Sunday, October 12, 2008

રેતી અને પથ્થર

બે મિત્રો રણમાં ચાલી રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં કોઈક વાતે તેઓ
ઝઘડી પડ્યાં. અને એક મિત્રે બીજાને લાફો મારી દીધો. જેને લાફો પડ્યો તે મિત્રને ખૂબ દુ:ખ થયું, પણ
કંઈ બોલ્યા વગર તેણે રેતીમાં લખ્યું,"આજે મારા શ્રેષ્ઠ મિત્રે મને તમાચો માર્યો."

તેમણે ચાલવાનું ચાલુ રાખ્યું અને તેઓ એક જગ્યાએ પહોંચ્યા જ્યાં પાણીના નાના તળાવ જેવું હતું તેમણે ત્યાં
નાહવાનું નક્કી કર્યુ. તેઓ પાણીમાં ઊતર્યા. જેને લાફો પડ્યો હતો તે મિત્ર ડૂબવા લાગ્યો એને બીજા મિત્રે તેને
બચાવ્યો. સ્વસ્થ થઈ ગયા બાદ તેણે એક પથ્થર પર લખ્યું, "આજે મારા સૌથી નજીક્ના અને શ્રેષ્ઠ મિત્રે મારો જીવ
બચાવ્યો."

બીજા મિત્રે તેને પૂછ્ર્યું "જ્યારે મેં તને માર્યુ ત્યારે તેં રેતીમાં લખ્યું પણ જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તેં પથ્થર પર લખ્યું, આવું શા માટે?"

હસીને પેલાએ જવાબ આપ્યો, " જ્યારે કોઈ મિત્ર તમને દુ:ખ પહોંચાડે ત્યારે તમારે તે રેતીમાં લખવું જોઈએ , જેથી ક્ષમાનો પવન એ લખાણને ભૂસી નાખશે પણ જયારે કોઈક મહાન ઘટના બને ત્યારે આપણે તેને હદય રૂપી પથ્થર પર કોતરી નાખવી જોઈએ જેથી કોઈ તેને ભૂંસી શકે નહી."

આમ ,જ્યારે તમારું કોઈ સ્વજ્ન કે તમારો અંગત મિત્ર તમારી લાગણી દુભવે ત્યારે તમે પણ રેતીમાં લખજો. (તેને ભુલી જ્જો) અને જ્યારે તમારું કોઈ અંગત સ્વજન કે સ્નેહી મિત્ર તમારા માટે ખરેખર કંઈક સારું કરે ત્યારે તેને પથ્થર પર લખજો.(કદાપિ ભૂલશો નહીં)

Tuesday, October 7, 2008

પ્રથમ બ્લોગ...

મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી દૈનિક 'જન્મભૂમિ' માં દર શનિવારે આવતી 'મહેક' પૂર્તિમાં મારી કટાર છેલ્લા સાડા ચાર વર્ષથી નિયમિત પ્રગટ થાય છે.વાચકોએ ખૂબ રસપૂર્વક તેમાં પ્રગટ થતા લેખ,વાર્તાઓ,ટૂંચકા વગેરે વાંચ્યા અને પસંદ કર્યા છે.આ જ કટાર પર આધારિત મારા ચાર પુસ્તકો પણ પ્રગટ થઈ ગયા છે.(કથા કોર્નર, મહેક, કરંડિયો અને આભૂષણ પ્રકાશક:ગૂર્જર ગ્રંથ રત્ન) તે લેખો હવે હું આ સ્થાને રજૂ કરી વધૂ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ...

આશા છે મારા આ પ્રયાસને પણ તમે આવકારશો...

- વિકાસ ઘનશ્યામ નાયક
તા. ૦૭/૧૦/૨૦૦૮