને લાગ્યું કે માનસિક રીતે બીમાર દર્દીઓના કિસ્સાઓમાં પશ્ચિમના સિદ્ધાંતો ભારતીય પ્રશ્નોનો પૂરી રીતે ઉકેલ આપી શકે તેમ નથી. એથી તેમણે માનસિક રીતે બીમાર દર્દીઓને કેવી સારવાર આપવી જોઈએ એ વિષે સંશોધન શરૂ કર્યું. તેમના સંપર્કમાં જે દર્દીઓ આવતા તેમની સામાજિક અને પારિવારિક સ્થિતિઓનો પણ તેઓ અભ્યાસ કરતાં ગયાં. તેમના ધ્યાનમાં એવી ઘણી બાબતો આવતી ગઈ જે દર્દીની જે તે બીમારી સાથે દેખીતી રીતે સીધી સંકળાયેલી ન લાગતી હોય પણ કોઈક સ્તરે તે માટે જવાબદાર તો હોય જ.

મંદાકિનીએ 1964માં ગરીબ દર્દીઓને બ્લડ ડોનેશન અને આર્થિક તથા દવાઓની મદદ કરી શકાય તે માટે ‘સોસાયટી ઑફ ધ ફ્રેન્ડઝ ઑફ સાસુન હોસ્પિટલ’ની સ્થાપના કરી. હોસ્પિટલે તેના માટે જરૂરી જગ્યાની વ્યવસ્થા કરી આપી અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેને માટે ફંડ ઊભું કરવા ચેરિટી કાર્યક્રમોનું આયોજન કર્યું અને દાતાઓ પાસે ટહેલ નાંખી. 1965માં ફુલબ્રાઈટ સ્કોલરશિપ મળતાં મંદાકિની છ મહિના અમેરિકા ગયાં. ત્યાં કેલિફોર્નિયામાં ખૂબ સારા પગારે તેમને નોકરીની ઓફર થઈ, પણ તેનો ઈન્કાર કરીને તેઓ સાસુન હોસ્પિટલમાં પરત આવી ગયાં. હોસ્પિટલમાં નવજાત બાળકોને તરછોડી જવાના કિસ્સા વધી રહ્યા છે એ ધ્યાન પર આવતાં 1974માં એક અનાથાલય અને દત્તક કેન્દ્ર ‘શ્રી વત્સ’ શરૂ કરવા તેમણે હોસ્પિટલના સત્તાવાળાઓને સમજાવ્યા. સાસુન હોસ્પિટલમાં મંદાકિની દ્રવિડની સેવાઓની અને પ્રવૃત્તિઓની એવી સુવાસ ફેલાયલી છે કે તેમના વિચારને તરત અમલમાં મૂકી દેવાય છે. આજે ‘શ્રીવત્સ’ પૂણેનું એક અગ્રણી દત્તક કેન્દ્ર બની ગયું છે.

સાસુન હોસ્પિટલમાંથી 1985માં તેઓ નિવૃત્ત થયાં પછી પાર્ટ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે થર્મેક્સમાં જોડાયાં. કંપનીનાં ચેરપર્સન અનુ આગાએ તેમને કહી દીધું છે કે જ્યાં સુધી તેમની ઈચ્છા હોય ત્યાં સુધી તેઓ તેમનું આ કામ ચાલુ રાખી શકે છે. આજે આ કામ કરતાં પણ તેમને લગભગ અઢી દાયકા થવા આવ્યા છે. થર્મેક્સમાં પાર્ટ ટાઈમ જોડાવા સાથે મંદાકિની મુક્તાંગન રિહેબિલિટેશન સેન્ટર ફોર ડ્રગ એડિક્સ, કોઢવા, લેપ્રસી હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલ સાથે પણ કામ કરતાં રહ્યાં. એ દરમ્યાન કંપનીના સેંકડો કર્મચારીઓના દારૂની લતથી માંડીને અનેકવિધ પ્રશ્નો ઉકેલવામાં તેઓ મદદરૂપ થતાં રહ્યાં છે. સુનંદા કૌશિક મંદાકિનીનાં સહાધ્યાયી રહી ચૂક્યાં છે. મંદાકિની 40 વર્ષનો જે અનુભવ ધરાવે છે તેનો ભાવિ પેઢીને પણ લાભ મળે તે માટે થિસિસ લખવા તેમને પ્રેર્યાં. પોતાનું કામ ચાલુ રાખવા સાથે આ નવું કામ પણ શરૂ કરી દીધું. એ દરમ્યાન 2002માં તેમના પુત્રનો કેન્સરે ભોગ લીધો. પુત્રના કસમયના મોતે તેમને હચમચાવી દીધાં, પણ થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ફરી દિવસે થર્મેક્સનું કામ અને રાત્રે થિસિસનું કામ કરવામાં લાગી ગયાં.

