Wednesday, June 24, 2009

કુંવરબાઇનું મામેરું 2009

Shared by my friend 'Viresh Barai'
-----------------------------------

કુંવરબાઇનું મામેરું 2009


દીકરીના આવ્યા હોંશીલા તેડા .... યુ.એસ. જવાના કર્યા કંઇ કોડ ..

મનમાં ઉગી મીઠી એક મુંઝવણ, લઇ જવું શું દીકરી માટે?

નથી ત્યાં કશીએ ખોટ. સાહ્યબી છલકે દોમદોમ ...

ત્યાં કુંવરબાઇના મામેરા સમ, લિસ્ટ આવ્યું લાંબુલચક ... !!

અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધમાં આંખ્યુ જાય અંજાય ...

તો માટીના કોડિયાની મીઠી રોશની લાવજો ને વળી તુલસીક્યારાની મધમધતી મંજરી ...

હલ્લો ને હાયમાં અટવાતી રહી, જૈશ્રીક્રિષ્ન ના નાદ બે-ચાર લાવજો.

લાવજો છાબ ભરી કોયલના ટહુકા, ને ઉષાના પાલવમાંથી ઉગતા સૂરજનો રાતોચોળ રંગ ....

ગોકુળની ગલીઓનો ગુલાલ અને રજ વનરાવનની લાવજો.

ખોવાઇ ગયેલ જાતને જોઇ શકું, આયનો એવો એક લાવજો.

ગુણાકાર-ભાગાકાર કરી કરી ગણીત થઇ ગયું હવે પાકું, આ ડોલરીયા દેશમાં ...

વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.

'કેમ છો બેટા?' કોઇ ન પૂછતું ભીના કંઠે, આંસુ લૂછવાને ટીસ્ય નહીં, પાલવ તમારો લાવજો.

સગવડિયા આ પ્રદેશમાં ... લાવજો હાશકારી નવરાશ, ને છાંટજો કુટુંબમેળાના કંકુછાંટણા.

મસમોટા મારા આ મકાનને ... ઘર બનાવવાની રીતો જરુર લાવજો.

ઉપરથી તો છઇએ લીલાછમ્મ ... પણ મૂળિયાં તો એની માટીને તરસે .... તો ભીની માટીની ભીનાશ ભરી લાવજો.

થોડું લખ્યું - જાજું કરી વાંચજો, વેલાવેલા આવી હેતના હલકારા હાલજો ..