Monday, February 22, 2010

થોડું સામાન્ય જ્ઞાન વધારો!

ચાલો આજે ઇન્ટરનેટ કોર્નરમાં તમારું થોડું સામાન્ય જ્ઞાન ચકાસીએ. નીચે આપેલા પ્રશ્નોના પહેલા તમે પોતે જવાબ આપવાનો પ્રયત્ન કરી જુઓ. પછી ન આવડે તો જવાબ આપ્યા જ છે. જોઇ લો!અને તમારું સામાન્ય જ્ઞાન થોડું વધારી લો!

પ્રશ્ન ૧ ૧૯૮૪-૮૫ ની સાલ. ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી સિયાલકોટ ખાતે રમાઈ રહી હતી.ભારત વેંગસરકરના ૯૪ રનના અણનમ અને કુલ ૨૧૦/૩ ના સ્કોર સાથે રમી રહ્યું હતું અને અચાનક આ મેચ અટકાવી દેવામાં આવી હતી. શા માટે?
ઉત્તર ૧ એ મેચ રમાઈ રહી હતી તે જ સમયે ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર ફેલાયા અને એ મેચ બંધ કરી દેવી પડી હતી.

પ્રશ્ન ૨ ADIDAS નું ફુલફોર્મ શું છે?
ઉત્તર ૨ All Day I Dream About Sports

પ્રશ્ન ૩ સ્ટાર ટી.વી. નેટવર્કમાં STAR નું ફુલ ફોર્મ શું છે?
ઉત્તર ૩ Satellite Television Asian Region

પ્રશ્ન ૪ ICICI નું ફુલફોર્મ શું છે?
ઉત્તર ૪ Industrial Credit and Investment Corporation Of India

પ્રશ્ન ૫ કયા એક માત્ર મહાનુભવે બે દેશોના રાષ્ટ્રગીત લખ્યા છે?
ઉત્તર ૫ રવિન્દ્રનાથ ટાગોર જેમણે ભારત અને બાંગ્લાદેશ (આમાર સોનાર - બાંગ્લા) એમ બે દેશના રાષ્ટ્રગીત લખ્યા છે.

પ્રશ્ન ૬ કયા ચાર ઉદગારો/શબ્દો પરથી 'GoodBye' શબ્દ બનાવાયો છે?
ઉત્તર ૬ God Be With You

પ્રશ્ન ૭ Agnes Gonxha Bojaxhiu ને આપણે સૌ કયા નામે ઓળખીએ છીએ?
ઉત્તર ૭ મધર ટેરેસા.

પ્રશ્ન ૮ આપણી સાથે જ બીજા કયા દેશનો આઝાદી દિન ૧૫મી ઓગષ્ટ છે?
ઉત્તર ૮ દક્ષિણ કોરિયા.

પ્રશ્ન ૯ જેમ્સ બોન્ડ સાથે નંબર ૦૦૭ શા માટે સંકળાયેલો છે?
ઉત્તર ૯ કારણ તે રશિયાનો ISD કોડ છે.

પ્રશ્ન ૧૦ સૌથી પહેલી વન ડે મેચમાં સૌ પ્રથમ દડા પર કોણ રમ્યું હતું?
ઉત્તર ૧૦ જેફ્રી બોયકોટ

પ્રશ્ન ૧૧ કયો ક્રિકેટર દક્ષિણ આફ્રિકા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બેન્ડ થયું હતું તે પહેલા દક્ષિણ આફ્રિકા માટે અને ત્યારબાદ ઝિમ્બાબવે માટે રમ્યો?
ઉત્તર ૧૧ જોન ટ્રાઈકોસ

પ્રશ્ન ૧૨ વેટિકન સિવાયનો કયો દેશ છે જે પોતાની બધી બાજુએથી ફક્ત એક જ દેશ દ્વારા ઘેરાયેલો છે?
ઉત્તર ૧૨ લેસોથો જે બધી બાજુએથી દક્ષિણ આફ્રિકાથી ઘેરાયેલો છે.