તેમનાં ગાઈડ સુનંદા કહે છે, ’81 વર્ષની ઉંમરે કોઈ આવું થકવી નાખનારું કામ કઈ રીતે કરી શકે એ ખરેખર નવાઈની વાત છે, પણ મંદાકિની દ્રવિડ આ કામ કરીને અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયાં છે. આ થિસિસમાં માનસિક રીતે બીમાર દર્દીઓની સંભાળના સંદર્ભમાં બાબતો તેમણે આવરી લીધી છે તે એટલી મહત્વની છે કે એક દિવસ એવો પણ આવશે કે આ થિસિસનું વાચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવી દેવાશે.’

આજે તેમની પુત્રવધૂ અને બે દૌહિત્રી 24 વર્ષીય સોનિયા અને 20 વર્ષીય મિતાલી મુંબઈમાં રહે છે. જીવનભર બીજાઓને ઉપયોગી થનારી આ મહિલા મંદાકિની દ્રવિડને 81 વર્ષની ઉંમરે એકલતા સાલે છે ખરી ? – જવાબમાં તેઓ કહે છે, જરાય નહિ. મને મારી જ કંપની પૂરતી છે.

Monday, July 5, 2010

ર3 દિવસમાં તંદુરસ્તી

ર3 આધ્યાત્મિક ગોળીઓ ર3 દિવસની શક્તિ માટે ...

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

Thursday, July 1, 2010

ભગવાન અને એક પ્યાલું દૂધ

આ વાર્તા વાંચી,જો તમે શ્રદ્ધાળુ હશો તો તમને એક અનેરા રોમાંચની લાગણીનો અનુભવ થશે અને તમે બોલી ઉઠશો આપણો ભગવાન ખરેખર ગજબનો છે!

