Sunday, April 25, 2010

ઇન્ટરવ્યુના અજબ ગજબ સવાલ જવાબ

આપણામાંના ઘણાંએ જીવનમાં ક્યારેક ને ક્યારેક 'ઈન્ટરવ્યુ'નો સામનો કર્યો હશે.મોટે ભાગે આવા 'ઈન્ટરવ્યુ'માં એકસરખા પ્રશ્નો પૂછાતા હોય છે અને તેમના બીબાઢાળ જવાબો અપાતા હોય છે.પણ આજના 'ઇન્ટરનેટ કોર્નર'માં 'ઈન્ટરવ્યુ'માં પૂછાતા સામાન્ય પ્રશ્નોના અસામાન્ય ઉત્તરો વાંચવાની તમને ચોક્કસ મજા પડશે.વાસ્તવિક 'ઇન્ટરવ્યુ'માં આ જ કે આવા ઉત્તરો આપતા નોકરી મળે કે ન મળે પણ આ જવાબો તમારા મોઢા પર સ્મિત પણ લાવી દેશે એ નક્કી!

૧.તમે આ નોકરી/પદ માટે શા કારણથી અરજી કરી રહ્યા છો?
જવાબ : મેં તો અહિંની સાથે બીજી અનેક જગાએ અરજી કરી છે પણ તમારે ત્યાંથી મને અત્યારે બોલાવવામાં આવ્યો છે તેથી હું અહિં છું.

૨. તમારે અમારી કંપનીમાં શા માટે જોડાવું છે?
જવાબ : મારે તમારી કંપનીમાં જ જોડાવું છે એવું નથી. મારે તો નોકરી કરવી છે, જે કંપની સારું કામ અને સારો પગાર આપે તેમાં જોડાવા હું તૈયાર છું.

૩. મારે તમને શા માટે નોકરીએ રાખવા જોઇએ?
જવાબ : તમારે કોઈકને તો નોકરી આપવાની જ છે.તો પછી મને શા માટે નહિં?

૪. જો તમને આ નોકરી મળી જાય તો તમે શું કરશો?
જવાબ : સાચુ કહું તો હું ખૂબ મૂડી છું. આથી મને જો આ નોકરી મળી જાય તો મારા તે સમયના મૂડ અને પરિસ્થિતી પર હું શું કરીશ તેનો આધાર રાખે છે.

૫. તમારી મોટામાં મોટી લાયકાત કે તાકાત કઈ?
જવાબ : સાચુ કહું તો જે કંપની મને ખૂબ ઉંચો પગાર આપે તે કંપનીના ભવિષ્યનો વિચાર કર્યા વગર તેમાં જોડાઈ જવાની તાકાત...

૬.તમારી સૌથી મોટી નબળાઈ?
જવાબ : છોકરીઓ.

૭. તમારી સૌથી મોટી ભૂલ તમે કઈ કરેલી અને તેમાંથી તમે શું શીખ્યા?
જવાબ : મારી પાછલી કંપનીમાં જોડાયો એ અને શીખ્યો કે મારે વધારે ઉંચો પગાર મેળવવા બીજી નવી જગાએ જોડાવું પડશે અને તેથી જ આજે અહિં 'ઇન્ટરવ્યુ' માટે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું.

૮. તમારી છેલ્લી નોકરીમાં મેળવેલી કઈ કઈ સિદ્ધીઓ બદલ તમે ગૌરવ અનુભવો છો?
જવાબ : જો એવી કોઈ સિદ્ધી મેળવી હોત તો મારે નવી નોકરી શોધવા શીદને નીકળવુ પડત?પગાર વધારો માગી ત્યાં જ ન ટક્યો હોત?

૯.એક પડકારભરી પરિસ્થિતીનું વર્ણન કરો જેનો તમે સામનો કર્યો હોય અને તમે એમાંથી કઈ રીતે બહાર આવ્યા તે જણાવો.
જવાબ : સૌથી મોટો પડકાર છે "તમે શા માટે નવી નોકરી શોધી રહ્યા છો" એ પ્રશ્નનો જવાબ આપવામાં. અને તેનો સામનો મેં વ્યર્થનો બડબડાટ કરીને સામે વાળાને ગૂંચવી મારી કર્યો હતો.

૧૦. તમે શા માટે તમારી પાછલી નોકરી છોડી દીધી/ છોડવા જઈ રહ્યા છો?
જવાબ : એજ કારણથી જેને લીધે તમે તમારી પાછલી નોકરી છોડી દીધી હતી.

૧૧. તમને આ નવી નોકરી પાસેથી શી શી અપેક્ષાઓ છે?
જવાબ : ઓછામાં ઓછા કામ અને વધારેમાં વધારે પગાર અને નિયમિત પગારબઢતીઓની.

૧૨. તમારા કારકિર્દી ધ્યેય કયા કયા છે અને તમે તે કઈ રીતે હાંસલ કરવા ઇચ્છો છો?
જવાબ : વધુ માં વધુ પૈસા કમાવા અને એ માટે દર બે વર્ષે નોકરીઓ બદલ્યા કરવી.

૧૩. તમે અમારી કંપની વિષે સાંભળ્યુ છે?તમે અમારા વિષે શું જાણો છો?
જવાબ : હા, હું જાણતો જ હતો કે તમે આ પ્રશ્ન પૂછશો.એટલે જ અહિં આવતા પહેલા હું તમારી વેબસાઈટ ખૂંદી વળ્યો હતો.