પ્રશ્ન ૧૩ કઈ એકમાત્ર રમત છે જે ડાબા હાથથી રમવા પર પ્રતિબંધ છે?
ઉત્તર ૧૩ પોલો

ભગવાનનું ભરતકામ

એક નાનકડી બાળકી તેની માતા પાસે રમી રહી હતી. માતા ભરત-ગૂંથણ કરી રહી હતી.બાળકી નીચે જમીન પર રમી રહી હતી જ્યારે માતા ખુરશી પર બેસી તેનું ભરતકામ કરી રહી હતી.બાળકીનું ધ્યાન રમતા રમતા ઉપર તરફ ગયું અને તેણે માતાના હાથમાં રહેલી ગોળ રીંગ વચ્ચે ભરાવેલા કપડા નીચે લટકતા વિવિધ રંગી દોરા જોયા.કૂતુહલવશ તેણે માતાને પૂછ્યું કે તે શું કરી રહી છે?માતાએ જવાબ આપ્યો:ભરતકામ.બાળકી એ માતાને કહ્યું કે નીચે થી પોતાને ફક્ત દોરાના ગૂંચળા દેખાઈ રહ્યા હતા.પેલી લાકડાની ગોળ રીંગ વચ્ચે ભરાવેલા કપડાના કડક ભાગનીચે બાળકીને જમીન પરથી ઉપર તરફ જોતા રંગબેરંગી દોરા સિવાય કંઈ જ દેખાતું નહોતુ.
માતા બાળકી તરફ પ્રેમથી હસી અને તેણે તેને સમજાવતા કહ્યું:"દિકરી તુ થોડી વાર રમવા જતી રહે. મારું આ ભરતકામ જેવું પતે એટલે તરત હું તને બોલાવી મારા ખોળામાં બેસાડીશ અને મારી બાજુએથી - અહિં ઉપર તરફથી આ ભરતકામ કરેલું કપડું કેવું દેખાય છે એ તને બતાવીશ."
બાળકી વિચારી રહી શા માટે તેની માતા આટલા બધા રંગબેરંગી દોરાઓ વારાફરતી સોયામાં ભેરવી પેલી લાકડાની ગોળ રીંગ વચ્ચે ભરતકામ માટે વાપરતી હશે?એવું તે કયું સુંદર ચિત્ર રચાવાનું હશે માતા તરફની બાજુએથી જોતા, જે પોતાના તરફની બાજુએથી તો ઝાંખા-ભડક રંગના દોરાઓનું ગૂંચળું જ માલૂમ પડતું હતું.આમ વિચાર કરતા કરતા બાળકી થોડે દૂર રમવા ચાલી ગઈ.
થોડી વારમાં તો તેની માતાએ તેને બોલાવી અને પ્રેમપૂર્વક પોતાના ઘૂંટણ પર બેસાડી.બાળકીએ જ્યારે માતાએ ભરતકામ દ્વારા બનાવેલું સુંદર સૂર્યાસ્તનું વિવિધરંગી ચિત્ર દોરાઓની વિશિષ્ટ ગૂંથણી દ્વારા તૈયાર થયેલું નિહાળ્યું ત્યારે તે આભી જ બની ગઈ!કેટલું મનમોહક ચિત્ર હતું એ!બે ઘડી તો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો કારણ નીચેની બાજુએથી તો એ દોરાઓના આડાઅવળા ગૂંચળાથી વિશેષ કંઈ જ નહોતું.
માતાએ બાળકીને કહ્યું,"દિકરી તને નીચેથી દેખાયું નહિં પણ ઉપરની બાજુએ કપડા પર રીંગની વચ્ચે સુંદર ચિત્ર પહેલેથી દોરેલું હતું.મેં તો ફક્ત તેને અનુસર્યું અને તેના ઉપર આ રંગીન દોરાઓ ગૂંથી આ ભાત તૈયાર કરી.હવે મારી બાજુએથી જોતા તને એની સુંદરતા અને અસલિયતનો ખ્યાલ આવ્યો.ખરું ને?"
ઘણી વાર આપણા જીવનમાં ઉપર તરફ જોઈ આપણે ભગવાનને પ્રશ્ન કરતા હોઈએ છીએ કે તે શું કરી રહ્યો છે? ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે તે ભરતકામ કરી રહ્યો હોય છે, આપણા જીવનરૂપી કપડા પર. આપણને તે આપણી બાજુએથી ભલે ગૂંચવાડા ભર્યું જણાય,ઘટનાઓ રૂપી દોરા અંધારિયા જણાય. પણ ત્યારે ભગવાન કહેતા હોય છે,"મારા બચ્ચા, જા અને તું તારું કાર્ય કર્યા કર.વખત આવ્યે એક દિવસ હું તને મારા ખોળામાં બેસાડી મારી બાજુએથી સુંદર ચિત્રનું દર્શન કરાવીશ." જરૂર છે ભગવાનનો આ જવાબ સમજવાની!