એક શ્રદ્ધાળુ યુવક કોઈક મહાત્માનું પ્રવચન સાંભળી પાછો પોતાને ઘેર જઈ રહ્યો હતો.માર્ગમાં તે મહાત્માએ કરેલા પ્રવચનનો સાર પોતાનાં મિત્રો સાથે ચર્ચી રહ્યો હતો.મહાત્મા એ કહ્યું હતું તમે ભગવાનનો અવાજ સાંભળો અને તેને અનુસરો.યુવકે તેના મિત્રો સમક્ષ પોતાની શંકા વ્યક્ત કરી શું આજના યુગમાંયે ઇશ્વર મનુષ્ય સાથે વાત કરતો હશે?
તેઓ એક ધાબામાં વાળુ કરવા ગયા અને ત્યાં તેના મિત્રોએ પોતપોતાના અનુભવોની અને કઈ રીતે ભગવાને તેમને સાચો માર્ગ સૂઝાડી તેમની મદદ કરી હતી તે વિષે ચર્ચા કરી. રાતે દસેક વાગે તેઓ છૂટા પડ્યા અને યુવકે ગાડી પોતાના ઘર તરફ હંકારી.રસ્તામાં તેણે મનોમન પ્રાર્થના કરી,"હે ભગવાન,જો તું ખરેખર લોકો સાથે વાત કરતો હોય તો આજે મારી સાથે પણ વાત કર.હું તને સાંભળીશ અને તું જે કરવા કહીશ તે હું કરીશ. "
જેવો તે થોડે દૂર પહોંચ્યો ત્યાં તેને એક વિચિત્ર સ્ફૂરણા થઈ અને તે ગાડી અટકાવી પોતાને થયેલા આદેશાનુસાર એક પ્યાલુ દૂધ ખરીદવા ઉતરી પડ્યો. તે હજી અવઢવમાં હતો શું આ ખરેખર ઇશ્વરનો સંદેશ હતો જેને અનુસરી તે દૂધ વેચાતું લેવા આમ અચાનક રસ્તા પર પોતાની ગાડી બાજુએ મૂકી ઉતરી પડ્યો હતો?
તેણે વિચાર્યું જો એમ ન પણ હોય તો લીધેલું દૂધ કંઈ નકામું તો જવાનું નથી. એ દૂધ તે ઘેર લઈ જશે અને માને આપી દેશે.આમ વિચારતો હતો ત્યાં જ સામે દૂધની દુકાન દેખાઈ.તેણે એક પાવલુ દૂધ ખરીદ્યુ અને ગાડીમાં બેસી તે થોડો આગળ વધ્યો. જેવો તે થોડો વધુ આગળ ગયો ત્યાં સાતમી ગલી પાસે ફરી તેને એવી અદમ્ય ઇચ્છા થઈ આવી કે તેણે ડાબી તરફ આગળ વધવું જોઇએ.તેના ઘરનો રસ્તો જમણી તરફ હતો.આમ છતાં તેને ડાબી બાજુ જવાનો વિચાર આવ્યો એ વાતનું આશ્ચર્ય તો તેને હતું જ પણ ડાબી બાજુ જવાની ઇચ્છા એટલી પ્રબળ હતી કે તેણે ગાડી એ બાજુ હંકારી. તેને પોતાને પોતાના આ વર્તનથી નવાઈ લાગી રહી હતી.તેણે કહ્યું,"ભગવાન આ પણ તારો જ સંકેત લાગે છે.આજે હું તારી દરેક વાત સાંભળી તને અનુસરવાનો છું."
થોડે આગળ વધ્યા બાદ એક ચોક્કસ જગાએ તેને એવી લાગણી થઈ કે હવે તેણે અટકી જવું જોઇએ.તેણે ગાડી થોભાવી અને આજુબાજુ નજર ફેરવી. સોપો પડી ગયો હતો અને કોઈ કહેતા કોઈ નજરે ચડતુ નહોતું.બધા ઘરોમાં બંધ થઈ સૂઈ ગયા હશે એમ તેને લાગ્યું. ત્યાં તેનું ધ્યાન ગાડી ઉભી રાખી હતી તેની બરાબર સામે એક ઘર પર ગયું અને તેને જાણે એવો આદેશ મળ્યો કે તેણે એ ઘરમાં જઈ દૂધ આપી દેવું જોઇએ.તેણે વિચાર્યું:"આ ઘરમાં કોણ કોણ હશે? તેઓ સુઈ ગયા હશે અને હું અડધી રાતે તેમનું બારણું ખખડાવીશ અને તેમને દૂધ આપીશ તો હું ગાંડામાં જ ખપીશ." પણ પાછો તરત તેને બીજો વિચાર આવ્યો કે આ તો ભગવાનનો આદેશ હતો. એ કઈ રીતે ખોટો હોઈ જ શકે?ભલે પછી હું ગાંડામાં ખપુ.પ્રભુની જો એવી જ ઇચ્છા હોય તો એમ ખરું.
તેણે ગાડીમાંથી બહાર આવી તે ઘરનું બારણું ખખડાવ્યું. તેને ઘરની અંદર ગણગણાટ સંભળાયો.
એક પુરુષે અંદરથી બૂમ પાડી,"કોણ છે?શું જોઇએ છે?" અને તરત બારણું ઉઘડ્યું.પેલો પુરુષ ઉંઘમાંથી ઉઠીને આવ્યો હોય તેવો લઘરવઘર દેખાતો હતો અને તેના ચહેરા પર વિચિત્ર હાવભાવ ઉપસી આવ્યા હતાં.એક અજાણ્યા માણસને અડધી રાતે પોતાને બારણે ઉભેલો જોઈ તેને ખુશી થઈ હોય તેવું જણાતુ નહોતું. તે વધુ કંઈ બોલે એ પહેલા યુવકે દૂધ ભરેલું પ્યાલુ તે પુરુષ સમક્ષ ધરી કહ્યું "આ દૂધ તમારા માટે."
પેલા પુરુષે તરત દૂધનું પ્યાલુ લઈ લીધું અને તે મોટેથી કંઈક બબડતો ઘરની અંદર દોડી ગયો. યુવકે નોંધ્યુ કે ઘરમાં એક સ્ત્રી અને રડી રહેલું એક બાળક પણ હતાં.થોડી જ વારમાં બાળકના રડવાનો અવાજ બંધ થઈ ગયો હતો અને પેલો પુરુષ તેની પત્નિ સાથે બહાર આવ્યો.તેની આંખોમાં આંસુ હતાં.તે બોલ્યો,"અમે ભગવાનને પ્રાર્થના જ કરતા હતાં.મસમોટા બિલ ભરવાને કારણે આ મહિને મારી પાસે બિલકુલ પૈસા બચ્યા નહોતા અને બે દિવસથી તો પરિસ્થિતી એટલી વણસી ચૂકી હતી કે મારી પાસે મારા બાળક્ને પીવડાવવાના દૂધના પણ પૈસા નહોતા.
હવે પેલા પુરુષની પત્નિ રડતા રડતા બોલી, "મેં થોડી ક્ષણો પહેલાં જ ભગવાનને કહ્યું કે મારા આંગણે કોઈ દેવદૂત મોકલી આપો જે મારા બાળક માટે દૂધ લઈ આવ્યો હોય.શું સાચે જ તમે દેવદૂત છો?"
યુવકે તરત પોતાના ખિસ્સામાં હાથ નાંખી જેટલા પૈસા હાથમાં આવ્યા તે બધાં પેલા પુરુષના હાથમાં મૂકી દીધા અને તે પોતાની ગાડી તરફ દોડ્યો અને ગળગળો થઈ ચોધાર આંસુએ રડી પડ્યો.તેને ખાતરી થઈ ચૂકી હતી કે ભગવાન હજી તમારી સાથે વાતચીત કરે છે, તમારી પ્રાર્થના સાંભળે છે.

