Sunday, December 31, 2023

ભગવાનમાં વિશ્વાસ રાખો

 બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એક સૈનિક એક ટાપુ પર પોતાની ટુકડીથી વિખૂટો પડી ગયો. યુદ્ધ તેની ભીષણ ચરમ સીમાએ હતું અને તોપમારા તેમજ ધુમાડાનાં ગોટેગોટામાં તે પોતાના અન્ય સૈનિક મિત્રોનો સંપર્ક ગુમાવી બેસ્યો.

    જંગલમાં આમતેમ ભટકતા ભટકતા અચાનક તેને દુશ્મન સૈનિકો તેની દિશામાં આવતાં હોવાનો ભાસ થયો. તે ગભરાઈને હાંફળો ફાંફળો થઈ છૂપાવા માટે યોગ્ય સ્થળ શોધતા પાસેના એક ખડક પર આવેલી ગુફાઓમાં જઈ ચડયો. ઝડપથી તે ગુફાની અંદર ઘૂસી ગયો.
    ભલે તત્પૂરતું  તેને સુરક્ષિત જણાયું પણ તેને એવો વિચાર આવ્યો કે દુશ્મન સેના થોડી જ વારમાં બધી ગુફાઓમાં ફરી વળશે અને તેને શોધી કાઢશે. પછી તો તેઓ ચોક્કસ તેને મારી નાંખશે.
    ત્યાં જ લપાતાં, સમય કાપતાં તેણે પ્રાર્થના કરવા માંડી, "હે ભગવાન, મારો જીવ બચાવી લે જે. કંઈ પણ થઈ જાય, હું તને સદાય પ્રેમ કરતો રહીશ અને તારામાં શ્રદ્ધા ગુમાવીશ નહીં." પછી તે ચૂપચાપ ત્યાં જ બેસી રહ્યો અને દુશ્મનોનાં પગલાંનો અવાજ મોટો થતો ચાલ્યો.
   તેને વિચાર આવ્યો 'લાગે છે આ વખતે ભગવાનની કૃપા મારી સાથે નથી.' પણ ત્યાં જ તેનું ધ્યાન તેની નજીક આવેલા ગુફાના દ્વાર પાસે જાળ ગૂંથતા કરોળિયા પર ગયું. તેણે સ્વગત બબડયું "લો, મને જરૂર છે ઈંટોની બનેલી હોય એવી મજબૂત ઉંચી દીવાલની અને ભગવાને મોકલી આ કરોળિયાની જાળ. ભગવાન પણ ખરી કસોટી કરે છે."
     હવે દુશ્મનો સાવ નજીક આવી ગયા હોવાનું માલૂમ પડયું. તેના શ્વાસ જાણે થંભી ગયા અને અતિ બારીકાઈથી કાન સરવાં કરી તે એમની હલચલ અને સંવાદ સાંભળી રહ્યો.
   જ્યારે તેઓ સૈનિક જ્યાં છુપાયો હતો એ ગુફાના મુખ સુધી પહોંચ્યા ત્યારે દુશ્મન સૈનિકોની ટોળીનો નાયક બોલ્યો, "આ ગુફામાં જોવાની કોઈ જરૂર નથી. આ કરોળિયાનું જાળું દર્શાવે છે કે અહીં ઘણાં સમયથી કોઈ આવ્યું નથી. આગળ વધો." અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયાં. તે બચી ગયો. ભગવાને તેને બચાવી લીધો.
    બે ઘડી તો એ માની શક્યો નહીં કે તે આમ આબાદ બચી ગયો હતો. ભગવાને મોકલેલા એક નાના કરોળિયાએ તેનો જીવ બચાવી લીધો હતો.
    તેણે મનોમન કહ્યું, " ભગવાન, મને માફ કરી દે જે. મેં થોડી ક્ષણો પહેલાં તારા પર શંકા કરી હતી. પણ તે સાબિત કરી દીધું કે કરોળિયાની નાજુક જણાતી જાળ, ઈંટોની બનેલી દિવાલ કરતાં પણ વધુ મજબૂત હોઈ શકે છે."
    ભગવાન હંમેશા આપણે ઈચ્છીએ તે પ્રમાણે મદદ નથી કરતો, તે આપણાં માટે જે યોગ્ય હોય તે કરે છે. તેનામાં વિશ્વાસ રાખો.
  ક્યારેક એક પ્રાર્થના પરિસ્થિતિ બદલતી નથી, પણ તે એ પરિસ્થિતિ અંગેનો આપણો અભિગમ બદલે છે અને આપણામાં આશા જગાવે છે, જે આપણું આખું જીવન બદલી નાંખે છે.