Monday, February 15, 2010

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ

મારા પતિ વ્યવસયે એક એન્જિનિયર છે.તેમના શાંત-સ્થિર સ્વભાવને લીધે હું તેમને ખૂબ ચાહુ છું.તેમના પહોળા ખભા પર મારું માથુ ઢાળી જે ઉષ્માસભર લાગણીનો હું અનુભવ કરું છું તે મને બેહદ પ્રિય છે.
ત્રણ વર્ષનો સંવનનકાળ અને હવે બે વર્ષના લગ્નજીવન બાદ મને લાગે છે હવે હું થાકી ગઈ છું.મારી લાગણીના પ્રવાહમાં હવે મને ઓટ વર્તાવા લાગી છે.જે બધા કારણોને લીધે હું પહેલા તેમને અતિશય ચાહતી હતી એ જ કારણો હવે મારા તેમના પ્રત્યેના અણગમાના નિમિત્ત બન્યા છે.હું વારંવાર અસ્વસ્થ બની જાઉં છું. હું એક લાગણીશીલ સ્ત્રી છું અને જ્યારે મારા સંબંધો અને લાગણીઓની વાત આવે ત્યારે હું સંવેદનશીલ બની જાઉં છું. હું પ્રેમભરી સુખદ ક્ષણોને એવી રીતે ઝંખુ છું જેમ કોઈ નાનકડી બાળકી ચોકલેટ કે આઈસક્રીમની કામના કરે.જ્યારે મારા પતિનો સ્વભાવ આનાથી તદ્દન વિપરીત છે - લાગણીવિહિન ,સંવેદનારહિત.તેમના આવા સ્વભાવને લીધે સર્જાયેલા,પ્રેમભરી એ સુખદ ક્ષણોના અભાવે મારી પ્રેમની આકાંક્ષાઓને ચૂર ચૂર કરી અમારા દાંપત્યજીવનમાં મોટી તિરાડ સર્જી છે.
આખરે એક દિવસ મે તેમને મારો નિર્ણય જણાવવાનું નક્કી કર્યુ - છૂટાછેડાનો.
તેમણે આઘાત પામતા પૂછ્યું: કેમ?
મે જવાબ આપ્યો:હું ખૂબ થાકી ગઈ છું. જગતમાં દરેક વસ્તુના જવાબ નથી હોતા.
એ આખી રાત તે સૂઈ શક્યા નહિં,વ્યગ્રતાપૂર્વક ઉંડા ચિંતનમાં ખોવાયેલા રહ્યા અને એક જ રાતમાં તેમણે કેટલીયે સિગરેટો ફૂંકી નાંખી. મારી હતાશાની લાગણી ઓર વધી ગઈ.કેવા પુરૂષ સાથે હું સંબંધ બાંધી બેઠી જે પોતાની મૂંઝવણ પણ મારી સમક્ષ બરાબર રીતે વ્યક્ત કરી શક્તો નથી.બીજી શી આશા હું તેની પાસે રાખી શકું?
છેવટે તેમણે પૂછ્યું:તારો આ નિર્ણય બદલાવવા હું શું કરી શકું?
કોઈકે ખરું જ કહ્યું છે કે તમે બધું બદલી શકો છો પણ વ્યક્તિનો સ્વભાવ કે માણસનું વ્યક્તિત્વ બદલી શકતા નથી.હું તેમનામાંથી મારો વિશ્વાસ ગુમાવી બેઠી હતી.તેમની આંખોમાં ઉંડાણપૂર્વક જોતાં મેં કહ્યું:હું તમને એક પ્રશ્ન પૂછુ છું. જો તમે એનો યોગ્ય ઉત્તર આપી મને મનાવી લેશો તો હું મારા નિર્ણયની ફેરવિચારણા કરીશ.માનો કે કોઈ પર્વતની ટોચ પર એક સુંદર ફૂલ ઉગ્યું છે અને હું તમને એ મારા માટે તોડી લાવવા કહું છું.આપણે બંને જાણીએ છીએ કે જો તમે એ લેવા જવાનો પ્રયત્ન સુદ્ધા કરવા જાઓ તો તમારું મ્રુત્યુ નિશ્ચિત છે.આવી પરિસ્થિતીમાં તમે શું કરશો?શું તમે મારા માટે એ ફૂલ તોડી લાવવા જશો?"
તેમણે કહ્યું : હું આ પ્રશ્નનો ઉત્તર આવતી કાલે આપીશ.
તેમનો આવો ઉત્તર સાંભળી મારી આશાઓ પર પાણી ફરી વળ્યું.
હું બીજા દિવસે સવારે જાગી ત્યારે તે ઓફિસ માટે રવાના થઈ ચૂક્યા હતા. પણ મેં નોંધ્યુ કે તેઓ દરવાજા પાસે દૂધના ગ્લાસ નીચે એક પત્ર મારા માટે તેમના ગરબડિયા અક્ષરોમાં લખીને મૂકી ગયા હતા.મેં એ વાંચવા માંડ્યો. એમાં લખ્યું હતું : "વ્હાલી અમી, હું તારા માટે એ ફૂલ તોડવા નહિં જાઉં.પણ શા માટે એ મને સમજાવવાનો મોકો આપ."