૧૪. તમને કેટલા પગારની અપેક્ષા છે અને તમે તેને કઈ રીતે યથાર્થ લેખાવશો?
જવાબ : કોઈ પોતાની પહેલી નોકરી જેટલા જ પગાર માટે નોકરી બદલે નહિં, આથી હું ઓછા માં ઓછા ૨૦% ઉંચા પગાર સાથે જોડાવા ઇચ્છીશ. (મને ખબર જ છે હું ગમે એટલો પગાર વધારવા કહીશ,તમે એ સંદર્ભે ભાવતાલ કરવાના જ છો.તેથી મેં મારી હાલની નોકરીમાં મેળવુ છું એ કરતાં ૩૦% ઉંચો પગાર જ તમને જણાવ્યો છે!)


('ઈન્ટરનેટ પરથી')

Wednesday, April 21, 2010

ભગવાનનું કામ ભગવાનને કરવા દો...

એક પરિવાર છે... આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે.
આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી.
એ વડીલે કહ્યું કે, અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે:
એક - નાના હોય તેને પ્રેમ કરવો.
બે - મોટા હોય તેનો આદર કરવો.
તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે.
આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ.
આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ.

કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી.

સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે.
દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે..

એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે.
બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું છે..
આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ?

તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છે
એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે?

ઘર હોય, નોકરી- ધંધો હોય કે સમાજ હોય, બે વાત યાદ રાખવી જોઈએ:
એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો.
સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે..

અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ
રીતે લખીને ઇ- મેલથી મોકલી હતી જે વાંચ્યાનું યાદ છે..
આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે.
ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો.

ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે.
બિમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી.
એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે.
ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં.
રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા.

ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા.

એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો.
તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં. તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે?
બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી.

તું પાછો આવી ગયો? ચાલ બહાર નીકળ.

તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે.
બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો.

ભરતભાઈએ એ બાળકને પૂછ્યું, તને આટલી ખરાબ રીતે ખખડાવે છે
તો પણ તું શા માટે અહીં આવે છે?
અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી.
બાળકે કહ્યું કે, હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે.
મારું કામ છે અગરબત્તી વેચવાનું, એટલે હું અગરબત્તી વેચું છું.
તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે..
બાળકે વાત આગળ વધારી. તેણે કહ્યું કે હું અપંગ છું.
ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી.
મેં તેને પૂછ્યું તો કહ્યું કે, તારી ચિંતા થતી હતી. તને કંઈ થઈ જાય તો?
બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી.
તું ઘરનું ઘ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે.
તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે? ના ગમે ને?
મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે. ને.
ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે!
ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો
પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો.
હું સાવ હળવો થઈ ગયો. મને વિચાર આવ્યો કે
હું દીકરાની ચિંતા ખોટી કરું છું.. એ મારું કામ નથી.
મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપાવવાનું,
તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું.
હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ.
ભગવાને તેનું કામ કર્યું.
ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે.
કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે.
કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે.
સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે
અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે.
તમારા કામને ઓળખો. તમારા કામને એન્જોય કરો.

બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં?

છેલ્લો સીન ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 3, 2010

બે કાવ્યો

[અમેરિકામાં વસતાં એક એન.આર.આઈ (બિનનિવાસી ભારતીય) વડીલે પ્રથમ કાવ્ય લખ્યું છે. તેના અનુસંધાનમાં બીજા એક એન.આર.આઈ એ બીજા કાવ્ય દ્વારા સરસ જવાબ પાછો વાળ્યો છે.મજેદાર છે! વાંચો અને વંચાવો...]

સારી રીત નથી
----------------------------
એવુંય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણું છુ કે અમેરીકા રહેવામા મારું હીત નથી

ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને
શું લખું ? અહિં સંસ્કાર કે સંસ્કૃતિ સંકલિત નથી.

મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને 'સ્નો'ના ઢગલા મેળવવામા કાંઈ જીત નથી.

અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એંઠા કરવાના
અહિં નરસિંહ અને મીરા ના પ્રભાતિયા કે ભજન સંગીત નથી.

સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહિં ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી

બદલાતી ફેશનના નખરા અહિં હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરિક સૌદર્ય ચકચકિત નથી.

પ્રેમ , વિશ્વાસ અને અનુકૂલન આધારિત સંબંધો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહિં વ્યવસ્થિત નથી

દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયામાં હે પ્રભુ
મનને મારીને જીવ્યા કરવુ એ સારી રીત નથી

* * * * * * * * * * * * * * * * * * * * *

મગરનાં આંસુ!!
-----------------------
જે દેશનો રોટલો ખાવો ,તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા,હવે રોદડાં રડવા ઠીક નથી.

વિચિત્ર અને વિદેશી વસ્ત્ર પરિધાન ગુજરાતમાં જોયા પછી અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.

શાળા કોલેજોમાં, જયાં ઘણી વખત વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.

બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.

જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતીય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.

મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.

જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.

Friday, April 2, 2010

જીવન સાચી અને સારી રીતે જીવવાની ૨૯ જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-૩૦ મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને બિનશરતી માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, મ ાટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને,મિત્રોને પણ જણાવો.