Tuesday, January 26, 2010

પ્રાણીઓની શાળા

આજકાલ જુવાન વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે એવામાં માતાપિતાએ જરૂર છે તેમનાં સંતાનોની મન:સ્થિતીને સમજવાની અને તેમને ઈમોશનલ સપોર્ટ આપવાની. આજની આ સુંદર વાર્તા સરળ શૈલીમાં ઘણુંબધું કહી જાય છે આપણી આજની શાળા પધ્ધતિ વિષે અને કઈ રીતે તમારે તમારા બાળકમાં રહેલી ખૂબી ઓળખી તેને પ્રોત્સાહિત કરવાની જરૂર પર ભાર વિષે. વાંચો,માણો,શિખો અને વંચાવો.

એક વાર પ્રાણીઓની એક શાળા શરૂ થઈ.તેમણે એવો અભ્યાસક્રમ નક્કી કરવાનો હતો જે બધાં પ્રાણી-પક્ષીઓ માટે યોગ્ય હોય અને દરેકને સંતોષે. આથી તેમણે બધાએ ભેગા મળી ચાર વિષયો નક્કી કર્યા:ભાગવું,ચઢવું,ઉડવું અને તરવું.બધાંજ પ્રાણીઓ-પક્ષીઓએ બધાંજ વિષયોનો અભ્યાસ કરવો એમ નક્કી થયું.

બતક તરવામાં ખૂબ કુશળ હતું, શિક્ષક કરતાં પણ વધારે! તેને ભાગવા અને ઉડવામાં પાસ થવા જેટલાં માર્ક્સ મળ્યા પણ તે ચઢાણમાં સાવ ઢ સાબિત થયું.આથી તેને તરવાનો વિષય છોડી દઈ ચઢાણના વિષય પર વધુ ધ્યાન અપાવવાનું નક્કી થયું.
થોડા સમય બાદ એમ બન્યું કે બતક ચઢાણમાં તો ખાસ કંઈ પ્રગતિ સાધી શક્યું નહિં પણ તરવામાં ય સરેરાશ થઈ ગયું જે શાળાનાં નિયમો મુજબ તો ઠીક હતું પણ બતકને પોતાને આની ચિંતા થવા માંડી.

સમડીને તોફાની નિશાળીયાનું બિરૂદ મળ્યું.ચઢાણનાં વર્ગમાં તે હંમેશા બધાને પાછળ છોડી દેતી પણ તેની સૌથી ઉંચે પહોંચવાની રીત શાળાનાં નિયમો વિરુદ્ધ હતી.તેને હંમેશા શાળા છૂટી ગયા બાદ વર્ગમાં જ બેસી 'અંચી કરવી એ ગુનો છે' એમ પાંચસો વાર લખવાની સજા અપાતી.
આ સજાને કારણે તેના સૌથી ગમતા વિષય ચઢાણને તે સમય આપી શક્તી નહિં પણ શાળાના નિયમો અને વર્ગકામ તેમજ ઘરકામને તો અગ્રિમતા આપવી જ પડે ને?

રીંછ નાપાસ થયું કારણ શાળા એવા તારણ પર આવી કે શિયાળા દરમ્યાન તે અતિ આળસુ બની જાય છે.તેની કાર્યક્ષમતા ઉનાળા દરમ્યાન ટોચ પર રહેતી પણ ત્યારે તો શાળામાં વેકેશન હોય, ઉનાળાની લાંબી રજાઓનું!

ઝેબ્રા મોટેભાગે શાળામાં ગુટલી મારતું કારણ ઘોડાના બચ્ચાં તેને તેના શરીર પરના ચટ્ટાપટ્ટાને લીધે ખૂબ ચિઢવતાં.આથી ઝેબ્રાને ખૂબ દુ:ખ થતું અને તે મોટે ભાગે શાળા બહાર જ રહેતું.

કાંગારૂ દોડવામાં અવ્વલ નંબરે આવતું.પણ જ્યારથી શાળાના નિયમો મુજબ તેને બીજાં પ્રાણીઓની જેમજ ચારે પગ જમીન પર મૂકીને દોડવાનું કહેવામાં આવ્યું ત્યારથી તે ખૂબ દુ:ખી અને નિરાશ થઈ ગયું.

માછલીએ બોર થઈ જતાં શાળા છોડી દીધી કારણ તેના માટે તો ચારે વિષયો સરખાં જ હતાં - બોરિંગ અને નકામા! પણ કોઈ તેની સમસ્યા સમજી શક્યું નહિં કારણ કોઇએ ક્યારેય માછલી જોઇજ ન હતી!એ પાણીમાં જ રહેતી ને?


ખિસકોલીને ચઢવામાં 'A' ગ્રેડ મળ્યો.પણ ઉડવાના શિક્ષકે તેને ઝાડની ટોચની જગાએ જમીન પરથી ઉંચે ઉડવાની ફરજ પાડી.તેના પગે તો જમીન પરથી ઉડવાના વ્યર્થ પ્રયત્નોને કારણે સોજા ચઢી ગયાં અને તે બિમાર પડી ગઈ. હવે તો તેને ચઢવામાં 'C' અને દોડવામાં 'D' ગ્રેડ મળવા માંડ્યા.

મધમાખી બધા માટે માથાનો દુખાવો બની રહી આથી શિક્ષકોએ તેને ડોક્ટર ઘુવડ પાસે ચકાસણી માટે મોકલી આપી. ડોક્ટર ઘુવડ એવા તારણ પર આવ્યા કે મધમાખીની પાંખો ઉડવા માટે ખૂબ નાની હતી અને એ પણ તેના શરીર પર ખોટી જગાએ હતી.મધમાખીએ તો ડોક્ટર ઘુવડનો રીપોર્ટ જોયો સુદ્ધા નહિં અને એ ત્યાંથી ઉડી ગઈ!