પ્રથમ વાક્ય વાંચીને જ મારું હ્રદય તૂટી ગયું. પરંતુ મેં આગળ વાંચ્યું : જ્યારે તું કમ્પ્યુટર વાપરે છે અને હંમેશાની જેમ સોફ્ટવેર પ્રોગ્રામ્સમાં કંઈક ગડબડ કરી બેસે અને ત્યારબાદ કમ્પ્યુટરના સ્ક્રીન સામે રડવા બેસી જાય ત્યારે એ પ્રોગ્રામ્સ રીસ્ટોર કરવા અને તારી ગડબડ સુધારવા મારે મારી આંગળીઓ સાબૂત રાખવી છે. તું ઘણી વાર ઘરની ચાવી ભૂલી જાય છે અને પછી મારે ઘેર વહેલા પહોંચી જવું પડતું હોય છે તારું આપણા ઘરમાં સ્વાગત કરવા આવા પ્રસંગ માટે મારે મારા પગ બચાવી રાખવા છે.તને નવા નવા શહેરોમાં ફરવાનો શોખ છે પણ દર વખતે નવા શહેરમાં તું રસ્તો ભૂલી જતી હોય છે આવી વેળાએ ભવિષ્યમાં પણ તને રસ્તો બતાડવા મારે મારી આંખો સાબૂત રાખવી છે.તારા પગે ખાલી ચડી જતી હોય છે ત્યારે તને માલિશ કરી આપવા મારે મારી હથેળીઓ હેમખેમ રાખવી છે.
તું જ્યારે આપણાં બાળકની માતા બનવાની હોઇશ ત્યારે તારે ઘરમાં લાંબા સમય સુધી પૂરાઈ રહેવું પડશે એ વેળાએ તું બોર ન થઈ જાય એ માટે તને જોક્સ અને સરસ મજાની વાર્તાઓ કહી સંભળાવવા મારે મારું મોઢું સહી સલામત રાખવું છે.
આપણે સાથે ઘરડા થઈ જઈએ ત્યારે તારા નખ કાપી આપવા અને સફેદ થઈ ગયેલા વાળમાં કલપ કરી આપવા મારે હાજર રહેવું છે વ્હાલી.અને જ્યારે તને મનપસંદ એવા દરિયા કિનારે તું રેતી અને સુર્યાસ્તની મજા માણી રહી હોય ત્યારે તને નિરખ્યા કરવાની અને ત્યાં લાંબી લટાર મારતી વેળાએ તારો હાથ પકડવાની મારી દિલી તમન્ના છે.સુંદર ફૂલો, ઝરણા, પંખીઓ જેવા પ્રાક્રુતિક તત્વોની સુંદરતા નિહાળી તારા રતુમડા ચહેરા પર છવાઈ જતી લાલીની કુમાશ માણવાના મારા ઓરતા પણ હજી બાકી છે.
અને મારી પ્રિય પત્ની,જ્યાં સુધી તને મારાથી વધુ પ્રેમ કરી શકે એવી કોઈ વ્યક્તિ તારા જીવનમાં ન આવે ત્યાં સુધી પર્વત પરનું એ ફૂલ તોડી મારે મ્રુત્યુને વહાલુ કરવું નથી..."
પત્ર વાંચતા વાંચતા ક્યારે મારી આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી તેનો મને ખ્યાલ જ ન રહ્યો અને આંસુઓ પત્રની શાહી ધૂંધળી બનાવી રહ્યા,મેં વાંચવાનું ચાલુ રાખ્યું : "હવે જો તુ આ પત્ર વાંચી રહી હોય અને તને મારા ઉત્તરથી સંતોષ થયો હોય તો ઉભી થઈ બારણુ ખોલ, હું તારા પ્રિય બ્રેડ-બટર અને તાજું દૂધ લઈને દરવાજા પર ઉભો તારી રાહ જોઈ રહ્યો છું." મે દોડીને બારણું ખોલ્યું.તે બન્ને હાથમાં બ્રેડ-દૂધ વગેરે લઈ ઉત્સાહ અને ઉચાટ મિશ્રિત લાગણી ધરાવતા ચહેરા સાથે ઉભા હતા.
હવે મને ખાતરી થઈ ગઈ હતી કે તેમના જેટલો પ્રેમ મને કોઈ કરી શકે નહિં, અને મેં પેલા પર્વત પરનાં ફૂલને પડતું મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.આવું જ થાય છે પ્રેમમાં અને જીવનમાં.જ્યારે આપણે પ્રેમથી ઘેરાયેલા હોઇએ છીએ ત્યારે રોમાંચની લાગણી ઓછી થતી જાય છે અને આપણે શાંતિ અને ઝાંખાપણાના સ્તરોની વચ્ચે છૂપાયેલા સાચા પ્રેમની અવગણના કરતા હોઈએ છીએ.
પ્રેમ કોઈપણ સ્વરૂપે પ્રદર્શિત થયા વગર રહેતો નથી, ઘણી વાર તો સાવ ક્ષુલ્લક અને સામાન્ય લાગે તેવી બાબતો દ્વારા.પણ એ ક્યારેય આદર્શ બની શકતો નથી.એ કદાચ સાવ કંટાળાજનક અને ઝાંખો હોઈ શકે છે.
પુષ્પો અને પ્રેમની ક્ષણો સંબંધની સપાટી પર તરતા તરતા તેને વધુ મજ્બૂત બનાવે છે.આ બધા વચ્ચે પ્રેમ રૂપી થાંભલો ઉભેલો હોય છે.આવું જ આપણું જીવન છે.પ્રેમ, ચર્ચા-વિચારણા વખતે વિજયી નિવડે છે.