(ઈન્ટરનેટ પરથી)  

Sunday, December 5, 2021

એક સુંદર હકારાત્મક સંદેશ

એક રાજાએ બે કેદીઓને મોતની સજા સંભળાવી.

એમાંથી એક કેદી જાણતો હતો કે રાજાને તેના ઘોડા માટે ખુબ જ પ્રેમ અને લગાવ છે.

એણે રાજાને કહ્યું કે,"જો તેની સજા માફ કરવામાં આવે તો તે એક વર્ષમાં તેના ઘોડાને ઉડતાં શીખવાડી દેશે!"


આ સાંભળીને રાજા ખુશ થઈ ગયો. તેને વિચાર આવ્યો કે તે દુનિયાના  એક માત્ર ઉડતા ઘોડા પર સવારી કરી શકશે!


બીજા કેદીએ તેના આ મિત્ર સામે અવિશ્વાસની નજરે જોયું અને કહ્યું: "તું તો જાણે જ છે કે કોઈપણ ઘોડો ક્યારેય ઉડી શકે નહીં. તેં આવી અશક્ય જેવી વાત વિચારી જ કેવી રીતે? તું આ રીતે તારા મોતને એક વર્ષ માટે ટાળી શકે છે, પણ પછી?"


પહેલા કેદીએ કહ્યું કે, " વાત એમ નથી. પરંતુ હકીકતમાં આમ કરીને મેં મારી જાતને સ્વતંત્ર કરવાના ચાર મોકા આપ્યા છે.

એક : શક્ય છે કે રાજા એક વર્ષમાં મૃત્યુ પામી શકે છે.

બે : શક્ય છે કે એક વર્ષમાં હું મરી શકું છું.

ત્રણ : શક્ય છે કે એક વર્ષમાં ઘોડો મૃત્યુ પામી શકે છે.

ચાર : શક્ય છે કે હું એક વર્ષમાં ઘોડાને ઉડવાનું શીખવાડી શકું!"


આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ આશા છોડવી જોઈએ નહીં.


કોરોના મહામારી સંદર્ભે આ વાર્તાનો વિચાર કરતાં જણાશે કે

-  કોરોનાના પોઝીટીવ કેસ ઘટવાની શરૂઆત થઈ ચુકી છે.

-  રીકવરી દર વધી રહ્યો છે.

-  હોસ્પિટલ અને બેડની સંખ્યા વધી રહી છે. લશ્કરે પણ મોરચો સંભાળી લીધો છે.

-  ઓક્સિજન ઉત્પાદન વધી રહ્યું છે. વિદેશથી ઓક્સિજન સહાય આવી રહી છે. ઓક્સિજન સપ્લાય વધી રહ્યો છે.

-  દવાઓ અને ઈન્જેક્શનનું ઉત્પાદન વધી રહ્યું છે અને વિદેશથી પણ સહાય આવી રહી છે.

-  વેક્સિનેશનનું પ્રમાણ વધી રહ્યું છે, વેક્સિન ઉત્પાદન વધી રહ્યું છે, વિદેશથી વેક્સિન આવી રહી છે.

-  ટ્રાન્સપોર્ટ વાહનો, રેલવે ગુડ્સ ટ્રેન, વિમાન, જહાજ રાત-દિવસ દોડી રહ્યાં છે.

-  એલોપથી, હોમિયોપથી, આયુર્વેદ અને યોગ એમ દરેક ચિકિત્સાના વોરિયર્સ પૂરી શક્તિ સાથે કામ કરી રહ્યા છે.


આપણે ધૈર્ય રાખીએ.

આપણે જીતી રહ્યા છીએ.....!


આત્મ વિશ્વાસ જાળવી રાખીએ.....

આપણે જીતી રહ્યા છીએ.....!


આપણે સકારાત્મક / હકારાત્મક રહેવાનું છે.....

આપણે જીતી રહ્યા છીએ.....!


બધી જ તરફથી બધુ સારૂ જ થઈ રહ્યું છે અને સારૂ જ થવાનું છે.....!


ચાલો,

આત્મ વિશ્વાસ અને હકારાત્મક અભિગમ સાથે.....

ઘરમાં પરિવાર સાથે રહીએ.....

સુરક્ષિત રહીએ.....!