ભગવાનને કહેવાનું બંધ કરો કે તમારી આફતો કેવડી મોટી છે,બલ્કે આફતોનો સામનો કરતાં, તેમને જણાવો કે તમારો ભગવાન કેટલો મોટો છે.

મારે જાવું છે...

મારે જાવું છે જીવનના એ સમયખંડમાં પાછા...

જયારે નિર્દોષતા કુદરતી અને સહજ હતી,
કૃત્રિમ અને બનાવટી નહિં....

જ્યારે ઉંચા જવાનો અર્થ થતો હતો ઝૂલે બેઠા બેઠા
અને નહિં કે ઓફિસમાં મળતી બઢતીના સંદર્ભમાં...

જ્યારે 'પીવા' નો અર્થ થતો હતો રસના ઓરેન્જ,
નહિં કે બીયર કે વ્હિસ્કી...

જ્યારે મારા પિતા જ મારા માટે એકમાત્ર હીરો હતા,
નહિં કે શાહરુખ કે હ્રિતિક...

જ્યારે મારા માટે પ્રેમ એટલે માતાનું આલિંગન હતું,
નહિં કે મારી ગર્લફ્રેન્ડ્ઝ નું..

જ્યારે પિતાનો ખભો મારા માટે ધરતી પરનું સર્વોચ્ચ સ્થળ હતું,
મારું ઓફિસનું પદ નહિં...

જ્યારે મારા મોટામાં મોટા શત્રુઓ હતાં મારા ભાઈ-બહેન-સમવયસ્ક મિત્રો,
નહિં કે મારા મેનેજર અને ઉપરીઓ...

જ્યારે જખમ પહોંચાડનારી વસ્તુ હતી રમતા રમતા ઘાયલ થઈ છોલાઈ ગયેલા કોણી અને ઘૂંટણ,
નહિં કે કોઈના કડવા શબ્દબાણથી વિંધાયેલ હ્રદયને લીધે ગાલને ભીના કરનાર આંખમાંથી વહેતી અશ્રુઓની ધાર...

જ્યારે તૂટનાર એકમાત્ર ચીજ હતી રમકડા
અને નહિં કે મરી રહેલા હ્રદય...

અને જ્યારે 'ગૂડ બાય' નો અર્થ થતો હતો આવતી કાલ સુધી...
નહિં કે વર્ષો ના વર્ષ...

ક્યારેય તમારા જીવનમાં ચાર વસ્તુઓ તોડશો નહિં - વિશ્વાસ, વચન, સંબંધ અને હ્રદય...
કારણ જ્યારે આમાંથી કોઈ પણ એક તૂટે છે ત્યારે અવાજ થતો નથી પણ પારાવાર વેદનાનો અનુભવ થાય છે...