હેપ્પી વેલેન્ટાઈન ડે...!!!

તમે તમારા કાળજા (કલેજા કે યક્રુત - Liver) ને કેટલું ચાહો છો?

જો તમે એને બરાબર રીતે ઓળખતા જ નહિં હોવ તો તમે એને કેવી રીતે ચાહી શકશો? તો ચાલો આજે ઇન્ટરનેટ કોર્નરમાં તમારા કાળજાને બરાબર ઓળખીએ, સમજીએ, જાણીએ - તેના દ્વારા જ!

કેમ છો? હું તમારું કાળજુ છું. હું તમને ૯ રીતે જણાવીશ કે હું તમને કઈ રીતે અને કેટલું ચાહું છું!

૧. હું તમારા શરીર માટે જરૂરી લોહતત્વ (Irons) અને ઘણાં બધાં જીવનપોષક તત્વો (Vitamins) અને બીજા ખનિજતત્વો(Minerals) નો તમારાં શરીરમાં સંગ્રહ કરું છું. મારા વગર શક્તિના અભાવે તમારું શરીર બિલકુલ કાર્ય કરી શકે નહિં!

૨. હું તમારા શરીરમાં ખોરાકના પાચન માટે જરૂરી પાચકરસો પેદા કરું છું. મારા વગર તમારા શરીરમાં ખાધેલો ખોરાક પચી શકે જ નહિં અને ઉત્સર્જન માટે જરૂરી કચરો પેદા જ થઈ શકે નહિં!

૩. હું તમારા શરીરમાં તમે સેવેલા ઝેરી રસાયણોની અસર નાબૂદ કરું છું જેમાં આલ્કોહોલ, બીયર, વાઈન (દારુ) અને ડોક્ટર્સ દ્વારા સૂચવાયેલી દવાઓ, તમે કરેલા નશીલા પદાર્થો (ડ્ર્ગ્સ) તેમજ બીજા અનધિકૃત પદાર્થોનો સમાવેશ થાય છે. જો હું ન હોઉં તો તમારી ખરાબ આદતો તમને તરત જ મૃત્યુને ઘાટે પહોંચાડી દે!