(ઈન્ટરનેટ પરથી)

કંઈક આપવું

હું બસમાં ચડી ગયો. ભીડને અંદર જોઇને હું પરેશાન થઈ ગયો. બેસવાની જગ્યા નહોતી. બસ, પછી એક વ્યક્તિએ તેની બેઠક ખાલી કરી. ખાલી પડેલી બેઠકની બાજુમાં ઊભેલો માણસ ત્યાં બેસી  શકતો હતો, પરંતુ તેના બદલે તેણે મને બેઠક આપી.

પછીના સ્ટોપ પર, ફરીથી એવું જ બન્યું. તેણે પોતાની બેઠક બીજાને આપી. આખી મુસાફરી દરમ્યાન ચાર વાર આ બન્યું. તે માણસ એક સામાન્ય કામદાર જેવો લાગતો હતો, કામ પર લાંબા દિવસ પછી ઘરે પાછો ફરતો હતો ...

છેલ્લા બધા સ્ટોપ પર જ્યારે  બધા ઉતર્યા ત્યારે મેં તેની સાથે વાત કરી.

"દર વખતે જ્યારે તમે ખાલી બેઠક મેળવતા હો ત્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને તમારી બેઠક કેમ આપતા હતા?"

તેના જવાબથી મને આશ્ચર્ય થયું.

"મેં મારા જીવનમાં વધારે અભ્યાસ કર્યો નથી કે મને ઘણી વસ્તુઓ ખબર નથી. મારી પાસે પણ વધારે પૈસા નથી. તેથી મારી પાસે કોઈને આપવા માટે કંઈ નથી. તેથી જ હું આ રોજ કરું છું. તે કંઈક છે હું સરળતાથી કરી શકુ .

"આખો દિવસ કામ કર્યા પછી હું થોડો લાંબો સમય ઊભો રહી શકું છું. મેં મારી બેઠક તમને આપી અને તમે કહ્યું  

 ' આભાર '. મને સંતોષ મળ્યો કે મેં કોઈ માટે કંઇક કર્યું.

હું દરરોજ આ કરું છું અને લાગે છે કે હું કોઈ રીતે ફાળો આપી રહ્યો છું. હું રોજ આભાર મેળવું  અને દરરોજ ખુશ છું કે મેં કોઈને કંઇક આપ્યું. "

હું અવાક હતો !!! દૈનિક ધોરણે કોઈક માટે કંઇક કરવા માંગતા હો તે અંતિમ ઉપહાર છે.


આ અજાણી વ્યક્તિએ મને ઘણું શીખવ્યું -

અંદરથી ધનિક બનવું કેટલું સરળ છે! 


સુંદર કપડાં, બેંક ખાતામાં ઘણાં પૈસા, મોંઘા ગેજેટ્સ, એક્સેસરીઝ અને લક્ઝરી અથવા તો શૈક્ષણિક ડિગ્રી - તમને સમૃદ્ધ અને ખુશ કરી શકે છે અથવા નહીં પણ; પરંતુ આપવાનું એક નાનું કૃત્ય તમને રોજિંદા સમૃદ્ધ અને સુખી લાગે તે માટે પૂરતું છે.


(ઈન્ટરનેટ પરથી)

તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો

સિંગાપુર સાંસ્કૃતિક પદક જીતનાર લી ત્ઝૂ ફેંગ દ્વારા રચિત એક સુંદર અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ


તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો

કોઈ જાણતું નથી ક્યારે આવવાનો અને જવાનો સમય થઈ જાય છે...

ચળકાટ (સુખ) માણવાનો સમય રહેશે નહીં

આથી, તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો...

જિંદગી ખૂબ ટૂંકી છે પણ લાગે છે ઘણી લાંબી,

ઘણું કરવાનું (બાકી) છે અને ઘણું ખોટું પણ થઈ જાય છે અને તમે મોટા ભાગનો સમય સંઘર્ષમાં, સખત રહી શીખવામાં વિતાવો છો.

જવાનો સમય આવી જાય અને ખૂબ મોડું થઈ જાય, એ પહેલાં, તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો...

કેટલાંક મિત્રો ટકી રહે છે, કેટલાંક ચાલ્યાં જાય છે

વ્હાલા મિત્રોનો સંગાથ ખૂબ ગમે છે પણ તેઓયે કાયમ સાથે રહેવાના નથી.

સંતાનો મોટાં થશે અને તેઓ પણ પોતપોતાના માળામાં ઉડી જશે

શું કેમ થશે તેનું ગણિત કોઈ માંડી શક્યું નથી

આથી, તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો...