બતક એવું બાળક છે જે ગણિતમાં પાવરઘું છે પણ અંગ્રેજીમાં સાવ નબળું અને જ્યારે તેના સહાધ્યાયીઓનાં ગણિતના વર્ગ ચાલુ હોય ત્યારે તેને અંગ્રેજી ભણવાની ફરજ પાડવામાં આવે છે. પરિણામે નથી એ સારો દેખાવ કરી શકતો અંગ્રેજીમાં અને તેના ગમતાં વિષય ગણિતમાં પણ નબળું પરિણામ મેળવવા માંડે છે.

સમડી એવા બાળક જેવી છે જેની કામ કરવાની પોતાની એક આગવી રીત છે પણ તે સર્વસામાન્ય ન હોઈ આ બાળક ચીડીયું અને તોફાની બારકસ બની જાય છે.જ્યારે એ કંઈ જ "ખોટું" ન કરે ત્યારે તેને કંઈ કરતું જ નથી અને તોફાની છે,જીદ્દી છે એમ ગણી સજા ફટકારવામાં આવે છે.

રીંછની ઓળખ કોને નહિં હોય? એ એવા બાળક જેવું છે જે ઇતર પ્રવૃત્તિઓમાં,રમતગમતમાં એક્કો છે પણ ભણવામાં મીંડુ!

ઝેબ્રાની સરખામણી કોઈ પણ ઠીંગણા, જાડિયા, અતિ ઉંચા કે આત્મવિશ્વાસમાં ઉણપ ધરાવનારા કોઈ પણ બાળક સાથે થઈ શકે જે શાળાજીવનમાં તદ્દન નિષ્ફળ સાબિત થાય છે.સમાજ આવા બાળકની સમસ્યા અને માનસિકતા સમજી શકતો નથી અને તેની ઠેકડી ઉડાડી તેનું જીવન નરકસમું બનાવી દે છે.

કાંગારૂ પોતાની આગવી વિશેષતા ખોઈ બેસી મહેનત કરવાનું છોડી દઈ હતોત્સાહી અને નિરાશ બાળક જેવું છે જેનું ભવિષ્ય અંધકારમય બની રહે છે કારણકે તેની કોઇએ સરાહના કરી નહિં અને તેની વિશિષ્ટ આવડત બદલ તેને બિરદાવ્યું નહિં અને તેને પોતાની રીતે આગળ વધવા દીધું નહિં.

માછલી એવા બાળક જેવી છે જેને ખાસ અલાયદા વર્ગમાં અલગ પ્રકારના શિક્ષણની જરૂર છે અને જે ક્યારેય સામાન્ય શાળાના સામાન્ય વર્ગમાં શિક્ષણ પ્રાપ્ત કરી શકે નહિં.

ખિસકોલી બતકની જેમ સમાધાન ન કરી શકવાને કારણે નિષ્ફળ સાબિત થનાર બાળક સમાન છે.

અને મધમાખી એવું બાળક છે જે માને છે શાળા ક્યારેય તેના માટે સર્જાઈ જ નથી! અને આમ છતાં,બધી અડચણોને અવરોધી તેના માતાપિતાના સહયોગથી બીજા બધા તેને નકામો ગણતા હોવા છતાં કાઠું કાઢે છે!

મેં ઘણા મધમાખી જેવા બાળકો જોયા છે.

તમારું બાળક બીજા બાળકોથી જુદું અને ખાસ આવડત, આગવું વ્યક્તિત્વ અને ખાસ ગુણો ધરાવતું ઇશ્વરની તમને એક અજોડ ભેટ સમાન છે.

કેટલાક બાળકો વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવનારા હોય છે તો કેટલાક ખૂબ લાગણીશીલ હોય છે તો કેટલાક વળી ઇશ્વરે બક્ષેલી કોઈ ખાસ ખૂબી સાથે જન્મ્યા હોય છે (જેને આપણે 'ગિફ્ટેડ' ગણીએ છીએ). પણ દરેક બાળક પાસે પોતાની આગવી કોઈક વિશેષતા હોય જ છે.

ફક્ત એટલું યાદ રાખો કે કોઈ બાળક જીવનની માર્ગદર્શિકા સાથે જન્મતુ નથી. અસરકારક માતાપિતા હંમેશા પોતે શિખતા રહી,અભ્યાસ કરતા રહી પોતાના બાળકની ખાસિયત ઓળખી લઈ તેનું યોગ્ય અને વ્યવસ્થિત ચારિત્ર્યઘડતર કરતાં રહે છે.

દરેક બાળક આંગળીઓની જુદીજુદી છાપને જેમ જ એક્બીજાથી તદ્દન નોખું હોય છે, અપ્રતિમ સૌંદર્ય ધરાવતા ઝળહળતા હીરા સમાન.

મહેરબાની કરી તમારા બાળકની હાલત આ વાર્તામાંના કાંગારૂ કે બીજા કોઈ પ્રાણી જેવી થવા ન દેતા.

સારા માતાપિતા બનવાની પ્રેરણાત્મક ટીપ્સ મેળવવા તમે આ વેબ-એડ્રેસ પર જઈ તમારું ઇ-મેલ એડ્રેસ નોંધાવી શકો છો:
http://www.raisingsmallsouls.com/wp-content/themes/179/form.html