૪. જેમ બેટરીમાં ઉર્જાનો સંગ્રહ થાય છે તેમ તમારા શરીર માટે જરૂરી ઉર્જા જ્યાં સુધી વપરાઈ ન જાય ત્યાં સુધી હું શર્કરા (કાર્બોહાઈડ્રેટ્સ,ગ્લુકોઝ અને ફેટ્સ) સ્વરૂપે તમારા શરીરમાં સંગ્રહું છું. મારા વગર તમારા શરીરમાં શર્કરાનું પ્રમાણ એટલું ઘટી જાય કે તમે સીધા કોમામાં ચાલ્યા જાઓ!

૫. તમારા જન્મ પહેલાથી હું તમારાં શરીરમાં લોહી બનાવું છું જે તમારા શરીર અને જીવનને કાર્યરત રાખે છે. મારા વગર તમારું અસ્તિત્વ જ ન હોત!

૬. હું તમારા શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે જરૂરી એવા પ્રોટીન્સનું ઉત્પાદન કરું છું. મારા વગર તમારો યોગ્ય વિકાસ જ ન થઈ શકે!

૭. તમારા શરીરમાં શ્વાસ દ્વારા દાખલ થયેલા પ્રદૂષિત ઝેરી પદાર્થો, ખરાબ હવા અને રસાયણોને હું તમારા શરીરમાંથી દૂર કરું છું. મારા વગર પ્રદૂષિત પદાર્થોનું ઝેર તમારા શરીરમાં ફેલાઈ જાય અને મારે કહેવાની જરૂર છે એનું પરિણામ શું આવે?

૮. અકસ્માતે તમે તમારા શરીરને ઇજા પહોંચાડી લોહી કાઢો છો ત્યારે હું એ લોહી ગંઠાઈ જાય એવા તત્વો બનાવું છું જેથી તમારું લોહી વધુ પ્રમાણમાં વહી જતું અટકી જાય. જો હું ન હોઉં તો તમારા શરીરમાંથી એક વાર લોહી વહેવાનું ચાલુ થાય તે અટકે જ નહિં અને તમે મૃત્યુ પામો!

૯. હું સતત તમારા શરીરમાં રોગ પેદા કરતા જીવાણુ-વિષાણુને તમારા શરીરમાં પ્રવેશતા કે ફેલાતા અટકાવી તમને રોગો સામે રક્ષણ પુરૂ પાડું છું.શરદીના વિષાણુ કે ફ્લુ જેવા તાવના જંતુ કે બીજા રોગ પેદા કરતા જીવાણુઓ સાથે લડી હું તેમનો નાશ કરું છું અથવા તેમને નબળા પાડી દઉં છું. મારી ગેરહાજરીમાં તમારે માણસ જાણે છે એટલા બધાં ચેપ કે રોગથી ઘેરાઈ બતકની જેમ બેસી રહેવું પડે!


...તો હું તમને આટલું બધું ચાહું છું. શું તમે પણ મને પ્રેમ કરો છો?

ચાલો હું જ તમને જણાવું કે તમે મને એટલે કે તમારા કાળજાને કઈ રીતે પ્રેમ કરી શકો છો?