અંતે તો આ પૃથ્વી પર કે આકાશમાં ટમટમતાં તારાઓ પર,

સાચો પ્રેમ સમજી લેવામાં જ જીવનનો સાર છે

જે (તમારી) સાચી પરવા કરે છે તેની કદર કરો, તેનું મૂલ્ય સમજો...

સ્મિત કરો, ઉંડો શ્વાસ લો અને સઘળી ચિંતાઓ ત્યજી દો...

તમારી ચા ધીમેથી ચૂસકી લેતા, સુખેથી માણો...

(ઈન્ટરનેટ પરથી) 

સાચું સુખ

જ્યારે નાઈજીરીયન અબજોપતિ ફેમી ઓટેડોલાને એક રેડિયો પરની મુલાકાતમાં મુલાકાત લેનારે પૂછ્યું, "સર, તમને શું લાગે છે, કઈ બાબતે તમને સૌથી વધુ સુખી બનાવ્યા છે?"

ફેમીએ જવાબ આપ્યો, "હું જીવનમાં સુખનાં ચાર તબક્કામાંથી પસાર થયો છું અને ત્યાર બાદ મને આખરે સમજાયું છે કે સાચું સુખ શેમાં છે.

પહેલો તબક્કો સંપત્તિ અને સાધનો ભેગાં કરવામાં છે. પણ આ તબક્કે મને સાચા સુખનો અનુભવ થયો નહીં. પછી આવ્યો બીજો તબક્કો જેમાં ફરી મૂલ્યવાન ચીજ વસ્તુઓ ભેગી કરવામાં સમય ગયો. પણ આ તબક્કે પણ મને સમજાયું કે આની અસર પણ હંગામી છે, ક્ષણિક છે અને મૂલ્યવાન વસ્તુઓનું આકર્ષણ પણ લાંબો સમય ટકતું નથી.

પછી આવ્યો મોટા પ્રયોજનોનો ત્રીજો તબક્કો. આ તબક્કે હું નાઈજીરીયા અને આફ્રિકાના પંચાણુ ટકા ડીઝલ સપ્લાયનું નિયંત્રણ કરતો હતો. આફ્રિકા અને એશિયાના સૌથી મોટા વહાણોનો પણ હું માલિક હતો. પણ આ તબક્કે પણ મને જે સાચા સુખની ખેવના હતી તેનો અનુભવ મને થયો નહોતો. 

ચોથો તબક્કો ત્યારે આવ્યો જ્યારે એક મિત્રે મને દિવ્યાંગ બાળકો માટે વ્હીલ ચેર ખરીદવા વિનંતી કરી. માત્ર બસો બાળકો માટે. એ મિત્રની વિનંતીને માન આપી મેં તરત બસો વ્હીલચેર ખરીદી લીધી.

પણ મારો એ મિત્ર એટલેથી માન્યો નહીં. તેણે મને જાતે એ બાળકો પાસે જઈ તેમને એ વ્હીલચેર આપવાની વિનંતી કરી. હું એ માટે તૈયાર થઈ ગયો. 

ત્યાં એ બસો બાળકોને મારા હાથે મેં એ વ્હીલચેર આપી. મેં એ બાળકોના મુખ પર એક અજબ સુખનો ચમકારો જોયો. મેં તેમને એ વ્હીલચેર પર બેસી આસપાસ ફરતાં અને મોજ કરતાં જોયાં.

એવું લાગતું હતું જાણે તેઓ પોતાની મનપસંદ જગાએ પિકનિક પર આવ્યાં હતાં અને જાણે તેમને કોઈ મોટો ખજાનો હાથ લાગી ગયો હતો!

મારી અંદર પણ આ સુખદ દ્રશ્ય જોતાં જાણે સુખની સરવાણી ફૂટી. હું જ્યારે ત્યાંથી જવા માટે તૈયાર થયો ત્યારે એક બાળકે મારા પગ પકડી લીધા. મેં નમ્રતાથી મારા પગ છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ એ બાળક એકી ટશે મારી સામે જોઈ રહ્યો અને તેણે મારા પગ જોરથી પકડી રાખ્યાં.

હું નીચો નમ્યો અને મેં તેને પ્રેમથી પૂછયું કે શું તેને બીજું કંઈ જોઈએ છે?