- મને આલ્કોહોલ, બીયર કે વાઈન (દારુ) માં ડુબાડી દેશો નહિં! કેટલાક લોકો માટે તો એનું એક ટીપું પણ ખતરનાક અને મને ડરાવી મારવા માટે પુરતું છે.
- ગમે તે દવા કે ડ્રગ લેતા પહેલા સાવધ થઈ જાવ! દરેક દવા કે ડ્રગ એક પ્રકારનું રસાયણ છે અને ડોક્ટરની યોગ્ય સલાહ વગર તમે એનું સેવન કરશો તો એ તમારા શરીરમાં જઈ રાસયણિક પ્રક્રિયા દ્વારા એવા કોઈ ઝેરી પદાર્થો પેદા કરશે જે મારો મૃત્યુઘંટ વગાડી દેશે!
મારા પર અતિ આસાનીથી ઘસરકા પડી જાય છે અને 'CIRRHOSIS' નામે ઓળખાતા આ ઘસરકા કાયમી હોય છે.
દવાનું સેવન ઘણી વાર જરૂરી હોય છે પણ જ્યારે જરૂર ન હોય ત્યારે ખોટી ખોટી ગોળીઓનું સેવન એક અતિ ખોટી આદત છે અને જે મને બહુ ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે.
- એરોસોલ સ્પ્રે છાંટતી વેળા સાવધ થઈ જાઓ. યાદ રાખો તમે શ્વાસ દ્વારા જે ઝેરી પદાર્થો શરીરમાં ગ્રહણ કરો છો તેને મારે નકામા અને અસરરહિત બનાવવા પડે છે.આથી જ્યારે તમે એરોસોલ સ્પ્રે દ્વારા સફાઈ કરી રહ્યા હોવ ત્યારે ખાતરી કરી લો કે ખંડમાં હવાની અવરજવર સરળતાથી થઈ શકે એ માટે પુરતું વેન્ટિલેશન છે અથવા તમે પોતે યોગ્ય માસ્ક પહેરો.
આ જ હકીકત જંતુનાશક દવા કે સ્પ્રે, બીજા રાસાયણિક કે ઝેરી સ્પ્રે અને રંગ (Paint) સ્પ્રે અને બીજા દરેક પ્રકારનાં સ્પ્રે માટે તો બમણી લાગુ પડે છે!તમે શ્વાસ દ્વારા જે હવા શરીરમાં અંદર લો છો તેના પ્રત્યે સભાન થઈ જાઓ!
- તમારી ચામડીની ખાસ કાળજી રાખો.તમે ઝાડ-છોડ પર જે જંતુનાશક દવા છાંટો છો તે તમારી ચામડી પરથી મારા સુધી પહોંચી મારા કોષોનો નાશ કરી શકે છે.યાદ રાખો એ પણ મારા માટે હાનિકારક રસાયણ છે. તમારી ત્વચાને ઢાંકી રાખો - મોજા દ્વારા, લાંબી બાંય દ્વારા, ટોપી અને માસ્ક દ્વારા જ્યારે જ્યારે તમે જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોવ કે પછી તેના સંપર્કમાં આવતા હોવ ત્યારે ત્યારે.
- ખૂબ વધારે ચરબીયુક્ત પદાર્થો ન ખાવ.હું જ તમારા શરીર માટે જરૂરી હોય એટલો કોલસ્ટ્રોલ બનાવું છું. મને પણ ક્યારેક વિરામ આપો!હંમેશા પોષણયુક્ત,સારો અને સંતુલિત આહાર ખાવ.જો તમે મારા માટે થઈને યોગ્ય આહાર ખાશો તો હું તમારું ખૂબ સારી રીતે ધ્યાન રાખીશ!

સાવધાન: હું તમને ક્યારેય ચેતવણી આપીશ નહિં, જ્યાં સુધી હું કે તમે મરણપથારીએ પહોંચી જવાની સ્થિતીમાં ન પહોંચી ગયા હોવ ત્યાં સુધી.

યાદ રાખો: ફરિયાદ કરવી મારો સ્વભાવ જ નથી.જો તમે મને અલ્કોહોલ, દારુ અને ડ્રગ્સના સેવનથી ઓવરલોડ કરી નાંખશો તો હું ફાટી જઈશ! આ તમારા મૃત્યુઘંટની નિશાની હશે.

મહેરબાની કરી મારી આટલી સલાહ માનો:
- તમારા ડોક્ટર પાસે મારી ચકાસણી કરાવી લો.
- લોહી પરિક્ષણ તપાસ દ્વારા જો કોઈ તકલીફ હશે તો તેનું નિદાન થઈ શકશે.
- જો હું પોચુ અને નરમ હોઉં તો એ સારી નિશાની છે.પણ જો હું સખત અને ખરબચડું હોઉં તો ભયજનક છે.
- જો તમારા ડોક્ટરને શંકા જાય તો અલ્ટ્રા સાઉન્ડ અને C.T. સ્કેન પરિક્ષણ દ્વારા સાચી પરિસ્થીતિનો તાગ મેળવી શકાય.
- મારું અને તમારું જીવન તમે મને કેવી રીતે સાચવો છો અને કેટલો પ્રેમ કરો છો તેના પર નિર્ભર છે.

તો હવે તમને ખ્યાલ આવી ગયો ને કે હું તમને કેટલો પ્રેમ કરું છું.

કૃપા કરી મને ખૂબ જતનપૂર્વક સાચવો. તમારો મૂક જોડીદાર અને સદાકાળ લવર - લીવર