એ બાળકે ત્યારે જે જવાબ આપ્યો તે સાંભળી હું અપાર સુખ તો પામ્યો જ, પણ તેણે મારો જીવવાનો આખો અભિગમ બદલી નાખ્યો. એ બાળકે જવાબ આપ્યો : મારે તમારો ચહેરો ધારી ધારીને જોઈ લેવો છે અને યાદ રાખી લેવો છે જેથી આપણે સ્વર્ગમાં મળીશું ત્યારે હું ફરી એક વાર તમારો આભાર વ્યકત કરી શકું! "

તમે કોઈક જગા છોડી જાવ પછી તમે લોકો તમને શેના માટે યાદ રાખે છે એ મહત્વનું છે.

શું તમે એવાં કામ કરો છો કે કોઈ તમારો ચહેરો ફરી જોવાની ઈચ્છા રાખે?

(ઈન્ટરનેટ પરથી)

Sunday, July 25, 2021

આશા, ઉત્સાહ અને હકારાત્મકતાનો સંચાર

એક રાજા પાસે ઘણાં હાથી હતાં. પણ આ બધાં માંથી રાજાને એક હાથી વિશેષ પ્રિય હતો કારણ તે ઘણો શકિતશાળી, આજ્ઞાકારી, સૂઝબૂઝ ધરાવતો અને કૌશલ્યધારી હતો - ખાસ કરીને યુદ્ધમાં લડવામાં.

ઘણાં યુદ્ધમાં તેને સમરાંગણમાં મોકલવામાં આવતો અને તે યશસ્વી થઈ પાછો ફરતો. આમ રાજાને ઘણી વાર વીજયી બનાવવાને કારણે તે રાજાને ખૂબ પ્રિય હતો.

સમય તો વહેતો જ રહે છે. તેના વહેણમાં એક સમય એવો આવ્યો જ્યારે આ હાથી વૃદ્ધ થઈ ગયો. હવે તેનું બળ ઓછું થયું હતું. આથી રાજાએ તેને લડાઈના મેદાનમાં મોકલવાનું બંધ કર્યું. છતાં તે રાજાના કાફલાનો તો ભાગ હતો જ.

એક દિવસ આ હાથી પાણી પીવા તળાવે ગયો. પણ તેનો પગ ત્યાં કાદવમાં ખૂંપી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેણે બચવા માટે ખૂબ ફાંફા માર્યા પણ એમાં તે ફાવ્યો નહીં.

તેની બૂમો સાંભળી લોકો ત્યાં ભેળાં થયાં અને સૌ એ જોયું કે હાથી મુશ્કેલીમાં ફસાયો છે. રાજા સુધી આ ખબર પહોંચી ગઈ.

રાજા પોતાના ખાસ માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને બધાં એ હાથીને બચાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. પણ ઘણાં સમય સુધી મહેનત કરવા છતાં કોઈ હાથીને કાદવમાંથી બહાર કાઢી શક્યું નહીં.

એ સમયે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે આ દ્રશ્ય જોયું. તેમણે રાજાને હાથીને બચાવવા તળાવ પાસે યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડાવવાનું સૂચન કર્યું.

સાંભળનારાઓ સૌ આવું વિચિત્ર સૂચન સાંભળી ચોંકી ઉઠયા. યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડી કઈ રીતે કાદવમાં ફસાયેલા હાથીને બહાર કાઢી શકાય એ તેમની સમજની બહાર હતું. પણ તેમનામાં ગૌતમ બુદ્ધના સૂચન સામો પ્રશ્ન કે સંદેહ કરવાની હિંમત નહોતી. તરત તળાવ પાસે નગારા મંગાવવામાં આવ્યા અને તેમને વગાડવાનું શરૂ થયું.

જેવો હાથીએ યુદ્ધમાં વગાડાતાં નગારાંનો ધ્વનિ સાંભળ્યો કે તરત તેના હાવભાવ, વર્તન અને નિર્ધારમાં દેખીતું પરિવર્તન જોવા મળ્યું.

પહેલાં હાથી ધીરે ધીરે પોતાના પગ પર જ ઉભો થયો અને પછી તેણે પોતાના બળ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને થોડી જ વારમાં તે પોતાની મેળે કાદવમાંથી બહાર આવી ગયો. સૌ કોઈ આ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.

ગૌતમ બુદ્ધે સસ્મિત કહ્યું, "હાથીમાં બળની કમી નહોતી પણ તેનામાં ઉત્સાહ, પ્રેરણા અને અંતર થી જીતવાની ઈચ્છા ફૂંકવાની જરૂર હતી. જીવનમાં ઉત્સાહ જાળવી રાખવા મનુષ્યે પણ અર્થપૂર્ણ વિચારધારા અપનાવવાની જરૂર છે અને નિરાશાને પોતાના પર હાવી થવા દેવાની નથી."

  આજે સમય થોડો કઠણ છે, તેવામાં આપણે સૌ એ પોતાનામાં તેમજ આપણી આસપાસનાં લોકોમાં આશા અને ઉત્સાહનો સંચાર કરતા રહેવાનો છે, પેલાં હાથીને મુશ્કેલીમાંથી બહાર કાઢનાર યુદ્ધનગારાં જેવાં વાદ્ય વગાડી. તેના હકારાત્મક ધ્વનિ દ્વારા આનંદની છોળો ઉડાડવાની છે અને તંદુરસ્તી અને સુખ છલકાવવાના છે.

યાદ રાખો : આ પણ પસાર થઈ જશે. સુખ ફેલાવો... આનંદ પ્રસરાવો...

 

(ઈન્ટરનેટ પરથી)

કેટલીક પ્રેરણાત્મક કોર્પોરેટ કથાઓ

આ બે કોર્પોરેટ કથાઓ સદાય યાદ રહેશે.

૧. Yahoo એ Google ને નકારી હતી.

૨. Nokia એ Android ને જાકારો આપ્યો હતો.

ઉપસંહાર :

- તમારી જાતને સમય સાથે અપડેટ કરતા રહો, નહિતર એક દિવસ તમે બિન જરૂરી બની રહેશો અને ફેંકાઈ જશો.

- જોખમ ના લેવું એ સૌથી મોટું જોખમ છે. સાહસી બનો અને નવી નવી ટેકનોલોજી સ્વીકારતા રહો.


બીજી બે કોર્પોરેટ કથાઓ પણ યાદ રાખો :

૧. Google એ You Tube અને Android ને હસ્તગત કરી લીધાં.

૨. Facebook એ Instagram અને WhatsApp હસ્તગત કરી લીધાં.

ઉપસંહાર :

- એટલાં શક્તિશાળી બનો કે તમારાં શત્રુ કે પ્રતિસ્પર્ધીને તમારાં દોસ્ત બની જવાની ફરજ પડે.

- ઝડપથી વૃદ્ધિ સાધો, મોટાં બની જાઓ અને સ્પર્ધા દૂર કરી દો.


આ બે મહાન હસ્તીઓનાં ભૂતકાળની કથા વાંચો :

૧. બરાક ઓબામા એક સમયે આઇસક્રીમ વેચવાનું કામ કરતા હતા.

૨. એલન મસ્ક લાકડાની વખારનો કક્ષ સાફ કરવાનું કામ કરતા હતા.

ઉપસંહાર :

- કોઈનું તેના ભૂતકાળના કામ ને આધારે આકલન ના કરો.

- તમારો વર્તમાન તમારું ભવિષ્ય નક્કી કરતો નથી, તમારી મહેનત અને હિંમત એનું નિર્માણ કરે છે.


આ બે વાતો જાણો છો? :

૧. કર્નલ સેન્ડર્સ પાંસઠ વર્ષની ઉંમરે KFC નું સર્જન કરે છે.

૨. જેક મા KFC દ્વારા અસ્વીકૃતી પામી Alibaba નું સર્જન કરે છે.

ઉપસંહાર :

- ઉંમર માત્ર એક આંકડો છે. તમે ગમે તે ઉંમરે સફળતા પામી શકો છો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં, જે ક્યારેય હિંમત હારતાં નથી, તે અંતે જીતે જ છે.


આ પણ વાંચો અને તેમાંથી બોધપાઠ લો :

૧. Ferrari નાં માલિકે એક ટ્રેક્ટર બનાવનારનું અપમાન કર્યું હતું.

૨. એ જ ટ્રેક્ટર બનાવનારે Lamborgini નું સર્જન કર્યું.

ઉપસંહાર :

- ક્યારેય કોઈને નાના ગણશો નહીં કે કોઈનું અપમાન કરશો નહીં.

- સફળતા એ બદલો લેવાની શ્રેષ્ઠ રીત છે.


આ બધી કથાઓ પરથી શીખવા મળે છે કે :

- તમે કોઈ પણ કામ કરતાં હોવ કે કોઈ પણ ઉંમર ના હોવ; ખંત, ધગશ અને મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી શકો છો.

- મોટાં સ્વપ્નો જુઓ. ધ્યેય નિર્ધારીત કરો. અથાગ મહેનત કરો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં. સદાય એવી શ્રદ્ધા રાખો કે આવતી કાલ બહેતર હશે.

(ઈન્ટરનેટ પરથી)